જીવનકથા કદી પૂરી થતી નથી. મૃત્યુ જ તેનું પૂર્ણવિરામ થઈ શકે. જોકે ઘણા લોકોની કથા તો મૃત્યુ પછી પણ ચાલતી રહે છે, જો તેમની પાસે યશનો ઢગલો વધુ હોય તો. યશ કવિ-પ્રચલિત હોય છે. જો કવિ મળે તો જ તેનો વિસ્તાર તથા પ્રચાર થાય, પણ જો કવિ ન મળે તો યશ સુકાઈ જાય. બધાને કવિ મળતા નથી. કવિનું મળવું એ પણ મોટું ભાગ્ય જ કહેવાય. અને કદાચ કથા તો દુઃખોની જ હોય, સુખોની કથા ન હોય. હોય તો નીરસ હોય. પાંડવો દુઃખી છે તેથી તેમની કથા છે. વન-વનમાં ભટકી રહ્યાં છે. સમય કાઢવો કેવી રીતે ? શું કરવું ? બેકારીના દિવસો બહુ લાંબા હોય છે. ખેંચ્યાય ન ખૂટે. આ તો સારું છે કે પાંડવો છ જણા છે. સમૂહ છે તેથી સમય વીતી જાય છે. સ્ત્રી હોય એટલે સમય ગતિવાળો થઈ જાય. સ્ત્રી હસે કે રોક્કળ કરે, જે કરે તે, પણ પુરુષને વ્યસ્ત રાખે. વ્યસ્તતા સમયને ગતિશીલ બનાવી દે છે. પણ જો પુરુષ એકલો જ હોય તો સમય ગતિહીન થઈ જાય. સ્ત્રી એકલી હોય તોપણ સમય ગતિહીન થઈ જાય. પુરુષ હોય તો જ સ્ત્રી ખીલે છે. એકલી સ્ત્રી ખીલતી નથી, તેથી સમય ખૂટતો નથી.
અર્જુનને થયું કે હવે નવરા બેઠા શું કરવું ? ચાલ ઈન્દ્રકીલ પર્વતની યાત્રા કરું. ત્યાં ઈન્દ્ર રહે છે તેમને મળું. તેમની પાસેથી ઘણી વિદ્યાઓ શીખવાની છે. પ્રત્યેક વ્યક્તિએ જીવનભર વિદ્યાર્થી રહેવું જોઈએ. શીખતા જ રહો, શીખતા જ રહો. જ્ઞાન અનંત અને અખૂટ છે. ભાઈઓની રજા લઈને ગાંડીવ-ધનુષ્ય હાથમાં લઈને અર્જુન તો ચાલી નીકળ્યો. એક જ દિવસમાં તે પુણ્યપર્વત ઉપર પહોંચી ગયો. ત્યાંથી ગંધમાદન-પર્વત ઉપર પહોંચ્યો. એમ ચાલ-ચાલ કરતાં-કરતાં અંતે તે ઈન્દ્રકીલ પર્વત ઉપર પહોંચી ગયો. તે આગળ જતો હતો ત્યાં તો ‘ઊભો રહે ! ઊભો રહે !’ એવો અવાજ આવ્યો.
અવાજ સાંભળીને અર્જુન ઊભો રહી ગયો. તેણે જોયું તો વૃક્ષના મૂળમાં એક તપસ્વી મહાત્મા બેઠા હતા. અર્જુને તેમને પ્રણામ કર્યા. પૂજ્ય પુરુષોને પ્રણામ કરનારને આશીર્વાદ મળતા હોય છે. અને જેને આશીર્વાદ મળે તેનું કાર્ય સફળ થતું હોય છે. મહાત્માએ કહ્યું કે, ‘આ પ્રદેશ તપસ્વી બ્રાહ્મણોનો છે. અહીં કદી યુદ્ધ થતું નથી, એટલે શસ્ત્રોની જરૂર પડતી નથી. તો પછી તમે શસ્ત્ર ધારણ કેમ કર્યું છે ? ધનુષ્ય-બાણને અહીં જ છોડી દે અને પછી આગળ જા.’ પેલા મહાત્માએ વારંવાર શસ્ત્ર છોડી દેવાનો આગ્રહ કર્યો, પણ અર્જુને શસ્ત્રત્યાગ કર્યો નહિ. ખરેખર કેટલાંય સ્થળો કલહ વિનાનાં હોય છે. જ્યાં સાત્વિક લોકો રહેતા હોય ત્યાં કલહ ન હોય, કદાચ હોય તો થોડો હોય, ડંખ વિનાનો હોય. સવારે લડે અને સાંજે ભેગા થઈ જાય. આવી જગ્યાએ શસ્ત્રોની જરૂર ન રહે. કેટલીક જગ્યાઓ કલહપ્રિય લોકોની હોય છે. આખો દિવસ લડાઈ-ઝઘડા થયા જ કરતા હોય છે. ત્યાં અપરાધોનું પ્રમાણ ઘણું વધારે હોય છે. પહેલા તો આવી જગ્યામાં રહેવું નહિ અને કદાચ રહેવું પડે તો શસ્ત્રધારી થઈને રહેવું, જેથી સ્વરક્ષણ અને સ્વજનોનું રક્ષણ કરી શકાય.
અર્જુને શસ્ત્રત્યાગ ન કર્યો તેથી પેલા મહાત્મા પોતાના અસલી રૂપમાં પ્રગટ થયા. તે ઈન્દ્ર હતા. તે પ્રસન્ન થયા. તેમણે કહ્યું, ‘અર્જુન, ક્ષત્રિયે કદી પણ શસ્ત્રત્યાગ કરવો જોઈએ નહિ. શસ્ત્ર એ ક્ષત્રિયનું અંગ છે. તારી મક્કમતાથી હું પ્રસન્ન થયો છું. વરદાન માગ !’ ભારતમાં બે ધારાઓ પ્રચલિત થઈ છે : શસ્ત્રત્યાગ કરાવનારાઓની અને શસ્ત્ર ધારણ કરાવનારાઓની. શસ્ત્રત્યાગીઓથી રાષ્ટ્ર મજબૂત નથી થયું, દુર્બળ જ થયું છે. ધર્મરક્ષા માટે પણ શસ્ત્ર ધારણ કરવું જરૂરી છે. ‘મહાભારત’નો આદર્શ શસ્ત્રો છે, શસ્ત્રત્યાગ નથી. અર્જુનની શસ્ત્રત્યાગ નહિ કરવાની મક્કમતાથી ઈન્દ્ર પ્રસન્ન થયા અને વરદાન માગવાનું કહ્યું. અર્જુને કહ્યું : ‘બધી શસ્ત્રવિદ્યા મને આપો.’ ઈન્દ્રે તેને બીજું કાંઈ માગવાની પ્રેરણા અને લાલચ આપી, પણ અર્જુન તો મક્કમ જ રહ્યો, ‘મારે તો મારા ભાઈઓ અને મારી પત્નીનો બદલો લેવો છે, એટલે શસ્ત્રવિદ્યા જરૂરી છે.’
જો અર્જુનને કોઈ શસ્ત્રત્યાગી મુનિ મળ્યા હોત તો તેના વિચારો જુદા હોત. તે પણ શસ્ત્રત્યાગી – અરે, શસ્ત્રો પ્રત્યે ઘૃણા કરનારો થઈ ગયો હોત. તો પછી દ્રૌપદીના અપમાનનું શું ? કશું નહિ, એવું તો ચાલ્યા કરે. સહન કરી લેવાનું, ક્ષમા કરી દેવાની. પણ ક્ષમા માગે તો ક્ષમા કરાય ને ? ના, ના, વગર માગ્યે પણ ક્ષમા કરી દેવાની, કારણ કે આપણે પ્રતિરોધ કરવો નથી. બદલો લેવો નથી. કજિયાનું મોઢું કાળું – સમજીને સહન કરી લેવાનું છે. આવી પણ વિચારધારા ભારતમાં પ્રચલિત છે. પણ અર્જુન આવી વિચારધારાથી અલગ છે : ‘બદલો લેવો જ છે, તેથી અસ્ત્ર-શસ્ત્રો જરૂરી છે.’ અર્જુનની મક્કમતા જોઈને ઈન્દ્રે કહ્યું કે : ‘પહેલાં તું શિવજીની આરાધના કર. શિવજી પ્રસન્ન થાય પછી મારી પાસે આવજે.’
આપણે ત્યાં બધી વિદ્યાઓના આચાર્ય ભગવાન શિવ છે. પ્રથમ તેમની આરાધના કર્યા પછી જ કોઈ પણ વિદ્યામાં પ્રગતિ થતી હોય છે. અર્જુન શિવજીને પ્રસન્ન કરવા તપસ્યા-હેતુ હિમાલય તરફ ચાલી નીકળ્યો. હિમાલયમાં એક સુંદર જગ્યાએ રહીને તે ઘોર તપ કરવા લાગ્યો. તેની તપસ્યાથી ઋષિમુનિઓ બધા સ્તબ્ધ થઈ ગયા અને મહાદેવજી પાસે કૈલાસ જઈને બધો વૃત્તાંત નિવેદિત કર્યો. મહાદેવે કહ્યું : ‘ચિંતા ન કરો. અર્જુનનો હેતુ હું જાણું છું.’ અર્જુનની પાસે મહાદેવજી પહોંચી ગયા, પણ કિરાતવેશમાં હોવાથી અર્જુન ઓળખી શક્યો નહિ. મહાદેવજીની સાથે ભૂતપિશાચાદિની સાથે હજારો સ્ત્રીઓ પણ હતી. આવા વિચિત્રવેશધારી શિવજીને ઓળખી ન શકવાથી અર્જુને પડકાર કરી ગાંડીવ હાથમાં લઈ લીધું. મહાદેવજી નિકટ આવે તેના પહેલાં એક મૂક નામનો રાક્ષસ ભૂંડનું રૂપ ધારણ કરીને ચઢી આવ્યો. કિરાતરૂપી શિવજી અને અર્જુન બન્નેએ એકીસાથે તેના ઉપર બાણ છોડ્યાં. મૂક ધરાશાયી થઈ ગયો. પછી કિરાત અને અર્જુનનો વિવાદ થયો કે આ રાક્ષસ કોના બાણથી મર્યો ? છેવટે બન્નેમાં ભયંકર યુદ્ધ થયું. અર્જુને જેટલાં બાણ અને જેટલાં શસ્ત્રો છોડ્યાં તે બધાં કિરાતે શોષી લીધાં. છેવટે અર્જુન થાક્યો અને હાર્યો, શિવને શરણે ગયો. તેને ખાતરી થઈ ગઈ કે આ કિરાત બીજું કોઈ નહિ પણ શિવ જ છે. તેણે ખૂબ પ્રાર્થના કરી. શિવજી પ્રસન્ન થયા અને અર્જુનને વરદાન માગવા કહ્યું. અર્જુને કહ્યું કે, ‘મને પાશુપતાસ્ત્ર આપો.’ શિવજીએ પ્રસન્ન થઈને અર્જુનને પાશુપતાસ્ત્ર આપ્યું. પછી પાશુપતાસ્ત્રની બધી વિધિ સમજાવી. આ રીતે ભગવાન શિવની પાસેથી મહાન અસ્ત્ર લઈને અર્જુન આગળ વધ્યો અને દિકપાલો, કુબેર વગેરે ઘણા દેવોને મળ્યો. આ બધા દેવો પોતપોતનાં વિમાનો રાખતા હતા. તેમની પાસેથી પણ દંડાસ્ત્ર ગ્રહણ કર્યું.
જેણે યુદ્ધ કરવું હોય તેણે અનેક પ્રકારનાં અસ્ત્રશસ્ત્રો વિકસાવવાં તથા ગ્રહણ કરવાં જોઈએ. વિશ્વ ઉપર શસ્ત્રધારીઓ જ રાજ કરતા આવ્યા છે અને આગળ પણ આ જ નિયમ ચાલવાનો છે, એટલે મહાન રાષ્ટ્રે તો હંમેશાં નવાંનવાં શસ્ત્રો વિકસાવવાં જ જોઈએ.
No comments:
Post a Comment