Google Search

Saturday, June 9, 2012

જીવનવિકાસનું યથાર્થ સ્વરૂપ – ભાણદેવ


[1] જીવન અને વિકાસ :
અધ્યાત્મ દ્વારા જીવનવિકાસ રુંધાય છે તેવો આક્ષેપ વારંવાર કરવામાં આવે છે. આ આક્ષેપમાં કોઈ તથ્ય નથી છતાં જીવનવિકાસ અને અધ્યાત્મના સંબંધને સ્પષ્ટ રીતે સમજી લેવો આવશ્યક અને ઉપકારક છે. જીવનવિકાસ શું છે, જીવનવિકાસનું યથાર્થ સ્વરૂપ શું છે અને જીવનવિકાસ સાથે આધ્યાત્મિક વિકાસનો શું સંબંધ છે, તે સમજીને આપણે જીવનમાં અધ્યાત્મનું મૂલ્ય અને જીવનવિકાસમાં અધ્યાત્મના પ્રદાનને સમજી શકશું.
જીવવું એટલે વિકસવું. જે વિકસે છે તે જીવે છે અને જે વિકસતો નથી તે શારીરિક રીતે જીવતો હોવા છતાં યથાર્થતઃ જીવતો નથી. જીવન એ કોઈ સ્થિતિ કે અવસ્થાનું નામ નથી. જીવન એક પ્રક્રિયા છે, ઘટના છે. જીવનનું સ્વરૂપ જ એવું છે કે તે સતત વિકસી રહ્યું છે. જીવનનું સ્વરૂપ તળાવ જેવું નથી. પરંતુ નદી જેવું છે. નદીના પ્રવાહનાં બે પ્રધાન લક્ષણો છે. નદીનો પ્રવાહ સતત વહેતો રહે છે. નદીનો અર્થ જ એવો છે કે તે પ્રવાહમાન છે. જો તે વહેતી નથી તો તે નદી જ નથી. નદીના પ્રવાહનું બીજું લક્ષણ એ છે કે તે સતત વિકાસશીલ છે. નદીના મૂળથી નીકળેલો પ્રવાહ નદી સમુદ્રને મળે ત્યાં સુધી સતત વિકસતો રહે છે. વૃદ્ધિંગત થતો રહે છે. નદીની જેમ જીવનનાં પણ આ બે લક્ષણો છે. જીવન સતત પ્રવાહમાન છે, સતત વહેતું છે અને જીવન સતત વિકાસશીલ છે. સતત વિકસતું રહે છે. જે જીવન પ્રવાહમાન છે, વિકાસશીલ છે તે જીવન જ યથાર્થ જીવન છે. ભોજન, ગમનાગમનાદિ શારીરિક ક્રિયાઓમાં જ જીવનની ઈતિશ્રી નથી.
જીવનરૂપી નદી અનંતમાંથી નીકળે છે અને અનંત તરફ ગતિશીલ છે. જીવન અનંતની યાત્રા છે તેથી તે યાત્રા કદી વિરામ પામતી નથી. જેઓ જીવનના પ્રવાહમાન સ્વરૂપને ભૂલી જાય છે તેઓ વિકાસને ચૂકી જાય છે અને જેઓ વિકાસને ચૂકી જાય છે, તેઓ જીવનને ચૂકી જાય છે. જીવનનું સ્વરૂપગત સત્ય જ એ છે કે સતત વિકસતો રહે છે તે જીવનને પામી જાય છે, પરંતુ જે વિકસવાનું ચૂકી જાય છે તે જીવનના કેન્દ્રસ્થ નિયમને ચૂકી જાય છે.
[2] જીવનની સમસ્યાઓનું કારણ :
જીવનની એક વ્યવસ્થા છે. આ વ્યવસ્થામાં એક ગહન નિયમબદ્ધતા, સંવાદિતા છે. જીવન ઉચ્છૃંખલ કે અવ્યવસ્થિત નથી. જીવનની આ નિયમબદ્ધતાને સમજીને તે પ્રમાણે જીવનાર જીવ જીવન સાથે તાલબદ્ધ રીતે જીવે છે, પરંતુ જીવનના મૂળભૂત નિયમોનો ભંગ કરનાર જીવનના કાયદાઓને તોડે છે. વિકાસ, જીવનનો એક મૂલ્યવાન અને મહત્વપૂર્ણ નિયમ છે. જેઓ સતત વિકસે છે, તેઓ જીવનની વિકાસશીલતા સાથે સુસંગત રીતે જીવે છે અને જીવનના મિષ્ટ ફળોનો સ્વાદ પામે છે. પરંતુ જેઓ વિકસવાનું ચૂકી જાય છે, જેમના જીવનમાં વિકાસશીલતા રહેતી નથી તેઓ જીવનના મૂળભૂત નિયમથી વિરુદ્ધ વર્તે છે. તેઓ જીવનના રહસ્યને ચૂકી જાય છે. કાયદાની કોર્ટમાં તેમને પડકારી શકાય નહિ. કાયદાની કોર્ટ તેમને સજા પણ ન કરી શકે, પરંતુ જીવનની કોર્ટમાં તેમને સજા થશે જ. જીવનનો દેવ કોઈની શેહશરમ રાખતો નથી. સતત વિકસતાં રહેવું, તે જીવનનો સ્વરૂપગત ધર્મ છે. જેઓ વિકાસશીલ રહેતાં નથી, જેઓ વિકસતાં રહેવાનું ચૂકી જાય છે તેઓ જીવનના સ્વરૂપગત ધર્મથી ભ્રષ્ટ થાય છે. માનવ ગમે તેટલો નીતિમાન અને ધાર્મિક હોય છતાં જો તે વિકાસમાન ન હોય તો તે ધર્મભ્રષ્ટ ગણાવો જોઈએ કારણ કે જીવનના મૂળભૂત ધર્મ વિકાસનું પાલન કરતો નથી. જે વ્યક્તિ જીવનધર્મનું અર્થાત વિકાસધર્મનું પાલન નથી કરતી તેના જીવનમાં યથાર્થ સંવાદિતા જળવાઈ શકે જ નહિ. જો સૂર્ય પ્રકાશ આપવાનું ચૂકી જાય તો તે સૂર્ય રહી શકે ? જો અગ્નિ ઉષ્ણતા છોડી દે તો તે અગ્નિ રહી શકે ? તેમ જીવન જો વિકાસશીલતા છોડે તો જીવન-યથાર્થ જીવન રહી શકે ?
જીવનની વિકાસશીલતા ચૂકી જનાર જીવ પોતાના જીવનમાં અનેકવિધ સમસ્યાઓ ઊભી કરે છે. જે જીવનના મૂળભૂત ધર્મને ચૂકી જાય તેનાં જીવનમાં અનેકવિધ સમસ્યાઓ ઊભી થાય જ. નિયમનો ભંગ કરે તેને તેનાં પરિણામો તો ભોગવવા જ પડે ને ! માનવ દુઃખી થાય છે કારણ કે તે વિકસતો નથી. દુઃખી માણસને કહો, ‘જો તારે તારાં દુઃખોથી મુક્ત થવું હોય તો એક રામબાણ ઉપાય છે. તે ઉપાયનું નામ છે – વિકાસ !’ માનવના જીવનમાં વૈફલ્ય, નિષ્ફળતા, નિરાશા આવે છે કારણ કે તેના જીવનમાં વિકાસશીલતા રહી નથી. નિષ્ફળ-નિરાશ વ્યક્તિને કહો, ‘તમારી નિષ્ફળતા-નિરાશાનો સચોટ ઉપાય છે – વિકાસ !’ માનવ-માનવના સંબંધોમાં પાર વિનાનાં સંઘર્ષ, ઈર્ષ્યા, વેરઝેર આદિ જોવા મળે છે તેનું કારણ એ છે કે માનવ જીવનવિકાસના રહસ્યને ચૂકી ગયો છે. આ સંઘર્ષ, ઈર્ષ્યા, વેરઝેર આદિથી મુક્ત થવાનો પાયારૂપ ઉપાય છે – વિકાસ. જે વિકસતો નથી તેને અન્ય પ્રત્યે ઈર્ષ્યાભાવ થાય છે, સંઘર્ષ થાય છે, વૈરવૃત્તિ અનુભવાય છે. જે પોતે વિકસે છે તેને અન્યની ઈર્ષ્યા થાય શા માટે ? તેને સંઘર્ષની જરૂર શું ? તેને વળી વેરઝેર હોય જ કેવી રીતે ?
વ્યક્તિ અને સમાજના જીવનમાં અશાંતિ છે, અપ્રસન્નતા છે કારણ કે તેમના જીવનમાં વિકાસ નથી. વિકાસ વિના પ્રસન્નતા પ્રગટે કેવી રીતે ? અને પ્રસન્નતા વિના શાંતિ આવે ક્યાંથી ? જે વિકાસશીલ હોય છે તે પ્રસન્ન હોય જ, શાંત હોય જ ! વ્યક્તિના જીવનમાં કૃતાર્થતાનો અનુભવ જોવા મળતો નથી કારણ કે તેના જીવનમાં વિકાસ નથી. જીવનના વિકાસમાંથી જીવનની કૃતાર્થતા પ્રગટે છે. જે વ્યક્તિ જીવનની સાર્થકતા-કૃતાર્થતાનો અનુભવ પામી ન શકતી હોય તેને કહો, ‘ભાઈ વિકસો ! વિકાસ પામશો તો ધન્યતા પામશો ! વિકાસ પામશો તો કૃતાર્થતા પામશો ! વિકાસ પામશો તો સાર્થકતા પામશો !’ માનવચિત્તમાં અનેકવિધ વિટંબણાઓ ઊભી થાય છે, અનેકવિધ ગૂંચો ઊભી થાય છે, અનેકવિધ સમસ્યાઓ ઊભી થાય છે. આ બધી વિટંબણાઓ, ગૂંચો, સમસ્યાઓનાં કારણો અનેકવિધ છે, પરંતુ આ બધાં કારણોનું મૂળ કારણ શું છે ? મૂળ કારણ છે વિકાસનો અભાવ. વિકાસન અભાવમાંથી સમસ્યાઓ ઊભી થાય છે અને વિકાસ દ્વારા તેમનું નિરાકરણ થાય છે. જે વ્યક્તિ કે સમાજ જીવનના મૂળભૂત નિયમને, મૂળભૂત ધર્મને ચૂકી જાય છે, તેમના જીવનમાં અનેકવિધ પ્રશ્નો-સમસ્યાઓ ઉપસ્થિત થાય છે. આ પ્રશ્નો-સમસ્યાઓનો સૌથી વિધાયક, સૌથી મૂલગામી ઉપાય છે – વિકાસ, વિકાસ, વિકાસ ! લાખ રોગોની એક દવા છે – વિકાસ, વિકાસ, વિકાસ !
[3] વિકાસનાં સ્વરૂપો :
જીવનમાં વિકાસનું મૂલ્ય અને મહત્તા તો સ્વીકૃત તથ્ય છે, પરંતુ પ્રશ્ન એ છે કે વિકાસ એટલે શું ? જીવનવિકાસનું યથાર્થ સ્વરૂપ શું છે ? વિકસવું એટલે શું ? કોઈ વ્યક્તિના જીવનનો વિકાસ થઈ રહ્યો છે તેમ ક્યારે કહી શકાય ? જીવનના વિકાસનું કોઈ એક જ સ્વરૂપ છે કે અનેકવિધ ? વિકાસનાં અનેક સ્વરૂપો હોય તો વિકાસનું સર્વોચ્ચ સ્વરૂપ કયું ? વિકાસનાં ભિન્ન ભિન્ન સ્વરૂપોનો વિચાર કરવાથી આ બધા પ્રશ્નોના ઉત્તર મળી રહેશે.
(અ) આભાસી વિકાસ : દરેક ગતિ પ્રગતિ હોતી નથી. ગતિના ત્રણ પ્રકાર છે. ગતિ, જે પ્રગતિ છે અર્થાત વિકાસ તરફ દોરી જાય છે. ગતિ, જે અવનતિ છે અર્થાત વિનાશ તરફ દોરી જાય છે. અને ગતિ, જે માત્ર ગતિ છે, Movement છે, જે ક્યાંય દોરી જતી નથી. આ તૃતીય સ્વરૂપની ગતિમાં વિકાસનો આભાસ થાય છે અને તેથી ઘણી વાર આ ગતિને વિકાસ માની લેવામાં આવે છે. પરંતુ તેમાં વસ્તુતઃ કોઈ વિકાસ હોતો નથી. તેથી આ સ્વરૂપની ગતિને આભાસી વિકાસ કહેવામાં આવે છે. વ્યક્તિ સવારે ઊઠે ત્યારથી સાંજ સુધીમાં પાર વિનાની દોડાદોડી કરે છે. આમાંથી મોટા ભાગની દોડાદોડી વ્યર્થ દોડાદોડી હોય છે અને તેમાંથી કશું જ નિપજતું નથી. આ દોડાદોડી વ્યર્થ હોવા છતાં ગતિને કારણે વ્યક્તિને કાંઈક કરી રહ્યાનો સંતોષ થાય છે; એક ક્ષુલ્લક અને ભ્રામક સાર્થકતા અનુભવાય છે. પાઈની પેદાશ નહિ અને ઘડીની નવરાશ નહિ – આ પ્રકારની ગતિ છે.
એક પૂર્ણિમાની રાત્રે પાંચ મિત્રો સમુદ્રકિનારે ફરવા ગયા. ફરતાં ફરતાં તેમણે સમુદ્રકિનારે એક હોડી જોઈ. પાંચે મિત્રોએ હોડી દ્વારા સમુદ્રમાં વિહાર કરવાનો નિર્ણય કર્યો. બધા હોડીમાં બેઠા. હોડીને હલેસાં મારવાનો પ્રારંભ કર્યો. હોડી ચાલતી હોય તેમ તેમને લાગ્યું. આખી રાત તેઓએ હલેસાં માર્યા. તેમને લાગ્યું કે તેઓ ઘણે દૂર નીકળી ગયા છે. સવાર થયું. તેઓ હોડીમાંથી નીચે ઊતર્યા અને જોયું તો જણાયું કે તેઓ જે સ્થાનેથી હોડીમાં બેઠા હતા તે જ સ્થાને ઊતર્યા હતા. વિશેષ તપાસ કરતાં જણાયું કે હોડી જે દોરડાથી જમીન પરના ખીલા સાથે બાંધી હતી તે દોરડું છોડવાનું તેઓ ભૂલી ગયા હતા. હલેસાને કારણે હોડીમાં થતી આડી ગતિને તેઓ હોડીની પ્રગતિ માની બેઠા હતા. આખી રાત ખૂબ હલેસાં મારવા છતાં તેઓ ત્યાંના ત્યાં જ રહ્યા હતા. આપણા જીવનની મોટા ભાગની ક્રિયાઓ આવી અર્થહીન દોડાદોડી જેવી હોય છે. માણસ જાગૃત અવસ્થામાં પણ મોટે ભાગે બેભાન જ હોય છે અને બેભાનપણે જ ક્રિયાશીલ હોય છે. આવી બેભાન ક્રિયાઓ, આભાસી ગતિ ક્યાંય પહોંચાડતી નથી.
(બ) ભૌતિક વિકાસ : ધન, મિલકત, કીર્તિ, પદ, સત્તા આદિ દુન્યવી તત્વોનો વિકાસ તે ભૌતિક વિકાસ છે. એક માણસ પાસે ધન નથી કે નહિવત છે. તે પુરુષાર્થ કરે છે અને પુરુષાર્થ દ્વારા ધન પ્રાપ્ત કરે છે. આ તેનો આર્થિક-ભૌતિક વિકાસ છે. ધનપ્રાપ્તિ માટે પુરુષાર્થ કરનાર વ્યક્તિને લાગે છે કે ધનમાં વૃદ્ધિ તે વિકાસ છે અને તેની આજુબાજુના લોકો પણ તેની ધનવૃદ્ધિને વિકાસ ગણે છે. આ જ રીતે મિલકત, કીર્તિ, પદ, સત્તા આદિની પ્રાપ્તિ અને વૃદ્ધિને એક સ્વરૂપનો વિકાસ ગણવામાં આવે છે. વસ્તુતઃ ભૌતિક વિકાસ તે જીવનનો વિકાસ નથી. જીવનનું કેન્દ્ર અંદર છે અને ભૌતિક વિકાસ તો બહાર થાય છે. આ બાહ્ય વિકાસ અર્થાત ભૌતિક વિકાસ ગમે તેટલો થાય તોપણ વ્યક્તિના આંતરસત્વમાં તેનાથી કોઈ પરિવર્તન આવતું નથી અને તેનાથી આંતરસત્વનો કાંઈ વિકાસ પણ થતો નથી. પર્વતની ચારે બાજુ ગમે તેટલી પરીક્રમા કરવામાં આવે તોપણ તેનાથી પર્વતના શિખર પર પહોંચવામાં કોઈ રીતે સહાય મળતી નથી. કોઈ વ્યક્તિ જીવનભર પર્વતની પરિક્રમા કર્યા કરે તોપણ તે શિખરની ટોચ પર પહોંચી શકે નહિ. બાહ્ય ભૌતિક વિકાસ દ્વારા વિકાસનો મિથ્યા સંતોષ મળી શકે છે. કંઈ કરવાનો, કંઈ પ્રગતિ થવાનો તત્કાલીન અનુભવ પણ થાય છે, પરંતુ જીવનનો યથાર્થ વિકાસ તો આ પણ નથી.
(ક) વ્યક્તિત્વનો વિકાસ : માનવ વ્યક્તિત્વ અનેક પાસાં અને અનેકવિધ શક્તિઓનું બનેલું છે. શારીરિક પાસું, શૈક્ષણિક પાસું, બૌદ્ધિક પાસું, ઊર્મિગત પાસું, સામાજિકતાનું પાસું આદિ અનેકવિધ પાસાંઓ માનવ વ્યક્તિત્વમાં સંમિલિત છે. વળી માનવ વ્યક્તિત્વમાં અનેકવિધ શક્તિઓ કે વિશેષ યોગ્યતાઓ પણ હોય છે. સંગીત, ચિત્ર, નૃત્ય, શિલ્પ આદિ કળાવિષયક યોગ્યતા, વૈજ્ઞાનિક સંશોધનની યોગ્યતા, કવિ કે સાહિત્યકાર તરીકેની યોગ્યતા, અનેકવિધ વિષયોની જાણકારી અર્થાત વિદ્વત્તા, વહીવટી કુશળતા, સમાજસેવાની ભાવના અને યોગ્યતા, સાહસિકતા, શૂરવીરતા, પવિત્રતા, પ્રામાણિકતા આદિ અનેકવિધ વિશેષ યોગ્યતાઓ વ્યક્તિત્વના ભાગરૂપે હોઈ શકે છે. વ્યક્તિમાં આમાંની કોઈક શક્તિઓ વિશિષ્ટ સ્વરૂપે હોય છે. વ્યક્તિત્વનાં કોઈ પાસાં કે કોઈ શક્તિનો વિકાસ તે વ્યક્તિત્વનો વિકાસ છે. એક સંગીતકાર પોતાના કળાક્ષેત્રમાં વિકસે, આગળ વધે તો તે તેના વ્યક્તિત્વનો વિકાસ ગણાય છે. એક કવિ, એક સમાજસેવક, એક ચિત્રકાર, એક વહીવટી અધિકારી પોતાના ક્ષેત્રમાં, પોતાની યોગ્યતામાં વિકસે, વૃદ્ધિ પામે તો તેનાથી તેના વ્યક્તિત્વમાં વિકાસ થાય છે તેમ કહી શકાય. ભૌતિક વિકાસની તુલનામાં વ્યક્તિત્વનો વિકાસ, આંતરિક વિકાસ ગણાય છે, કારણ કે ભૌતિક વિકાસ દ્વારા વ્યક્તિત્વના બંધારણમાં કાંઈ ફેરફાર થતો નથી, પરંતુ વ્યક્તિત્વનાં પાસાં કે વ્યક્તિત્વની વિશિષ્ટ યોગ્યતામાં વિકાસ થવાથી વ્યક્તિના જીવનમાં, તેના બંધારણમાં પરિવર્તન આવે છે, તેનો વિકાસ થાય છે. એક સંગીતકાર પોતાની વિશિષ્ટ યોગ્યતા અને અસાધારણ પુરુષાર્થથી મહાન સંગીતકાર બને તો તે પ્રક્રિયા દ્વારા તેના વ્યક્તિત્વના એક પાસાનો વિકાસ થાય છે અને તે રીતે તેના વ્યક્તિત્વનો પણ વિકાસ થાય છે. તે જ રીતે વિજ્ઞાન, કળા, સાહિત્ય, વહીવટ, સમાજસેવા આદિ ક્ષેત્રના વિશિષ્ટ જાણકારોના વ્યક્તિત્વનો તે તે ક્ષેત્ર દ્વારા વિકાસ થાય છે.
વ્યક્તિત્વનો વિકાસ ભૌતિક વિકાસની તુલનાએ અંતરંગ હોવા છતાં તે માનવજીવનનો સર્વોચ્ચ વિકાસ નથી. માનવવ્યક્તિનું જે આંતર સત્ય છે, તેની તુલનાએ વ્યકિત્વના ભિન્ન ભિન્ન પાસાંઓ કે શક્તિઓ પણ બહિરંગ છે. આમ છતાં જીવનના યથાર્થ વિકાસમાં આ સ્વરૂપના વિકાસનું અર્થાત વ્યક્તિત્વના વિકાસનું પ્રદાન હોઈ શકે છે. વ્યક્તિત્વનો વિકાસ આંતરસત્વના વિકાસમાં સહાયક બની શકે છે. તેથી વ્યક્તિત્વનો વિકાસ જીવનવિકાસનો ભાગ ગણાવો જોઈએ. માનવજીવનનો યથાર્થ વિકાસ હજુ વધુ ગહન છે. માનવજીવનના યથાર્થ વિકાસના સ્વરૂપને સમજવા માટે આપણે હજુ વધુ ઊંડા ઊતરવું પડશે.
(ડ) આધ્યાત્મિક વિકાસ : આધ્યાત્મિક વિકાસ એટલે પરમ સત્ય તરફ ગતિ. વ્યક્તિના સ્વરૂપનું કેન્દ્રસ્થ તત્વ આત્મા છે, સચ્ચિદાનંદ છે. સચ્ચિદાનંદની પ્રાપ્તિમાં જ તેના સમગ્ર વિકાસની પરિપૂર્ણતા છે. તેની પ્રાપ્તિ જ માનવને પૂર્ણ જ્ઞાન, પૂર્ણ શક્તિ, પૂર્ણ સ્વાતંત્ર્ય, પૂર્ણ પ્રેમ અને પૂર્ણ આનંદ આપે છે. સચ્ચિદાનંદની પ્રાપ્તિ માનવવિકાસનું સર્વોચ્ચ શિખર છે, તેથી આધ્યાત્મિક વિકાસ જ યથાર્થ વિકાસ છે. આધ્યાત્મિક વિકાસ જ જીવન વિકાસનું અસલી સ્વરૂપ છે. વળી આ વિકાસ ભ્રામક કે ક્ષણિક નહિ, પરંતુ યથાર્થ અને શાશ્વત છે. અધ્યાત્મ = અધિ + આત્મા. અધિ એટલે તરફ. આત્મા તરફ વળવું તે જ અધ્યાત્મ અર્થાત આધ્યાત્મિક વિકાસ છે. અહીં ‘આત્મા’ શબ્દનો પ્રયોગ થયો છે. તેનો અર્થ એવો નથી કે અધ્યાત્મપથ દ્વારા માત્ર જ્ઞાનમાર્ગ સૂચિત થાય છે. ભક્તની ભગવદપ્રાપ્તિ, આત્માર્થીની આત્મપ્રાપ્તિ, જ્ઞાનનીની અદ્વૈતસિદ્ધિ-બ્રહ્મપ્રાપ્તિ, યોગીનું કૈવલ્ય – આ બધા અધ્યાત્મનાં જ સ્વરૂપો છે. આમાંની કોઈ પણ પ્રાપ્તિથી વ્યક્તિ તત્વતઃ તો પોતાના સ્વરૂપને જ પામે છે. સરળ ભાષામાં કહીએ તો અધ્યાત્મ એટલે પોતાના મૂળ ઠેકાણે – સ્વસ્થાને પાછા ફરવું. યાત્રાએ નીકળેલો યાત્રી જ્યાં સુધી સ્વસ્થાને પાછો ન ફરે ત્યાં સુધી યાત્રાની સમાપ્તિ થતી નથી. અને ત્યાં સુધી જીવનની કૃતાર્થતા અનુભવાતી નથી. પ્રકૃતિના રાજ્યમાં ફરતો-આખડતો જીવ પોતાના નિજ સ્વરૂપમાં સ્થિત ન થાય ત્યાં સુધી તે સાચી શાંતિ અને યથાર્થ કૃતાર્થતા પામી ન શકે.
આમ, આધ્યાત્મિક વિકાસ તે જ જીવનવિકાસનું યથાર્થ સ્વરૂપ છે. વિકાસનાં અન્ય સ્વરૂપો જેટલે અંશે આધ્યાત્મિક વિકાસમાં સહાયક તેટલે અંશે તે યથાર્થ વિકાસની નજીકનાં સ્વરૂપો છે અને તેટલે અંશે તેમનું મૂલ્ય છે. વ્યક્તિત્વના વિકાસનાં જે સ્વરૂપો છે તેમનું મૂલ્ય છે. તેનું કારણ એ છે કે આ વિકાસસ્વરૂપો આખરે આધ્યામિક વિકાસમાં સહાયક બને છે. આધ્યાત્મિક વિકાસ યથાર્થ વિકાસ છે. તેમાં સહાય કરે તેવો વિકાસ સહાયક વિકાસ હોવાથી મૂલ્ય ધરાવે છે અને આધ્યાત્મિક વિકાસમાં સહાયભૂત ન હોય તે વિકાસ જ નથી અને આધ્યાત્મિક વિકાસમાં બાધારૂપ બને તેવો વિકાસ, વિકાસ નથી પણ વિનાશ છે.
ઉપસંહાર :
જીવનનું સ્વરૂપ જ એવું છે કે તેમાં ગતિ હોવાની જ. આ ગતિ અવગતિ ન બને, માત્ર ગતિ પણ ન બને, પરંતુ પ્રગતિ બને તેવી રીતે જીવનપદ્ધતિ ગોઠવવી તે ડહાપણનું કાર્ય છે. માત્ર પુરુષાર્થ ફળતો નથી, વિવેકયુક્ત પુરુષાર્થ જ ફળે છે. માત્ર ગતિ ફળતી નથી, પ્રગતિ ફળે છે. માત્ર વિકાસ ફળતો નથી. યથાર્થ જીવનવિકાસ ફળે છે અને યથાર્થ જીવનવિકાસ છે – આધ્યાત્મિક વિકાસ !

No comments:

Post a Comment