Google Search

Friday, June 15, 2012

જીવનનું ભાથુ – વિનોબા ભાવે


પ્રશ્ન : જીવનમાં સંયમ રાખવા શું કરવું જોઈએ ?
વિનોબા : સર્વસાધારણપણે તો એમ જ કહી શકાય કે નિરંતર જાગૃતિ રાખવી જોઈએ. અમારા એક મિત્ર જેલમાં પણ સાથે થઈ ગયા. દિવસમાં ઘણો વખત એ જપ રટ્યા કરતા કે, ‘હું શરીર નથી, બ્રહ્મ છું.’ મેં એમને પૂછ્યું કે ‘હું ફલાણાભાઈ છું એવું દિવસભર ગોખ્યા કરવાની જરૂર પડે છે ? તો પછી આની જરૂર શું કામ પડે ? એક વખત સમજાઈ ગયું, વાત ખતમ ! હા, સમજવામાં જે અડચણ હોય તે દૂર કરી એક વાર સમજી લેવું જોઈએ.’ ત્યારે એ ભાઈ કહે, ‘આમ તો આખો દિવસ મને એની પ્રતીતિ રહ્યા કરે છે, પરંતુ જ્યારે હું જમવા બેસું છું તો આ વાત ભૂલી જાઉં છું અને જરૂર કરતાં બમણું ખાઈ લઉં છું.’ ત્યારે મેં એમને કહ્યું લે ‘જ્યારે જપ કરવાની ખરી જરૂર છે ત્યારે તમે તે ચૂકી જાઓ છો અને બાકી આખો દિવસ જપ્યા કરો છો, તેનો શું અર્થ ? હવે એવું કરો કે જમતી વખતે તમે મારી પાસે બેસો.’ તે દિવસે એમણે અડધું ખાધું. મેં એમને એક રોટલી વધુ પીરસાવી. આમ કરતાં કરતાં એમનો ખોરાક ઓછો કર્યો. આમ, સંયમ માટે તો નિરંતર જાગૃતિની જરૂર છે.
પ્રશ્ન : સારું જીવન વિતાવવા ક્યા આદર્શ સામે રાખવા જોઈએ ?’
વિનોબા : સમાજ અને શિક્ષણનો પાયો સત્ય, પ્રેમ અને કરુણા પર રચાવો જોઈએ. સત્ય એટલે જે વખતે જે વસ્તુ આપણને જે રીતે પ્રતીત થતી હોય તે વખતે તે વસ્તુ તેવી જ રીતે પ્રગટ કરવી. આપણો વિચાર બદલાય તો તે બદલવા માટે તૈયાર રહેવું. પ્રેમ એટલે બીજાના સુખે સુખી થવું અને કરુણા એટલે દુ:ખીઓને મદદ કરવી અને એના દુ:ખે દુ:ખી થવું.
પ્રશ્ન : આપણે સત્યનું આચરણ કરી રહ્યા છીએ કે નહીં તેની ખબર કેવી રીતે પડે ?
વિનોબા : આને માટે હમેશાં આત્મનિરીક્ષણ કરવું જોઈએ. મેં વાણીથી કોઈને અસત્ય તો નથી કહ્યું ને ? બીજાના દિલને દુભાવે, બીજાનું અહિત કરે તેવી વાણી બોલી ઈશ્વરની આપેલી અમૂલ્ય વાણીનો દુરુપયોગ તો નથી કર્યો ને ? આપણા હાથે કાંઈ ખરાબ કામ તો નથી કર્યું ને ? આમ, અનેક સવાલો પૂછતાં આપણને આપણી ભૂલ ખબર પડશે. તે ભૂલ ફરી ન કરવાનો નિશ્ચય કરવો અને ઈશ્વરની ક્ષમા માગવી. તેને પ્રાર્થના કરવી કે ફરીથી આવી ભૂલ ન થવા દે. આમ કરવાથી ધીમે ધીમે સત્યનું ભાન થશે. આવું દરેક વ્રત માટે છે.

પ્રશ્ન : પુણ્યકાર્યથી પાપ કપાય ખરાં ?
વિનોબા : ભારતમાં કર્મવિપાકનું ખૂબ મોટું શાસ્ત્ર વિકસેલું છે. ખાસ્સું ઊંડું ચિંતન એ અંગે થયેલું છે. સામાન્યત: લોકો એમ માને છે કે પુણ્ય-કાર્યથી પાપ કપાઈ જાય છે પરંતુ વાસ્તવમાં પુણ્યથી કદાપિ પાપ નાશ ન પામે. પાપ પર પુણ્યથી તમે પ્રહાર કરો તો પેલા રાક્ષસની જેમ થાય છે. રાક્ષસને માર્યો તો તેના લોહીનાં ટીપાંમાંથી વળી બીજો રાક્ષસ ઊભો થયો. સાર એ છે કે કોઈ એક કર્મથી બીજા કર્મનો નાશ નથી થતો. બીજગણિતથી આ વાત સરળતાથી સમજાશે. જેવી રીતે અંકગણિતમાં 5-5=0 થાય છે, તેવું બીજગણિતમાં નથી થતું. A-B=A-B થાય છે. તમે થોડાં પાપ કર્યાં અને થોડું પુણ્ય, તો પાપથી પુણ્ય કપાતું નથી. પાપ અને પુણ્ય બંનેનાં ખાતાં નોખાં નોખાં છે. તમારે પાપનું ફળ પણ ચાખવું પડશે ને પુણ્યનું ફળ પણ ચાખવું પડશે. કર્મથી કર્મ કપાશે નહીં. કર્મનાશ તો આત્મજ્ઞાનથી જ સંભવી શકે.
પ્રશ્ન : જીવનનો ઉદ્દેશ્ય શું છે ?
વિનોબા : જીવનનો ઉદ્દેશ છે ગુણવિકાસ. ભગવાન સર્વગુણસંપન્ન છે. આપણે દૂધમાં દૂધ ભળી જાય એ રીતે ભગવાન ભેગાં ભળી જવાનું છે. આપણામાં જે કંઈ ગુણો હોય તેનો વિકાસ કરવો અને ભગવાનના ગુણોને ગ્રહણ કરવા. ગુણગ્રહણ, ગુણવૃદ્ધિ, ગુણશીલન એ જ જીવનનું કર્તવ્ય છે. આખરે આપણે મહાપુરુષોને યાદ કરતી વખતે બીજું શું કરીએ છીએ ? મહાપુરુષોમાંના પ્રખર ગુણને જ બિરદાવીએ છીએ ને ? હરિશ્ચંદ્રની સત્યનિષ્ઠા, ભીષ્મની ભીષ્મપ્રતિજ્ઞા, વશિષ્ટની સૌમ્યતા, વિશ્વામિત્રનો પુરુષાર્થ. આમ, માનવજીવનનો ઉદ્દેશ ગુણવિકાસ જ છે.
પ્રશ્ન : સુખ અથવા આનંદપ્રાપ્તિ જ જીવનનો હેતુ છે ?
વિનોબા : આનંદપ્રાપ્તિ જીવનનો હેતુ ન હોઈ શકે, કારણ કે આત્માનો સ્વભાવ જ આનંદ છે. આનંદ વગર કોઈ જીવતું ન રહી શકે, પછી આનંદ થોડો હોય કે વધારે. હકીકતમાં આનંદપ્રાપ્તિ નહીં પણ આનંદશુદ્ધિ એ જ માનવજીવનનો હેતુ હોઈ શકે. જીવનનો અસલી હેતુ તો આત્મદર્શન જ હોઈ શકે. બાકી આનંદપ્રાપ્તિ તો જાનવરોને પણ ગમે છે, એટલે માનવજીવનનો હેતુ આનંદશુદ્ધિ જ હોઈ શકે.
પ્રશ્ન : પૂર્વજન્મ હોય તો એની યાદ કેમ નહીં આવતી હોય ?
વિનોબા : એક રીતે એ સારું જ છે. નહીંતર આપણી આ સભા જ ન થઈ શકે. પૂર્વજન્મનું બધું યાદ રહે તો કદાચ હું તમને લાત મારત; એમ કહીને કે ‘ગયા જન્મે તું કૂતરો હતો અને હું ગધેડો હતો. તે વખતે તું મને કરડેલો અને વળતી લાત લગાવવાનું રહી ગયેલું, એટલે હવે લાવ આજે મારી દઉં.’ પરંતુ હું ભૂલી ગયો કે હું ગધેડો હતો ને તમે ભૂલી ગયા કે તમે કૂતરા હતા એટલે આપણી આ સભા ચાલી શકે છે. પરમેશ્વરની એ કૃપા છે કે જ્યાં મૃત્યુની છાયા આવે છે ત્યાં ભૂલવાની શક્તિ પણ મળે છે. નવા જન્મમાં માણસ બધું ભૂલી જાય છે અને કેવળ યાદ કરવા યોગ્ય વસ્તુ જ એને યાદ આવે છે. પરમેશ્વરનો આ કીમિયો છે. અને એને કારણે આપણે જિંદગી જીવી શકીએ છીએ.
પ્રશ્ન : મૃત વ્યક્તિની યાદથી દુ:ખ કેમ થાય છે ? મૃતાત્માની શાંતિ સારું શું કરવું ?
વિનોબા : મૃત્યુ પામેલો મનુષ્ય મુક્તાત્મા હશે તો તમારા સુખદુ:ખની કશી અસર તેના પર નહીં થાય. પરંતુ મુક્તાત્મા ન હોય, કેવળ પ્રેમનો, મૈત્રીનો સંબંધ હોય અને તેના ગયા પછી તમે રોતા રહો તો એને તકલીફ થશે. એની પ્રગતિ આડે અડચણ આવશે. તેને પાછળ ખેંચવા જેવું થશે. આપણે રડીએ છીએ તે આપણા સ્વાર્થ ખાતર. અત્યાર લગી તેનો પ્રેમ મળતો હતો તે હવે નહીં મળે એ સ્વાર્થ માટે આપણે રડીએ છીએ. વાસ્તવમાં પ્રાણને આરામની જરૂર હોય છે, એ માટે મૃત્યુ હોય છે, માટે શોક ન કરવો.
પ્રશ્ન : મૃત્યુનું દુ:ખ કેમ ભૂલવું ?
વિનોબા : સ્વજનના મૃત્યુથી શોક થવો એ સ્વાભાવિક છે. પરંતુ તેમાંથી છૂટવાની એક યુક્તિ છે. જ્યાં સુધી પિતાજી જીવતા હોય ત્યાં સુધી પિતાને પરમેશ્વર સમજીને તેમની સેવા કરવી. પિતાજી મરી જાય ત્યારે પરમેશ્વરને જ પિતા સમજવા. તો શોક ઓછો થશે. એનું રૂપાંતર થશે. આ રૂપાંતરની પ્રક્રિયા એ અત્યંત મહત્વની આધ્યાત્મિક પ્રક્રિયા છે. એનાથી મનુષ્ય શોકમુક્ત થાય છે.
પ્રશ્ન : મૃત્યુનું સ્વરૂપ કેવું છે ?
વિનોબા : પહેલાં તો આપણે એ સમજવું જોઈએ કે મૃત્યુ એટલે શું ? જેવી રીતે આપણે આખો દિવસ કામ કરીને થાકી જઈએ છીએ તો તે થાક મટાડવા રાત્રે સૂઈ જઈએ છીએ. બીજે દિવસે પાછા તાજા થઈને ઊઠીએ છીએ. તો ઊંઘ એ મૃત્યુનું નાનકડું રૂપ છે. હવે રાત્રે ઊંઘમાં બધાં અવયવોને પૂરો આરામ મળી જાય તેવી યોજના હોત તો મૃત્યુની જરૂર જ ન રહેત. સ્વપ્ન ન આવે તો મનને પણ વિશ્રામ મળી જાય છે. પણ રાત્રે ઊંઘમાં પણ પ્રાણનું કામ સતત ચાલે છે. એ બિચારો સતત કામ કર્યા કરે છે એટલે એનો થાક તો મૃત્યુથી જ ઊતરી શકે છે. એટલે મૃત્યુનો અર્થ છે – પ્રાણને આરામ પહોંચાડનારી નિદ્રા. મૃત્યુનું આ સ્વરૂપ આપણા ધ્યાનમાં આવી જાય તો મૃત્યુનું દુ:ખ કે ડર ન રહે, બલ્કે કોઈનું મૃત્યુ થાય તો આપણને આનંદ થાય.
પ્રશ્ન : શું મરણની ઘડી નિશ્ચિત છે ?
વિનોબા : હા, હું એમ માનું છું કે મરણની ક્ષણ પ્રારબ્ધથી નક્કી થયેલી જ હોય છે. સાધારણતયા સંયમ, પ્રાણાયામ વગેરે આયુર્વર્ધક બતાવ્યાં છે, પણ બહુધા વ્યક્તિનું આયુષ્ય તો એના પ્રારબ્ધથી જ નક્કી થાય છે. દેહ કર્મવેગથી ટકે છે. અસંખ્ય પૂર્વ કર્મોમાંથી એક વિશિષ્ટ અંશ ઉપભોગવા દેહરૂપે જન્મ લીધો. એ જ છે ‘પ્રારબ્ધ કર્મ’ એ ભોગવી લીધા પછી દેહ પડી જાય છે. સંયમથી માણસનું દીર્ઘાયુ થાય છે, તેવું નથી. સમાજનું સરેરાશ આયુષ્ય સંયમથી વધે. મૃત્યુની ક્ષણને ટાળી નથી શકાતી, પણ એના પ્રકારને બદલી શકાય છે, તેવું મને લાગે છે.
પ્રશ્ન : મનમાં કુવિચાર પેદા થાય ત્યારે શું કરવું ?
વિનોબા : એ વિચારોને ઓછામાં ઓછા કૃતિમાં, આચરણમાં ન લાવવા જોઈએ. ક્રિયાની તક નહીં મળવાથી એ આપોઆપ શમી જશે. પછી વિવેકથી એનું ખંડન કરવું જોઈએ. પ્રાણાયામ પણ એક ઉપાય છે. કુંભક કરવાથી પણ વિચારોમાં સ્થિરતા આવે છે, એટલે જેવું મન ચંચળ થાય, તેવું જ કુંભક શરૂ કરી દેવું જોઈએ. ભજન ગાવાં કે સંગીત સાંભળવું તે પણ એક ઉપાય છે. નામસ્મરણ પણ, મનોમન નહીં પણ મોટેથી શરૂ કરી શકાય.
પ્રશ્ન : જે શક્તિના બિંદુમાંથી ઈશ્વરસ્વરૂપ નવું બાળક પેદા થાય છે તે શક્તિ નિદ્રાવસ્થામાં, બેભાન અવસ્થામાં નાશ પામતી હોય તો શું કરવું ?
વિનોબા : નિદ્રાવસ્થામાં આમ બનતું હોય તો બહુ ચિંતા ન કરવી. રોજ રાતે બધું કામ પતાવી પથારી કરીને સૂતાં પહેલાં દશ-પંદર મિનિટ ઈશ્વરની પ્રાર્થના ધ્યાનપૂર્વક, ભક્તિપૂર્વક એકચિત્ત થઈને કરવી અને પછી તરત જ સૂઈ જવું. રાતે ઓછું ખાવું, સવારે શૌચ સાફ આવવો જોઈએ, સાત્વિક આહાર લેવો, સદવાચન કરવું, ફરવા જવું, નિયમિત જીવન જીવવું. આ દોષનું કારણ શોધવું કઠિન છે. સાધક જ્યારે અમુક અવસ્થાએ પહોંચે છે ત્યારે જ તે આ દોષને દૂર કરી શકે છે. તેથી આપણે હમેશાં જોતા રહેવું કે ઉપર કહ્યા મુજબ જીવન વિતાવીએ છીએ કે નહીં. આમ ધીમે ધીમે દોષનું કારણ મુશ્કેલીથી પણ જડશે.
પ્રશ્ન : કામવિકાર ઈચ્છા વગર પણ કેમ જાગી ઊઠે છે ? એ વખતે વિવેક કેમ ભૂલી જવાય છે ? એને રોકવાનો તાત્કાલિક ઉપાય શો ?
વિનોબા : મનના પૂર્વસંસ્કાર અને ભાવનાઓને કારણે તક મળતાં કામવિકાર પોતાનું માથું ઊંચકે છે. વિવેક એટલા માટે ચૂકી જવાય છે કારણ કે આપણે તેને વિષય-વિકાર ન સમજતાં પ્રિય સમજવા માંડીએ છીએ. એને મિત્રને બદલે શત્રુ સમજીશું ત્યારે તેને દૂર કરવામાં સાવધાન રહીશું. તેને દૂર કરવા માટે તેની સામે કોઈ મંગળ ભાવના જગાડીને એ ભાવનાને મટાડી દેવી. અમુક મર્યાદાઓ સ્વીકારી લેવી તે પણ એક ઉપાય છે. પહેલાં તો પરસ્ત્રી માટે કુવાસના ન જાગે એનો પ્રયત્ન કરવો જોઈએ. ત્યાર પછી પોતાની પત્ની માટે પણ એવી ભાવના ન જાગે તેવો પ્રયત્ન કરવો જોઈએ. કવિઓએ શૃંગારને ‘રસ’નું સ્થાન આપીને એના વિષરૂપને ભુલાવવાનો પ્રયત્ન કર્યો છે, એટલે વિષયને બદલે પ્રિય બનીને હૃદયમાં આસન જમાવીને બેસી ગયું છે.
પ્રશ્ન : પણ જ્યાં સુધી આપણે એ પ્રક્રિયામાં રસ ન લઈએ ત્યાં સુધી એ સારી રીતે થઈ પણ ન શકે ને ?
વિનોબા : એમાં આપણે એટલો જ રસ લેવો જોઈએ જેટલો એક વિજ્ઞાની પોતાના પ્રયોગોમાં અને ખેડૂત પોતાની ખેતીમાં રસ લે છે. એ રસ જરૂર હશે, પરંતુ પ્રક્રિયામાં નહીં, એના ફળમાં હશે. પિતાનો રસ ઉત્તમ સંતાનમાં હોવો જોઈએ. નહીં કે એને ઉત્પન્ન કરવાની ક્રિયામાં. એટલા ખાતર હું કહું છું કે એમાં રસ લેવો તે મૂળ પાપ છે અને એટલા માટે તે અજ્ઞાનમૂલક છે. જ્યારે પતિ-પત્નીમાં વધારેમાં વધારે પવિત્ર અને શુદ્ધ ભાવ હોય ત્યારે એમણે સંગમ કરવો જોઈએ, કામનાથી પ્રેરાઈને નહીં. આવી દષ્ટિ હોય તો જીવનમાં ત્રણ-ચાર વખત સંયોગ કરવાની જરૂર રહે. બાકીના સમયમાં ભાઈ-બહેનના જેવી પવિત્ર ભાવનાપૂર્વક સાથે રહે. આખરે ભાઈ-બહેન કે પતિ-પત્નીના પ્રેમાં ફેર કેટલો ? પતિ પત્નીને અને પત્ની પતિને પવિત્રતા તરફ શા માટે ન લઈ જાય ?
પ્રશ્ન : પ્રાર્થના શું કામ કરવી જોઈએ ?
વિનોબા : પ્રાર્થના માટે હું હંમેશા ત્રણ દાખલા આપું છું. સ્નાન, ભોજન અને ઊંઘ. આ ત્રણેયની જે ખૂબી છે, તે પ્રાર્થનામાં છે. ઊંઘવાથી માણસને ઉત્સાહ અને આરામ મળે છે. પ્રાર્થનાથી મનને આરામ તથા આધ્યાત્મિક ઉત્સાહ મળે છે. ભોજનથી શરીરને પોષણ મળે છે, પ્રાર્થનાથી મનને પોષણ મળે છે. નહાવાથી શરીર સાફ થાય છે, પ્રાર્થનાથી મન ચોખ્ખું થાય છે. આ રીતે ત્રણથી શરીરને જે ફાયદો થાય છે, તે પ્રાર્થનાથી મનને થાય છે. આત્મામાં સંકલ્પશક્તિ પડેલી છે. આત્માની વ્યાખ્યા છે સંકલ્પનું અધિષ્ઠાન. આપણને જ્યાંથી સ્ફૂર્તિ મળે છે તે જ છે આત્મા. ઘણી વખત સોબતને કારણે આત્માની શુદ્ધ શક્તિ પ્રગટ નથી થતી, શુભ સંકલ્પને બદલે વિકલ્પ થાય છે. એટલે આત્માની શુદ્ધ શક્તિ પ્રગટાવવા માટે પ્રાર્થના કરીએ છીએ. પ્રાર્થના વ્યક્તિગત પણ થઈ શકે, સામૂહિક પણ થઈ શકે.
પ્રશ્ન : ત્યાગ મોટો કે ભક્તિ ?
વિનોબા : બેઉ એક ચીજ છે. એક સિક્કાની બે બાજુ જે પરમેશ્વર ઉપર પ્રેમ ધરશે તે કુદરતી રીતે જ શરીરનાં સુખભોગ તરફ અણગમો દેખાડશે. અને જે સંસારનાં સુખમાં નહીં રાચે તેનું મન કુદરતી રીતે જ પરમાર્થ ને પ્રભુનાં ભજન-ભક્તિ તરફ વળશે. એમ પૂછો કે બેમાંથી સહેલું શું ? જેને ઈશ્વર ઉપર આસ્થા છે, ઘરકુટુંબના સંસ્કારથી કે બીજા કશાથી ઈશ્વર ઉપર જેને પ્રીતિ છે એને દેહસુખના વિષયોનો ત્યાગ સહેલો થઈ પડે છે. ટૂંકમાં, બીજમાંથી ફળ અને ફળના પેટમાં પાછું બીજ રહેલું છે તેમ ઈશ્વરપ્રેમથી વૈરાગ અને વૈરાગથી ઈશ્વરપ્રેમ એમ બેઉ મળીને એક છે.
જ્ઞાનયોગ, કર્મયોગ, ધ્યાનયોગ અને ભક્તિયોગ એ બધાયમાં ભક્તિયોગ અઘરો નથી એવું માનવામાં આવે છે. પરંતુ ભક્તિ પણ સહેલાઈથી પ્રાપ્ત થઈ જાય તેવી વસ્તુ નથી. હિંદુસ્તાનમાં ભક્તિ વધુ પ્રમાણમાં છે એવું જે કહેવામાં આવે છે તે ‘ભક્તિ’ નથી, તે ‘શ્રદ્ધા’ છે. ભક્તિ અને શ્રદ્ધામાં ફેર છે. મંદિરની મૂર્તિ માટે જે આસ્થા છે તે શ્રદ્ધા છે. શ્રદ્ધા ભક્તિનો માર્ગ જરૂર છે. પરંતુ શ્રદ્ધા હોવી એ કાંઈ બહુ મોટી વસ્તુ નથી. પરંતુ તે ન હોવી તે મોટી વસ્તુ છે. જેવી રીતે તમને અક્ષરજ્ઞાન મળ્યું તો તે કાંઈ મોટી વસ્તુ નથી. તે તો નાનું જ્ઞાન છે. એ ના હોય તો આગળ જ્ઞાન મેળવવું જ અસંભવિત છે. તેવી જ રીતે શ્રદ્ધા હોવી એ કોઈ મોટી વસ્તુ નથી, પણ શ્રદ્ધા ન હોય તો ભક્તિ પેદા જ ન થઈ શકે. ભક્તિ એટલે અહંકાર-મમતા-મુક્તિ. ઘમંડ એ નાની વસ્તુ છે. તે ન હોવાથી અહંમુક્ત નથી થવાતું, અહંમુક્તિ જુદી બાબત છે.
પ્રશ્ન : જીવનમાં શાંતિ કેવી રીતે મળે ? એને માટે કોઈ સાધન છે ખરું ?
વિનોબા : શાંતિ માટેનું એકમાત્ર સાધન ગીતાએ વારંવાર બતાડ્યું છે તે જ છે. એ છે ‘ત્યાગાત શાન્તિ:’ જ્યાં ફળત્યાગ છે, ત્યાં જ શાંતિ છે. ભલે આપણે ભારે મોટી તપસ્યા કરીએ, સેવા કરીએ. પરંતુ જ્યાં સુધી એ કર્મથી આપણને વેગળા તારવી ન લઈએ ત્યાં સુધી શાંતિ નહીં મળે. ફળત્યાગ કરવાથી જ શાંતિ પ્રાપ્ત થાય. એટલે તો ગીતાએ કહ્યું કે ‘ધ્યાનથી પણ ફળત્યાગ શ્રેષ્ઠ છે.’ જનક મહારાજે કહ્યું હતું ને કે મિથિલા નગરી બળે છે તો તેમાં મને કંઈ લાભ-નુકશાન નથી. પુણ્ય-પાપ જે કંઈ થાય છે તે મારાં નથી. જનક મહારાજની આ વૃત્તિથી શાંતિ મળે છે. શાંતિ માટે કર્મના ફળથી અલિપ્ત થઈ જવું તે જરૂરી છે.

No comments:

Post a Comment