માનવ-વ્યક્તિ એક જ તત્વનું બનેલું નથી. માનવ-વ્યક્તિમાં અનેક તત્વો છે, અનેક પાસાંઓ છે. સમૂહ-સંગીતના કાર્યક્રમમાં અનેક સંગીતકારો એક સાથે ગાતા હોય છે અને અનેક ભિન્ન-ભિન્ન વાજિંત્રો વગાડતા હોય છે. આ બધાના ગાયન-વાદનમાંથી એક સંગીત નિષ્પન્ન થાય છે. કોઈ એકાદ કે અધિક ગાયક કે વાદક જો સૌની સાથે તાલમેળમાં ન ગાય તો સમૂહ-સંગીતમાં વિસંવાદિતા ઉત્પન્ન થાય છે. માનવ-વ્યક્તિત્વનું સ્વરૂપ કંઈક અંશે આ સમૂહ-સંગીત જેવું છે. સમૂહ-સંગીતની જેમ માનવ-વ્યક્તિત્વ પણ અનેક પરિબળોથી રચાય છે અને તેથી વિસંવાદી કે સુસંવાદી હોઈ શકે છે અર્થાત સુગ્રથિત હોઈ શકે છે.
આપણી સમક્ષ પ્રશ્ન છે :
સુગ્રથિત વ્યક્તિત્વ એટલે શું ? કેવા વ્યક્તિત્વને આપણે સુગ્રથિત કહી શકીએ ? સુગ્રથિત વ્યક્તિત્વના લક્ષણો ક્યા ક્યા ? માનવ-વ્યક્તિત્વમાં અનેક પાસાંઓ છે. માનવ-વ્યક્તિત્વમાં પ્રધાનતઃ નીચે પ્રમાણે તત્વો છે :
(1) શરીર
(2) પ્રાણ : (પ્રાણના પણ નિમ્ન પ્રાણ, મધ્ય પ્રાણ, ઊર્ધ્વ આદિ વિભાગો છે.)
(3) મન : મનના પણ જાગ્રત, અજાગ્રત અને અર્ધજાગ્રત એવા વિભાગો છે.
(4) આત્મા : આત્મા માનવ-વ્યક્તિત્વનું કેન્દ્ર છે. આત્મા વિનાનું વ્યક્તિત્વ શક્ય નથી. આત્મા થકી જ માનવ માનવ છે. આત્મા વિનાના માનવને શબ કહેવાય છે. માનવ વ્યક્તિત્વના આ સર્વ તત્વો વચ્ચે પરસ્પર સંવાદિતા (Harmony) હોય અને અન્યોન્ય વિરોધ કે વિસંવાદ ન હોય તો તેવા વ્યક્તિત્વને આપણે સુગ્રથિત વ્યક્તિત્વ કહી શકીએ. માનવ વ્યક્તિત્વમાં આવી સુસંવાદિતા છે કે નહિ અર્થાત માનવ વ્યક્તિત્વ સુગ્રથિત છે કે નહિ તે જાણવું કેવી રીતે ? અર્થાત ક્યા ક્યા લક્ષણોથી સુગ્રથિત વ્યક્તિત્વને ઓળખી શકાય છે ?
સુગ્રથિત વ્યક્તિત્વ એટલે શું ? કેવા વ્યક્તિત્વને આપણે સુગ્રથિત કહી શકીએ ? સુગ્રથિત વ્યક્તિત્વના લક્ષણો ક્યા ક્યા ? માનવ-વ્યક્તિત્વમાં અનેક પાસાંઓ છે. માનવ-વ્યક્તિત્વમાં પ્રધાનતઃ નીચે પ્રમાણે તત્વો છે :
(1) શરીર
(2) પ્રાણ : (પ્રાણના પણ નિમ્ન પ્રાણ, મધ્ય પ્રાણ, ઊર્ધ્વ આદિ વિભાગો છે.)
(3) મન : મનના પણ જાગ્રત, અજાગ્રત અને અર્ધજાગ્રત એવા વિભાગો છે.
(4) આત્મા : આત્મા માનવ-વ્યક્તિત્વનું કેન્દ્ર છે. આત્મા વિનાનું વ્યક્તિત્વ શક્ય નથી. આત્મા થકી જ માનવ માનવ છે. આત્મા વિનાના માનવને શબ કહેવાય છે. માનવ વ્યક્તિત્વના આ સર્વ તત્વો વચ્ચે પરસ્પર સંવાદિતા (Harmony) હોય અને અન્યોન્ય વિરોધ કે વિસંવાદ ન હોય તો તેવા વ્યક્તિત્વને આપણે સુગ્રથિત વ્યક્તિત્વ કહી શકીએ. માનવ વ્યક્તિત્વમાં આવી સુસંવાદિતા છે કે નહિ અર્થાત માનવ વ્યક્તિત્વ સુગ્રથિત છે કે નહિ તે જાણવું કેવી રીતે ? અર્થાત ક્યા ક્યા લક્ષણોથી સુગ્રથિત વ્યક્તિત્વને ઓળખી શકાય છે ?
[1] પરસ્પર વિરોધી તત્વોનો અભાવ : માનવ-વ્યક્તિત્વના ભિન્ન ભિન્ન તત્વો વચ્ચે જો વિરોધ હોય તો તેવું વ્યક્તિત્વ સુગ્રથિત વ્યક્તિત્વ બની શકે નહિ. માનવના મનમાં પરસ્પર વિરોધી ઈચ્છાઓ હોય, મન અને પ્રાણના તત્વો વચ્ચે વિરોધ હોય, વિવેક અને વાસનાઓ વચ્ચે ગજગ્રાહ ચાલતો હોય, અંતરાત્માના અવાજ અને અજાગ્રત મનની કામનાઓ વચ્ચે વિરોધ હોય – આ અને આવા અનેકવિધિ આંતરવિરોધ માનવ-વ્યક્તિત્વમાં હોઈ શકે છે. આવા પરસ્પરવિરોધી તત્વોનો સંઘર્ષ પ્રબળ બને તો તેવો સંઘર્ષ માનવને વિચ્છિન્નતા પ્રત્યે દોરી જાય છે. અને આવો સંઘર્ષ અલ્પ બનતો જાય તો માનવ વ્યક્તિત્વ સુગ્રથિત બનતું જાય છે.
[2] મન, વચન અને કર્મની એકતા : મન, વચન અને કર્મની એકતા, તે સુગ્રથિત વ્યક્તિત્વનું બહુ મૂલ્યવાન અને ઊડીને આંખે વળગે તેવું લક્ષણ છે. બોલવું જુદું, કરવું જુદું અને મનમાં પણ કાંઈક જૂદું જ હોવું તે સુગ્રથિત વ્યક્તિત્વનું લક્ષણ નથી.
[3] વિવેકનું આધિપત્ય : પ્રત્યેક માનવના ચિત્તમાં વિવેકનું તત્વ હોય છે અને જાગ્રત-અજાગ્રત મનની કામનાઓનું તત્વ પણ હોય છે. કામનાઓ વિવેક પર આધિપત્ય ભોગવે તો તે સુગ્રથિત વ્યક્તિત્વનું લક્ષણ નથી. વિવેકનું પ્રાબલ્ય જાગ્રત અને અજાગ્રત મનની પ્રેરણાઓ કરતાં વધુ હોય તો તે સુગ્રથિત વ્યક્તિત્વનું લક્ષણ ગણાય. અજાગ્રત મન મહદઅંશે કામનાઓનું બનેલું છે અને તે સુખના સિદ્ધાંત પ્રમાણે કાર્ય કરે છે. જો અજાગ્રત મન બળવાન હોય તો તેવું વ્યક્તિત્વ સુકાન વિનાની હોડી જેવું બની જાય છે.
[4] ગ્રંથિઓનો અભાવ : લઘુતાગ્રંથિ, ગુરુતાગ્રંથિ, પાપગ્રંથિ, અભાવગ્રંથિ માનવ વ્યક્તિત્વને અને માનવ-વ્યવહારને વિચ્છિન્ન કરી નાખે છે. આવી ગ્રંથિઓ ન હોય કે તેમનું પ્રમાણ અલ્પ હોય તો તે સુગ્રથિત વ્યક્તિત્વનું લક્ષણ છે.
[5] વાણી અને વર્તનનો સંયમ : જે બોલવું હોય તેને બદલે કાંઈક બીજું જ બોલાઈ જાય અર્થાત ન બોલવાનું બોલાઈ જાય અને જે ન કરવું હોય તે થઈ જાય – તો તે સુગ્રથિત વ્યક્તિત્વનું લક્ષણ નથી. જે બોલવું હોય તે જ બોલાય, જેવી રીતે બોલવું હોય તે જ રીતે બોલાય અને જેવું આચરણ કરવું હોય તેવું જ આચરણ થાય તો તે સુગ્રથિત વ્યક્તિત્વનું લક્ષણ છે. ‘અરે ! મારાથી આમ કેમ બોલાઈ ગયું ? મારે તો આમ નહોતું બોલવું. મારાથી આમ કેમ બની ગયું ? મારે તો આમ નહોતું કરવું.’ આ પ્રકારની મનોદશા સુગ્રથિત વ્યક્તિત્વનું લક્ષણ નથી.
[6] આત્મવિશ્વાસ : પોતાની જાતમાં જેને વિશ્વાસ ન હોય તેવો માનવી લઘુતાગ્રંથિ કે આત્મગ્લાનિમાં સરી પડે છે. આત્મવિશ્વાસથી ભરપૂર વ્યક્તિ જ સુવ્યવસ્થિત જીવન જીવી શકે છે. આત્મવિશ્વાસનો અર્થ અહીં ગુરુતાગ્રંથિ કે અભિમાન નથી. એક સહજ સ્વાભાવિક આત્મવિશ્વાસ તે જ સુગ્રથિત વ્યક્તિત્વનું લક્ષણ છે.
[7] પોતાની જાતની ઓળખ : પોતાની જાતને જે સારી રીતે જાણી શકે છે તે સુગ્રથિત રહી શકે છે. પોતાની શક્તિઓ, મર્યાદાઓ, પોતાની રુચિ-અરુચિ, રસ, અભિમુખતા વગેરે તત્વોને જે સારી રીતે જાણે છે, તે વ્યક્તિનું વ્યક્તિત્વ સુગ્રથિત બની શકે છે અને રહી શકે છે.
[8] આત્મનિર્ભરતા : સુગ્રથિત વ્યક્તિ સ્વાભાવિક રીતે જ આત્મનિર્ભર હોય છે. આત્મનિર્ભરતાનો અર્થ અહીં માત્ર શારીરિક-ભૌતિક બાબતોમાં સ્વાશ્રયી હોવું તેટલો જ નથી, પરંતુ તેમના ચિત્તમાં આત્મનિર્ભરતાનું તત્વ હોય છે. સુગ્રથિત વ્યક્તિ મનથી પણ અન્ય પર નિર્ભર જીવનને જીવે નહિ.
[9] જીવનધ્યેયની સ્પષ્ટતા : જીવનધ્યેયની સ્પષ્ટતા હોવી તે સુગ્રથિત વ્યક્તિત્વનું બહુ મહત્વપૂર્ણ અને મૂલ્યવાન લક્ષણ છે. એટલું જ નહિ વ્યક્તિત્વની સુગ્રથિતતા જાળવી રાખવા, વ્યક્તિત્વને સુગ્રથિત બનાવવા માટે પણ જીવન ધ્યેયની સ્પષ્ટતા બહુ ઉપકારક પરિબળ છે. ક્યાં પહોંચવું છે, તેની સ્પષ્ટતા હોય તો જીવનની ગતિ સમતોલ અને એકધારી રહી શકે છે. તેની જીવનપદ્ધતિ અને પરિણામે વ્યક્તિત્વ પણ સમતોલ – સુવ્યવસ્થિત બને છે.
[10] શાંતિ, પ્રસન્નતા, સ્વસ્થતા : સુગ્રથિત વ્યક્તિ શાંત, પ્રસન્ન અને સ્વસ્થ હોય જ. શાંતિ, પ્રસન્નતા અને સ્વસ્થતા સુગ્રથિત વ્યક્તિત્વ અને જીવનપદ્ધતિનું પરિણામ છે જેમ સુસંવાદી સંગીત શાંતિ, પ્રસન્નતા, પરિતોષ સ્વસ્થતા આપે છે, તેમ સુગ્રથિત વ્યક્તિત્વ પણ આ સર્વ તત્વો આપે છે.
[11] ઉચ્ચ મૂલ્યોમાં શ્રદ્ધા : સત્ય, અહિંસા, સંયમ, પરોપકાર, ઉદારતા આદિ ઉચ્ચ મૂલ્યોમાં શ્રદ્ધા હોવી તે સુગ્રથિત વ્યક્તિત્વનું લક્ષણ છે. જે હિંસા કે અસત્ય પર શ્રદ્ધા રાખે તેમનું વ્યક્તિત્વ સુગ્રથિત બની શકે નહિ.
[12] સાત્વિક જીવનપદ્ધતિ : સાચું, સાત્વિક જીવન જીવવું તે સુગ્રથિત વ્યક્તિત્વનું લક્ષણ છે. સુગ્રથિત વ્યક્તિ સહજ રીતે જ સાત્વિક જીવનપદ્ધતિનો સ્વીકાર કરે છે અને તદનુરૂપ જીવે છે. કોઈ વ્યક્તિ તામસિક કે ઉચ્છૃંખલ જીવન જીવે તો તેનું વ્યક્તિત્વ સુગ્રથિત હોઈ શકે નહિ.
[13] વિકાસોન્મુખતા : જીવન એક વિકાસયાત્રા છે. સતત વિકસતા રહેવું તે સુગ્રથિત વ્યક્તિત્વનું લક્ષણ છે. જે પાણી વહેતું રહે છે, તે પાણી નિર્મળ રહે છે. બંધિયાર પાણી ગંદુ બની જાય છે. સુગ્રથિત હોય તે સહજ રીતે વિકાસોન્મુખ હોય તે સુગ્રથિત હોય જ. બંને અન્નોન્ય ઉપકારક છે.
[14] સમાયોજન : સુગ્રથિત વ્યક્તિ પોતાના પરિવાર, સંસ્થા, સમાજ સાથે સમાયોજનપૂર્વક સ્વસ્થ રીતે જીવી શકે છે. સમાયોજન સુગ્રથિત વ્યક્તિત્વનું સહજ પરિણામ છે. આજુબાજુના માનવબંધુઓ સાથે સતત સંઘર્ષરત વ્યક્તિનું વ્યક્તિત્વ સુગ્રથિત હોઈ શકે નહિ.
આ બધું જ બરોબર છે, છતાં સુગ્રથિત વ્યક્તિત્વનું સર્વોચ્ચ સ્વરૂપ તો કાંઈક જુદું જ છે. જે સંપૂર્ણ સ્વસ્થ છે, તે જ સંપૂર્ણ સુગ્રથિત છે. સંપૂર્ણ સ્વસ્થ કોણ છે ? જે આત્મસ્થ છે, તે જ સંપૂર્ણ સ્વસ્થ છે અને તેથી આત્મસ્થ વ્યક્તિનું વ્યક્તિત્વ જ યથાર્થ સુગ્રથિત છે, તેમ ગણવું જોઈએ. આત્મસ્થ વ્યક્તિ પોતાના આત્મસ્વરૂપ સાથે સંપૂર્ણ એકરૂપ હોય છે. આત્મા જ તેના વ્યક્તિત્વનું કેન્દ્રસ્થ તત્વ બની જાય છે. જે અન્યથા પડદા પાછળ હોય છે, તે આત્મા આત્મસ્થ વ્યક્તિના વ્યક્તિત્વમાં કેન્દ્રસ્થાને બિરાજે છે. મન, પ્રાણ, શરીર આદિ વ્યક્તિત્વના અન્ય તત્વો આ મૂળભૂત કેન્દ્રની આજુબાજુ તેમને આધીન બનીને ગોઠવાઈ જાય છે. આત્મતત્વ સમ્રાટના સ્થાન પર આવે છે અને મન, પ્રાણ, શરીર આદિ તેમના આજ્ઞાંકિત સેવકો બને છે. આવું વ્યક્તિત્વ અર્થાત આત્મસ્થ પુરુષનું વ્યક્તિત્વ જ યથાર્થતઃ સુગ્રથિત ગણાય. ભગવાન બુદ્ધ, રમણ મહર્ષિ આદિ મહતપુરુષોનું વ્યક્તિત્વ સર્વાંશે સુગ્રથિત હોય છે. આપણે સૌ સામાન્ય માનવોના વ્યક્તિત્વની સુગ્રથિતતામાં કાંઈકને કાંઈક કમી હોય જ છે.
No comments:
Post a Comment