Google Search

Saturday, June 9, 2012

કર્મનો સિદ્ધાંત – હીરાભાઈ ઠક્કર


મનુષ્યજીવનમાં ઈશ્વરે જીવને સંપૂર્ણ સ્વતંત્રતા આપી છે. મનુષ્ય સિવાયની બીજી કોઈ પણ યોનિઓમાં સંપૂર્ણ સ્વતંત્રતા નથી. કારણ કે એ તમામ ભોગ-યોનિઓ છે. એમાં તો જીવ માત્ર પ્રારબ્ધ ભોગવીને જ છૂટી જાય છે. એમાં નવા કર્મો જમા થતાં નથી. મનુષ્ય સજ્જ્ન થવાને સ્વતંત્ર છે. એટલું જ નહિ, પરંતુ એને દુર્જન થવું હોય તો પણ (તેના પોતાના હિસાબે અને જોખમે) તે સ્વતંત્ર છે. માણસને એકલું દાન કરવાની જ સ્વતંત્રતા છે તેવું નથી, પરંતુ તેને સંઘરાખોરી કરવી હોય તો પણ તે સ્વતંત્ર છે. માણસને માત્ર સાચું બોલવું હોય તો તેને સ્વતંત્રતા છે તેવું નથી, તેને જુઠ્ઠું બોલવું હોય તો જુઠ્ઠું બોલવા માટે સ્વતંત્ર છે. અરે, મનુષ્યયોનિમાં માણસને જાતે આપઘાત કરવાની પણ સ્વતંત્રતા છે, જ્યારે પશુ-પક્ષી યોનિમાં અગર બીજી કોઈ યોનિમાં આપઘાત કરવાની પણ સ્વતંત્રતા નથી. આ રીતે માણસને ઈશ્વરે સંપૂર્ણ બનાવ્યો છે.
મનુષ્યયોનિમાં માણસમાં વિજ્ઞાનમય કોષ અને આનંદમય કોષ એમ બે વધારાના કોષ પરમાત્માએ આપેલા છે, જે બીજી યોનિમાં નથી. માણસ સ્વતંત્ર છે, કારણ કે તેનામાં રહેલો વિજ્ઞાનમય અને આનંદમય પરમાત્મા પણ પરમ સ્વતંત્ર છે. માણસ જો બૂરો થવામાં સ્વતંત્ર ના હોય તો પછી તેને ભલા થવાની સ્વતંત્રતાનો કોઈ અર્થ જ ના રહે. જો માણસમાં બેઈમાન થવાની સ્વતંત્રતા ના હોય તો પછી તેને ઈમાનદાર થવાની સ્વતંત્રતાની કશી જ કિંમત ના રહે. બહુ તો આપણે એમ કહી શકીએ કે તે માણસને જુઠ્ઠું બોલવાની સ્વતંત્રતા હતી છતાં તે ઈમાનદાર રહ્યો, એ તેની વિશિષ્ટતા છે. જુઠ્ઠું બોલવાની સ્વતંત્રતા છે તેથી જ સત્યવક્તાની કિંમત છે. બેઈમાન થવાની સ્વતંત્રતા છે તેથી જ ઈમાનદારની પ્રતિષ્ઠા છે.
માણસ ફક્ત સારો થવામાં જ સ્વતંત્ર હોય અને ખરાબ થવામાં સ્વતંત્ર ના હોય તો તે સ્વતંત્રતા સંપૂર્ણ ના કહેવાય. તમે એમ કહો કે મેં મારી પત્નીને સંપૂર્ણ સ્વતંત્રતા આપી છે. આખી તિજોરી તેને આપી દીધી છે. પરંતુ કૂંચીઓ મારી પાસે રાખી છે. તો એવી સ્વતંત્રતા એ સંપૂર્ણ સ્વતંત્રતા ના કહેવાય, મશ્કરી કહેવાય. એક ગમ્મતની વાત મારા વાંચવામાં આવી હતી. અમેરિકામાં હેન્રી ફૉર્ડે જ્યારે સૌ પહેલી મોટરકાર બનાવી ત્યારે તેણે બધી મોટરો એક જ રંગની – કાળા રંગની – બનાવી. પછી તેણે વેચાણની દુકાન ઉપર ગ્રાહકોને સૂચના આપતું બોર્ડ લગાવ્યું કે : ‘You can choose any colour you like, provided it is black.’ એટલે કે તમે ગમે તે રંગ પસંદ કરી શકો છો, તે કાળો હોવો જોઈએ. બધી ગાડીઓ કાળા રંગની જ હતી ! બીજો કોઈ રંગ હતો જ નહિ. પરંતુ સ્વતંત્રતા પૂરેપૂરી હતી !
સ્વતંત્રતા દ્વિમુખી નથી. તમે કામ કરો અને પાછા એની જવાબદારીમાંથી મુક્ત રહો, એમ ન બને. Freedom implies responsibility. કર્મ કરવામાં સંપૂર્ણ સ્વતંત્ર છો, તો તેનું ફળ-પરિણામ ભોગવવામાં પણ તેટલા જ પરતંત્ર છો, તેનું ચોક્કસ ભાન રાખવું જ પડશે. ઈશ્વરે તો ગીતામાં સ્પષ્ટતા કરી દીધી છે કે તમે કર્મ કરો, તેમાં મારી કોઈ પણ પ્રકારની જવાબદારી કે ભાગીદારી નથી. કામ કરવામાં તમે સંપૂર્ણ સ્વતંત્ર છો પરંતુ તેનું જે પરિણામ આવે તેનું બંધન તો તમારે સ્વીકારવું જ પડે. તમે પાપ કરો તો તમે દુઃખ ભોગવો, ભગવાન શા માટે ભોગવે ? તમે પુણ્ય કરો તો તમે સુખ પામો. ઈશ્વરને તમારું પુણ્ય નથી જોઈતું. તમે ખૂન કરો અને તમારા પિતાશ્રી ફાંસીએ ચઢે એવો ન્યાય ના થાય. કર્મ માત્ર બંધન છે તે બરાબર સમજી લેવું. કર્મ કરતાં પહેલાં કેવું કર્મ કરવું તેનો નિર્ણય કરવામાં તમે સ્વતંત્ર. એક વખત કર્મ કર્યા પછી તેનું જે પરિણામ-બંધન આવી પડે તે તો તમારે સ્વીકારવું જ પડે. આ સંબંધમાં એક વાર્તા મારા વાંચવામાં આવી છે : એક માણસે એક સંતમહાત્માને પૂછ્યું કે ‘મહારાજ ! કર્મ કરવામાં મારી સ્વતંત્રતા કેટલી ?’
મહાત્માએ કહ્યું : ‘એક પગ ઊંચો રાખીને એક પગે ઊભો રહી જા.’ પેલો માણસ જમણો પગ ઊંચો કરીને એક પગે – ડાબા પગે – ઊભો રહી ગયો. તો મહાત્માએ કહ્યું કે હવે બીજો પગ ઊંચો કર. પેલા માણસે કહ્યું, ‘શું મહારાજ ! તમે પણ મારી મશ્કરી કરો છો ! જમણો પગ ઉઠાવ્યા પછી ડાબો પગ કેવી રીતે ઉઠાવાય ? અને તેમ કરું તો હું હેઠો જ પડું. હું તો જમણો પગ ઉઠાવીને બંધાઈ ગયો. હવે ડાબો પગ ઉઠાવાય નહિ.’
મહાત્માએ કહ્યું : ‘પરંતુ પહેલેથી જ ડાબો પગ ઉઠાવ્યો હોત તો તું ડાબો ઉઠાવી શકત કે નહીં ?’
પેલા માણસે કહ્યું : ‘બિલકુલ ઉઠાવી શકત. પહેલેથી જ મેં ડાબો પગ ઉઠાવ્યો હોત તેમ કરવાને હું સ્વતંત્ર હતો, કારણ કે ત્યાં સુધી હું બંધાઈ ગયો ન હતો. ત્યાં સુધીમાં બેમાંથી કોઈ પણ પગ ઉઠાવવાનું કર્મ કર્યું ન હતું. ડાબો પગ પહેલો ઉઠાવ્યો હોત તોપણ બંધાઈ જાત પછી જમણો પગ ના ઉઠાવી શકત.’
મહાત્માએ કહ્યું, ‘બસ એ જ પ્રમાણે કોઈ પણ કર્મ કરવામાં તું સ્વતંત્ર છું. પરંતુ પ્રત્યેક કર્મ કરતાંની સાથે જ તે બંધનમાં જકડી દે છે.’
આપણે જ્યારે કોઈ પણ કર્મ કરીએ છીએ ત્યારે તેના કોઈક ચોક્કસ પરિણામને નજરમાં રાખીને જ કરીએ છીએ. આપણા ધાર્યા મુજબનું પરિણામ આવે ત્યારે આપણે તે કર્મ ‘સફળ’ થયું ગણીએ છીએ અને આપણા ધાર્યા મુજબનું ફળ ના આવે ત્યારે આપણે તે કર્મને ‘નિષ્ફળ’ થયું ગણીએ છીએ. કોઈ પણ કર્મનાં બે જ પરિણામ હોઈ શકે : સફળતા અગર તો નિષ્ફળતા. ખરેખર તો કોઈ પણ કર્મ નિષ્ફળ હોતું જ નથી. કોઈ પણ કામ કરો, ફળ તો મળવાનું જ. એટલે તમામ કર્મ સ-ફળ જ હોય છે. તમારા ધાર્યા મુજબનું પરિણામ ના આવે એટલે તમે તેને નિષ્ફળ થયું ગણો છો, અને ત્યાં જ તમારી ભૂલ થાય છે. કોઈ પણ કર્મ નિષ્ફળ જતું નથી; પરંતુ તે ફળ તમારી ધારણા પ્રમાણે જ આવે એવી કોઈ ગેરંટી નથી. તમારી ધારણા પ્રમાણેનું ફળ ના આવે તો તે કર્મ અગર તે કર્મ કરવાની પદ્ધતિમાં ક્યાંક દોષ સમજવો. ફળ તો ઈશ્વરના કાયદા મુજબ જ મળે અને કર્મનું ફળ આપવામાં કોઈ અન્યાય કે લાગવગશાહી ચાલે નહિ. જો તમે માત્ર ફળની ઉપર જ નજર રાખીને કર્મ કરો તો તે થવું જોઈએ તેટલા ઉત્તમ પ્રકારનું થાય જ નહિ અને તેના પરિણામે તેનું ફળ તમારી ધારણા મુજબનું આવે નહિ. પરંતુ અહીં કર્મ કરતાં પહેલાં ફળનો બિલકુલ ખ્યાલ જ ન રાખવો, અને કર્મ આંખો મીંચીને ધીબે જ રાખવું એવો અર્થ પણ નથી. કર્મ કરતાં ફળનો ખ્યાલ રાખવો જ પડે. દાખલા તરીકે કોઈ ખેડૂત ખરા ઉનાળામાં જ્યાં પાણીની બિલકુલ સગવડ ના હોય તેવી તદ્દન ઉષળ અને ખરાબા જેવી ખારી જમીનમાં અનાજનું ઉત્તમ બી નાખે તો તે ધોમધખતા તાપમાં બળી જ જાય. કર્મના ફળનો વિચાર નહિ કરવો, એનો અર્થ એવો છે કે કર્મના ફળમાં આસક્તિ-લોભ નહિ રાખવો. પરંતુ કર્મનું ઉત્તમ પ્રકારનું ફળ પ્રાપ્ત થાય તેવો સમજપૂર્વકનો પુરુષાર્થ તો કરવો જ જોઈએ.
કર્મનું ફળ ના મળવું જોઈએ અગર ફળ ના લેવું જોઈએ એવો ગીતાનો ઉપદેશ નથી. ગીતા તો કહે છે કે કર્મ ફળ આપ્યા સિવાય છોડશે નહિ. મારે કર્મનું ફળ જોઈતું નથી એવું કોણ કહે ? ચોર, વ્યભિચારી, દુષ્ટ કર્મ કરનાર જ કહે કે મારે મારા કામનું ફળ (પાપ-દુઃખ) જોઈતું નથી. પણ તે ના ચાલે. કર્મ ફળ તો આપે જ, અને તે ભોગવવું જ પડે.
હવે કર્મયોગની વાત. અભણ માણસો યોગ એટલે શું તે ના સમજે તે તો જાણે ઠીક પરંતુ ઘણાં કહેવાતાં ભણેલાંઓ પણ ‘યોગ’ શબ્દ સાંભળીને ભડકે છે. ‘યોગ’ શબ્દનો અર્થ ઘણા વિદ્વાનોએ અને પંડિતોએ પોતપોતાની બુદ્ધિ અનુસાર જુદી જુદી રીતે કરેલો છે. પરંતુ યોગ જો જીવનમાં પૂરેપૂરો વણાઈ ના જાય અને જીવનવ્યવહારમાં દરેક ક્ષેત્રે જો યોગનો ઉપયોગ ના થાય તો તેવા યોગના અર્થની સર્વસામાન્ય માણસને માટે કશી જ કિંમત ના રહે. એકે એક માણસ તેના જીવનની એકએક ક્ષણે યોગ સાધી શકે તો જ યોગની કિંમત ગણાય. બાકી માત્ર પંડિતો અને વિદ્વાનો જ યોગનો અર્થ તેમનાં ભાષણોમાં કરતા ફરે, અગર તો સાધુ-સંન્યાસીઓ જંગલમાં જઈને એકલા બેઠા યોગ સાધી શકે એવો જ જો યોગનો અર્થ થતો હોય તો એવો યોગ આપણા જેવા સર્વસામાન્ય માણસ માટે નકામો છે. એક મિલમજૂર કે એક મિલમાલિક, એક લારી ફેરવનારો કે એક મોટરમાં બેસનારો, એક શેઠ કે એક ગુમાસ્તો, એક પટાવાળો કે એક કલેકટર અગર તો કોઈ મોચી, કુંભાર, દરજી, વેપારી કે નોકરિયાત એવા સમાજના એક એક સ્તરનો દરેક માણસ તેના જીવનમાં દરેક દરેક ક્ષણ – ખાતાંપીતાં, ઊઠતાંબેસતાં, નહાતાંધોતાં, નોકરીધંધો, વેપાર કરતાં કરતાં, સતત ચોવીસે કલાક યોગ કરી શકે એવો જીવનઉપયોગી યોગનો વ્યાવહારિક અર્થ બરાબર સમજવો જોઈએ.
ભગવદગીતા યોગનો સાચો અર્થ આપતાં કહે છે કે ‘પોતાનું કામ કુશળતાપૂર્વક કરવું તેનું નામ યોગ.’ પ્રારબ્ધવશાત જે માણસના જીવનમાં તેનું કર્મ નિયત નિશ્ચિત થયેલું છે, તે કર્મ બરાબર કુશળતાપૂર્વક કરે તો તેણે યોગ કર્યો કહેવાય. એક દરજી અંગરખું બરાબર સરસ રીતે સીવે, તેમાં એક બાંય લાંબી નહિ કે બીજી બાંય ટૂંકી નહિ પરંતુ બરાબર માપસર સીવે અને તેમાં તેની કુશળતાનો એકાગ્ર ચિત્તથી મન દઈને ઉપયોગ કરે તો તેણે યોગ કર્યો કહેવાય. એક મોચી તેના ઘરાકનો જોડો બરાબર સીવે અને તે પહેરતાંની સાથે જ ઘરાક રાજી થઈ જાય તેવી કાળજીથી અને કુશળતાથી તે ચિત્તવૃત્તિને સ્થિર રાખીને જોડો બનાવે તો તેણે યોગ કર્યો કહેવાય. તમે ચાલો ત્યારે તમે એવી કાળજીથી ચાલો કે તમને ઠોકર ના વાગે, તો તમે યોગ કર્યો કહેવાય. તમે પાણી પીઓ તો એવી ધીરજથી અને સ્થિર વૃત્તિથી પીઓ કે તમને અંતરસ ના જાય, તો તમે યોગ કર્યો કહેવાય. તમે કથા સાંભળવા જાઓ અગર તો પુસ્તક વાંચો, તે વખતે એકાગ્રચિત્તથી સાંભળો અગર તો વાંચો અને બીજે ક્યાંય ડાફોળિયાં ના મારો તો તમે યોગ કર્યો કહેવાય. એક વિદ્યાર્થી ભણતી વખતે ચિત્ત દઈને ભણે અને રમતી વખતે ચિત્ત દઈને રમે, તે તેનો યોગ કહેવાય. આવી રીતે જીવનનું એકેએક કર્મ તમે કુશળતાપૂર્વક ચિત્તવૃત્તિ સ્થિર રાખીને કરો તો તમે સતત યોગ કરો છો તેમ કહેવાય.
મહર્ષિ પતંજલિએ યોગસૂત્રોના પહેલા જ સૂત્રમાં યોગની વ્યાખ્યા આપી છે : ‘યોગઃ ચિત્તવૃત્તિ નિરોધઃ |’ ચિત્તવૃત્તિની એકાગ્રતા એનું નામ જ યોગ. આવો યોગ તમે આજથી જ અને અત્યારથી જ કરો તો જ કામનો. બાકી તમે જાણો કે રિટાયર થઈશું, ઘરડા થઈશું, લકવો થઈ જશે ત્યારે અને ખાટલામાં પડ્યાપડ્યા ગંધાવાનો વખત આવશે તે વખતે યોગ કરીશું, તો તે નહિ કરી શકાય. ગીતાનો યોગ સામાન્યમાં સામાન્ય માણસના રોજિંદા જીવનમાં ક્ષણે ક્ષણે ઉપયોગમાં ના આવે તો પછી ગીતના સાતસોએ સાતસો શ્લોકો માત્ર મોઢે કરવાનો કશો જ અર્થ નથી. જીવનવ્યવહારમાં ઉપયોગી એવી સાદી અને દરેક માણસને સુલભ એવી યોગની વ્યાખ્યા સમજીને જીવનનું પ્રત્યેક કર્મ કરતાં કરતાં માણસનું એકેએક કર્મ ભક્તિમય બની જાય તો પછી તેનો ભગવાન સાથે યોગ થતાં વાર ના લાગે.

No comments:

Post a Comment