સારગ્રાહી દષ્ટિ રાખવાનો અને કેળવવાનો વિચાર ઘણો મહત્વનો છે. બચપણથી એ ટેવ પાડવામાં આવે તો કેટલું સારું થાય ! આ વિષય પચાવવા જેવો છે, આ દષ્ટિ સ્વીકારવા જેવી, કેળવવા લાયક છે. ઘણા લોકોને એમ લાગે છે કે અધ્યાત્મવિદ્યાનો જીવનના વહેવાર સાથે કશો સંબંધ નથી. અને કેટલાક લોકોને એમ લાગે છે કે સંબંધ હોય તોયે હોવો ન જોઈએ. દેહથી આત્માને અળગો પાડવાની કેળવણીની બાળપણથી યોજના કરવામાં આવે તો બહુ આનંદની વાત થાય. એ કેળવણીના ક્ષેત્રની બાબત છે. અત્યારે કુશિક્ષણથી બહુ ખોટા સંસ્કાર પડ્યા કરે છે. ‘કેવળ દેહરૂપ હું છું’ એ સંસ્કારમાંથી આ કેળવણી આપણને બહાર લાવતી નથી. દેહને જ બધાંયે લાડ લડાવવામાં આવે છે. આટલાં આટલાં લાડ લડાવવા છતાં તે દેહને જે સ્વરૂપ મળવું જોઈએ, જે સ્વરૂપ અપાવું જોઈએ તે ક્યાંયે જોવાનું નથી મળતું તે નથી જ મળતું. દેહની આજે આવી ફોગટ પૂજા ચાલી રહેલી છે. આત્માની મીઠાશ તરફ ધ્યાન જરાયે નથી. કેળવણીને લીધે એટલે કે આજની કેળવણીની અવળી રીતને લીધે આવી આ સ્થિતિ થયેલી છે. દેહની દેરીઓ ઊભી કરી તેની પૂજા કરવાનો અભ્યાસ રાતદહાડો કરવામાં આવે છે.
છેક નાનપણથી આ દેહદેવની પૂજાઅર્ચા કરવાની કેળવણી આપવાનું શરૂ થાય છે. પગને સહેજ ક્યાંક ઠોકર વાગે તો ધૂળ ભભરાવવાથી કામ સરે છે, છોકરાંઓને તો એટલાથી પણ ચાલે છે, અથવા તેમને તો ધૂળ ભભરાવવાનીયે જરૂર લાગતી નથી. જરા છોલાય તો તેની તે ફિકર કરતાં નથી; અરે, તેની તેમને ખબર સરખી રહેતી નથી. પણ છોકરાંના જે વાલી હોય છે, પાલક હોય છે તેમને એટલાથી ચાલતું નથી. વાલી છોકરાને પાસે બોલાવીને કહેશે, ‘ભાઈ, કેમ છે ? કેટલું વાગ્યું ? અરે, બહુ વાગ્યું લાગે છે ! લોહી નીકળ્યું, ખરું !’ આવી શરૂઆત કરીને તે છોકરો રડતો નહીં હોય તોયે તેને રડાવશે. ન રડનારા છોકરાને રડાવવાનાં આ જે લક્ષણો છે તેને માટે શું કહેવું ? કૂદકા મારીશ નહીં, રમવા જઈશ નહીં, તને વાગશે, છોલાશે, એવું એક બાજુનું, ફક્ત દેહ તરફ જોવાનું શિક્ષણ આપવામાં આવે છે.
છોકરાંની કદર કરવાની હોય તો તે પણ તેના દેહની બાજુ પૂરતી જ થાય છે. તેની નિંદા કરવાની હોય તો પણ તે જ, દેહની બાજુની જ. ‘કેમ અલ્યા લીંટિયા !’ એવું કહીને તેને વઢે છે. આથી તે બાળકને કેટલો બધો આઘાત થાય છે ! તેના પર કેટલો ખોટો આરોપ મૂકવામાં આવે છે ! તેના નાકમાં લીંટ હોય છે. એ વાત સાચી. અને તે કાઢવું જોઈએ અથવા તેની પાસે કઢાવવું જોઈએ એ વાત પણ સાચી. પણ તે સહેજે સાફ ન કરતાં તેને બદલે એ બાળકને આઘાત લગાડવાનો કેવો ભૂંડો પ્રયોગ કરવામાં આવે છે ! તે બિચારાથી તે સહન થઈ શકતો નથી. તેને ખેદ થાય છે. તે બાળકના અંતરંગમાં, તેના આત્મામાં સ્વચ્છતા, નિર્મળતા ભરેલી હોવા છતાં તે બિચારા પર કેટલો બધો ખોટો, નાહકનો આરોપ ! ખરું જોતાં તે છોકરો લીંટિયો નથી. અત્યંત સુંદર, મધુર, પવિત્ર, પ્રિય એવો જે પરમાત્મા છે તે જ તે છે. તેનો અંશ તેનામાં છે. પણ તેને કહે છે, ‘લીંટિયો !’ એ લીંટની સાથે તેનો એવો શો સંબંધ છે ? તે છોકરાને તે સમજાતુંયે નથી. આવી તેની સ્થિતિ હોવાથી આ આઘાત તેનાથી સહેવાતો નથી. તેના ચિત્તમાં ક્ષોભ પેદા થાય છે. અને ક્ષોભ પેદા થયો એટલે સુધારાની વાત ભૂલી જવી. તેને બરાબર સમજ પાડી સ્વચ્છ કરવો જોઈએ.
પણ આથી ઊલટાં કૃત્યો કરીને આપણે તે બાળકના મન પર તું કેવળ દેહ છે એવી ખોટી વાત ઠસાવીએ છીએ. શિક્ષણશાસ્ત્રમાં આને મહત્વનો સિદ્ધાંત ગણવો જોઈએ. હું જેને શીખવું છું તે સર્વાંગસુંદર છે એવી ગુરુની ભાવના હોવી જોઈએ. દાખલો કરતાં ન આવડે તો છોકરાને મારે છે. તેને મારવાની વાતને અને તેનો દાખલો ખોટો પડ્યો એ વાતને શો સંબંધ છે ? નિશાળમાં છોકરો મોડો આવે છે તો તેને ગાલ પર તમાચો પડે છે. તેને તમાચો મારવાથી તેના ગાલ પરનું લોહી જોરથી ફરતું થશે તેથી શું તે નિશાળે વહેલો આવતો થશે ? રક્તનું એ જોરથી થતું અભિસરણ કેટલા વાગ્યા છે તેની તેને ખબર આપશે એવું કંઈ છે ખરું કે ? વાસ્તવિક રીતે જોતાં એ મારવાની ક્રિયાથી તે બાળકની પશુવૃત્તિને હું વધારું છું. આ દેહ એટલે તું એવી તેની ભાવના પાકી કરી આપું છું. એથી તેનું જીવન ભયની, દહેશતની લાગણી પર ઊભું કરવામાં આવે છે. સાચો સુધારો થવાનો હશે, તો તે આવી જબરજસ્તીથી, દેહાસક્તિ વધારીને કદી થઈ શકવાનો નથી. આ દેહથી હું જુદો છું એ વાત મને પાકી સમજાશે ત્યારે જ હું સુધારો કરી શકીશ.
પણ આથી ઊલટાં કૃત્યો કરીને આપણે તે બાળકના મન પર તું કેવળ દેહ છે એવી ખોટી વાત ઠસાવીએ છીએ. શિક્ષણશાસ્ત્રમાં આને મહત્વનો સિદ્ધાંત ગણવો જોઈએ. હું જેને શીખવું છું તે સર્વાંગસુંદર છે એવી ગુરુની ભાવના હોવી જોઈએ. દાખલો કરતાં ન આવડે તો છોકરાને મારે છે. તેને મારવાની વાતને અને તેનો દાખલો ખોટો પડ્યો એ વાતને શો સંબંધ છે ? નિશાળમાં છોકરો મોડો આવે છે તો તેને ગાલ પર તમાચો પડે છે. તેને તમાચો મારવાથી તેના ગાલ પરનું લોહી જોરથી ફરતું થશે તેથી શું તે નિશાળે વહેલો આવતો થશે ? રક્તનું એ જોરથી થતું અભિસરણ કેટલા વાગ્યા છે તેની તેને ખબર આપશે એવું કંઈ છે ખરું કે ? વાસ્તવિક રીતે જોતાં એ મારવાની ક્રિયાથી તે બાળકની પશુવૃત્તિને હું વધારું છું. આ દેહ એટલે તું એવી તેની ભાવના પાકી કરી આપું છું. એથી તેનું જીવન ભયની, દહેશતની લાગણી પર ઊભું કરવામાં આવે છે. સાચો સુધારો થવાનો હશે, તો તે આવી જબરજસ્તીથી, દેહાસક્તિ વધારીને કદી થઈ શકવાનો નથી. આ દેહથી હું જુદો છું એ વાત મને પાકી સમજાશે ત્યારે જ હું સુધારો કરી શકીશ.
દેહમાં અથવા મનમાં રહેલા દોષોનું ભાન હોય તેમાં કશું ખોટું નથી. એથી એ દોષો દૂર કરવામાં મદદ થાય છે. પણ હું એટલે દેહ નથી એ વાત સાફ સમજાવી જોઈએ. ‘હું’ જે છું તે આ દેહથી તદ્દન ભિન્ન, અત્યંત સુંદર, ઉજ્જવળ, પવિત્ર, અવ્યંગ એટલે કે ખામી વગરનો એવો છું. પોતાના દોષ સુધારવાને માટે જે કોઈ આત્મપરીક્ષણ કરે છે તે આત્મપરીક્ષણ પણ દેહને પોતાનાથી જુદો પાડીને જ કરે છે. કોઈ તેની ખામી બતાવે તેનો તેને ગુસ્સો આવતો નથી. ગુસ્સો ન કરતાં આ શરીરરૂપી અથવા આ મનરૂપી યંત્રમાં દોષ છે કે શું એનો વિચાર કરી ખામીને તે દૂર કરે છે. જે દેહને પોતાની જાતથી અલગ માનતો નથી તે કદી સુધારો કરી શકતો નથી. આ દેહ, આ ગોળો, આ માટી તે જ હું એવો જેનો ખ્યાલ હશે તે સુધારો કેવી રીતે કરશે ? દેહ મને મળેલું એક સાધન છે એવું પાકું ધ્યાનમાં ઊતરશે ત્યારે જ સુધારો થશે. મારા રેંટિયામાં કોઈ ખામી બતાવે તો હું તેના પર ચિડાઉં ખરો કે ? ખામી હોય તો તે હું દૂર કરું છું. એવું જ આ દેહનું છે. જેવાં ખેતીનાં ઓજારો હોય છે તેવો આ દેહ છે. પરમેશ્વરના ઘરની ખેતી કરવાનું દેહ એક ઓજાર છે. એ ઓજારમાં બગાડો થાય તો તેને સુધારવું જ જોઈએ. દેહ સાધનરૂપે ખડો છે. આ દેહથી અળગા રહીને દોષમાંથી છૂટવાની કોશિશ મારે કરવી જોઈએ. આ દેહરૂપી સાધનથી હું નિરાળો છું. હું સ્વામી છું, માલિક છું. આ દેહ પાસે વૈતરું કરાવનારો, તેની પાસેથી સારામાં સારું કામ લેનારો છું. છેક નાનપણથી દેહથી અળગા થવાની આ વૃત્તિ કેળવવી જોઈએ.
રમતથી અળગો રહેનારો ત્રયસ્થ જેમ રમતમાં રહેલી ખામી-ખૂબી બરાબર જોઈ શકે છે તે જ પ્રમાણે દેહ, મન ને બુદ્ધિથી અળગા રહેવાથી આપણને તે બધામાં રહેલા ગુણદોષ સમજાશે. કોઈ માણસ કહે છે : ‘હમણાં મારી યાદદાસ્ત જરા બગડી છે. એનો શો ઈલાજ કરવો ?’ માણસ આવું કહે છે ત્યારે એ સ્મરણશક્તિથી તે જુદો છે એ વાત સ્પષ્ટ થાય છે. તે કહે છે, ‘મારી સ્મરણશક્તિ બગડી છે.’ એટલે કે તેનું કોઈક સાધન, કોઈક હથિયાર બગડેલું હોય છે. કોઈકનો છોકરો ખોવાઈ જાય છે, કોઈકની ચોપડી ખોવાઈ જાય છે; પણ કોઈ જાતે ખોવાઈ જાય એવું બનતું નથી. છેવટે મરણની ઘડીએ પણ તેનો દેહ છેક બગડી જાય છે, નકામો થઈ જાય છે. પણ તે પોતે અંદરથી નામનોયે બગડ્યો હોતો નથી; તે અવ્યંગ હોય છે, નીરોગી હોય છે. આ વાત ખરેખર સમજવા જેવી છે અને એ બરાબર સમજાય તો ઘણીખરી ભાંજગડનો અંત આવે.
દેહ એટલે જ હું એવી જે ભાવના બધે ઠેકાણે ફેલાતી રહેલી છે તેને લીધે કશોયે વિચાર ન કરતાં આ દેહને વધારવાને માટે માણસે તરેહતરેહનાં સાધનો નિર્માણ કર્યાં છે. એ જોઈને મનમાં ડર લાગે છે. આ દેહ જૂનો થયો, જીર્ણ થયો હોવા છતાં ગમે તેમ કરીને તેને સાબૂત રાખવો એવું કાયમ માણસને લાગ્યા કરે છે. પણ આ દેહ, આ ઉપરની છાલ, આ કાચલી, ક્યાં સુધી સાચવી રખાશે ? બહુ તો મરીએ ત્યાં સુધી. મરણની ઘડી આવી એટલે એક ક્ષણભર પણ દેહ ટકાવી શકાતો નથી. મરણની સામે માણસની બધી એંટ નકામી થઈ જાય છે. આ તુચ્છ દેહને સારુ તરેહતરેહનાં સાધનો માણસ નિર્માણ કરે છે. આ દેહની તે રાત ને દિવસ ફિકર રાખે છે. હવે તો માણસે કહેવા માંડ્યું છે. કે દેહના બચાવને માટે માંસ ખાવામાં વાંધો નથી. માણસનો આ દેહ જાણે ઘણો કીમતી ! તેને બચાવવાને સારુ માંસ ખાઓ ! જાનવરના શરીરની કિંમત ઓછી. શા સારુ ઓછી ? માણસનો દેહ કીમતી શાથી ઠર્યો ? ક્યાં કારણોસર કીમતી સાબિત થયો ? અરે, આ જાનવરો ફાવે તેને ખાય છે. સ્વાર્થ વગર બીજો કશો વિચાર કરતાં નથી. પણ માણસ તેમ કરતો નથી. માણસ પોતાની આસપાસની સૃષ્ટિનું સંરક્ષણ કરે છે તેથી માણસનો દેહ મૂલ્યવાન છે, તેથી કીમતી છે. પણ જે કારણસર માણસનો દેહ કીમતી સાબિત થાય છે તે જ કારણ તું માંસ ખાઈને ઉડાવી દે છે. અરે ભલા માણસ, તું સંયમથી રહે છે, બધા જીવોને માટે મથામણ કરે છે, સૌ કોઈનું જતન કરવાની, સૌને સંભાળવાની વૃત્તિ તારામાં છે, તેના પર તારી મોટાઈ આધાર રાખે છે. પશુની સરખામણીમાં તારામાં આ જે વિશેષતા છે તેને લીધે જ તું માણસ ચડિયાતો ગણાયો છે. એટલા જ કારણસર મનખાદેહને દુર્લભ કહ્યો છે. પણ જે આધારથી માણસ મોટો ગણાયો છે તે જ આધારને માણસ ઉખેડી નાખવા નીકળે તો તેની મોટાઈની ઈમારત ઊભી કેમ રહેશે ? સામાન્ય જાનવર બીજા જીવોનું માંસ ખાવાની જે ક્રિયા કરે છે તે જ ક્રિયા કરવાને માણસ પણ બેધડક તૈયાર થાય છે ત્યારે તેની મોટાઈનો આધાર ખસેડી લેવા જેવું થાય છે. જે ડાળ પર હું બેઠો હોઉં તેને જ કાપવાની હું કોશિશ કરું તેવું એ થયું.
વૈદશાસ્ત્ર તો વળી તરેહતરેહના ચમત્કારો કરતું જાય છે. જાનવરો પર વાઢકાપ કરીને તેમનાં શરીરમાં, એ જીવતાં પશુઓનાં શરીરોમાં રોગનાં જંતુ પેદા કરવામાં આવે છે અને જે તે રોગની શી અસર થાય છે તે એ શાસ્ત્રવાળાઓ તપાસે છે ! જીવતાં જાનવરોના આવા હાલહવાલ કરી, તેમને આમ રિબાવી જે જાણકારી મળે તે આ નકામો દેહ બચાવવાને વપરાય છે. અને આ બધું વળી ભૂતદયાને નામે ચાલે છે ! પેલાં જાનવરોનાં શરીરોમાં રોગનાં જંતુ નિર્માણ કરી, તેની રસી બનાવી, તે કાઢી લઈ માણસોનાં શરીરોમાં મૂકવામાં આવે છે ! આવા તરેહતરેહના ભીષણ પ્રયોગ કરવામાં આવે છે. જે દેહને સારુ આ બધું ચાલે છે તે તો ક્ષણવારમાં ફૂટી જનારા કાચના જેવો છે. એ ક્યારે ફૂટી જશે તેનો જરાયે ભરોસો નથી. માણસના દેહને સંભાળી રાખવાના આ બધા પ્રયાસો છે. પણ છેવટે અનુભવ શો થાય છે ? જેમ જેમ આ તકલાદી શરીરને સંભાળવાનો પ્રયાસ થાય છે તેમ તેમ તેનો નાશ થતો જાય છે એવી પ્રતીતિ થાય છે. તે છતાં દેહને વધારવાના માણસોના પ્રયાસો ચાલુ છે.
કેવો ખોરાક લેવાથી બુદ્ધિ સાત્વિક થાય એ વાત તરફ કદી ધ્યાન જતું નથી. મન સારું થાય, બુદ્ધિ નિર્મળ રહે તે માટે શું કરવું જોઈએ, શેની મદદ લેવી જોઈએ, એ વાત તરફ માણસ જરાયે જોતો નથી. શરીરનું વજન કેમ વધે એટલી જ વાત તે જુએ છે. પૃથ્વી પરની પેલી માટીને ત્યાંથી ઉપાડી આ શરીર પર કેમ થાપી શકાય, તે માટીના લોચા આ શરીર પર કેમ વળગાવી શકાય એટલી એક જ વાતની તે ફિકર રાખ્યા કરે છે. પણ થાપી થાપીને રાખેલો છાણનો ગોળો સુકાઈને જેમ નીચે પડી જાય છે તે પ્રમાણે શરીર પાછું પહેલાંના જેવું ત્યાનું ત્યાં આવીને ઊભું રહે છે. બહારની માટી શરીર પર વળગાવેલા માટીના લોચા, આ ચરબી પણ આખરે ગળી જાય છે અને આ શરીર પર થાપવાનું અને શરીરનું વજન દેહથી ઝિલાય નહીં એટલું વધારવાનું પ્રયોજન શું ? શરીર આટલું બધું, લચી પડે તેમ વધારવાથી ફાયદો શો ? આ દેહ મારા હાથમાંનું એક સાધન છે. તે સાધનને બરાબર કામ આપે તેવી સારી સ્થિતિમાં રાખવાને જે કંઈ કરવું જરૂરી હોય તે બધું કરવું, યંત્ર પાસેથી કામ કરાવવાનું છે. યંત્રનું કોઈ અભિમાન, ‘યંત્રાભિમાન’ જેવું કંઈ હોય ખરું કે ? તો પછી આ દેહયંત્રની બાબતમાં પણ એવી જ સ્થિતિ શા સારુ ન હોય ?
ટૂંકમાં, દેહ સાધ્ય નથી પણ સાધન છે એવી બુદ્ધિ કેળવાય ને મજબૂત થાય તો જે નાહકનો આડંબર માણસ વધારતો જાય છે તે વધારશે નહીં. જીવન જુદું જ લાગવા માંડશે. પછી આ દેહને શણગારવામાં તેને મજા નહીં આવે. સાચું જોતાં આ દેહને સાદું કપડું વીંટાળવાનું મળે તો તે પૂરતું છે. પણ ના. એ કપડું સુંવાળું જોઈએ, તેના પર વેલબુટ્ટા ફૂલો ને નકશી જોઈએ. કાપડને એવું બનાવવાને કેટલાય લોકો પાસે હું મજૂરી કરવું છું. એ બધું શા સારું ? દેહના બનાવવાવાળા ઈશ્વરને શું અક્કલ નહોતી ? શરીરને મજાના ચટાપટા, નકશી વગેરેની જરૂર હોત તો વાઘના શરીર પર મૂક્યા છે તેવા ચટાપટા, તેણે તારા શરીર પર પણ ન મૂક્યા હોત કે ? એ તેનાથી બને એવું નહોતું કે ? તેણે મોરને જેવો રંગબેરંગી પીછાંનો કલાપ આપ્યો છે તેવો તને પણ આપ્યો હોત. પણ ઈશ્વરે માણસોને એકરંગી રાખ્યાં છે. તેના પર જરા બીજા રંગનો ડાઘ લાગે તેની સાથે તેનું સૌંદર્ય ઊડી જાય છે. માણસ છે તેવો જ સુંદર છે. માનવદેહને શણગારવો એવો પરમેશ્વરનો ઉદ્દેશ જ નથી. સૃષ્ટિમાં રહેલું સૌંદર્ય શું જેવુંતેવું છે ? એ અસાધારણ સૌંદર્યને નીરખવું એટલું જ માણસનું કામ છે. પણ તે ભુલાવામાં પડ્યો. કહે છે જર્મનીએ અમારો રંગ મારી નાખ્યો. અરે, પહેલાં તારા મનનો રંગ મરી ગયો. પછી તને આ કૃત્રિમ રંગોની હોંશ થવા માંડી. તેમને માટે તું પરાવલંબી થયો. નાહક તું દેહ શણગારવાને છંદે ચડ્યો. મનને શણગારવું, બુદ્ધિનો વિકાસ કરવો, હૃદય સુંદર બનાવવું એ બધું આઘું રહી ગયું છે.
No comments:
Post a Comment