પૃથ્વી પર વસતા સર્વ માનવો નૈષ્ઠિક બ્રહ્મચર્યનું પાલન કરે, તેવી અપેક્ષા નથી અને તે શક્ય પણ નથી. પરંતુ આનો અર્થ એમ પણ નથી કે બ્રહ્મચર્યનો કોઈ મહિમા નથી કે બ્રહ્મચર્ય નિરર્થક છે. યુગની અસર માનવની વિચારધારા પર થાય છે. આ બધું છતાં બ્રહ્મચર્યનો મહિમા અને મૂલ્ય તો જે છે તે જ છે. એટલે હવે આપણી સમક્ષ સ્વાભાવિક પ્રશ્ન ઉપસ્થિત થાય છે – બ્રહ્મચર્યનું મૂલ્ય શું છે ? અર્થાત્ બ્રહ્મચર્ય શા માટે ?
(1) સત્યની પ્રાપ્તિ માટે અસત્યનો ત્યાગ કરવો જોઈએ. પ્રકાશની પ્રાપ્તિ માટે અંધકારનો ત્યાગ કરવો જોઈએ. યથાર્થની પ્રાપ્તિ માટે આભાસનો ત્યાગ કરવો જોઈએ. બિંબની પ્રાપ્તિ માટે પ્રતિબિંબનો ત્યાગ કરવો જોઈએ. ઈચ્છાનો ભોગ અને ઈચ્છાના ઉપભોગ દ્વારા મળતા સુખનું સ્વરૂપ શું છે ? જીવન મૂલતઃ સચ્ચિદાનંદ સ્વરૂપ છે. આનંદ તેનું સ્વરૂપગત તત્વ છે. આમ છતાં જીવ તુચ્છ સુખોની પ્રાપ્તિ માટે રઘવાયો બન્યો છે. આમ શા માટે બન્યું ? કોઈક અગમ્ય અચિંત્ય કારણસર જીવ પોતાના સચ્ચિદાનંદ સ્વરૂપને અજ્ઞાનવશ ભૂલી જાય છે. પાણીને તૃષા લાગવા જેવી ઘટના બને છે. આ સ્વરૂપ વિસ્મૃતિમાંથી એક અભાવ ઊભો થાય છે. આ અભાવ વાસ્તવિક અભાવ નથી; અજ્ઞાનવશ ઊભો થયેલો કાલ્પનિક અભાવ છે. આ અભાવને ભરવા માટે જીવ અનેકવિધ ઈચ્છાઓ – કામનાઓની પૂર્તિ દ્વારા પ્રયત્ન કરે છે. ઈચ્છાઓની પૂર્તિ દ્વારા એક પ્રકારની સુખાનુભૂતિ પણ થાય છે.
આ સુખાનુભૂતિનું સ્વરૂપ શું છે ? સુખ આનંદનો આભાસ છે. આનંદ આપણું સ્વરૂપ છે, તેથી આનંદ યથાર્થ, શાશ્વત અને પરિપૂર્ણ હોય છે. સુખ તો ઈન્દ્રિયોના ભોગ દરમિયાન અનુભવાતું આનંદનું પ્રતિબિંબ છે, આનંદનો આભાસ છે. તેથી જ સુખ આભાસી, ક્ષણિક અને આંશિક હોય છે. સુખનો અનુભવ જીવને ક્યારેય પરિતૃપ્તિ આપતો નથી. આમ બનવાનું કારણ એ છે કે સુખ પ્રતિબિંબ છે. દર્પણમાં પ્રતિબિંબિત થયેલો અગ્નિ કોઈની ઠંડી ઉડાડી શકે નહિ. તે માટે તો પ્રતિબિંબને છોડી બિંબસ્વરૂપ મૂળ અગ્નિ પાસે પહોંચ્યે જ છૂટકો છે.
કામોપભોગ શું છે ? કામોપભોગમાં અનુભવાતું સુખ શું છે ? કોઈ પણ તીવ્ર ઉત્તેજના દરમિયાન તન્મયતાનું નિર્માણ થાય છે. આ તન્મયતાને કારણે ચિત્તવૃત્તિનો ક્ષણભર નિરોધ અનુભવાય છે. આ ક્ષણિક ચિત્તવૃત્તિ નિરોધ દરમિયાન ચિત્તમાં આત્માનો આનંદ પ્રતિબિંબિત થાય છે. આ પ્રતિબિંબ કે આભાસનો અનુભવ તે જ કામોપભોગજન્ય સુખાનુભૂતિ છે. જ્યાં સુધી માનવી આભાસી સુખમાં રમમાણ રહે ત્યાં સુધી તેની સાચા અને યથાર્થ આનંદ તરફ ગતિ થઈ શકે ? સાચા આનંદની પ્રાપ્તિ માટે આભાસી સુખાનુભવનો ત્યાગ કરવો જોઈએ. સંયમ સત્ય તરફ દોરી જાય છે, ભોગ નહિ. આટલું સમજાય તો બ્રહ્મચર્યનો મહિમા સમજવાનું કાર્ય કઠિન નથી.
(2) આપણે સમજી લેવું જોઈએ કે અસ્તિત્વગત તરીકે કામોપભોગ શા માટે છે ? કામનો હેતુ શો છે ? કામનો અસ્તિત્વગત હેતુ પ્રજનન છે, વંશવૃદ્ધિ છે, સૃષ્ટિનો વિસ્તાર છે, જાતિગત અસ્તિત્વની જાળવણી છે. પરંતુ તેમ થવાને બદલે માત્ર ઈન્દ્રિયસુખ માટે જ તેનો ઉપયોગ કરવામાં આવે તો ? તો તે ઋતના નિયમનો ભંગ છે. કામતત્વ માનવશરીરમાં મૂકવામાં આવ્યું છે, તે તો વંશની જાળવણી માટે છે, ભોગ માટે નથી. આમ છતાં કામતત્વનો ઉપયોગ ભોગ માટે જ થવા માંડ્યો છે. આ ભોગવાદ અસ્તિત્વની વ્યવસ્થાથી વિરુદ્ધ છે. અસ્તિત્વની એક વ્યવસ્થા છે. આ વ્યવસ્થાનો ભંગ કરનારને અસ્તિત્વ સજા કરે છે. સિફીલસ, એઈડ્સ ભોગીને થાય છે, સંયમીને નહિ. આ અસ્તિત્વગત વ્યવસ્થા છે.
(3) કામ અને કામોપભોગ સ્વરૂપતઃ પાપ નથી. પરંતુ તેમનામાંથી અનેક પાપો જન્મી શકે છે. કામનો અંધ વેગ એવો પ્રબળ છે કે તે માનવીના વિવેકને નષ્ટભ્રષ્ટ કરી નાખે છે. કામને પાપ ન ગણવાનું કારણ એ છે કે તે સ્વરૂપતઃ પ્રાકૃતિક છે. જે પ્રાકૃતિક હોય તેને મૂળભૂત રીતે પાપ ગણી શકાય નહિ. આમ સ્વરૂપતઃ કામ પાપ ન હોવા છતાં માનવ ચેતનામાં તેણે એવું સ્વરૂપ ધારણ કર્યું છે કે તે આખલાને છૂટો મૂકવામાં આવે તો તે માનવજીવનને છિન્નભિન્ન કરી નાખી શકે છે. તેથી જ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે –
काम एष क्रोध एष रजोगुणसमुदभवः ।
महाशनो महापाप्मा विद्येनमिह वैरिणम् ।।
શ્રી ભગવાન કહે છે : ‘રજોગુણમાંથી ઉત્પન્ન થયેલ આ કામ છે, આ ક્રોધ છે. તે અતિશય ખાનાર અર્થાત કદી તૃપ્ત ન થનાર છે. તે પાપી છે અર્થાત પાપનું મૂળ છે, તેને તું વેરી જાણ અર્થાત તે જ માનવીને બળપૂર્વક પાપમાં નિયોજે છે.’
काम एष क्रोध एष रजोगुणसमुदभवः ।
महाशनो महापाप्मा विद्येनमिह वैरिणम् ।।
શ્રી ભગવાન કહે છે : ‘રજોગુણમાંથી ઉત્પન્ન થયેલ આ કામ છે, આ ક્રોધ છે. તે અતિશય ખાનાર અર્થાત કદી તૃપ્ત ન થનાર છે. તે પાપી છે અર્થાત પાપનું મૂળ છે, તેને તું વેરી જાણ અર્થાત તે જ માનવીને બળપૂર્વક પાપમાં નિયોજે છે.’
(4) ભોગ દ્વારા કામમુક્તિ કે કામતૃપ્તિ અશક્ય છે. જીવનભર યથેચ્છ ભોગ ભોગવ્યા છતાં યયાતિ મહારાજને શાંતિ ન થઈ એટલે તેમણે પોતાના પુત્ર કુરુ પાસે યૌવન માગ્યું. કુરુએ આપ્યું. ફરીથી દીર્ઘકાળ પર્યંત ભોગ ભોગવ્યા છતાં યયાતિ મહારાજની કામેચ્છા પૂરી ન થઈ. આ અનુભવને આધારે યયાતિ મહારાજ કહી ગયા છે :
यत्पृथिव्यां व्रीहि यवं हिरण्यं पशवः स्त्रियः ।
न दुह्यन्ति मनः प्रीति पुंसः कामहतस्य ते ।।
न जातु कामः कामानामुपभोगेन शाम्यति ।
हविषाकृर्ष्णवर्त्मेव भूय एवाभिवर्धति ।। (श्रीमद् भागवत)
यत्पृथिव्यां व्रीहि यवं हिरण्यं पशवः स्त्रियः ।
न दुह्यन्ति मनः प्रीति पुंसः कामहतस्य ते ।।
न जातु कामः कामानामुपभोगेन शाम्यति ।
हविषाकृर्ष्णवर्त्मेव भूय एवाभिवर्धति ।। (श्रीमद् भागवत)
‘પૃથ્વીમાં જેટલું ધાન્ય છે, સુવર્ણ છે, પશુઓ છે, સ્ત્રીઓ છે (તે બધું મળે તો પણ) કામ પીડિત લોકોને તે તૃપ્તિ આપી શકે નહિ. જીવની કામવૃત્તિ કામોપભોગથી શાંત થતી નથી, પરંતુ ઘી દ્વારા જેમ અગ્નિ વધુ ને વધુ પ્રજ્વલિત થાય છે, તેમ (ભોગ દ્વારા કામવૃત્તિ) વધુ પ્રબળ બને છે.’ માનવી કામોપભોગ તરફ જાય છે – કામતૃપ્તિ માટે, પરંતુ એ તો નિશ્ચિત સિદ્ધાંત છે કે કામોપભોગ દ્વારા કામતૃપ્તિ શક્ય જ નથી. હવે જે ઉપાયથી ઈચ્છિત ધ્યેય સિદ્ધ ન જ થવાનું હોય તે ઉપાય લેવો જ શા માટે ? જે સ્થાને પહોંચવું છે, તે સ્થાને પહોંચવા માટે કાર્યક્ષમ ન હોય તે માર્ગ લેવો જ શા માટે ? ઈચ્છાની ભુક્તિના આનંદ કરતાં ઈચ્છામાંથી મુક્તિનો આનંદ સહસ્ત્રગુણ અધિક હોય છે. તેથી બ્રહ્મચર્ય અર્થાત સંયમનો રાજમાર્ગ જ સાચો જીવનપથ છે. ભોગને રવાડે ચડીને ખુવાર થઈ જવા કરતાં સંયમના માર્ગે જઈને શાંતિ અને સ્વાસ્થ્યની જાળવણી કરવી, તે વિવેકનો માર્ગ છે.
(5) જીવનમાં એક વ્યવસ્થા છે, એક ઘણી ગહન વ્યવસ્થા છે. દષ્ટાઓએ આર્ષદષ્ટિથી જોયું છે કે જીવનવ્યવસ્થા એક મહાન નિયમને અનુસરે છે. આ મહાનિયમ છે – ઋતનો નિયમ. આપણાં મહાવ્રતો આ ઋતના નિયમના જ સ્વરૂપો છે. આ મહાવ્રતોમાંનું એક વ્રત છે – બ્રહ્મચર્ય. તેથી બ્રહ્મચર્ય ઋતના નિયમમાંથી ફલિત થાય છે. સંયમી જીવનપદ્ધતિ ઋતને અનુસરનારી જીવનપદ્ધતિ છે અને ઉચ્છૃંખલ જીવનપદ્ધતિ ઋતના નિયમનો ભંગ કરનારી જીવનપદ્ધતિ છે. બ્રહ્મચર્ય સંયમનું જ એક સ્વરૂપ છે. અવૈધકામાચાર અને અતિભોગ, બંને ઋતના નિયમનો ભંગ છે, તેથી જ બ્રહ્મચર્યને બ્રહ્મપ્રાપ્તિ માટેની ચર્યા ગણેલ છે.
(6) જીવનનો હેતુ છે – સચ્ચિદાનંદની પ્રાપ્તિ. માનવમાં ગુપ્ત રીતે કે પ્રગટ રીતે સચ્ચિદાનંદની પ્રાપ્તિની અભિપ્સા હોય જ છે. આ અભીપ્સા જ આપણા જીવનને સતત ગતિમાન રાખે છે. આ અભીપ્સા આપણું મહામૂલું ધન છે. અભીપ્સાની જાણવણી અને તેનું પ્રાગટ્ય આપણા જીવનવિકાસ માટે અનિવાર્ય છે. અભીપ્સા મંદ બને તો જીવનગતિ મંદ બને છે અને અભીપ્સા જ્વલંત બને તો જીવનગતિ જ્વલંત બને છે. બ્રહ્મચર્ય અભીપ્સાની જાણવણીની ચાવી છે. જેનાં મન અને પ્રાણ વેરણ-છૂરણ બની જાય, જેની જીવનશક્તિ અનેક માર્ગે વહેવા માંડે તેની અભીપ્સા પ્રબળ અને એકાગ્ર બની શકે નહિ અને રહી શકે નહિ. જેના મન, પ્રાણ અને શરીર સંયમિત રહે છે, તેની જીવનધારાની ગતિ અખંડ અને સમતોલ રહે છે. બ્રહ્મચર્ય માત્ર શરીરનો સંયમ નથી. તે શરીર, પ્રાણ અને મનનો સંયમ છે. બ્રહ્મચર્ય એટલે જીવનશક્તિને સંયમિત રાખીને ઊર્ધ્વ દિશામાં વાળવાની કળા. બ્રહ્મચર્ય એટલે સચ્ચિદાનંદની પ્રાપ્તિ માટેની અભીપ્સાની જાળવણીની ચાવી. બ્રહ્મચર્યનો આવો મહિમા છે, તેથી જ તો બ્રહ્મચર્યને ‘બ્રહ્મચર્ય’ જેવું ગૌરવપ્રદ નામ મળ્યું છે.
(7) અધ્યાત્મ એટલે ચેતનાનું ઊર્ધ્વીકરણ. અધ્યાત્મ એટલે જીવનનું ઉન્નયન. ભોગ અનૈતિક કે અવૈધ ન હોય તોપણ તેમાં ચેતનાનું અધોગમન થાય જ છે. આમ શા માટે અને કેવી રીતે થાય છે, તેવો પ્રશ્ન જ નથી. ભોગનું સ્વરૂપ જ એવું છે કે તેમાં ચેતના નીચી આવે જ છે. કામ પાપ નહિ હોવા છતાં તે એક અંધ પ્રેરણા છે, તે એક પશુવૃત્તિ છે, પશુપ્રવૃત્તિ છે. પશુપ્રવૃત્તિમાં ઊતરવાથી ચેતના પશુતાની ભૂમિકાએ અર્થાત નિમ્નભૂમિકાએ ઊતરે તે દીવા જેવું સ્પષ્ટ છે. તેથી જ અધ્યાત્મપથના પથિકો માટે બ્રહ્મચર્યનો આવો ભારે મહિમા ગવાયો છે. ચેતનાનું ઊર્ધ્વીકરણ અને કામોપભોગ દ્વારા ચેતનાનું અધોગમન – આ બંને ક્રિયાઓ એક સાથે ચાલુ રાખવી, તે બે વિરુદ્ધ દિશામાં દોડતા ઘોડા પર એકસાથે બેસવા જેવી ઘટના છે.
(8) આયુર્વેદ અને યોગના ગહન દર્શન પ્રમાણે સપ્તમધાતુ (વીર્ય)નો ઉચિત પદ્ધતિથી સંચય અને રક્ષણ કરવામાં આવે તો તેમાંથી અષ્ટમ તત્વ ઓજસનું નિર્માણ થાય છે. આ અષ્ટમધાતુ ઓજસ જીવનશક્તિ છે. આ ઓજસ દ્વારા આપણાં શરીર-પ્રાણ-મન વિશેષ ચેતનવંતા બને છે. વિષ્ણુ સહસ્ત્રનામમાં ‘ઓજસ’ને ભગવાનનું એક નામ ગણવામાં આવેલ છે. આવા મહિમાવાન ઓજસના નિર્માણ માટે બ્રહ્મચર્યનું મૂલ્ય છે.
(9) શરીર-મનની શક્તિઓ અને તેમના સ્વાસ્થ્ય માટે પણ બ્રહ્મચર્ય મૂલ્યવાન છે. આધુનિક મનોવિજ્ઞાન અને આધુનિક શરીરવિજ્ઞાનમાં હજુ સુધી બ્રહ્મચર્યનો મહિમા સ્વીકારાયો નથી. પરંતુ જો તેમની દષ્ટિ સત્ય તરફ હશે તો, જો તેઓ સત્યની શોધ ચાલુ રાખશે તો, આજે નહિ તો કાલે તેમણે બ્રહ્મચર્યનો મહિમા સ્વીકારવો પડશે. સત્યને ક્યાં સુધી અવગણી શકાય છે ? રસ, રક્ત, માંસ, મેદ, મજ્જા, અસ્થિ અને વીર્ય – આ સાત ધાતુ એક પ્રવાહની સાત અવસ્થા છે. એક સ્થળે થતા સંચય અને વ્યયની સર્વ પર અને તે રીતે સમગ્ર શરીર પર અસર પડે જ છે. તેથી સપ્તમ ધાતુની રક્ષા તે સાતે ધાતુની જ રક્ષા છે અને તે રીતે સમગ્ર શરીરની રક્ષા છે. અવૈધભોગી અને અતિભોગીના વર્તન અને માનસિક અવસ્થા તરફ નજર નાખો. તેમની જીવનપદ્ધતિ અને તેમની માનસિક ગૂંચો જોવામાં આવે તો તુરત જ બ્રહ્મચર્ય અને સંયમી જીવનપદ્ધતિનો મહિમા સમજી શકાશે. વિજ્ઞાનની પ્રયોગશાળામાં સાબિત થયું હોય કે ન થયું હોય, જીવનની પ્રયોગશાળામાં હજારો વર્ષથી સિદ્ધ થઈ ચૂક્યું છે કે શરીર અને મન, બંનેના સ્વાસ્થ્ય અને શક્તિ માટે બ્રહ્મચર્ય – સંયમી જીવનનું ઘણું મૂલ્ય છે.
(10) સામાજિક સુખાકારી માટે પણ સંયમી જીવનપદ્ધતિ જ ઉચિત પદ્ધતિ છે. ભોગને જ જીવનનો એકમાત્ર પુરુષાર્થ માનનાર સમાજ તરફ નજર નાખો. તેમની કુટુંબવ્યવસ્થાની શી દશા થઈ છે ? તેમના બાળકોની શી વલે થઈ છે ? અતિભોગવાદ અને ઉચ્છૃંખલ જીવનપદ્ધતિ માત્ર વ્યક્તિને જ નહિ પણ સમગ્ર સામાજિક વ્યવસ્થાને પણ રફે-દફે કરી નાખે છે. કોઈ પણ સમાજ સંયમના પાયા વિના લાંબો સમય ટકી શકતો નથી. અતિભોગવાદ સમાજને વિનાશની ગર્તા તરફ ધકેલી દે છે. એક પત્નીવ્રત, સંયમી જીવનપદ્ધતિ, બ્રહ્મચર્ય, અવૈધ સંબંધોનો ઈન્કાર – સામાજિક સુખાકારીના આ સાચા પાયા છે. મુક્તકામસંબંધો આખરે સામાજિક વ્યવસ્થા અને સામાજિક સુખાકારી માટે ઘાતક નીવડે છે.
સંયમી જીવનપદ્ધતિ દ્વારા વ્યક્તિગત અને સામાજિક સાત્વિકતાની રક્ષા કરી શકાય છે. પતનને માર્ગે કલ્યાણની આશા ન રાખી શકાય.
No comments:
Post a Comment