Google Search

Saturday, June 9, 2012

સાચી નિવૃત્તિ કોને કહેવાય ? – કાન્તિલાલ કાલાણી


ત્રણેક વર્ષ પહેલાં એક મહાત્માને મળવાનો પ્રસંગ બનેલો. નોકરીમાંથી નિવૃત્ત થયાને મહિનો પણ થયો નહોતો એટલે સ્વાભાવિક રીતે જ નિવૃત્તિ વિશે વાત નીકળી. સામાન્ય માન્યતા એવી છે કે કામધંધામાંથી અથવા નોકરીમાંથી મુક્ત થવું એટલે નિવૃત્ત થવું. નિવૃત્તિ એટલે ફુરસદ, સંસારની ઉપાધિમાંથી દૂર થઈ એકાંતવાસ સેવવો, કામ ન કરવું, એવો અર્થ ઘટાવાય છે. પણ કામ-ધંધો કે નોકરીમાંથી નિવૃત્ત થનાર મનુષ્ય વ્યવહારથી મુક્ત થઈ શકતો નથી, કારણ કે તેનામાં જે સમજ અથવા આવડત છે તેનો ઉપયોગ કરવાની વૃત્તિ તે ટાળી શકતો નથી. જોકે કેટલાક લોકોને વ્યવહારની પંચાત ગમતી નથી. આવા મનુષ્યો લોકકલ્યાણના ભાવથી કોઈ સંસ્થાઓમાં સક્રિય રસ લેવા માંડે છે, પ્રવચનો સાંભળવા જાય છે, વાચન-લેખન કરે છે અથવા પોતાને ગમતી અને સમયના બંધન વિનાની એવી પ્રવૃત્તિ કરે છે અને તેને તે નિવૃત્તિના ભાગરૂપ ગણે છે. જ્ઞાનીજનો અને સંતો આવી નિવૃત્તિને નિવૃત્તિ ગણતા નથી. તેઓ એમ કહે છે કે આપણે જે નામરૂપ ધારણ કર્યાં છે તેનાથી સમજણપૂર્વક છૂટા પડવું એ જ સાચી નિવૃત્તિ છે.
પ્રાચીન કાળથી વર્તમાનકાળ સુધી દષ્ટિપાત કરીશું તો નામરૂપમાંથી મુક્ત થવાનો પ્રયાસ કર્યો હોય એવી વ્યક્તિઓ કેટલી મળવાની ? ત્યાગીઓ, સાધુ-બાવા-સંન્યાસીઓ પોતાની જાતને નિવૃત્ત માનતા હોય છે. પણ મઠો, મંદિરો અગર કોઈ પણ પ્રકારની સંસ્થાઓ ઊભી કરી તેઓ લોકકલ્યાણની પ્રવૃત્તિઓ તો કરતા જ હોય છે. તેઓ તેમનાં નામ આગળ સંત, મહંત, મંડલેશ્વર, મહાત્મા જેવી પદવીઓ લગાડી નામને સન્માનનીય બનાવે છે. આચાર્ય, મુનિવર્ય, સદગુરુ, શ્રીમદ, 108 કે 1008 જેવાં સંબોધનો નામરૂપની પ્રતિષ્ઠામાં વધારો કરતાં હોય ત્યારે તેમનાથી નામરૂપનો મોહ દઢ થાય કે નામરૂપમાંથી નિવૃત્તિ મળે તે વિચારવું જોઈએ.
મનુષ્યને જે નામ અને શરીર મળ્યાં છે તેને તેણે સાધનરૂપ ગણી ભગવાનને અર્થે તે બન્નેનો ઉપયોગ કરવો જોઈએ. પણ તેમાં હુંપણાનો અને મારાપણાનો ભાવ ન લાવવો જોઈએ. મનુષ્ય જન્મ્યો ત્યારે અનામી હતો. નામ વગર તેનો જીવનવ્યવહાર ચાલે નહિ એ વાસ્તવિકતા હોવાથી બાળકનું નામ પાડવામાં આવે છે. શરીરની ઓળખાણ માટે એ સરળ અને હાથવગું સાધન છે. નામને કારણે જીવનવ્યવહારમાં પારાવાર અનુકૂળતા રહે છે એનો સૌને અનુભવ છે. એટલે નામ વગરનો માણસ ક્યાંય નહિ મળે.
પ્રાચીન કાળમાં મનુષ્યોને પોતાનાં નામનો મહિમા નહોતો. ભારતમાં ઋગવેદકાળમાં, ઉપનિષદકાળમાં કે પુરાણકાળમાં વ્યક્તિગત નામનું મહત્વ નહોતું. તેને કારણે તો પ્રાચીન કાળમાં જે કૃતિઓની રચનાઓ થઈ તેમના કર્તાઓનાં નામ ભાગ્યે જ મળે છે. એટલે હજારો વર્ષો સુધી મનુષ્યોએ પોતાનું નામ સ્થાપિત કરવાનો કે પોતાના નામનો મહિમા વધારવાનો પ્રયત્ન કર્યો નહોતો. પ્રચારનાં સાધનો વધતાં ગયાં અને અન્ય સુવિધાઓ ઉત્પન્ન થવા માંડી તેમ માણસને પોતાના નામની પ્રતિષ્ઠા વધે અને ઈતિહાસમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરે અંકિત થાય એવી અભિલાષાઓ જન્મવા માંડી. મનુષ્યનો દેહ પ્રત્યેનો મોહ તો હતો જ. એમાં નામ પ્રત્યેનો મોહ દઢ થવા લાગ્યો. કાળક્રમે મનુષ્યના જીવનમાં નામ અને રૂપ (દેહ અને શરીર) કેન્દ્રમાં આવી ગયાં. પછી નિવૃત્તિ ક્યાંથી ફાવે ? અત્યારે સંપત્તિને ખૂબ પ્રતિષ્ઠા મળી ગઈ છે. ‘નાણાં વિનાનો નાથિયો અને નાણે નાથાલાલ’ એ હકીકત બની ગઈ છે. સર્વ ગુણો સુવર્ણનો આશ્રય લે છે અને ‘લક્ષ્મી દેખી મુનિવર ચળે’ એવું લોકો કહે છે, તેમાં સચ્ચાઈ છે. એટલે મોટા ભાગના લોકોને તાત્કાલિક ધનવાન થઈ જવું છે. એમ ને એમ તો ધનવાન થવાય નહીં, એ સૌ જાણતા હોવાથી, એવી યુક્તિ-પ્રયુક્તિઓ શોધી કાઢે છે કે રૂપિયાનો ઢગલો થઈ જાય. રૂપિયા આવે એટલે સાધનો અને સગવડો વધારવાની અને પોતાની કીર્તિ ફેલાવવાની સુવિધા રહે છે; એટલે કોઈને નિવૃત્ત થવું ગમતું નથી. છતાં નોકરી કરનારને અઠ્ઠાવન કે સાઠ વર્ષે નિવૃત્ત થવું જ પડે એવા નિયમો છે. એટલે તેની પાસે બીજો કોઈ ઈલાજ નથી, નહિતર તો એ શરીર ચાલે ત્યાં સુધી કાર્ય કર્યા જ કરે.
મનુષ્યને કાર્યમાંથી ક્યારેક ને ક્યારેક નિવૃત્તિ લેવી જ પડે છે, છતાં એ નિવૃત્તિનો ઉત્તમ અને સંતોષપ્રદ ઉપયોગ કઈ રીતે થઈ શકે તેનો ગંભીરતાપૂર્વક ભાગ્યે જ વિચાર કરે છે. કેટલાક લોકો પાસે એવું કૌશલ કે આવડત હોય છે કે નિવૃત્તિ પછી પણ તેમને કામ મળી રહે છે, જ્યારે અન્ય માણસોને કામ મેળવવા કે સમય પસાર કરવા ફાંફાં મારવા પડે છે. કેટલાકને નિવૃત્તિ પચતી નથી. નિવૃત્તિ આવતાં તેઓ ખાલીપણું અનુભવે છે અને તેમની તબિયત પર અસર થવા માંડે છે. દિનપ્રતિદિન મોંઘવારી એટલી વધતી જાય છે કે માણસે ગમે તેટલી ગણતરીઓ કરી હોય તોપણ ઊંધી પડી જાય છે. રૂપિયો સતત ઘસાતો જ રહ્યો છે. તેની ખરીદશક્તિ પાંચમા ભાગ જેટલી પણ નથી રહી એટલે મર્યાદિત આવકવાળા માણસો બે છેડા મેળવી શકે નહિ, પછી તેમને નિવૃત્તિ કેમ અનુકૂળ આવે ? વળી નવરા બેસવાનું માણસને લાંબો સમય ન ગમે અને સમય પસાર કરવા માટે રૂપિયા ખર્ચવા પડતા હોય તો એ પોસાય નહીં. ઉંમર મોટી થઈ ગઈ હોય એટલે શરીર પણ પૂરો સાથ ન આપતું હોય એટલે વધુ પડતો શ્રમ કે તકલીફ પડે એવું કાર્ય હાથ ધરી શકાય નહિ અને જે કાર્ય ગમતું હોય તેમાં રળતર ન થતું હોય તો કરવું પોસાય નહીં. આમ, લગભગ બધા માણસોને નિવૃત્તિમાં સરખી ગોઠવણ ન થાય તો સમય કેમ વિતાવવો એ ચિંતાનો વિષય બની રહે છે.
જે મનુષ્યે નોકરી કે ધંધો અથવા કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કરતી વેળા જીવન શા માટે મળ્યું છે, પોતે કોણ છે, જીવનમાં શું સાર્થક કરી લેવા જેવું છે તે બાબતની જાગૃતિ રાખે, સમજણપૂર્વકનું જીવન જીવે, પોતાને કર્તા માનવાને બદલે નિમિત્તરૂપ માને, હુંપણાના અને મારાપણાના ભાવ ન લાવે, દરેક કાર્યમાં ભગવાનને આગળ રાખે; શાંતિ, આનંદ, સંતોષ અને સ્થિરતાને વિક્ષેપ ન પહોંચે તેની કાળજી રાખે; આળસ-પ્રમાદને કદી વશ ન થાય, નિત્ય અને નિયમિત અધ્યાત્મમાર્ગના અનુભવી સાથે સત્સંગ કરે તેમજ કુસંગ ન કરે તો નિવૃત્તિનો સમય તેને બાધારૂપ બને નહીં અને જીવન સરસ રીતે પસાર થઈ જાય. આવી કક્ષાએ પહોંચેલા મનુષ્યોએ સ્થૂળ દેહનો અને નામનો સાધન તરીકે ઉપયોગ કરવો જોઈએ, પણ નામને અને દેહને ચોંટવું ન જોઈએ અથવા તેમના પ્રત્યે આસક્તિ ન રાખવી જોઈએ. નામ અને દેહ મર્યાદિત આયુષ્ય લઈને આવ્યાં છે. આયુષ્ય પૂરું થતાં નામ અને દેહ બન્ને છૂટી જાય છે. તો જીવન દરમિયાન જ તે બન્નેથી મુક્તપણું અનુભવાય તો મૃત્યુનો ભય ટળી જાય; વ્યવહાર એકદમ ઓછો થઈ જાય, હુંપણું અને મારાપણું ઓગળી જાય તેમજ જીવન હળવુંફૂલ બની જાય. પછી કોઈ એને નિવૃત્તિનું નામ આપે કે ન આપે તેનું મહત્વ રહેતું નથી.
સ્થૂળ શરીરને તો ક્યારેક ને ક્યારેક ફુરસદ મળી જાય છે, પણ સૂક્ષ્મ શરીરને નિવૃત્ત કરવું મુશ્કેલ છે. મનુષ્ય સુખદુઃખના ભાવ અનુભવે છે તે સૂક્ષ્મ શરીર સાથે સંકળાયેલા છે. મનુષ્યને સુખ ગમે છે; દુઃખ ગમતું નથી. એટલે તે સુખને પ્રાપ્ત કરવાનો અને દુઃખને ટાળવાનો પ્રયત્ન કરે છે. સુખ અને દુઃખની વિવિધ વ્યાખ્યાઓ અપાઈ છે. લોકદષ્ટિએ સુખ કોને કહેવાય ? જેની પાસે વધારે સાધનસંપત્તિ અને સમૃદ્ધિ હોય એ સુખી ગણાય છે. એટલે તો મોટા ભાગના લોકો સમય અને શક્તિનો ઉપયોગ સાધનો અને સંપત્તિ એકત્રિત કરવામાં કરે છે. જેમની પાસે સાધનો, સગવડો અને સંપત્તિ નથી તેઓ પોતાને દુઃખી માને છે. પણ લોકોની આ માન્યતા બરાબર નથી. માની લઈએ કે સાધનસંપત્તિ અને ધન પુષ્કળ હોય અને શરીર તંદુરસ્ત ન હોય તો સાધનો અને ધન બોજારૂપ બની જાય છે. વળી જેમની પાસે વધુ પડતાં સાધનો અને પુષ્કળ ધન છે તેમના જીવનમાં શાંતિ, આનંદ, સંતોષ અને સ્થિરતા ભાગ્યે જ જોવા મળે છે. સૌ કોઈ જાણે છે કે સાધનસંપન્ન માણસો ત્યાગીઓ, સાધુ-સંતો અને ભક્તોના આશીર્વાદ લેવા દોડધામ કરતા હોય છે. ખરેખર તો સુખ અને દુઃખ કર્મની સાથે સંકળાયેલાં છે. નબળાં કર્મ કરનારને નબળું ફળ મળે છે એટલે તે દુઃખી થાય છે અને સત્કર્મો કરનારને સુફળ મળે છે એટલે તે સુખનો ભાવ અનુભવે છે. આ સુખ અને દુઃખના ભાવમાંથી નિવૃત્ત થવું સહેલું નથી. જે લોકો સ્થૂળ દેહની નિવૃત્તિ પચાવી શકતા નથી તેઓ સૂક્ષ્મ શરીરની નિવૃત્તિ કેવી રીતે પચાવી શકે ? રાજા હોય કે રંક, ત્યાગી હોય કે ગૃહસ્થ, શેઠ હોય કે નોકર, સૌ કોઈ સુખ અને દુઃખ વિશેની તેમની માન્યતામાંથી છૂટા પડી શકતા નથી.
મનુષ્યમાં સાચી સમજણ આવે તો જ તે સૂક્ષ્મ શરીર સાથે સંકળાયેલાં સુખ ને દુઃખથી છૂટો પડી શકે છે. સાચી સમજણ પ્રાપ્ત કરવા અધ્યાત્મમાર્ગના અનુભવીનો સંગ અને સત્સંગ કરવો પડે છે. જ્ઞાની મનુષ્ય સમજે છે કે સુખ અને દુઃખ એ મનની માન્યતા જ છે. મનુષ્ય જેને દુઃખરૂપ માને તે તેને માટે દુઃખ છે અને સુખરૂપ માને તે સુખ છે. એટલે એક માણસને જે સુખરૂપ લાગતું હોય તે બીજાને દુઃખરૂપ લાગે. આપણને ઉકરડો ગંદકીનો ઢગલો લાગે તો ભૂંડને એ સ્વર્ગનો ટુકડો લાગે. એટલે સુખ અને દુઃખના વિભાગો ઊભા ન કરવા; જે સંયોગો છે તેનો સ્વીકાર કરી લેવો અને શાંત ચિત્તે તેમાંથી રસ્તો કાઢવો, એનું નામ સમજણ.
સૂક્ષ્મ શરીરથી છૂટા પડવું હોય તો વ્યાપકતા અને નિર્મળતા સિદ્ધ કરવી પડે. વ્યાપકતા કેળવ્યા વિના નામરૂપમાંથી કે દેહભાવમાંથી છૂટા પડી શકાતું નથી. અહીં બધું પરમાત્માનું છે અને પરમાત્માની ઈચ્છાનુસાર ચાલ્યા કરે છે, એવો નિશ્ચય થાય તો હુંપણાનો અને મારાપણાનો ભાવ ન રહે. વળી તેનાં વિચાર, વાણી અને વર્તનમાં સંકોચનું દર્શન ન થાય. વ્યાપકતા માટે આટલું તો હોવું જ જોઈએ. નિર્મળતા માટે દશ્યજગતને આપણી અંદર દાખલ થવા ન દેવું જોઈએ. આ જગત ઉપયોગ માટે છે એટલે જેટલી જરૂરિયાત હોય તેટલું જ જગતમાંથી લેવું જોઈએ. જગત પ્રત્યે મોહ કે મમતા ન કેળવવાં જોઈએ અને મારાપણાનો અને માલિકીપણાનો ભાવ સ્થાપિત ન કરવો જોઈએ. મારાપણાના ભાવમાંથી જ આસક્તિ અને પક્ષપાત સર્જાય છે અને નિર્મળતા નષ્ટ થઈ જાય છે. નિર્મળ રહેવું હોય તો અનાસક્તિ કે અલિપ્તતા કેળવવી પડે. અસંગી બનવું પડે, રુચિ-અરુચિ, શુભ-અશુભ, માન-અપમાન, સારું-નરસું જેવાં અનેક દ્વન્દ્વોથી અળગા રહેવું પડે. તે ઉપરાંત મન, બુદ્ધિ, ચિત્ત, અહં અને ઈન્દ્રિયોનો ભગવદર્થે ઉપયોગ કરવો પડે અને પોતે દેહ નથી પણ દેહ ધારણ કર્યો છે તેવી જાગૃતિ રાખવી પડે.
મનુષ્ય નામરૂપથી અને સુખદુઃખના ભાવોથી સત્સંગ દ્વારા અને અનુભવીના સંગ દ્વારા કદાચ છૂટો પડી શકે પણ શુભ-અશુભ ઈચ્છાઓ અને રાગ-દ્વેષથી મુક્ત રહેવું અતિ અઘરું છે. સત્વગુણના અધિષ્ઠાતા વિષ્ણુએ દેવોને સહાય કરી છે અને અસુરોનો સંહાર કરી શુભનો પક્ષપાત કર્યો છે ! વિષ્ણુના અવતાર કાર્યમાં દેવો પ્રત્યેનો રાગ અને અસુરો પ્રત્યેનો દ્વેષ જોવા મળે છે. વસિષ્ઠ અને વિશ્વામિત્ર વચ્ચેના પ્રસંગોમાં પણ રાગદ્વેષનું દર્શન થાય છે. કશાયથી પણ છૂટા પડવું હોય તો તેને સાધન તરીકે ગણીએ તો જ છૂટા પડાય. સાધનાથી ક્યારેય પરાધીન ન થઈ જવાય અને સાધન પ્રત્યે મોહ ન થાય તેની વિશેષ જાગૃતિ રાખવી પડે, તો જ મુક્ત થવાય. નિવૃત્તિ માટે અજ્ઞાનનો ઉપયોગ થઈ શકે. સમજણપૂર્વક અજ્ઞાનનો ઉપયોગ કરતાં આવડે તો સાચી નિવૃત્તિનો અનુભવ થાય. વ્યક્તિ જાણતી હોય છતાં કોઈની સાથે વાદવિવાદ કરે નહિ એ અજ્ઞાનનો ઉપયોગ ગણાય. સમજીને ધારણ કરેલું અજ્ઞાન વ્યક્તિમાં અપૂર્ણતાનો ભાવ લાવશે નહિ. દા..ત, અંધકારનો આરામ માટે ઉપયોગ છે, તેમ સમુદાયમાંથી છૂટા રહેવા અજ્ઞાનનો ઉપયોગ છે. એ રીતે અજ્ઞાન મનની નિવૃત્તિ માટે આશીર્વાદરૂપ બની શકે.
આ રીતે નિવૃત્તિને સ્થૂળ અર્થમાં ન લેતાં વ્યાપક અર્થમાં લેવી જોઈએ. અને મનુષ્યે નામરૂપ, સુખ-દુઃખ જેવાં અસંખ્ય દ્વન્દ્વો અને શુભ-અશુભ અને રાગદ્વેષ જેવા ભાવોમાંથી કેમ નિવૃત્ત થવું તે અનુભવી પાસેથી શીખી લેવું જોઈએ. પછી જ સાચી નિવૃત્તિનો અથવા જીવનમુક્ત સ્થિતિનો અનુભવ થાય.

No comments:

Post a Comment