મનુષ્ય દ્વારા જે કાંઈ થાય છે તે એના મન દ્વારા થાય છે. જે માધ્યમ દ્વારા કામ થતું હોય એ જો બગડેલું હોય તો બધું કામ બગડી જાય. આંખો સારી હોય પણ મન બગડેલું હોય તો જોવાનું કામ સારું નહીં થાય. કર્મ ભલે ઈન્દ્રિયો દ્વારા થતું હોય, એનું સારું-નરસું મન પર આધાર રાખે છે. એટલે આપણું મન શું છે તે તપાસી લેવું ખૂબ જરૂરી છે. ધ્યાનમાં ચિત્તની એકાગ્રતાની કસોટી થાય છે. સુંદર સંગીત સાંભળીએ, ભજન-સંકીર્તન કરીએ ત્યારે ચિત્ત એકાગ્ર થઈ જાય છે, કેમ કે એને વિષય મળી જાય છે. પરંતુ ચિત્તની એકાગ્રતાની કસોટી સંગીત સાંભળવામાં કે સંકીર્તનમાં નહીં થાય. તેની કસોટી તો થશે, ધ્યાનમાં. બધાં કામ છોડીને ધ્યાન માટે શાંત બેસીએ છીએ ત્યારે ખ્યાલમાં આવે છે કે ચિત્તની અવસ્થા કેવી છે. ચિત્તની ચંચળતાની પરખ માટે ધ્યાન જેવું ઉપયોગી બીજું એક પણ સાધન નથી.
વાસ્તવમાં જોઈએ તો ધ્યાનમાં ચિત્ત એકાગ્ર નથી થતું, કેમ કે એને નોટિસ મળી છે, ‘ચૂપ બેસ !’ ‘ચૂપ બેસ’ની નોટિસ મળી કે ચિત્ત દોડવા માંડે છે – પછી તે પંઢરપુર જાય કે પાયખાનામાં જાય. પંઢરપુર ગયું તો સારી જગ્યાએ ગયું, પાયખાને ગયું તો ગંદા સ્થાનમાં ગયું એમ કહેવાશે. પરંતુ બંને અવસ્થા ધ્યાનમાં બાધક ગણાશે. બંનેમાં ચિત્ત પર અંકુશ ન રહ્યો. ચિત્ત પર અંકુશ રહ્યો કે નહીં તે સમજવા માટે સાધક પાસે ધ્યાન સિવાય બીજી કસોટી નથી. ક્યારેક એકાંતમાં ધ્યાન માટે બેસીએ છીએ ત્યારે મનનો રઝળપાટ શરૂ થઈ જાય છે. તેથી ગભરાઈ ન જવું. આપણે કોઈ કામ કરતાં હોઈએ ત્યારે મન એમાં સ્થિર થઈ જાય, એટલે એને ઓળખવું અઘરું પડે. પણ ધ્યાનમાં બેસીએ ત્યારે તટસ્થ બનીને મનને પારખી શકાય છે. મન ક્યાં ક્યાં જાય છે, તે બરાબર જોતાં રહીએ. ચલચિત્ર જોતાં હોઈએ તેવી રીતે મનનો પીછો પકડી, તેને જોતાં રહેવું અને પછી એ લખી લેવું. લખ્યા પછી તપાસવું કે એ અવારનવાર ક્યાં જાય છે. તેના પરથી વિશેષ આસક્તિનાં સ્થાન ધ્યાનમાં આવશે. એ આસક્તિને ધ્યાનમાં લઈ મનને ત્યાં જવાની તક ન મળે તેવો પ્રયત્ન કરવો.
ક્યારેક મનને કોઈ ઈચ્છા થાય છે પણ પછી તરત જ વિચાર આવે છે કે આ બરાબર નથી. આ જે ‘આફ્ટર થૉટ’ – ફેરવિચારની એજન્સી છે, જે મનને રોકે છે તેનું નામ છે ‘વિવેક’. વિવેક મનથી અલગ છે. વિવેક એટલે તટસ્થ થઈને જોવું, તપાસવું, ન મનને એકદમ અનુકૂળ થવું કે ન એકદમ પ્રતિકૂળ. આપણને સમજાતું નથી કે મન આપણું નોકર છે. શેઠ પોતાનો બધો વ્યાપાર મુનીમના હાથમાં સોંપી દે તો એને નુકશાન જાય. આપણે પણ મનના હાથમાં બધું સોંપી દઈએ, એના પર અંકુશ ન રાખીએ તો આપણી એવી જ હાલત થાય. ઘણી વાર લાગે કે મારી પર પ્રહાર થયો. પ્રહાર કે આક્ષેપ આપણી ઉપર નહીં, પરંતુ આપણા મનની ઈચ્છા પર થાય છે. મન છે આપણું નોકર. પરંતુ આપણે તેની સાથે એટલા તો એકરૂપ થઈ જઈએ છીએ કે લાગે જાણે આપણા પર જ પ્રહાર થયો. એને બદલે, આપણે જો તટસ્થ હોઈએ તો વિચારીશું કે આપણા નોકર પર આક્ષેપ મુકાયો છે તે ઠીક છે કે બે-ઠીક. તેની ભૂલ હોય તો તેને વઢીએ પણ ખરા. મન સાથે પણ તે રીતે વર્તીએ.
ઉપનિષદ વર્ણન કરે છે – य इह मनुष्याणा महत्ता प्राप्नुवन्ति, ध्यानापादाशा इवैव ते भवन्ति – મનુષ્યને જે કોઈ વિષયમાં યશ મળ્યો તે ધ્યાનને કારણે મળ્યો. વૈજ્ઞાનિકનું ચિત્ત તેની શોધમાં એકાગ્ર થઈ જાય છે. તે પણ ધ્યાન છે. પરંતુ સાલંબન-આલંબન સહિતનું ધ્યાન છે. તેને વિજ્ઞાન-ચિંતનનું આલંબન છે. શાંત બેસવામાત્રથી ચિત્ત એકાગ્ર નથી થતું. એકાગ્રતા માટે આલંબન (ટેકો) જોઈએ. આપણું ધ્યાન નિરાલંબ ધ્યાન છે. વૈજ્ઞાનિકના ધ્યાનનો વિષય સારો છે. વ્યભિચારીના ધ્યાનનો વિષય ખરાબ છે. વિષય સારો હોય કે ખરાબ, બંનેને આલંબનની જરૂર છે. પરંતુ ચિત્તની પરીક્ષા તો થાય છે, આલંબનરહિત ધ્યાનમાં. જે વાત ધ્યાનની, તે જ વાત નિદ્રાની. સૂવા જઈએ ને સ્વપ્નો આવે. ચિત્તમાં જે વિકાર આવે છે તે ઊંઘમાં માથું ઊંચકે છે. અને તેથી નિદ્રામાં ચિત્ત જ્યાં-ત્યાં ભટકે છે. તો સ્વપ્નની પણ પરીક્ષા કરવી જોઈએ. સ્વપ્ન આપણા કાબૂમાં રહેવાં જોઈએ. ધ્યાનમાં ચિત્ત પર કાબૂ રહ્યો, ચિત્ત વશમાં રહ્યું તો ધીરે ધીરે સ્વપ્ન પર પણ કાબૂ રહેશે. પરંતુ તેટલાથી સ્વપ્ન આવતાં બંધ નહીં થાય. સ્વપ્નમાં મન ક્યાં ક્યાં જાય છે, ધ્યાનમાં ચિત્ત ક્યાં ક્યાં જાય છે, તેનું નિરીક્ષણ કરીએ. ગભરાઈએ નહીં. એ બધો મનનો ખેલ છે, આપણો નહીં. મનુષ્ય મનને પોતાની સાથે જોડશે તો મનની પરીક્ષા કરતાં ડરશે. મારા મનમાં સારું-નરસું જે કાંઈ આવ્યું, તેની જવાબદારી તમારી ન ગણાય. તે જ રીતે, તમારા પોતાના મનમાં પણ જે કાંઈ સારું-નરસું આવ્યું તેની જવાબદારી તમારી ન ગણાય. મનમાં જે કાંઈ ચાલે છે તે ચાલતું રહેવાનું. મન અનેક ઘોડા દોડાવશે, તેને માટે તમારા પર મુકદ્દમો નહીં ચલાવાય. મનમાં જે તરંગો ઊઠ્યા તે પ્રમાણે તમે આચરણ કર્યું તો તમારા ઉપર મુકદ્દમો ચલાવાશે. તમે મનથી અળગા રહેશો, તો કોઈ તમને સજા નહીં કરે. તમને ફોડલો થયો છે, છતાંયે તમે હસો છો. તેનો અર્થ છે કે દેહથી અળગા રહેવાની શક્તિ તમારામાં આવી ગઈ છે. દેહથી અળગા થવું સહેલું છે. મનથી અળગા થવું એટલું સહેલું નથી. આપણે જાણતાં જ નથી કે આપણે મનથી અળગા છીએ. આપણે મનના ગુલામ બની જઈએ છીએ. અને આપણે જ ‘મન’ છીએ, એમ માની લઈએ છીએ.
તો બે વાત સ્પષ્ટ થઈ. એક ધ્યાન-સ્વપ્ન વગેરેથી ચિત્તને પારખીએ. બે, કોઈ પણ સ્થિતિમાં આપણે મનથી અળગા છીએ, એ વાત ચિત્તમાં સ્થિર કરીએ.
હવે ધ્યાનયોગની વાત. ધ્યાનયોગમાં ત્રણ મુખ્ય બાબતો છે (1) ચિત્તની એકાગ્રતા (2) ચિત્તની એકાગ્રતા માટે જરૂરી જીવનની પરિમિતતા અને (3) સામ્યદશા અથવા સમદષ્ટિ. આ ત્રણ બાબતો વગર સાચી સાધના થાય નહીં. ચિત્તની એકાગ્રતાનો અર્થ છે, ચિત્તની ચંચળતા પર અંકુશ. જીવનની પરિમિતતા એટલે બધી ક્રિયાઓ માપસર થવી અને સમદષ્ટિ એટલે વિશ્વની તરફ જોવાની ઉદાર દષ્ટિ. આ ત્રણ વાતો મળીને ધ્યાનયોગ બને છે. કોઈ પણ કામને માટે ચિત્તની એકાગ્રતા જરૂરી છે. વહેવાર હો કે પરમાર્થ હો, ચિત્તની એકાગ્રતા વગર સફળતા મળવી મુશ્કેલ છે. એકાગ્રતા સારુ શું કરવું જોઈએ ? ભગવાન ગીતામાં કહે છે, આત્મામાં મન પરોવી, न किंचिदपि चिंतयेत – બીજા કશાનું ચિંતન ન કરવું. એ વાત કેવી રીતે સધાય ? બહારનો અપરંપાર સંસાર મનમાં ભરેલો હોય છે. તેને રોક્યા વગર એકાગ્રતા અશક્ય છે. આપણા આત્માની અપાર જ્ઞાનશક્તિ આપણે બહારની ક્ષુદ્ર વસ્તુઓમાં ખરચી કાઢીએ છીએ. એમ ન થવું જોઈએ. મન એકસરખું બહાર દોડ્યા કરે છે. તેથી માણસનું બધું સામર્થ્ય નાશ પામે છે, કોઈ પણ પ્રકારની નિયંત્રણશક્તિ માણસમાં રહેતી નથી.
મનની બેઠક બદલ્યા વગર એકાગ્રતાની આશા ન રાખવી. મનની બેઠક શુદ્ધ જોઈએ. કેવળ આસન વાળીને બેસવાથી તે નહીં સધાય. તે માટે બધા વહેવાર શુદ્ધ કરવા જોઈએ. વહેવાર શુદ્ધ કરવો એટલે વહેવારનો ઉદ્દેશ બદલવો. વ્યક્તિગત લાભ માટે, વાસનાની તૃપ્તિ માટે અથવા એવી જ બીજી બહારની વાતો સારુ વહેવાર ન કરવો જોઈએ. વહેવારમાં આપણે આખો દિવસ ગૂંથાયેલા રહીએ છીએ. દિવસભરની એ ઊઠવેઠનો હેતુ શો ? બધી દોડાદોડ છેલ્લો દિવસ રૂડો થાય તે માટે કરવાની છે. છેવટની ઘડી, મરણ પવિત્ર થાય તે માટે કરવાની છે. આખો જન્મારો કડવું ઝેર પચાવીએ છીએ. દિવસની છેવટની ઘડી સાંજે આવે છે. દિવસભરનું કર્મ પવિત્ર ભાવનાથી કર્યું હશે તો રાતની પ્રાર્થના મીઠી થશે. ત્યારે દિવસનું બધું કર્મ સફળ થયું જાણવું. પછી મનની એકાગ્રતા થશે. એકાગ્રતાને માટે જીવનની આવી શુદ્ધિ જરૂરી છે. ઉપરાંત, ચિત્તની એકાગ્રતામાં મદદગાર થાય છે, જીવનની પરિમિતતા. આપણું બધું કામ માપસરનું હોય. ગણિતશાસ્ત્રનું એ રહસ્ય આપણી બધી ક્રિયાઓમાં ગૂંથી લેવું. ઔષધની માત્રાના લિસોટા ગણીને લેવાતા હોય છે. તેવું જ આહાર-નિદ્રામાં કરવું. બધે માપ રાખીને ચાલીએ. દરેક ઈન્દ્રિય પર પહેરો બેસાડીએ. હું વધારે તો નથી ખાતો ને ? વધારે ઊંઘતો તો નથી ને ? આંખ આમતેમ ભટકીને ન જોવાનું જોતી તો નથી ને ? આવું બધું ચોકસાઈથી ને ઝીણવટથી તપાસતા રહેવું જોઈએ.
જીવનમાં નિયમન અને પરિમિતતા કેળવીને ખરાબ વસ્તુ જોવી જ નહીં. ખરાબ ચોપડી વાંચવી જ નહીં. નિંદા-સ્તુતિ સાંભળવી જ નહીં. દોષવાળી વસ્તુ ન જ ખપે, પણ નિર્દોષ વસ્તુનું સુદ્ધાં વધારે પડતું સેવન ન જોઈએ. ફળાહાર શુદ્ધ આહાર છે. પણ તેય યથેચ્છ ન હોવો જોઈએ. જીભનું યથેચ્છપણું અંદર બેઠેલા ધણીએ ચલાવી ન લેવું જોઈએ. વાંકાચૂંકા ચાલ્યા તો અંદર બેઠેલો માલિક સજા કર્યા વગર રહેવાનો નથી, એવો બધી ઈન્દ્રિયોને ધાક રહેવો જોઈએ. નિયમિત આચરણને જ જીવનની પરિમિતતા કહીને ઓળખાવ્યું છે. અનેક ગ્રંથોના પઠન-પાઠનથી પણ નિયમિતતાનું મહત્વ અધિક છે. કારણ, તેના દ્વારા ઈન્દ્રિયોનો અભ્યાસ થાય છે. ઈન્દ્રિયો દ્વારા આત્માનો પ્રકાશ બહાર આવે છે. ઘરમાં જે દરવાજાનું સ્થાન, તે દેહમાં ઈન્દ્રિયોનું. એટલે ઈન્દ્રિયોરૂપી પ્રત્યેક દરવાજા પર ચોકી નહીં બેસાડીએ તો આત્મા નષ્ટ અને ભ્રષ્ટ થઈ જશે. તે માટે રોજ ઈન્દ્રિયોનો અભ્યાસ કરાવીને હાથ, પગ, મન, શ્રવણ, વાણી, આંખ – બધાંને નિયમનના બંધનમાં બાંધીએ. નિયમન એટલે ખરાબ માર્ગે જતું રોકવું, સારા માર્ગે વાળવું. એનું જ નામ વૈરાગ્ય અને વિવેક છે. ગીતાની ભાષામાં, વૈરાગ્ય અને અભ્યાસ – મનોજયનાં એ બે સાધનો છે.
ત્રીજી વાત છે, સમદષ્ટિ હોવી. સમદષ્ટિનું બીજું નામ છે, શુભ દષ્ટિ. શુભ દષ્ટિ કેળવાયા સિવાય ચિત્ત કદી એકાગ્ર નહીં થાય. આ આખી સૃષ્ટિ મંગલ ભાસવી જોઈએ. મારે મારી જાત પર છે તેવો જ આખી સૃષ્ટિ પર ભરોસો હોવો જોઈએ. અહીં બીવા જેવું છે પણ શું ? બધું જ શુભ ને પવિત્ર છે. विश्व तद भद्रं यदवन्ति देवाः – આ બધું વિશ્વ મંગળ છે; કારણ, પરમેશ્વર તેને સંભાળે છે. ઈંગ્લૅન્ડના કવિ બ્રાઉનિંગે એવું જ કહ્યું છે, ‘ઈશ્વર આકાશમાં વિરાજમાન છે અને દુનિયા બધી બરાબર ચાલે છે.’ દુનિયામાં કશું બગડેલું નથી. બગડ્યું હોય તો મારી દષ્ટિ બગડી છે. જેવી મારી દષ્ટિ તેવી સૃષ્ટિ. હું લાલ રંગનાં ચશ્માં પહેરું તો સૃષ્ટિ લાલ દેખાશે, ભડકે બળતી હોય એવી દેખાશે. આ સૃષ્ટિ શુભ છે એવી મનને ખાતરી નહીં થાય તો ચિત્તની એકાગ્રતા પણ નહીં થાય. સૃષ્ટિ બગડેલી છે એવું જ્યાં સુધી મને લાગે છે ત્યાં સુધી વહેમનો માર્યો હું ચારેકોર નજર ફેરવ્યા કરીશ. આખી દુનિયા ભક્ષક છે એવી બિહામણી કલ્પના જેના મનમાં ઘર કરી ગઈ છે, તેને શાંતિ કેવી ? મારો બચાવ કરનારો હું એકલો, બાકી સૌ ભક્ષક છે એ ખ્યાલ નાબૂદ કર્યા સિવાય એકાગ્રતા થઈ શકવાની નથી. સમદષ્ટિની ભાવના કેળવવી એ જ એકાગ્રતા સિદ્ધ કરવાનો ઉત્તમ માર્ગ છે. સર્વત્ર માંગલ્ય જોતાં શીખીએ એટલે ચિત્તને આપોઆપ શાંતિ મળશે.
No comments:
Post a Comment