ધ્યાન માટે ચિત્તની એકાગ્રતા જરૂરી છે. એકાગ્રતા સાધવા માટે કેટલાંક બાહ્ય સાધનો અને બાહ્ય અનુકૂળ પરિસ્થિતિનો આશરો લેવાય છે. ક્યાંક સંગીત રાખે છે, ક્યાંક જ્યોતિ રાખે છે, ક્યાંક ધૂપ-દીપ રાખે છે. આ બધું એકાગ્રતા સાધવા માટે અનુકૂળ છે.
એવી જ રીતે ધ્યાન માટે સૌથી અનુકૂળ સમય પ્રાત:કાળ છે. તે અનુપમ છે, જાણે તે સત્વ ગુણનો જ પ્રતીક છે, અંધકાર ચાલ્યો ગયો છે, પ્રકાશ હજી આવ્યો નથી. દિવસ રજોગુણનો પ્રતિનિધિ છે અને રાત તમોગુણની. તે બંનેનો સંધિકાળ સત્વગુણનો, આત્માના સમત્વનો, પ્રશાંતતાનો પ્રતિનિધિ છે. તે સમય ચિત્તની એકાગ્રતા સાધવા માટે બહુ ઉપયોગી છે. ધ્યાન માટે તે સમયનો ઉપયોગ કરી લેવાનું નિ:સંશય શ્રેયસ્કર છે. આમ, બાહ્ય પરિસ્થિતિની અનુકૂળતા અવશ્ય અપેક્ષિત છે. આસપાસનું વાતાવરણ અશાંત હોય, પરિસ્થિતિ ઘણી પ્રતિકૂળ હોય, તો ધ્યાન માટે જોઈતી ચિત્તની એકાગ્રતા સધાશે નહીં. આપણે ધ્યાન કરવા બેઠા અને નજીકમાં કૂતરાં ભસતાં હોય તો ધ્યાન વિચલિત થઈ જશે. એટલા માટે ધ્યાન કરવા સારું એવું સ્થાન હોય, જ્યાં કોઈ જાતની ગરબડ ન હોય. એકાગ્રતા સાધવા માટે કેટલાકને એકાંત જોઈએ. તો, જરૂર જણાય તો ધ્યાન માટે એકાંતમાં પણ જઈ શકાય.
ટૂંકમાં, બાહ્યસાધનોની તેમજ બાહ્ય પરિસ્થિતિથી ધ્યાનમાં મદદ મળતી હોય છે. તેથી ધ્યાન માટે તેનો ઉપયોગ કરી લેવામાં કંઈ ખોટું નથી. પરંતુ સાથોસાથ આની મર્યાદાયે સમજી લેવી ઘટે. ચિત્તને બહારથી ટેકો આપીને, સહારો દઈને ખડું કરવું એક વાત છે, અને દીવાલની માફક તેનું આપોઆપ સીધું ટટ્ટાર ઊભું રહેવું બીજી વાત છે. એટલે કે બાહ્ય સાધનો અને બાહ્ય પરિસ્થિતિની મદદ વિનાયે ચિત્ત એકાગ્ર થઈ શકે કે ? આના પ્રયોગો થવા જોઈએ. મને લાગે છે કે બાહ્ય સાધનો ને બાહ્ય પરિસ્થિતિનું અવલંબન ઓછું થતું જવું જોઈએ. જેમ બદબૂ આપણને ન ખપે, તેમ ખુશબૂ પણ ન ખપે. સામાન્ય રીતે લોકોનું નાક ખુશબૂ અંગે ફરિયાદ નથી કરતું. કેવળ બદબૂ અંગે જ ફરિયાદ કરે છે. પરંતુ મારું નાક એવું બન્યું છે કે તે ખુશબૂનીયે ફરિયાદ કરે છે ! નાકમાં જ્યારે સુગંધ જાય છે ત્યારે તેની અસરથી દિમાગ શૂન્ય બને છે. ક્લૉરોફોર્મ આખરે શું છે ? એક પ્રકારની ગંધ જ છે. તે મગજને શૂન્ય બનાવી દે છે. તો, સુગંધ એક પ્રકારનું કલૉરોફોર્મ છે. સારી કે ખરાબ, કોઈ પણ પ્રકારની ગંધથી મગજની વિચારવાની શક્તિ ઓછી થઈ જાય છે. તેથી ખરું જોતાં, આપણને બદબૂયે ન જોઈએ અને ખુશબૂયે ન જોઈએ. દિમાગમાં તાજગી ત્યારે આવે છે, જ્યારે વાતાવરણ બિલકુલ સાફ હોય.
મતલબ કે, બાહ્ય સાધનની મદદ વિનાયે ચિત્તની એકાગ્રતા સધાવી જોઈએ. નાના બાળકનું મન સહજ એકાગ્ર થઈ જાય છે, ધ્યાનસ્થ થઈ જાય છે. હા, તેનું દિમાગ હજી કમજોર હોવાને કારણે તેનું ધ્યાન વધુ વખત ટકતું નથી. પરંતુ એકાગ્રતા તેના માટે બહુ સહજ છે. આનું કારણ છે, ચિત્તમાં મેલ ન હોવો. બાળકનું ચિત્ત નિર્મળ હોય છે, એટલે તેને ધ્યાન સહજ સધાય છે. માટે ચિત્ત-શુદ્ધિ જ સ્થાયી એકાગ્રતાનું મુખ્ય અને પ્રત્યક્ષ સાધન છે. બીજા બધા કોરા બાહ્ય ઉપાયો છે. જ્યાં સુધી ચિત્તમાં વાસનાઓ ભરી છે, ત્યાં સુધી કેવળ બાહ્ય સાધનોથી એકાગ્રતા કઈ રીતે સધાશે ? હા, સવારનો સમય હોય, ઊંઘ પૂરી થઈ ગઈ હોય, ચિત્ત તાજું હોય, આસન પર ટટ્ટાર બેઠા હોઈએ, ધ્યાન માટે કોઈક શ્લોક કે નામ ગણગણતા હોઈએ, કોઈક મૂર્તિ, ચિત્ર કે જ્યોતિ આંખની સામે હોય, શાંત સંગીતના સુમધુર સ્વર સંભળાતા હોય – ત્યારે આટલી બધી બાહ્ય અનુકૂળતા પછી કદાચ પાંચ-દસ મિનિટ એકાગ્રતા સધાય તો સધાય. પણ તે એકાગ્રતા બાહ્ય સાધનોથી આવી હોય છે, એટલે બહુ લાંબી ટકતી નથી. થવું તો એમ જોઈએ કે બાહ્ય સાધનોની જરૂર જ ન રહે, અને એકાગ્રતા સહજ સધાય. ચિત્ત કોઈ બાહ્ય ટેકા વિના આપોઆપ પોતાના બળ ઉપર સીધું ખડું રહે.
મતલબ કે, બાહ્ય સાધનની મદદ વિનાયે ચિત્તની એકાગ્રતા સધાવી જોઈએ. નાના બાળકનું મન સહજ એકાગ્ર થઈ જાય છે, ધ્યાનસ્થ થઈ જાય છે. હા, તેનું દિમાગ હજી કમજોર હોવાને કારણે તેનું ધ્યાન વધુ વખત ટકતું નથી. પરંતુ એકાગ્રતા તેના માટે બહુ સહજ છે. આનું કારણ છે, ચિત્તમાં મેલ ન હોવો. બાળકનું ચિત્ત નિર્મળ હોય છે, એટલે તેને ધ્યાન સહજ સધાય છે. માટે ચિત્ત-શુદ્ધિ જ સ્થાયી એકાગ્રતાનું મુખ્ય અને પ્રત્યક્ષ સાધન છે. બીજા બધા કોરા બાહ્ય ઉપાયો છે. જ્યાં સુધી ચિત્તમાં વાસનાઓ ભરી છે, ત્યાં સુધી કેવળ બાહ્ય સાધનોથી એકાગ્રતા કઈ રીતે સધાશે ? હા, સવારનો સમય હોય, ઊંઘ પૂરી થઈ ગઈ હોય, ચિત્ત તાજું હોય, આસન પર ટટ્ટાર બેઠા હોઈએ, ધ્યાન માટે કોઈક શ્લોક કે નામ ગણગણતા હોઈએ, કોઈક મૂર્તિ, ચિત્ર કે જ્યોતિ આંખની સામે હોય, શાંત સંગીતના સુમધુર સ્વર સંભળાતા હોય – ત્યારે આટલી બધી બાહ્ય અનુકૂળતા પછી કદાચ પાંચ-દસ મિનિટ એકાગ્રતા સધાય તો સધાય. પણ તે એકાગ્રતા બાહ્ય સાધનોથી આવી હોય છે, એટલે બહુ લાંબી ટકતી નથી. થવું તો એમ જોઈએ કે બાહ્ય સાધનોની જરૂર જ ન રહે, અને એકાગ્રતા સહજ સધાય. ચિત્ત કોઈ બાહ્ય ટેકા વિના આપોઆપ પોતાના બળ ઉપર સીધું ખડું રહે.
જ્યારે ચિત્ત શુદ્ધ થઈ જાય છે, નિર્વિકાર બની જાય છે, ત્યારે આવું બની શકે છે. પતંજલિએ પણ આવો જ સંકેત કર્યો છે. એમની ભાષામાં કહીએ તો, ધ્યાનયોગને યમ-નિયમનો આધાર આવશ્યક છે. યમ-નિયમ એ આખરે ચિત્તશુદ્ધિની સાધના જ છે. જ્યારે ચિત્તશુદ્ધિ થઈ જાય છે, પ્રસન્નતા પ્રાપ્ત થઈ જાય છે, ત્યારે પછી ચિત્તને સ્થિર કરવાની કે એકાગ્ર કરવાની ચિંતા કરવી પડતી નથી. ‘પ્રસન્નચેતસો હ્યાશુ બુદ્ધિ: પર્યવતિષ્ઠતે.’ ચિત્તની પૂરી શક્તિ પ્રસન્નતા પ્રાપ્ત કરવામાં લગાવો ! લોકો ચિત્તને સ્થિર કરવા માટે જાતજાતના પ્રયત્ન કરે છે, આંખો બંધ કરે છે, કમર એકદમ ટટ્ટાર કરીને બેસે છે, તેમ છતાં ચિત્તની સ્થિરતા સધાતી નથી. ચિત્ત તો ચારે કોર દોડતું રહે છે. ગીતા કહે છે કે ચિત્તને પ્રસન્ન કરો, તો એકાગ્રતા સાધવામાં મુશ્કેલી નહીં પડે. સૌથી પહેલાં ચિત્તને નિર્મળ કરો, શુદ્ધ કરો, તો તે પોતાની મેળે શૂન્યમાં જશે અને એકાગ્ર થશે. આમ, પૂરી ધ્યાન-પ્રક્રિયા જ કપાઈ ગઈ ! ગીતામાં ધ્યાન-પ્રક્રિયાનો પત્તો જ નથી.
આવી જ એક બીજી યુક્તિ પણ છે. પોતાના મનની અનેક ઈચ્છાઓની તુલના કરીને જુઓ કે તેમાંથી સૌથી પ્રબળ ઈચ્છા કઈ છે. પછી બાકીની ઈચ્છાઓ છોડીને તે જ એક ઈચ્છાની ધૂન લાગવા દો ! તેમાં જ તમારું ચિત્ત એકાગ્ર કરી દો ! આવી રીતે પોતાની મુખ્ય ઈચ્છાને પ્રમાણ માનીને તેના અનુસાર પોતાનું આખું જીવન ગોઠવવું. અને ઈચ્છાઓને દૂર કરીને એક જ ઈચ્છા પર કેન્દ્રિત થાઓ, અને પછી તેનેય છોડી દો. એકાગ્રતા સધાઈ જાય, પછી તે ઈચ્છાનોય ત્યાગ કરીને મુક્ત થઈ જવું. આવી પણ ધ્યાનયોગની એક યુક્તિ છે.
જો કે છેવટે એક વાત સમજી લેવા જેવી છે કે, ધ્યાન એ કોઈ જીવનથી અલાયદી વસ્તુ નથી. ધ્યાન જીવન સાથે સંકળાયેલું છે. તમારા જીવનની અસર ધ્યાન ઉપર પણ પડશે જ. ધ્યાનમાં સ્થિરતા ને એકાગ્રતા ત્યારે આવશે, જ્યારે તમારા જીવનમાં સ્થિરતા ને એકાગ્રતા રહેશે. બહારનો અપરંપાર સંસાર જો આપણા મનમાં કાયમ ભર્યો પડ્યો હશે, તો ધ્યાનમાં એકાગ્રતા સાધવાનું શક્ય નહીં બને. મનની દોટ કાયમ બહારની તરફ રહેશે, તો આપણી જ્ઞાનશક્તિ, આત્મશક્તિ ક્ષુદ્ર બાબતોમાં નષ્ટ થતી રહેશે. માટે મનની બેઠક બદલ્યા વિના ધ્યાન સધાશે નહીં. મનની બેઠક શુદ્ધ હોવી જોઈએ. આ માટે આપણા બધા વ્યવહાર શુદ્ધ હોવા જોઈએ. વ્યવહાર શુદ્ધ કરવા માટે તેના ઉદ્દેશ બદલવા જોઈએ. આપણા બધા વ્યવહારો જો માત્ર વ્યક્તિગત લાભ માટે, વાસના-તૃપ્તિ માટે, અથવા બાહ્ય બાબતો માટેના જ રહ્યા કરશે, તો વ્યવહાર-શુદ્ધિ ને જીવન-શુદ્ધિ થશે નહીં, અને તે ધ્યાનમાં એકાગ્રતા સાધવામાં નડતરરૂપ બનશે.
આ ઉપરાંત જરૂરી છે, જીવનની પરિમિતતા. આપણું બધું કામ નિયમિત, વ્યવસ્થિત ને માપ-તોલ મુજબ થવું જોઈએ. ગણિત આપણી બધી ક્રિયાઓમાંયે આવવું જોઈએ. ઔષધિ જેમ બરાબર ઉચિત માત્રામાં લેવાય છે, તેમ જ આહાર-નિદ્રાનુંયે હોવું જોઈએ. પ્રત્યેક ઈન્દ્રિય આપણ કાબૂમાં હોય. જીવનમાં નિયમન અને પરિમિતતા આવે. ખરાબ ચીજ ન જોઈએ. ખરાબ પુસ્તક ન વાંચીએ. નિંદાસ્તુતિને કાન ન દઈએ. દોષવાળી વસ્તુ તો ઠીક, નિર્દોષ વસ્તુનુંયે જરૂર કરતાં વધારે સેવન ન કરીએ. જીભનો સ્વેચ્છાચાર ન ચલાવી લઈએ. નિયમિત આચરણને જ જીવનની પરિમિતતા કહે છે.
આની સાથે જ જીવનમાં સમદષ્ટિ હોવી જોઈએ. વિશ્વ તરફ જોવાની ઉદાર દષ્ટિ, શુભ દષ્ટિ. શુભ દષ્ટિ કેળવ્યા વિના એકાગ્ર નહીં થઈ શકાય. આ સમસ્ત સૃષ્ટિ મંગલમય લાગવી જોઈએ. જેમ મને મારી જાત પર વિશ્વાસ છે, તેમ જ આખી સૃષ્ટિ પર મને વિશ્વાસ હોય. ‘વિશ્વં તદ ભદ્રં યદવન્તિ દેવા:’ – આ વિશ્વ મંગલ છે, કેમ કે પરમેશ્વર તેની સારસંભાળ રાખે છે. અંગ્રેજ કવિ બ્રાઉનિંગે પણ આવું જ કહ્યું છે : ‘ઈશ્વર આકાશમાં વિરાજમાન છે, અને વિશ્વ આખું બરાબર જ ચાલી રહ્યું છે.’ આપણા મનમાં જો એવો નિશ્ચય નહીં હોય કે આ સૃષ્ટિ શુભ છે, તો ચિત્તની એકાગ્રતામાં ખલેલ પહોંચશે. જ્યાં સુધી હું એમ માનતો રહીશ કે સૃષ્ટિ બગડેલી છે, ત્યાં સુધી હું ચારે કોર શંકાશીલ દષ્ટિએ જ જોતો રહીશ. અને તો મારી એકાગ્રતા નહીં સધાય. સર્વત્ર માંગલ્ય જોવાની ટેવ પાડશો, તો ચિત્ત આપોઆપ શાંત થતું જશે. માટે સમદષ્ટિની ભાવના ઘૂંટતા રહેવી, એ એકાગ્રતા ને ધ્યાન માટેનો ઉત્તમ ઉપાય છે.
આમ, ધ્યાનમાં બાહ્ય સાધનો ને સંકેતો ને અવલંબનો ઉપયોગી થશે ખરાં, બાહ્ય પરિસ્થિતિની અનુકૂળતાયે તેમાં મદદરૂપ થશે; પરંતુ જીવનની શુદ્ધતા, જીવનની પરિમિતતા, જીવન તેમજ વિશ્વ તરફ જોવાની સમદષ્ટિ, શુભ દષ્ટિ ધ્યાનયોગની સાધનામાં સૌથી મહત્વનો ભાગ ભજવશે. માટે કોઈ મને પૂછે કે, ધ્યાન માટે સૌથી પહેલાં શું કરવું જોઈએ ? તો હું કહીશ કે, મહેનત-મજૂરી અને ભગવાનની પ્રાર્થના. કોઈ પૂછે કે, ધ્યાનનું લક્ષ્ય શું ? તો હું કહીશ કે ચિત્તશુદ્ધિ. ચિત્તમાં કોઈ વિકાર ન રહે, એ ધ્યાનનો હેતુ છે, ધ્યાનનું ધ્યેય છે. સાચું ધ્યાન કોને કહેવું ? મારે મન સાચું ધ્યાન એટલે ચિત્તની શાંતિ. ચિત્ત પ્રક્ષુબ્ધ ન હોય, ચિત્ત પ્રશાંત બની જાય, ત્યારે ધ્યાન સધાયું, તેમ કહેવાય.
No comments:
Post a Comment