Google Search

Friday, June 15, 2012

ગીતાધ્યાય-સંગતિ – વિનોબા ભાવે


કોચરબમાં આશ્રમ ખોલ્યો ત્યારથી જ વિનોબા મારા સાથી રહ્યા છે. જે મેં ઈચ્છ્યું અથવા જે મને પ્રિય હતું તેવું એમણે બહુ કામ કર્યું છે; ગીતાધ્યાય-સંગતિને જ લઈએ. મેં માગ્યું હતું ઘણું થોડું, વિનોબાએ આપ્યું ઘણું. પ્રથમ 14 દિવસમાં ગીતા-પારાયણ કરવાની કલ્પના, અને પછી સાત દિવસની, યરોડા-મંદિરમાં જ સૂઝી. મેં વિનોબાને મારી કલ્પના બતાવી અને એમને સંમતિ આપવા અથવા સુધારણા સૂચવવા કહ્યું. બદલામાં એમણે ગીતાધ્યાય-સંગતિ મોકલી આપી. એને નજર સામે રાખી, જે વાચક ગીતામાં ધ્યાનાવસ્થિત થઈને એના ઉપદેશનો જીવનમાં ઉપયોગ કરવા ઈચ્છશે, તેને લાભ થશે.
મો.ક. ગાંધી.
મહાબળેશ્વર,
30-05-1945
….
(પૂજ્ય ગાંધીજીને વિનોબાએ લખેલ પત્ર)
પૂજ્ય બાપુ,
ગીતાનો સાપ્તાહિક પાઠક્રમ કેવો હોવો જોઈએ એ વિષે તમે જે મુદ્દા રજૂ કર્યા હતા એનો જવાબ મારે આપવાનો હતો, એ વાત હું ભૂલ્યો નહોતો. પરંતુ થોડામાં જવાબ આપવા કરતાં એ પ્રશ્ન નિમિત્તે ગીતાના અધ્યાયોની સંગતિ વિષેની મારી કલ્પના એક વાર સવિસ્તર રજૂ કરવી એમ મેં વિચાર્યું હતું. હજુ એ થઈ શક્યું નથી. છતાં, હાલ તમારા પ્રશ્નો પૂરતો જવાબ તો આપવો જ જોઈએ એટલે ટૂંકામાં જ જવાબ આપવાનો પ્રયત્ન કરું છું.
ગીતાનો પહેલો અધ્યાય તો બીજરૂપ જ છે. પણ એનો જ થોડો અખાત બીજા અધ્યાયમાં ઘૂસેલો છે. એનું કારણ ભગવાનના પ્રાથમિક ઉદ્દગાર (શ્લોક 2.2,3) અને અર્જુનની હરિશરણતા (શ્લોક 2.7) એ બંનેને સ્વતંત્ર સ્થાન આપવાની આવશ્યકતા જણાઈ હશે. પ્રત્યક્ષ ગીતાની શરૂઆત શ્લોક 2.11થી થઈ, ત્યાંથી આગળ આખા બીજા અધ્યાયમાં ગીતાનો મુખ્ય વિષય સંપૂર્ણપણે થોડામાં રજૂ કર્યો છે :
(1) જીવનનું શાસ્ત્ર : આત્માની અમરતા ઈત્યાદિ, જેને ગીતા સાંખ્યબુદ્ધિ કહે છે.
(2) જીવનની કળા : સમભાવપૂર્વક કર્મો કેવી રીતે કરવાં, જેને ગીતા યોગબુદ્ધિ કહે છે.
(3) જીવનનું શાસ્ત્ર અને કળા, સાંખ્યબુદ્ધિ અને યોગબુદ્ધિ બંને જેનામાં સ્થિર થયેલી છે એવા પરમ આદર્શનું, ગુરુમૂર્તિનું – જેને ગીતા સ્થિતપ્રજ્ઞ કહે છે તેનું વર્ણન.
(4) સ્થિતપ્રજ્ઞતાનું અંતિમ પરિણામ બ્રહ્મનિર્વાણ. બ્રહ્મનિર્વાણની સ્થિતિએ પહોંચ્યા પછી વાસ્તવિક કહેવાનું કંઈ જ બચતું નથી. સ્થિતપ્રજ્ઞ અને બ્રહ્મનિર્વાણ એ બે શબ્દ ગીતા સિવાય આખા સંસ્કૃત વાડમયમાં, અર્થાત ગીતાની પહેલાંના વાડમયમાં ક્યાંય મળતા નથી, એની નોંધ આ સ્થાને લેવી જોઈએ. એટલે કે તે ગીતાના સ્વતંત્ર અને વિશિષ્ટ શબ્દો છે. ભક્ત, જ્ઞાની, યોગી અથવા મુક્તિ, પરમપદ પ્રાપ્તિ, અપુનરાવૃત્તિ ઈત્યાદિ શબ્દો ગીતામાં છે, પણ તે ગીતાના સ્વતંત્ર શબ્દો નથી.
આખો પ્રવાસ થોડામાં પૂરો કર્યો. એની સવિસ્તર પુનરાવૃત્તિ અર્જુનના પ્રશ્ન પરથી અધ્યાય 3 થી 5 સુધીમાં કરવાની છે. અર્જુને ત્રીજા અધ્યાયમાં પૂછેલો પ્રશ્ન જો પૂછ્યો ન હોત તો ગીતા બીજા અધ્યાયમાં પૂરી થઈ હોત, એ નિશ્ચિત. જીવનનું તત્વજ્ઞાન, કળા, (કૌશલ્યમ્) આદર્શ ગુરુ અને અંતિમ ફલિત એટલું કહ્યા પછી કહેવાનું બાકી શું રહે ? ત્રીજા અધ્યાયમાં કર્મ કરવાનાં કારણો ભગવાન કહી રહ્યા છે. બુદ્ધિ શ્રેષ્ઠ ખરી, પણ કર્મ વિના તે પ્રાપ્ત જ નથી થતી એનું શું ? વ્યક્તિની આજીવિકા (શરીર-યાત્રા), સમાજ-સેવા (યજ્ઞ), ચિત્તશુદ્ધિ (સંસિદ્ધિ) અને લોકસંગ્રહ એ કર્મ કરવાનાં ઉત્તરોત્તર કારણો છે. ત્રીજા અધ્યાયને તમે ગીતાની ચાવી કહો છો એ સાચું જ છે. અર્જુને જો પ્રશ્ન પૂછ્યો ન હોત તો એ ચાવી આપણને ન મળત. ભગવાને તો ક્યારની જ બ્રહ્મનિર્વાણ સુધીની મજલ મારી હતી.
એથી આગળ ચોથા અધ્યાયમાં કર્મની વ્યાપક વ્યાખ્યા કરી છે. કર્મ એટલે જીવનપ્રવાહમાં પ્રાપ્ત થયેલું બાહ્ય કર્મ, એ તો ખરું જ; પણ એ સિવાય તે કર્મ સમત્વપૂર્વક થાય તે માટે જે અનેક વસ્તુઓની જરૂર પડે છે – દા..ત, ઈન્દ્રિયનિગ્રહ, તપ, સ્વધ્યાય, સંયમ ઈત્યાદિ – એ બધાં વ્યાપક અર્થમાં કર્મ જ છે. સ્વધર્મરૂપ પ્રત્યક્ષ કર્મ અને એની જોડે અંત:શુદ્ધિકારક આ વ્યાપક અથવા વિશેષ કર્મો એવી બેવડી જોડી જામે એટલે આખરે અકર્મ દશા પ્રાપ્ત થાય, એટલો આ ચોથા અધ્યાયનો વિષય છે. પરંતુ આ અકર્મદશા દેખાવમાં બેવડી જણાય છે : (1) બધાં કર્મો કરી તે સમૂળગાં ન કર્યાં જેવા થવાં (યોગ) અને (2) બિલકુલ કર્મો ન કરવા છતાં બધાં કર્મો કર્યાં સરખાં થવાં (સંન્યાસ). આ બેવડી અકર્મદશાની તુલના પાંચમો અધ્યાય કરે છે. યોગ અને સંન્યાસ બંને તત્વત: એક જ છે (શ્લોક 5.3-5). પણ સાધકની દષ્ટિએ સંન્યાસ કરતાં યોગ સુલભ છે (શ્લોક : 5.6-12). એટલે સંન્યાસ એ કેવળ અંતિમ ભૂમિકા ન થઈ શકે. પણ યોગ એ સાધકાવસ્થા હોવા ઉપરાંત અંતિમ અવસ્થા પણ હોઈ શકે એવો નિષ્કર્ષ નીકળ્યો. એની આગળ પૂર્ણયોગી એટલે જ સંન્યાસી પુરુષનું રમણીય વર્ણન શ્લોક 5.13 થી 26 સુધી કર્યું છે. એ પૈકી શ્લોક 24,25 અને 26 એ યોગીનો એટલે જ સંન્યાસીનો ગીતાએ ઠરાવેલો જે અંતિમ મુકામ બ્રહ્મનિર્વાણ તે બતાવનારા છે. આ ત્રણે શ્લોકોમાં બ્રહ્મનિર્વાણનું ત્રણ વાર ઉચ્ચારણ કર્યું છે, એ ધ્યાનમાં લેવા જેવું છે.
સારાંશ, બીજા અધ્યાયમાં જે મુકામે પહોંચ્યા હતા એ જ મુકામે ફરીથી 5.26 સુધીમાં પહોંચ્યા છીએ. પરંતુ આની આગળ પાંચમા અધ્યાયમાંના 27, 28 અને 29 એ છેવટના ત્રણ શ્લોક શું કહે છે એ મહત્વનો પ્રશ્ન છે. કારણ, આ પ્રશ્નના જવાબમાં તમારા પ્રશ્નનો જવાબ છે. આ પ્રશ્નના જવાબ માટે આપણે એકદમ બારમા અધ્યાયમાં છલાંગ મારવી પડશે. મારા મત પ્રમાણે બારમો અધ્યાય એટલે ભક્તિની ભાષામાં પાંચમો અધ્યાય છે. અને પાંચમો અધ્યાય એટલે કર્મની ભાષામાં બારમો અધ્યાય. ભક્તિની ભાષામાં કહેવું હોય તો બિલકુલ કર્મ ન કરવાં કરતાં બધાં કર્મ કરવાં, એ જે સંન્યાસ દશા તે એક પ્રકારની નિર્ગુણ ઉપાસના છે. અને બધાં કર્મ કરી અલિપ્ત રહેવું એ જે યોગાવસ્થા તે એક પ્રકારની સગુણ-ઉપાસના છે. અને આ બે ઉપાસનાની તુલના એ બારમા અધ્યાયનો વિષય છે. અને આ તુલનાનો નિર્ણય પાંચમા અધ્યાયમાંની તુલનાના નિર્ણય પ્રમાણે જ હૂબહૂ આપેલો છે. તત્વત: યોગ અને સંન્યાસ જેમ એક છે, તે પ્રમાણે સગુણ-ઉપાસના અને નિર્ગુણ-ઉપાસના એક જ છે; કારણ, બંને ઈશ્વરની તરફ લઈ જનારી છે. પણ સાધકની દષ્ટિએ વિચાર કરતાં જેમ યોગ સુલભ છે તેમ સગુણ-ઉપાસના સુલભ છે. યોગ વિના પરભારો સંન્યાસ સાધવો અશક્યપ્રાય: છે (શ્લોક 5.6 પૂર્વાર્ધ). સગુણ વિના પરભારું નિર્ગુણ સાધવું તે પણ તેવું જ અશક્યપ્રાય: છે. (12.5 ઉત્તરાર્ધ). આ 12.5ના ઉત્તરાર્ધની સાથે 18.11ના પૂર્વાર્ધની તુલના કરી જોવા જેવી છે. કર્મ અને ભક્તિની દષ્ટિએ એક જ પ્રશ્ન ઉત્પન્ન થાય છે અને એનો જવાબ એક જ કેમ છે, એ ત્યારે સમજાય છે. સંન્યાસ અને નિર્ગુણ-ઉપાસના માટે દેહ વિઘ્નરૂપ છે. આ બધું વિવેચન અધ્યાય 5 અને અધ્યાય 12નો સંબંધ સમજાવવા માટે છે. એટલે જ બારમા અધ્યાયમાં ફલત્યાગની ભાષા આવે છે. (12.11-12); અને પાંચમા અધ્યાયની સમાપ્તિ ભક્તિમાં કરાય છે (5.29).
હવે પ્રશ્ન એવો છે કે સગુણ-ઉપાસના અને નિર્ગુણ-ઉપાસનાનું પહેલા કશેક વર્ણન કર્યા પછી એમની તુલના બારમા અધ્યાયમાં કરી છે કે બારમા અધ્યાયમાં આ આખો વિષય નવો જ લીધો છે ? એનો જવાબ એ છે કે પહેલા વર્ણવેલા વિષયોની તુલના દ્વારા અહીં પરિસમાપ્તિ કરી છે. પાંચમા અધ્યાય સુધીમાં ગીતાની મુખ્ય વસ્તુ પૂરી થઈ છે. અધ્યાય 6 થી 17 નિષ્કામ કર્મની સિદ્ધિ માટે જુદાં જુદાં સાધનો બતાવનારા અધ્યાયો છે. અને 18મો અધ્યાય ઉપસંહારનો છે. એ પૈકી વચલા સાધન-અધ્યાયોમાંના અધ્યાય 6 થી 12 એ સાત અધ્યાય ગીતાનો ઉપાસના-કાંડ છે. એમાંયે વળી 6 થી 8 મુખ્યત્વે અવ્યક્ત-ઉપાસના અને અધ્યાય 9 થી 12 એ મુખ્યત્વે વ્યક્ત-ઉપાસના વર્ણવે છે. મુખ્યત્વે કહું છું, કારણ કે ગીતા તાર્કિક પદ્ધતિ પ્રમાણે ટુકડા કરી વર્ણન કરતી નથી. સગુણમાં નિર્ગુણ આવી જાય, નિર્ગુણમાં સગુણ આવી જાય એવી ગીતાની દષ્ટિ છે. અધ્યાય 6 થી 8માં નિર્ગુણ અથવા અવ્યક્ત-ઉપાસના કેમ અને 9 થી 12માં સગુણ અથવા વ્યક્ત-ઉપાસના કેમ એનો હવે વિચાર કરવો પડશે. પણ તે પહેલાં પાંચમા અધ્યાયના છેવટના ત્રણ શ્લોક શું કહે છે એ બતાવવાનો હવે સમય આવી ગયો છે. 5.27, 28 એ બે શ્લોક અવ્યોક્તોપાસના સૂચવે છે અને 5.29 વ્યક્ત અથવા સગુણ ઉપાસના સૂચવે છે. આ છેવટનો શ્લોક 5.14,15નો ઉપરટપકે વિરોધી ભાસે છે, એ તમારા ધ્યાનમાં આવ્યું છે અને તે માટે આ ભાસમાન વિરોધ કાઢી નાખનારી એટલે કે સગુણ-નિર્ગુણનો સમન્વય સૂચવનારી નોંધ અનાસક્તિ યોગમાં 5.29ની નીચે આપી છે. સારાંશ, પાંચમા અધ્યાયના છેવટના ત્રણ શ્લોક અધ્યાય 6 થી 12 સુધીમાં આવનારી દ્વિવિધ ઉપાસનાની પ્રસ્તાવનારૂપ છે.
ગીતાની નિર્ગુણ-ઉપાસનાની કલ્પના શી છે એ સમજવા માટે 12મા અધ્યાયના શ્લોક 1,3,4 અને 5 ઉપયોગી છે. એ શ્લોકો પ્રમાણે ગીતા નિર્ગુણ-ઉપાસનાનું અવ્યક્ત-ઉપાસના અને અક્ષર-ઉપાસના આ સંજ્ઞાથી વર્ણન કરે છે. (12.1-3) અને એનાં અંગ તરીકે संनियमेन्द्रियग्रामं सर्वत्र समबुद्धय: (12.4 પૂર્વાર્ધ) એવી સાધના બતાવે છે અને આ આખો માર્ગ વધુ કલેશકારક છે એવો અભિપ્રાય આપે છે. અક્ષર-ઉપાસના આ શબ્દ શ્લેષાત્મક સમજવાનો છે. અક્ષર એટલે અવિનાશી બ્રહ્મ આ એક અર્થ અને અક્ષર એટલે ૐકાર આ બીજો અર્થ. એ પૈકી संनियमेन्द्रियग्रामं सर्वत्र समबुद्धय: આ વર્ણન દ્વારા આખો છઠ્ઠો અધ્યાય સૂચવ્યો છે, એ સ્પષ્ટ છે. સાતમા, આઠમા અધ્યાયમાં અવ્યક્ત અક્ષર-ઉપાસના સ્પષ્ટ છે. 7.24; 8.3, 20, 21 ઈત્યાદિ. અને ૐકાર રૂપ અક્ષરોપાસના 8.13માં છે. અને એ ૐકાર ઉપાસનાના સાધન તરીકે છઠ્ઠા અધ્યાયમાંથી સાધનાનો 8.10, 12માં ફરીથી ઉચ્ચાર કર્યો છે. આ આખો માર્ગ કઠણ છે એ વસ્તુ છઠ્ઠા અધ્યાયમાં અર્જુન પાસે પ્રશ્ન પુછાવી अनेक-जन्म-संसिद्धि: ઈત્યાદિ પદોથી સૂચવી જ છે. અર્થાત નિરાશ થવાનું કારણ નથી એ ધ્વનિ ત્યાં કાઢ્યો જ છે. પરંતુ કઠણ છે એ નક્કી. આ આખી અવ્યક્ત-ઉપાસના એટલે પતંજલિનું યોગ-શાસ્ત્ર. યોગ-શાસ્ત્રમાંનો આ વિષય પતંજલિના જ શબ્દોમાં વચલાં સૂત્રો છોડી દઈ, પરંતુ ક્રમ ન છોડતાં થોડામાં રજૂ કરું છું. (1) अथ योगानुशासनम (2) योगश्चित्तवृत्ति निरोध: (3) तदा द्रष्तु: स्वरूपेडवस्थानम (4) अभ्यास-वैराग्याभ्याम तन्निरोध: (5) ईश्वर-प्रणिधानाद्वा (6) तस्य वाचक: प्रणव: (7) तज्जपस्तदर्थ-भावनम
એમાંનાં પહેલાં ચાર સૂત્રોનો આખો વિષય એટલે ગીતાનો છઠ્ઠો અધ્યાય. પાંચમું સૂત્ર એટલે સાતમો અધ્યાય અને સૂત્ર છ-સાત એટલે આઠમો અધ્યાય છે. ईश्वर-प्रणिधानद्वा એ સૂત્ર अभ्यास-वैराग्याभ्याम આ સૂત્રનો વિકલ્પ નથી, એ અહીં નોંધવું જોઈએ. એટલે કે અભ્યાસ-વૈરાગ્ય કરો અથવા ઈશ્વર-પ્રણિધાન કરો એવું નથી. અભ્યાસ-વૈરાગ્યની સાથે ઈશ્વર-પ્રણિધાન જોડી દેવાનું છે. ‘ઈશ્વર-પ્રણિધાન’ એટલે અવ્યક્ત ઈશ્વરનું ધ્યાન એવો અર્થ છે. આ આખો યોગશાસ્ત્રીય વિષય અધ્યાય 6 થી 8 સુધીમાં સંપૂર્ણપણે આવેલો છે. ઉપરાંત અગ્નિમાર્ગ, ધૂમમાર્ગ એ યોગશાસ્ત્રીય પરિભાષા પણ આઠમા અધ્યાયમાં આપીને આઠમો અધ્યાય પૂરો કર્યો છે.
હવે આપણે વ્યક્ત-ઉપાસના તરફ વળીએ. ગીતામાંની વ્યક્ત-ઉપાસના એ અવ્યક્ત-ઉપાસનાની વિરુદ્ધ નથી; વ્યક્ત અવ્યક્તનો જ પ્રકાશ છે, એવા અર્થની છે. આ ઉપાસના એટલે જ શ્રીમદભાગવત, તુલસી-રામાયણ આદિ ગ્રંથોમાં વર્ણવેલો અને સાધુ-સંતોએ ગાયેલો સુપ્રસિદ્ધ ભક્તિમાર્ગ છે; અને તે 9 થી 12 અધ્યાયોનો વિષય છે. અવ્યક્ત-ઉપાસનાનું સ્વરૂપ ધ્યાન શબ્દથી રજૂ કરી શકાય. ભક્તિમાર્ગ એટલે પ્રેમ. એને જ રાજમાર્ગ અથવા રાજવિદ્યા કહે છે. (9.2) એ પ્રત્યક્ષાવગમ (9.2) એ એની મુખ્ય વિશેષતા. કેવળ શ્રદ્ધાનું એમાં કામ છે. અને એ આચરવામાં અત્યંત સુલભ છે (सुसुखं कर्तुम 9.2), અવ્યક્ત-ઉપાસના જેવો કઠણ નથી. કેવળ શ્રદ્ધાના અભાવને કારણે લોકો એ તરફ જતા નથી. બાકી બધાંએ આમાં આવવા જેવો આ માર્ગ છે (9.3). માનવરૂપ એ ઈશ્વરની જ મૂર્તિ છે. તેની સેવા એ જ આ માર્ગની વિશેષતા છે. માનવરૂપની અવજ્ઞા કરવી, ઈશ્વરની જ અવજ્ઞા છે. આ માનવરૂપની અવજ્ઞા પોતાને હાથે થવાને કારણે, અર્જુનને પશ્ચાતાપ કરવો પડ્યો છે (11.41). ભક્તિની નવી દષ્ટિ મળ્યા પછી માનવરૂપ જોઈને અર્જુનને આનંદ થાય છે (11.51). બધા યજ્ઞોમાં જ્ઞાન-યજ્ઞ શ્રેષ્ઠ છે એ ખરું; પરંતુ હરિપ્રેમથી રંગાયેલા માણસો હરિ-નામ-સ્મરણરૂપ જપ-યજ્ઞને શ્રેષ્ઠ માને છે (10.25). જ્ઞાનદાતા ભગવાન સમર્થ છે (10.10,11). છઠ્ઠા અધ્યાયમાં બતાવ્યા પ્રમાણે બધી ઈન્દ્રિયોના અને મનના બધા વ્યાપાર બંધ કરવાને બદલે ભક્તિ-માર્ગમાં એ બધા પરમેશ્વરને અર્પણ કરવાના હોય છે (9.27). પાપ-યોનિ આદિ કોઈ પણ પ્રકારના ભેદ આ માર્ગ કરતો નથી. આ ધર્મ બધા વર્ણોને માટે ખુલ્લો છે. કારણ, અહીં કેવળ પ્રેમનું કામ છે. (9.32). नित सेवा नित कीर्तन ओच्छव એ આ માર્ગનું સ્વરૂપ છે (9.14; 10.9; 11.36) નમસ્કાર કરવા, નમ્ર થવું એ સૌથી મોટી ઊંચાઈ છે (9.14; 34, 11.36, 37, 39, 40 ઈ.) 9.2માંના धर्म्यम અને 9.3માંના अश्रद्धाना: એ બે પદોની સાથે 12.20માંના धर्म्यामृतम અને શ્રદ્ધાના: આ બે પદોની તુલના કરવાથી બારમા અધ્યાયમાં સમાપ્ત કરેલો વિષય નવમા અધ્યાયમાં શરૂ કર્યો હતો, એ ધ્યાનમાં આવશે.
ये तु धर्म्यामृतमिदम (12.20) એટલે બારમા અધ્યાયમાંનું ભક્તલક્ષણરૂપ ધર્મ્યામૃત તો ખરું જ, પણ નવમા અધ્યાયથી બારમા અધ્યાય સુધી કહેલું ધર્મ્યામૃત એવોય અર્થ સૂચિત છે. આ અમૃત શબ્દની સાથે 9.3માંનો ‘મૃત્યુ’ શબ્દ સરખાવી જોવો. તેમ જ નવમા અધ્યાયનો છેવટનો શ્લોક એટલે જ અગિયારમા અધ્યાયનો છેવટનો શ્લોક છે. અને આ બંને શ્લોકોનો ઉદ્દેશીને 12.1માંનો एवम શબ્દ છે એમ જાણવું જોઈએ. વધુ વિસ્તાર કરતો નથી. ટૂંકમાં કહેવું હોય તો 10, 11, 12 આ ત્રણ અધ્યાયોથી નવમો અધ્યાય કેમેય કરી નોખો કરી શકાય નહીં. નવમો અધ્યાય માતૃસ્થાને હોઈ અધ્યાય 10, 11 એનાં સંતાન છે. 11.1માં અર્જુન ‘મારો મોહ ગયો’ એમ કહે છે, એ નવમા અધ્યાયને ઉદ્દેશીને જ છે. परमं गुह्यं अध्यात्म-संज्ञितम (11.1) એટલે નવમાની રાજવિદ્યા રાજગુહ્ય જ છે. અધ્યાય 6 થી 8માંની અવ્યક્ત-ઉપાસના અને અધ્યાય 9 થી 12માંના ભક્તિમાર્ગની વચ્ચેનો તફાવત ટૂંકામાં સમજાવવો હોય તો ૐકાર અને રામનામની વચ્ચેના તફાવત જેવો છે એમ કહી શકાય.
તમારા મુખ્ય પ્રશ્નનો જવાબ આટલામાં આવી જાય છે, તો પણ વિષયની પૂર્તિ માટે આગળની સંગતિ આપું છું. અધ્યાય 13, 14, 15 એટલે જ્ઞાનમાર્ગ છે. જ્ઞાનમાર્ગ ભક્તિમાર્ગથી જુદો છે, એ કહેવાની જરૂર નથી જ. તો પણ ગીતાએ એમાંયે ભક્તિ ભરી દીધી છે. જુઓ मदभक्त 13.18 તેમજ 14.26, 15.19. પરંતુ આ માર્ગ અવ્યક્ત-ઉપાસનાથીયે જુદો છે. અવ્યક્ત-ઉપાસનામાં ધ્યાન, ભક્તિમાર્ગમાં પ્રેમ અને જ્ઞાનમાર્ગમાં વિચાર અથવા વિવેક પ્રધાન છે. ધ્યાનમાર્ગ એટલે મુખ્યત્વે પતંજલિ; ભક્તિમાર્ગ એટલે વૈષ્ણવ-સંપ્રદાય તથા જ્ઞાનમાર્ગ એટલે સાંખ્ય અને વેદાંત. જુઓ वेदान्त-कृत 15.15. જ્ઞાનમાર્ગ કહ્યા પછી વાસ્તવિક ગીતા પૂરી થઈ. ईति गुह्यतमं शास्त्रम 15.20 એનો અર્થ પંદરમો અધ્યાય તો છે જ, પરંતુ ત્યાં સુધી કહેલું આખું ગીતાશાસ્ત્ર એમ હું માનું છું. ‘શાસ્ત્ર’ શબ્દ ગીતાએ અહીં જ પહેલીવાર વાપર્યો છે. એ પછી આ જ શબ્દ આગળ 16મા અધ્યાયને છેવટે અને 17મા અધ્યાયની શરૂઆતમાં આવેલો છે.
આની આગળ અધ્યાય 16-17ને હું પરિશિષ્ટ જેવા સમજું છું. એમાં ગીતાનું આખું સમાજશાસ્ત્ર આવેલું છે. સમાજશાસ્ત્રનો બધો આધાર સમાજમાંની વ્યક્તિઓની શુભવૃત્તિ ઉપર એટલે કે સદગુણો ઉપર (અધ્યાય 16) અને એને અનુરૂપ શુભ કૃતિ ઉપર એટલે સાત્વિક યજ્ઞ-દાન-તપ ઉપર અવલંબે છે. એ બંને અધ્યાય નવમા અધ્યાયનાં પરિશિષ્ટ છે. સોળમો અધ્યાય એટલે 9.12-13નું પરિશિષ્ટ છે. સત્તરમા અધ્યાયનો સોળમા અધ્યાયની સાથે મેળ તો 17.1માંના અર્જુનના પ્રશ્ન દ્વારા બતાવ્યો જ છે. પણ આ સિવાય એ અધ્યાય એટલે 9.27માંના ભક્તિ-માર્ગીય મુખ્ય વિધિનું સવિસ્તર સ્પષ્ટીકરણ કરનારું પરિશિષ્ટ છે. यदशनासि એટલે સત્તરમાંનો आहार. यज्जुहोषि એટલે સત્તરમાંનો યજ્ઞ. ददासि એટલે સત્તરમાનું दान. तपस्यसि એટલે સત્તરમાંનું तप. तत कुरुष्व मदर्पणम એટલે સત્તરમાનું ॐ तत सत – પ્રકરણ.
સમર્પણ-વિધિ આ ભક્તિ-માર્ગનો આત્મા છે. પણ સમર્પણ કરવાનું એટલે ગમે તેનું સમર્પણ કરી શકાય નહીં; શુદ્ધ સાત્વિકનું જ સમર્પણ કરી શકાય, એ વાત સત્તરમો અધ્યાય બતાવે છે. સત્તરમા અધ્યાયને આશ્રમની દષ્ટિએ હું કાર્યક્રમ-યોગ નામ આપું છું. સવારના પહોરમાં ઊઠીને પહેલાં પ્રાર્થના કરવી (શ્રદ્ધા), પછી નાસ્તો આદિ કરીને (આહાર), સેવા-કાર્યનો આરંભ કરવો (યજ્ઞ, દાન, તપ) અને છેવટે સાંજની પ્રાર્થનામાં એ બધું સમર્પણ કરવાનું (ૐ તત સત)
એ પછી અઢારમો અધ્યાય એટલે આખા વિવેચનનું ફરીથી એક વાર ટૂંકમાં દિગ્દર્શન છે. ગીતાની પહેલી પંચાધ્યાયી જે મુખ્ય વિષય બતાવે છે, ત્યાંથી જ અઢારમા અધ્યાયની શરૂઆત થઈ છે. અને એનો અંત બધાં સાધનોમાં અતિ ઉત્તમ સાધન, નવમા અધ્યાયથી બતાવેલા ભક્તિમાર્ગમાં કરેલો છે. 9.1 અને 9.34 એ બે શ્લોક સાથે વાંચ્યા પછી 18.64 અને 18.65 એ શ્લોક વાંચવા. નવમા અધ્યાયનું ગીતામાં એક વિશેષ સ્થાન છે. એ અધ્યાય સંતોનો અત્યંત લાડકો અધ્યાય છે. જ્ઞાનેશ્વરમહારાજ નવમા અધ્યાયનું રટણ કરતાં સમાધિસ્થ થયા. સ્ત્રી-શુદ્રાદિકો માટે આ અધ્યાય સામો દોડીને જાય છે. ભક્તિમાર્ગનો એમાં કળશ છે. એ અધ્યાય સાંભળીને અર્જુનને અતિશય આનંદ થયો (प्रीयमाणाय 10.1) એટલે દસમો અધ્યાય ભગવાને સ્વયં પ્રેરણાથી કહ્યો છે. એનાથી અર્જુનનો મોહ નાશ થયો એમ 11.1 બતાવે છે. બારમો અધ્યાય એની શ્રેષ્ઠતા પર સિક્કા-મહોર છે. અધ્યાય 16, 17 એ એનાં પરિશિષ્ટો છે. અઢારમા અધ્યાયનો ઉપસંહાર એટલે નવમા અધ્યાયનો જ પુનરુચ્ચાર છે. આ રીતે ગીતાના અધ્યાયોની સંગતિ વિષેની મારી કલ્પના ટૂંકમાં રજૂ કરી છે.
ઉપરના વિવેચનમાં તમારા પ્રશ્નોના જવાબ આવી જાય છે. પહેલા પાંચ અધ્યાયોનો વિષય અને છઠ્ઠા અધ્યાયનો વિષય એ બિલકુલ જુદા જુદા છે. હવે સમત્વ-પ્રાપ્તિના સાધન તરીકે છઠ્ઠો અધ્યાય પાંચમાની સાથે જોડીએ તો તેમાં પણ દિશાભૂલ થાય. આસન-પ્રાણાયામ-પ્રત્યાહારાદિ જ સમત્વ-પ્રાપ્તિનો અદ્વિતીય ઉપાય છે, એવો એનાથી ભાસ નિર્માણ થશે, જે સર્વથા ઈચ્છનીય નથી. ખરું જોતાં સમત્વ એ ગીતાનું મધ્યબિંદુ છે અને બધાં સાધનોનું એ જ ફળ ગીતાને અપેક્ષિત છે. દા…ત, તેરમા અધ્યાયમાંના વિવેકનું ફલિત પણ ‘સમત્વ’ જ અપેક્ષિત છે. (13.27-28). એટલે છઠ્ઠો અધ્યાય પાંચમા અધ્યાયની સાથે જોડવો એ બરાબર નથી. બારમા અધ્યાયની વિચારસરણીને અનુકૂળ એ નહીં કહેવાય, એ મેં ઉપર બતાવ્યું છે. અવ્યક્ત-ઉપાસના કહીએ તો પણ તે ઉપાસના જ છે. એટલે એમાંયે એક પ્રકારનો ભક્તિભાવ ગૃહીત જ છે. અને તે દષ્ટિએ અધ્યાય 6, 7, 8 આ ત્રણે અધ્યાયોમાં ભક્તિનો ઉલ્લેખ થોડો ઘણો છે જ. તો પણ જેને ભક્તિમાર્ગ કહે છે તેની શરૂઆત નવમા અધ્યાયથી થાય છે. 9.1માંનો ‘ईदं तु’ આ જે ‘તુ’કાર છે, તે આઠમા અધ્યાયથી નવમા અધ્યાયને જુદો પાડવા માટે જ છે.
ટૂંકમાં બધું કહેવાઈ ગયું. હવે ગીતાનો સાપ્તાહિક પાઠક્રમ નિષ્કર્ષ સાથે આપું છું :
શુક્ર : અધ્યાય 1-2, સ્થિર-બુદ્ધિ (આખો પ્રવાસ ટૂંકમાં)
શનિ : અધ્યાય 3-4-5, નિષ્કામ કર્મ (પ્રવાસ સવિસ્તાર)
રવિ : અધ્યાય 6-7-8, ધ્યાન-માર્ગ (અવ્યક્ત ઉપાસના)
સોમ : અધ્યાય 9-10-11-12, ભક્તિ-માર્ગ (રાજવિદ્યા, અવ્યક્તની અવિરોધી વ્યક્ત ઉપાસના)
મંગળ : અધ્યાય 13-14-15, જ્ઞાનમાર્ગ (વિચાર, વિવેક)
બુધ : અધ્યાય 16-17, શુભવૃત્તિ (શુભકૃતિ સહ)
ગુરુ : અધ્યાય 18, ત્યાગ.
વિનોબાનાં દંડવત પ્રણામ.
વર્ધા,
16-06-1934.

No comments:

Post a Comment