Google Search

Saturday, June 9, 2012

અખંડ દીવા – ચંદ્રકાન્ત શેઠ


[1] આપણું અત્તર, આપણી સુવાસ
આપણી પાસે અત્તરની શીશી હોય, પરંતુ તેને સખત રીતે બૂચ મારીને ખિસ્સામાં રાખી મૂકીએ તો તેથી શું લાભ ? હવાની લહેર ચાલતી હોય, આપણો શ્વાસ પણ ચાલતો હોય પણ શીશીમાંના અત્તરની સુવાસ તે બંધ હોવાના કારણે આપણને ન મળે. અત્તર પણ ખિસ્સામાંની શીશીમાં જો પુરાઈ-બંધાઈ ગયું ન હોત તો તે એના સ્વભાવ પ્રમાણે બધું સુવાસિત કરતું જ રહ્યું હોત. આપણને અત્તરની શીશી મળી પણ એનો સદુપયોગ કરવાનું ન આવડ્યું ! ગુલાલ પડીકામાં બાંધી રાખવા માટે હોતો નથી, એ તો મોકળે હાથે ને મોકળે મને ઉડાડીને એનો આનંદ લેવા માટે હોય છે, એવું જ અત્તરનું છે. અત્તર કંઈ શીશીમાં ગોંધી રાખવા હોતું નથી, એ તો પ્રેમ અને પ્રસન્નતાથી છાંટીને આત્મીયતાના ભાવે બધું સુવાસિત કરવા માટે હોય છે. માટીની પ્રસન્નતા ફૂલમાં અને ફૂલની પ્રસન્નતા ફોરમમાં. ફોરમ નહીં તો અત્તર નહીં.
આપણને આપણી માટી કેમ સુવાસિત થાય એની ખેવના હોવી જોઈએ. આપણી પાસે અત્તર હોય તો એનો બરોબર લાભ કેમ લેવાય એની આપણને ખબર હોવી જોઈએ. અત્તર મળ્યા માત્રથી વાત પૂરી થતી નથી. તેનો કઈ રીતે ઉત્તમમાં ઉત્તમ લાભ લેવાય તેની સૂઝ – તેની ફાવટ આપણને હોવી જોઈએ. જેઓ અત્તર બનાવે છે તે અત્તરિયાની મહેનત આપણે જાણવી – પ્રમાણવી જોઈએ. જેઓ અત્તર માટે થઈને પિસાય છે તે ફૂલોનું સમર્પણ પણ આપણે સમજવું જોઈએ. આપણને અત્તર સાંપડ્યું એ જ આપણું સદભાગ્ય. એ અત્તરની સુવાસમાં આપણે આપણી આસપાસનાં સૌને સામેલ કરીને જ આપણે આપણી અત્તર માટેની સુપાત્રતાની સૌની પ્રતીતિ કરાવી શકીએ. આપણે અત્તર બનાવનારા નહીં તો સૌને અત્તરનો આનંદ આપનારા અત્તરિયા જરૂર થઈ શકીએ. આપણે ભલે, કવિ શ્રી મકરન્દ દવે કહે છે તેમ, સૂકા રૂના પૂમડા જેવા હોઈએ, પણ પરમ ચેતનાનો અર્ક આપણા અણુએ અણુથી અનુભવીને, આપણે સુવાસિત થઈ, સૌનેય સુવાસિત કરવાનો રસ- ભર્યો ઉપક્રમ ઊજવી શકીએ. કવિ શ્રી બાલમુકુન્દ કહે છે તેમ, આપણે રૂંવે રૂંવે સૌરભની લહેરો લહેરાતી માણી શકીએ.
આપણી પાસે જે કંઈ હોય તેને આપણે અત્તરમાં પલટાવી દેવાનો ઈલમ કે કીમિયો પામી ન શકીએ ? એવું જાણવામાં આવ્યું છે કે સૂર્યવિદ્યાને સિદ્ધ કરનારાઓ રૂન પોલમાંથી કાળમીંઢ પથ્થર પણ બનાવી શકે છે ! આપણેય એવી રૂપાંતરની કોઈ ગૂઢ વિદ્યા ન પામી શકીએ ? આપણે આપણી ઈચ્છાનુસાર આપણી માટીમાંથી પ્રાણને પુલકિત ને પ્રસન્ન કરે એવું અત્તર ન બનાવી શકીએ ? સૂર્યવિદ્યાની વાત છોડીએ, પણ એના જેવી કદાચ એનાથીય ચડિયાતી એક ગૂઢ વિદ્યા – પ્રેમ અને કરુણાની સ્તો – સહજભાવે આપણને લોહીમાં મળી છે. માતાના દૂધમાંથી એ મળી છે; સ્નેહી જનોની મીઠી ને ભીની દષ્ટિમાંથી મળી છે; પિતાની વત્સલ હૂંફમાંથી એ મળી છે અને આપણા દિલદાર હમસફરોની હમદર્દીમાંથી પણ એ મળી છે. એ પ્રેમ અને કરુણા આપણાં તનમનને ઠારે છે અને આપણને ખરેખરી શાતા આપે છે. સંસારના કેટલાય ઉત્પાતો ને ઝંઝાવાતોમાં એ આપણને ટકાવે છે અને ઝાઝું નહીં તો થોડુંકે, ગજા પ્રમાણેનું રૂડું કામ કરવાની સ્ફૂર્તિ ને શક્તિ આપણને આપે છે. એ પ્રેમ અને કરુણાની ગૂઢ વિદ્યાશક્તિએ જ આપણે પરમતત્વનો પ્રગાઢ સ્પર્શ અનુભવીએ છીએ. આપણા માટે તો પરમતત્વ એટલે આપણી આસપાસની ચરાચર સૃષ્ટિનો અમૃતમય સદભાવ. એના બળે જ આપણો સૌની સાથે મધુમય ગતિસંવાદ સધાય છે. એ સધાયાથી જ આપણને આપણા જીવતરનો સત્વાનંદ પ્રાપ્ત થાય છે.
પ્રેમ અને કરુણા દ્વારા આપણા જીવતરનો અત્તરિયો આનંદ માણવા માટે આપણે વિશેષભાવે સક્રિય થવાનું, કસાવાનું રહે છે. આપણને જડ ને કુંઠિત કરી દેનારાં, આપણામાં કર્કશતા અને કોલાહલ પેદા કરનારાં અને આપણને એ રીતે ગુમરાહ કરનારાં અહંકારનાં આસુરી બળોથી રૂંધાતા આપણા અંતરમાંના અત્તરને બહાર લાવવા માટે આપણે કમર કસીએ. ફૂલો ખીલેલાં છે, હવા પણ મુક્તપણે લહેરાતી છે, આપણી ઘ્રાણેન્દ્રિય પણ સતેજ છે; હવે રાહ કોની જોવાની ? શું મધુવ્રતી એવા મધુકરોનો ગુંજારવ – તેમનો અનાહત નાદ આપણને હજુયે સંભળાતો નથી ?
.
[2] અવ્યવસ્થામાંથી વ્યવસ્થા પ્રતિ….
જીવનમાં કશુંયે આડેધડ ન ચાલવું જોઈએ; નહીંતર સમય, શક્તિ અને સંપત્તિનો દુર્વ્યય થાય અને પરિણામે પસ્તાવાનું થાય. એમ ન થાય તે માટે જીવનમાં વ્યવસ્થાની જરૂર પડે છે. ‘વ્યવસ્થા’ એટલે વિશેષ પ્રકારની અવસ્થા (વિ + અવસ્થા). મનુષ્યનો જન્મ થતાં જ – તે અસ્તિત્વમાં આવતાં જ એક અવસ્થા – પ્રાકૃતિક અવસ્થા તો તેને સાંપડે જ છે; ત્યાદબાદ સંસ્કાર, શિક્ષણ જેવાં અનેકાનેક પરિબળોના કારણે તે બીજી સાંસ્કૃતિક અવસ્થા પણ પ્રાપ્ત કરે છે. આ સાંસ્કૃતિક અવસ્થાને આપણે ઉપર્યુક્ત વિશેષ પ્રકારની અવસ્થા – વ્યવસ્થા કહી શકીએ.
મનુષ્ય ઘરમાં એકલો જ રહેતો હોય તો તે એની મુનસફી પ્રમાણે ઊંઘે, ઊઠે, ખાય, પીએ, લખેવાંચે – એવું કરી શકે. ઘરમાં એની પૂછતાછ કરનારું કોઈ બીજું હોતું નથી. એની ટેવો કે કુટેવો કોઈને નડે કે કનડે એવી પરિસ્થિતિ હોતી નથી. આવે વખતે મનુષ્ય મનસ્વી રીતે વર્તે તો ભલે; ભેંસનાં શિંગડાં ભેંસને ભારે – એ ન્યાયે આપણે એની મનસ્વિતાને બરદાસ્ત કરી પણ લઈએ, પરંતુ ઘરમાં એ મનુષ્ય સાથે બીજાયે મનુષ્યો હોય તો ? પેલા મનુષ્યે બીજાઓનો પણ વિચાર કરવાનો થાય. તેણે બીજાઓના ગમા-અણગમાનો, સગવડ-અગવડ વગેરેનો ખ્યાલ કરવાનો રહે. એ સૌને અનુલક્ષીને તેણે પોતાનાં વિચારવાણી-વર્તન વગેરેને સંયત કરવાનાં- ગોઠવવાનાં રહે. આ તબક્કે વ્યવસ્થાનો પ્રશ્ન ખડો થાય છે. મનુષ્યને એક પરિવાર વચ્ચે- સમાજના એક ઘટક વચ્ચે રહેવાનું થતાં તેણે તેઓના હિતમાં જરૂરી નીતિનિયમો ઘડી, આચાર-વિચારનાં માન્ય ધોરણોની મર્યાદામાં રહી પોતાના આચાર-વિચારનો અમલ કરવાનો રહે છે. એમ કરતાં પેલા મનુષ્યે પોતાની સ્વતંત્રતા પર કાપ મુકાયો એવું સમજવાનું નથી; કાપ મુકાયો હોય તો પોતાની સ્વચ્છંદતા પર મુકાયો એવું સમજવાનું રહે છે. સૌની સાથે સુમેળ – સંવાદથી રહેવાય; સૌને વધુમાં વધુ સુખ તેમ જ શાંતિ આપવામાં નિમિત્ત થવાય એથી વધારે રૂડું શું ? સંયત થવાથી, વ્યવસ્થિત થવાથી સમય, શક્તિ અને સંપત્તિનો દુર્વ્યય અટકે છે અને વધુમાં વધુ પ્રસન્નકર ને પથ્ય વાતાવરણ ઊભું થાય છે.
મનુષ્યે બુદ્ધ ભગવાનના અષ્ટાંગમાર્ગની રીતે ધીરજ અને વિવેકપૂર્વક પોતાનાં વિચાર, વાણી તેમ જ વર્તનની સમ્યક આયોજના કરવાની રહે છે. આવી આયોજના તે જ વ્યવસ્થા-સુવ્યવસ્થા. જેમ પાણીને તેમ મનુષ્યે તેની જીવનચેતનાને પણ નિયંત્રિત કરી તેનાથી પોતાને તેમ જ અન્ય સૌને વધુમાં વધુ લાભ કેમ થાય તે જોવાનું રહે છે. મનુષ્ય જો સમુચિત વ્યવસ્થાને વશ વર્તીને ચાલે તો ઘણી મુસીબતોમાંથી, ઘણાં ઘર્ષણો અને બખડજંતરમાંથી તે પોતાને અને પોતાની આસપાસનાં અનેકને બચાવી શકે છે અને વ્યક્તિગત તેમ જ સમષ્ટિગત જીવનમાં પ્રસન્નતા અને તથા પ્રશાંતિનો પ્રસાદ પામી સંસારજીવનને ઉત્સવ જેવું બનાવી શકે છે.
મનુષ્ય ઝીણી નજરે જોશે તો આ સમસ્ત બ્રહ્માંડ કોઈ નિયત વ્યવસ્થાતંત્રમાં બંધાઈને ચાલતું જણાશે. અહીં કશું આકસ્મિક નથી; આકસ્મિક લાગે એ અલગ વાત છે. આપણે સૂર્યોદય ને સૂર્યાસ્ત નિયત સમયે થતા જોઈએ છીએ. સમુદ્રમાં ભરતી-ઓટ પણ નિશ્ચિત નિયમોને વશ વર્તીને આવે જાય છે. આપણા શરીરમાં પણ એક ચોક્કસ મજબૂત વ્યવસ્થા અંતર્નિહિત (‘ઈનબિલ્ટ’) હોવાનું સમજાય છે. આપણા શ્વાસોચ્છવાસ આપણી નાડીના ધબકાર પણ સુસંકલિત રીતે – લયબદ્ધતાથી ચાલતા હોય છે. જડ અને ચૈતન્ય વચ્ચે પણ પૂરો મેળ-સંબંધ વરતાશે. આમ વ્યવસ્થાનું તત્વ જેમ બાહ્ય તેમ જ આંતરિક જીવનમાંયે બુનિયાદી રીતે કામ કરતું જણાય છે. મનુષ્ય ભલે પોતાને અહંભાવથી પ્રેરાઈને પોતાને અળગો ને સ્વતંત્ર માને; તત્વતઃ અને વસ્તુતઃ તે સમસ્ત બ્રહ્માંડચક્રના લઘુક પણ અ-નિવાર્ય અંશરૂપ છે. મનુષ્યનું જીવન વૈશ્વિક વ્યવસ્થાના જ એક ભાગરૂપ છે. અહીં એ રીતે બધું પરસ્પરાવલંબી ને સાપેક્ષ છે; માટે જ વ્યવસ્થાનું હોવું – ચાલવું સહજસિદ્ધ છે. ક્યારેક વ્યવસ્થાની આ સહજસિદ્ધ પ્રક્રિયામાં વિક્ષોભ કે વિક્ષેપનાં તત્વો દેખા દે એવું બને પણ એમનો અવરોધ ક્ષણિક હોય છે. દેખીતા વિસંવાદને તળિયે સંવાદાત્મક વ્યવસ્થાનો વ્યાપવિસ્તાર અને એની સત્તા હોવાનું શ્રદ્ધાત્માને તો પ્રતીત થશે જ.
મનુષ્યની વ્યવસ્થાપ્રીતિ એની સ્વચ્છતા, સુઘડતા અને નિયમિતતામાં; એનાં વિવેક-પુરઃસરનાં વાણી-વર્તનમાં, એની વિનીત રહેણીકરણીમાં હંમેશાં પ્રગટ થયા કરતી હોય છે. અણઘડતા, અવ્યવસ્થા આળસના જેવી જ હાનિકર અને તેથી ત્યાજ્ય છે. સુઘડતા – સુવ્યવસ્થામાં જ માણસના શીલની શક્તિ તેમ જ કસોટી બંને છે. તેથી જ તે મનુષ્યના અંગત તેમ જ જાહેરજીવનમાં પરમ ઉપાસ્ય છે. આપણે જેમ અસતમાંથી સતમાં, અંધકારમાંથી પ્રકાશમાં, મૃત્યુમાંથી અમૃતમાં લઈ જવાની પ્રાર્થના પરમ તત્વને કરીએ છીએ તેમ જ આપણે અવ્યવસ્થામાંથી વ્યવસ્થા પ્રતિ લઈ જવાની પ્રાર્થના કરવાની રહે છે; કેમ કે પરમ તત્વના મહાન સંગીતની બંદિશનો કંઈક અંદાજ, કંઈક ખ્યાલ તો સુવ્યવસ્થિત રીતે જીવતાં જીવતાં જ આવતો હોય છે.

No comments:

Post a Comment