સ્વામી વિવેકાનંદ પંબન આવતાં જ રામનદના નામદાર રાજાસાહેબ તેમને મળ્યા હતા, અને તેમનું હાર્દિક સ્વાગત કર્યું હતું. વિધિસર સ્વાગત કરવા માટેની તૈયારી બંદરના ધક્કા ઉપર જ થઈ હતી, અને અહીં એક સુશોભિત મંડપમાં પંબનની પ્રજાવતી નીચેનું માનપત્ર વાંચવામાં આવ્યું હતું.
પરમ પૂજ્યપાદની સેવામાં,
અત્યંત પૂજ્ય ભાવ અને ઊંડામાં ઊંડી કૃતજ્ઞતાથી ભરેલા અંતઃકરણો વડે આપનું સ્વાગત કરતાં અમને ખૂબ આનંદ થાય છે – કૃતજ્ઞતા એટલા માટે કે આપની પાસે અસંખ્ય આમંત્રણો હોવા છતાં, આપે આટલી જલદીથી અને કૃપાપૂર્વક અમને ઊડતી મુલાકાત આપવા સંમતિ આપી, અને પૂજ્યભાવ એટલા માટે કે આપ અનેક ઉમદા અને ઉત્કૃષ્ટ ગુણો ધરાવો છો, અને જે મહાન કાર્ય પાર પાડવાનું આપે મહત્તાથી આપના શિરે ઉઠાવ્યું તથા અસાધારણ કુશળતા, અપાર ઉત્સાહ અને ખંત વડે આપ એ પાર પાડી રહ્યા છો, તે માટે.
અત્યંત પૂજ્ય ભાવ અને ઊંડામાં ઊંડી કૃતજ્ઞતાથી ભરેલા અંતઃકરણો વડે આપનું સ્વાગત કરતાં અમને ખૂબ આનંદ થાય છે – કૃતજ્ઞતા એટલા માટે કે આપની પાસે અસંખ્ય આમંત્રણો હોવા છતાં, આપે આટલી જલદીથી અને કૃપાપૂર્વક અમને ઊડતી મુલાકાત આપવા સંમતિ આપી, અને પૂજ્યભાવ એટલા માટે કે આપ અનેક ઉમદા અને ઉત્કૃષ્ટ ગુણો ધરાવો છો, અને જે મહાન કાર્ય પાર પાડવાનું આપે મહત્તાથી આપના શિરે ઉઠાવ્યું તથા અસાધારણ કુશળતા, અપાર ઉત્સાહ અને ખંત વડે આપ એ પાર પાડી રહ્યા છો, તે માટે.
મહાન પાશ્ચાત્ય પ્રજાઓના સંસ્કારી માનસમાં હિંદુ તત્વજ્ઞાનનાં બીજો વાવવામાં આપ પૂજ્ય મહાનુભાવના પ્રયત્નો જે સફળતાને વર્યા છે તે જોઈને અમો આનંદ પામીએ છીએ; આનાં ઉત્તમ ફળો વિપુલ પ્રમાણમાં પાકવાની ઉજ્જ્વળ અને ઉત્સાહપ્રેરક શક્યતા અમે ચારે બાજુ ક્યારનાય જોઈ રહ્યા છીએ; અમે આપ પૂજ્ય મહાનુભાવને અત્યંત વિનમ્રપણે પ્રાર્થીએ છીએ કે આપે પશ્ચિમમાં જે પરિશ્રમ લીધો હતો તે કરતાં થોડોક વધારે પરિશ્રમ લઈને પણ કૃપા કરી આપના આર્યાવર્તના નિવાસ દરમિયાન આપણી આ માતૃભૂમિનાં આપનાં ભાંડુઓના માનસને તેમની જીવનભરની ઘોર નિદ્રામાંથી જાગ્રત કરો અને સત્યના ચિરવિસ્મૃત સંદેશનું તેમને પુનઃસ્મરણ કરાવો. અમારા મહાન આધ્યાત્મિક નેતા તરીકે, આપ પૂજ્ય મહાનુભાવ માટે અમારાં હૃદયો હાર્દિક સ્નેહ, મહત્તમ પૂજ્યભાવ અને સર્વોત્તમ આદરથી એટલાં બધાં સભર બને છે કે અમારી લાગણીઓને પૂરેપૂરી વ્યક્ત કરવાનું અમારે માટે તદ્દન અશક્ય જણાય છે. અને એટલા માટે અમે સૌ પરમકૃપાળુ પરમાત્માને આંતરિક અને સંયુક્તપણે એવી પ્રાર્થના કરીને વિરમવાની રજા લઈશું કે તે આપ પૂજ્ય મહાનુભાવને દીર્ઘ સેવામય જીવન અને વિશ્વભાતૃત્વની લાંબા કાળથી ભુલાઈ ગયેલી ભાવનાઓને પુનઃજાગ્રત કરવાની સર્વ અનુકૂળતાઓ બક્ષો.
ઉપરોક્ત માનપત્ર વાંચ્યા પછી રાજા સાહેબ પોતા તરફથી ટૂંકમાં અંગત સ્વાગતના બે શબ્દો બોલ્યા હતા, જેમાં તેમણે ઊંડી લાગણી દર્શાવી હતી. તે પછી સ્વામીજીએ જે જવાબ આપ્યો હતો તેનો જવાબ નીચે પ્રમાણે છે :
આપણી આ પવિત્ર માતૃભૂમિ ધર્મ અને તત્વજ્ઞાનની ભૂમિ છે, ત્યાગની ભૂમિ છે, ધર્મવીરોની જનની છે. આ સ્થળે, કેવળ આ જ સ્થળે જીવનના સર્વોચ્ચ આદર્શનો માર્ગ અત્યંત પ્રાચીન સમયથી માંડીને આજ સુધી માનવી સમક્ષ હમેશાં ખુલ્લો રહ્યો છે. પશ્ચિમના દેશોમાં હું વસ્યો છું. ભિન્ન ભિન્ન પ્રજાના અનેક દેશોનો પ્રવાસ મેં ખેડ્યો છે. પ્રત્યેક જાતિ અને પ્રત્યેક પ્રજા પાસે એક વિશિષ્ટ આદર્શ હોવાનું મને જણાયું છે; તેમના સમગ્ર જીવનમાં એક મુખ્ય આદર્શ ઓતપ્રોત થયેલો દેખાય છે, કે જે, તે પ્રજાના જીવનની કરોડરજ્જુ સમાન હોય છે. ભારતની કરોડરજ્જુ રાજનીતિ, લશ્કરી સત્તા, વાણિજ્યમાં પ્રાધાન્ય કે યંત્રવિદ્યાની પ્રતિભા નથી, પરંતુ ધર્મ છે; અને આપણું જે કાંઈ છે, અગર જે કાંઈ આપણે ઈચ્છીએ છીએ તે કેવળ ધર્મ જ છે. ભારતમાં સદૈવ આધ્યાત્મિકતા વિદ્યમાન રહી છે. શારીરિક શક્તિનાં પ્રદર્શનો ખરેખર મહાન છે; અને વિજ્ઞાનનાં સાધનો વડે ચાલતાં યંત્રો દ્વારા દેખાતો બૌદ્ધિક વિકાસ પણ અદ્દભુત છે. છતાં જગત ઉપર આત્મા જે પ્રભાવ પાડે છે તે કરતાં વધુ શક્તિશાળી આમાનું એક પણ નથી.
આપણી પ્રજાનો ઈતિહાસ બતાવે છે કે ભારત હમેશાં ખૂબ જ સક્રિય રહ્યું છે. આજે કેટલાક માણસો આપણને એમ કહે છે કે આપણે નરમ અને નિષ્ક્રિય છે; અને બીજા દેશોમાં તો આ એક પ્રકારની કહેવત બની ગઈ છે. પણ તેમનું જ્ઞાન મર્યાદિત છે. ભારત ક્યારેય પણ નિષ્ક્રિય હતું તે માન્યતાનો હું અસ્વીકાર કરું છું. આપણે આ ધન્ય માતૃભૂમિ કરતાં બીજા કોઈ પણ સ્થળે આથી વધારે પ્રવૃત્તિ હતી નહીં. આપણી પ્રવૃત્તિનો મહાન પુરાવો એ છે કે આપણી પ્રાચીનતમ અને મહાન જાતિ હજુય જીવંત છે, તથા પોતાની જ્વલંત કારકિર્દીના પ્રત્યેક દાયકામાં તે તાજગીભર્યું, અમર અને અવિનાશીયૌવન ધારણ કરતી જણાય છે. આ પ્રવૃત્તિ અહીં ધર્મમાં પ્રગટ થાય છે. પરંતુ માનવ સ્વભાવની એક વિશિષ્ટ ખાસિયત એ છે કે તે બીજાઓનું મૂલ્યાંકન પોતાની પ્રવૃત્તિના ધોરણે કરે છે. દાખલા તરીકે એક મોચી લ્યો. તે માત્ર જોડા બનાવવાનું જ સમજે છે. એમ વિચારે છે કે આ જીવનમાં જોડા બનાવવા સિવાય બીજું કંઈ મહત્વનું નથી. એક કડિયો કડિયાકામ સિવાય બીજું કશું સમજતો નથી અને પોતાના જીવનમાં રોજેરોજ માત્ર આ જ સિદ્ધ કરે છે. એક બીજું ઉદાહરણ પણ આનો ખુલાસો કરે છે. પ્રકાશનાં સ્પંદનો જ્યારે અત્યંત વેગીલાં હોય છે ત્યારે આપણે તે જોઈ શકતા નથી, કેમ કે આપણું શારીરિક બંધારણ જ એવું છે કે આપણે આપણી પોતાની દર્શનશક્તિની ભૂમિકાની બહાર કાંઈ જોઈ શકતા નથી. પરંતુ યોગી તો પોતાની આધ્યાત્મિક આંતર દષ્ટિ વડે પ્રાકૃત જનતાનાં જડવાદના આવરણો ભેદીને પાર જોઈ શકે છે.
સમગ્ર જગતની દષ્ટિ આજે આધ્યાત્મિક પોષણ માટે આ ભારતની ભૂમિ તરફ વળી છે; અને તમામ જાતિઓ માટે ભારતે તે પૂરું પાડવાનું છે. માનવજાત માટેનો સર્વોચ્ચ આદર્શ માત્ર અહીં ભારતમાં જ છે. અને જે આદર્શ આપણા સંસ્કૃત સાહિત્ય અને દર્શનોમાં સંગૃહીત છે, તથા યુગોના યુગોથી ભારતની જે વિશિષ્ટતા રહી છે, તે સમજવા માટે હવે પાશ્ચાત્ય વિદ્વાનો મથી રહ્યા છે. ઈતિહાસના છેક ઉદયકાળથી માંડીને કોઈ ધર્મોપદેશક હિંદુ ધર્મના સિદ્ધાંતોનો પ્રચાર કરવા ભારતની બહાર ગયો નથી; પરંતુ હવે એક અદ્દભુત પરિવર્તન આપણામાં આવી રહ્યું છે. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે ‘જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થાય છે અને અધર્મ પ્રબળ બને છે ત્યારે ત્યારે યુગે યુગે આ જગતને સહાય કરવા હું અવતાર ધારણ કરું છું.’ ધાર્મિક સંશોધનોએ એ સત્યનું પ્રગટ કર્યું છે કે એવો એક પણ દેશ નથી, કે જેણે પોતાના શુભ નીતિનિયમો આપણી પાસેથી લીધેલા ન હોય, એક પણ ધર્મ એવો નથી કે જેણે આત્માની અમરતાના આ શુભ ભાવો, પરોક્ષ કે અપરોક્ષ રીતે, આપણી પાસેથી લીધા સિવાય અન્યથા મેળવ્યા હોય.
જગતના ઈતિહાસમાં એવો કોઈ કાળ ન હતો, કે જ્યારે ઓગણીસમી સદીના ઉતરાર્ધની પેઠે, આટલી બેફામ લૂંટ, આટલી આપખુદી અને દુર્બળ પ્રજા ઉપર સબળ પ્રજાના આટલા અત્યાચારો થયા હોય. પ્રત્યેક મનુષ્યે જાણવું જોઈએ કે વાસનાઓને જીત્યા સિવાય મુક્તિ નથી; અને ભૌતિક જડતાના બંધનમાં સપડાયેલો કોઈ મનુષ્ય મુક્ત નથી. બધી પ્રજાઓ ધીમે ધીમે આ મહાન સત્યને સમજવા અને તેની કદર કરવા લાગી છે. આ સત્ય ગ્રહણ કરવાની સ્થિતિમાં શિષ્ય આવે કે તરત જ ગુરુ તેને મદદ કરવા આવી પહોંચે છે. તમામ ધર્મસંપ્રદાયોમાં અખંડપણે વહેતી પોતાની આ અનંત અને અપાર કૃપા વડે ઈશ્વર પોતાના સંતાનોને આ સહાય મોકલે છે. આપણો ઈશ્વર સર્વ ધર્મોનો ઈશ્વર છે, આ ભાવ કેવળ ભારતનો જ છે; અને હું તમારામાંથી એકેએકને, જગતના બીજા કોઈ પણ ધર્મગ્રંથમાંથી તે શોધી આપવાનો પડકાર કરું છું.
આપણે સૌ, ઈશ્વરના વિધાન અનુસાર એક અત્યંત કટોકટીભરી અને જવાબદારી ભરેલી સ્થિતિમાં આજે મુકાયા છીએ. પશ્ચિમની પ્રજાઓ આધ્યાત્મિક મદદ માટે આપણી પાસે આવવા લાગી છે. માનવના અસ્તિત્વની સમસ્યાઓનો ઉકેલ જગતને આપવા અર્થે પોતે સંપૂર્ણપણે તૈયાર રહેવાની એક મહાન નૈતિક જવાબદારી ભારતનાં સંતાનો ઉપર આવી પડી છે. આપણે એક વાત નોંધી લઈએ કે બીજા દેશોની મહાન વ્યક્તિઓ પોતાના પૂર્વજો તરીકે કેટલાક એવા લૂંટારા સરદારોને ગણાવે છે કે જેઓ પહાડના કિલ્લામાં રહેતા હતા અને અવારનવાર રાહદારીઓને લૂંટતા હતા. એથી ઊલટું આપણે એવા ઋષિમુનિઓના વંશજ હોવામાં ગૌરવ માનીએ છીએ કે જેઓ ફળમૂળ ખાઈને જીવતા હતાં અને પર્વતોની ગુફામાં પરમ તત્વનું ધ્યાન કરતા હતા. આજે ભલે આપણો અધઃપાત થયો હોય, ભલે આપણે અધમ બની ગયેલા દેખાતા હોઈએ, આપણે ગમે તેટલા અવનત થયા હોઈએ છતાં જો આપણે આપણા ધર્મને માટે સાચી નિષ્ઠાથી કામ કરવા માંડશું તો અવશ્ય મહાન બની શક્શું.
આપે મને આપેલા માયાળુ અને ભાવભીના સ્વાગત માટે આપ મારો હાર્દિક આભાર સ્વીકારજો. રામનદના નામદાર રાજાસાહેબના મારી પ્રત્યેના પ્રેમ બદલ મારી કૃતજ્ઞતા પ્રગટ કરવાનું અશક્ય છે. મારાથી કોઈ પણ શુભકાર્ય થયું હોય તો તેને માટે ભારત, ઘણે અંશે આ સજ્જનને આભારી છે; કેમ કે મારા શિકાગો જવાની કલ્પના તેમણે જ સૌથી પ્રથમ ઘડી હતી, તેમણે જ આ વિચાર મારા મગજમાં મૂક્યો હતો, અને તેને અમલમાં મૂકવાનો સતત આગ્રહ કરનાર પણ તેઓ જ હતા. અને મારે પડખે ઊભા રહીને પોતાના તમામ જૂના ઉત્સાહ સાથે હજુ વધુ ને વધુ કાર્ય તેઓ કરવાની મારી પાસેથી આશા રાખે છે. આપણી વહાલી માતૃભૂમિ પ્રત્યે પ્રેમ રાખનારા અને આધ્યાત્મિક માર્ગે તેની દુર્દશા દૂર કરવા માટે કાર્ય કરનારા, આવા થોડાએક વધારે રાજાઓ હોત તો કેવું સારું !
No comments:
Post a Comment