Google Search

Saturday, June 9, 2012

ધ્યાનનું શિક્ષણ – ભાણદેવ


એક આશ્રમ હતો. આશ્રમમાં એક સમર્થ ગુરુમહારાજ હતા. ગુરુમહારાજની સાથે તેમના અનેક શિષ્યો પણ રહેતા હતા. જેઓ અધ્યાત્મના સાચા જિજ્ઞાસુઓ હોય તેમને આશ્રમમાં સાધના કરવાની અનુકૂળતા મળી રહેતી અને તેમને ગુરુમહારાજ યથોચિત માર્ગદર્શન પણ આપતા.
એક વાર આશ્રમમાં એક નવો શિષ્ય દાખલ થયો. શિષ્યના મનમાં સત્યપ્રાપ્તિની અભીપ્સા હતી. તેનાથી પ્રેરાઈને જ તે આશ્રમમાં દાખલ થયો હતો. એક વાર આ નવાગંતુક શિષ્યે ગુરુમહારાજને પ્રાર્થના કરી :
‘ગુરુદેવ ! મને ધ્યાન કરવાની પદ્ધતિ શીખવો.’
તે વખતે તો ગુરુમહારાજ મૌન રહ્યા. થોડા દિવસો તે પછી તે શિષ્યે ગુરુમહારાજને ફરીવાર પ્રાર્થના કરી.
‘ગુરુદેવ ! મને ધ્યાન કરવાની પદ્ધતિ શીખવો.’
આ રીતે તે શિષ્ય ગુરુ મહારાજને વારંવાર પ્રાર્થના કરતો રહ્યો.
‘ગુરુદેવ ! મને ધ્યાન કરવાની પદ્ધતિ શીખવો.’
એક વાર ગુરુમહારાજે એક એકાંત સ્થાનમાં શિષ્યને પોતાની પાસે બેસાડ્યો. પોતાની પાસે બેસાડીને ગુરુ મહારાજે શિષ્યને એક નાની કથા કહી.
કથા આ પ્રમાણે છે:
એક મહાન ચોર હતો. તે ચોર ચોરી કરવાની વિદ્યામાં ઘણો પારંગત હતો. તે ચોર વૃદ્ધ થયો. તેને એક પુત્ર હતો. પુત્ર યુવાન થયો. તે યુવાન પાસે આજીવિકાનું અન્ય કોઈ સાધન હતું નહિ. તેણે પણ ચોરીનો ધંધો કરવાનું નક્કી કર્યું. પરંતુ ચોરીનો ધંધો તે માટેની આવશ્યક આવડત વિના ન કરી શકાય. આવડત વિના ચોરી કરવા જઈએ તો જેલમાં જવું પડે. યુવાન પુત્ર જાણતો હતો કે પોતાના પિતા ચોરી કરવાની વિદ્યામાં ઘણા પારંગત છે. પોતાના વૃદ્ધ પિતા પાસેથી ચોરી કરવાની વિદ્યા શીખી લેવાનું નક્કી કર્યું. પુત્રે પિતાને વિનંતી કરી, ‘પિતાજી ! આપ મને ચોરી કરવાની વિદ્યા શીખવો. મારી પાસે બીજા કોઈ ધંધાની આવડત નથી. તમારી પાસે આ ધંધાની આવડત છે. આપ કૃપા કરીને મને આ ધંધાની આવડત આપો તો મને આજીવિકાનું એક સાધન મળી રહે.’ પિતાએ ચોરી કરવાની વિદ્યા પુત્રને શીખવવા માટે સંમતિ દર્શાવી.
એક અંધારી રાત્રે તે વૃદ્ધ અને પારંગત ચોર પોતાના યુવાન પુત્રને સાથે લઈને ચોરી કરવા નીકળ્યો. વૃદ્ધ પિતા પોતાના યુવાન પુત્રને ચોરી કરવાની વિદ્યા વિશે મુખેથી કશું જ કહેતા નથી. શબ્દો દ્વારા તે પોતાના પુત્રને કશું જ શીખવતા નથી. ચોરી કરવાની વિદ્યાની કોઈ બારીક વાતો, કોઈ પદ્ધતિ, રીતરસમ કે વિકટ સમયે શું કરવું તેવી કોઈ બાબત વિશે તેઓ શબ્દના માધ્યમથી પોતાના યુવાન પુત્ર અને હવે શિષ્યને કોઈ શિખામણ આપતા નથી. તે વૃદ્ધ ચોર તો બસ અંધારામાં ચાલ્યો જ જાય છે અને તેની પાછળ ચાલે છે તેનો યુવાન પુત્ર. અંધારી રાત્રે ચોરી કરવા માટે નીકળેલા બંને એક શ્રીમંતની હવેલી પાસે પહોંચ્યા. વૃદ્ધ પુરુષ દીવાલ કૂદીને અંદર પ્રવેશ્યા. તેની સાથે તેનો યુવાન પુત્ર પણ અંદર દાખલ થયો. બંનેએ સાથે મળીને એક દીવાલમાં બાકોરું પાડ્યું. બંને ઘરની અંદર દાખલ થયા. ઘરના એક ઓરડામાં એક મોટો પટારો હતો. પિતાએ પુત્રને કહ્યું : ‘આ પટારાની અંદર જા અને અંદર સોનું, ચાંદી જેવી જે કોઈ કિંમતી વસ્તુ હોય તેનું એક પોટલું બાંધી લે.’
પિતાની સૂચના પ્રમાણે પુત્ર પટારાની અંદર પ્રવેશ્યો. પુત્ર કિંમતી પદાર્થો એકઠા કરવામાં તન્મય હતો અને બહાર ઊભેલાં પિતાએ પટારો બંધ કરી દીધો. પટારો બંધ કરીને પિતા તો દોડીને ઘરની બહાર નીકળી ગયો. શેરીમાં પહોંચીને જોર જોરથી ‘ચોર ચોર’ એ પ્રમાણે બૂમો પાડવા લાગ્યા. ઘરના માણસો અને નોકરો આ બૂમો સાંભળીને જાગી ગયા. બધા જાગી ગયા એટલે ડોસો દોડતો દોડતો નાસી ગયો. તેને નાસી જતો જોઈને સૌને લાગ્યું કે ચોર તો નાસી ગયો છે. ચોર તો નાસી ગયો છે, તેમ માનીને બધાં શાંત થઈ ગયા. યુવાન ચોર તો પટારામાં પુરાઈ ગયેલો છે. પટારો તેના વૃદ્ધ પિતાએ બહારથી બંધ કરી દીધો છે. યુવાન તો મૂંઝાયો હવે શું કરવું ? પટારામાંથી બહાર નીકળવું કેવી રીતે ? પહેલાં તો યુવાને પોતાના પિતાને મનોમન ગાળો દીધી કારણ કે પિતાએ જ પોતાના પુત્રને પટારામાં પૂર્યો હતો અને ‘ચોર ચોર’ની બૂમો પાડીને બધાને જગાડીને પોતે તે નાસી ગયો હતો. પણ એમ ગાળો દેવાથી પટારો કંઈ ખૂલી ન જાય ! પરિસ્થિતિ માણસને શીખવે છે. વિકટ સંજોગો હોય ત્યારે તેમાંથી મુક્ત થવાનો માર્ગ પણ માણસને અંદરથી સૂઝે છે. તેમ જ થયું. તે યુવાન ચોરને ઉપાય સૂઝ્યો.
યુવાને પટારાની અંદરથી ધીમે ધીમે ‘મ્યાઉં મ્યાઉં’ એમ બિલાડીના અવાજ જેવો અવાજ કરવા માંડ્યો. બિલાડીનો અવાજ સાંભળીને ઘરનો નોકર હાથમાં દીવો લઈને બિલાડીને શોધવા માટે ઘરમાં આંટા મારવા લાગ્યો. યુવાન ચોરે બિલાડીનો ‘મ્યાઉં મ્યાઉં’ અવાજ ચાલુ રાખ્યો. આખરે નોકરને સમજાયું કે બિલાડીનો અવાજ તો પટારામાંથી આવે છે. તેને સમજાયું કે બિલાડી તો પટારામાં છે. બિલાડીને પટારામાંથી બહાર કાઢવા માટે તેણે એક હાથથી દીવો પકડી રાખ્યો અને બીજા હાથથી પટારો ખોલ્યો. અંદર બેઠેલા ચોરને પકડાઈ જવાની બીક તો લાગી પરંતુ તેનો ઉપાય પણ સૂઝ્યો. તે ઊભો થયો. તેણે બહુ ત્વરાથી ફૂંક મારીને નોકરના હાથમાં રહેલો દીવો ઓલવી નાખ્યો. એટલી જ ત્વરાથી તેણે ધક્કો મારીને નોકરને પાડી દીધો અને પોતે કિંમતી વસ્તુઓનું પોટલું લઈને નાસવા માંડ્યો. ફરીથી ‘ચોર ચોર’ની બૂમો પડી. ઘરના નોકરો અને ઘરમાલિકના પરિવારજનો ચોરની પાછળ દોડ્યા. પોટકાના વજન સહિત દોડીને નાસી જવું મુશ્કેલ હતું. પોટકું છોડીને નાસી જાય તો ફેરો વ્યર્થ જાય. શું કરવું ? ચોરને ઉપાય સૂઝ્યો. રસ્તાની એક બાજુ પર કૂવો હતો. ચોરે બાજુમાં પડેલો એક મોટો પથ્થર ઉપાડીને કૂવામાં ફેંક્યો. ચોરનો પીછો કરી રહેલાં સૌને લાગ્યું કે ચોર કૂવામાં કૂદી પડ્યો છે. બધા કૂવાની આજુબાજુ ઊભા રહ્યા અને ચોરને કૂવામાંથી બહાર કાઢીને કેવી રીતે પકડવો, તેનો વિચાર કરવા લાગ્યા. દરમિયાનમાં તે યુવાન શિખાઉ ચોર કિંમતી દાગીનાઓનું પોટલું લઈને નાસી ગયો અને સલામત રીતે પોતાને ઘેર પહોંચી ગયો.
ઘેર આવીને તુરત તેણે પિતાની સાથે ઝગડો કરવા માંડ્યો. તે બોલ્યો :
‘અરે ! તમે તો મારા પિતા છો કે દુશ્મન ? મને મોતના મોંમા મૂકીને નાસી આવતાં તમને શરમ ન આવી ?’
પિતાએ શાંતિથી કહ્યું : ‘શાબાશ ! તું આવી ગયો ને બેટા ! હવે અહીં મારી પાસે શાંતિથી સૂઈ જા. સવારે વાત કરશું. જેણે ચોર બનવું છે તેણે આવી નાની બાબતોમાં ગભરાઈ જવું ન પાલવે. ગમે તેવા વિકટ સંજોગોમાં પણ જાણે કાંઈ જ બન્યું નથી, તેમ માનીને શાંતિથી સૂઈ જતાં તેને આવડવું જોઈએ.’ પુત્ર ચૂપચાપ પિતાની બાજુમાં સૂઈ ગયો.
પુત્રે સવારે પોતે કેવી રીતે કિંમતી દાગીનાનાં પોટકાં સહિત સલામત રીતે છટકીને અહીં આવી પહોંચ્યો તેની વિગતવાર વાત પિતાને કહી. પિતાએ કહ્યું : ‘શાબાશ, બેટા ! તું ચોરી કરવાની વિદ્યામાં પારંગત થઈ ગયો છે. મારે હવે તને કાંઈ શીખવવાનું બાકી રહેતું નથી. હવે તું તારી રીતે ચોરી કરી શકે છે. કર ફતેહ !’ પુત્ર પિતાની યોજના સમજી ગયો. પિતાએ આગળ કહ્યું : ‘બેટા ! ચોરીની વિદ્યા શીખવાની કોઈ શાળા હોતી નથી કે તે વિદ્યા શીખવા માટે કોઈ પુસ્તકો હોતાં નથી. સંજોગો જ માનવીને ઘડે છે, એ તો આપોઆપ આવડવા માંડે છે બેટા ! આ તો કોઠાવિદ્યા છે. તને વિકટ સંજોગોમાંથી માર્ગ કેમ કાઢવો તે શીખવવા માટે જ હું તને તેવા સંજોગોમાં મૂકીને નાસી આવ્યો હતો. સમજ્યો ?’ પુત્ર બધું જ સમજી ગયો.
ગુરુ મહારાજે પોતાના પ્રિય શિષ્યને આ કથા કહી અને પછી તેને સમજાવ્યું, ‘બેટા ! ધ્યાન શીખવા-શીખવવાની વસ્તુ નથી. ધ્યાન તો અંદરથી ઉગે છે. જેમ ઈતિહાસ, ગણિત, ઈજનેરી વિદ્યા શીખી-શીખવી શકાય છે તેમ ધ્યાન શીખી-શીખવી શકાતું નથી. સૂત્રો આપવાથી, સૂચનો કરવાથી, વ્યાખ્યાનો કરવાથી, પુસ્તકો ભણાવવાથી ધ્યાન થઈ જાય તેમ નથી. ધ્યાન તો ચિત્તની વૃત્તિમુક્ત અવસ્થાનું નામ છે. ધ્યાન તો આંતરિક સૂઝથી સમજાય છે. એ તો કોઠા વિદ્યા છે. ધ્યાન ભાષાગમ્ય નથી, અનુભવગમ્ય છે. ધ્યાન તને કોઈ શીખવી શકે નહિ. તું અહીં આશ્રમમાં રહે. અધ્યાત્મ તરફ અભિમુખતા રાખજે. ધ્યાનમાં તારો પ્રવેશ આપોઆપ થવા માંડશે. જેમ વરસાદ આવતાં ધરતીમાંથી લીલું લીલું ઘાસ ઊગી નીકળે છે, તેમ તારામાં ધ્યાન ઊગી નીકળશે.’ ગુરુદેવના કહેવાનો મર્મ શિષ્ય સમજી ગયો. પ્રસન્ન ચિત્તે શિષ્યે ગુરુના ચરણોમાં પ્રણામ કર્યા.
ધ્યાન કશુંક કરવાની ઘટના નથી. એ તો કશું જ ન કરવાની અવસ્થા છે. કશુંક કરવાનું શીખવી શકાય છે, પરંતુ કંઈ જ ન કરવાનું કેવી રીતે શીખવી શકાય ? શરીર અને મનને કરવાની કોઈ ક્રિયા શીખવી શકાય છે, પરંતુ શરીર અને મનથી પારની અવસ્થામાં સ્થિર થઈ જવાનું કોણ કોને શીખવી શકે ? કેવી રીતે શીખવી શકાય ? હા, ગુરુ માત્ર ઈશારો આપી શકે છે. ગુરુ અંગુલિનિર્દેશ કરી શકે છે. તે અંગુલિનિર્દેશને આધારે ધ્યાનની નદીમાં છલાંગ તો શિષ્યે પોતાની જાતે જ મારવી પડે છે.

No comments:

Post a Comment