Google Search

Friday, June 15, 2012

જીવન : એક ખેલ – અનુ. કુન્દનિકા કાપડીઆ


[1] શબ્દની શક્તિ
જે માણસ શબ્દની શક્તિને ઓળખે છે, તે વાતચીતમાં ઘણો સાવધ રહે છે. પોતાના ઉચ્ચારેલા શબ્દો વડે માણસ સતત પોતાને માટે નિયમો બનાવતો રહે છે. હું એક માણસને ઓળખું છું. તે હંમેશા કહેતો : ‘હું જેવો સ્ટોપ પર પહોંચું કે હંમેશાં બસ ઊપડી જ ગઈ હોય છે.’ એની દીકરી કહેતી : ‘મેં કોઈ દિવસ બસ ગુમાવી નથી. જેવી હું સ્ટોપ પર પહોંચું કે બસ આવી જ હોય છે.’ આવું વરસો સુધી ચાલેલું. એ બંનેએ પોતાના જુદા નિયમો બનાવેલા : એકે નિષ્ફળતાનો, બીજાએ સફળતાનો.
અંધશ્રદ્ધા કે વહેમ પાછળ આ જ માનસ કામ કરતું હોય છે. લોકો કેટલીક વસ્તુને શુકનિયાળ ને બીજી વસ્તુઓને અપશુકનિયાળ લેખતા હોય છે. પણ ખરી રીતે તો દરેક વસ્તુ પાછળ ભગવાનની શક્તિ જ આવી રહેલી હોય છે, અને તેથી કોઈ વસ્તુ અપશુકનિયાળ નથી, કશું જ અનિષ્ટ નથી. મારી એક મિત્રને નિસરણી હેઠળથી ચાલતાં ખૂબ ડર લાગતો. મેં તેને કહ્યું, ‘તું ભય પામે છે તેનો અર્થ એ કે તું બે સત્તામાં માને છે : શુભની અને અશુભની. પણ પરમાત્મા એક જ છે, તે શુભ છે. માણસ પોતે પોતાના ખ્યાલથી અશુભ ઊભું કરે છે. અશુભની પોતાની કોઈ શક્તિ નથી, તેવું તું માનતી હો તો નિસરણી હેઠળથી ચાલી જો.’ ત્યાર પછી તરતમાં તેને બેન્કમાં જવાનું થયું. સેફ ડિપોઝિટ વૉલ્ટમાં તેને પોતાનું ખાતું ઉઘાડવું હતું. પણ વચ્ચે નિસરણી મૂકેલી હતી. તે ભયથી પાછળ રહી ગઈ, ને બહાર નીકળી આવી. રસ્તા પર ચાલતાં તેને મારા શબ્દો યાદ આવ્યા અને તે પાછી ગઈ. તેણે નિસરણી હેઠળથી જવાનો નિશ્ચય કર્યો. આ તેના માટે એક મોટી ક્ષણ હતી. કારણ કે આખી જિંદગી તે આ ભયમાં પકડાયેલી હતી. તે પોતાના ખાના તરફ જવા આગળ વધી અને આશ્ચર્ય ! નિસરણી ત્યાં હતી જ નહિ. આવું ઘણી વાર બને છે. માણસને જેનો ભય લાગે તે કરવાનું તે નક્કી કરે, તો પછી તે બાબત ત્યાં રહેતી જ નથી.
આ અ-વિરોધનો નિયમ છે, જેને બહુ ઓછા લોકો સમજે છે. ભયની સ્થિતિનો નિર્ભયતાથી સામનો કરો, અને સામનો કરવા માટે પરિસ્થિતિ રહેતી જ નથી. પોતાના જ વજનથી તે તૂટી પડે છે. ઉપરના કિસ્સાનો ખુલાસો એ છે કે ભયને કારણે એ સ્ત્રીના માર્ગ પર નિસરણી આકર્ષાઈ હતી, નિર્ભયતાએ એને હટાવી દીધી. આમ, ‘ન દેખાતાં પરિબળો’ માણસની જાણ બહાર કામ કરતાં હોય છે. શબ્દોની આંદોલનાત્મક શક્તિને લીધે માણસ જે કોઈ શબ્દબદ્ધ કરે, તે તેના ભણી આકર્ષાઈ આવે છે. માણસ એક વાર શબ્દની શક્તિ સમજે, પછી તે શબ્દો વિશે અસાવધ રહી શકતો નથી. મારી એક મિત્ર ઘણી વાર ફોન પર કહે છે : ‘તું આવ તો આપણે ગપ્પાં મારીશું.’ આ ‘ગપ્પાં’ એટલે પાંચસોથી હજાર વિનાશક શબ્દોનો એક કલાક, જેમાં દુ:ખ, રોદણાં, માંદગીની જ વાતો મુખ્યત્વે હોય છે.
એક જૂની કહેવત છે કે માણસે પોતાના શબ્દો ત્રણ હેતુઓ માટે વાપરવા જોઈએ : સાજા કરવા, આશીર્વાદ આપવા અથવા સમૃદ્ધ થવા. તે કોઈનું ‘ખરાબ નસીબ’ ઈચ્છે, તો પોતાના માટે જ ખરાબ નસીબ નોતરે છે. સફળતા ઈચ્છે તો પોતાની જ સફળતા ભણી આગળ વધે છે. સ્પષ્ટ દર્શન અને ઉચ્ચારિત શબ્દો વડે શરીરનો કાયાકલ્પ કરી શકે છે અને રોગ સંપૂર્ણપણે ભુંસાઈ જાય છે. શરીરને સાજું કરવા માટે મનને સાજું કરવું જોઈએ. આ મન એટલે અર્ધજાગ્રત ચિંતા જેને ‘ખોટા વિચારો’થી સદા બચાવતા રહેવું જોઈએ. બધી માંદગી અને દુ:ખ પ્રેમના નિયમનો ભંગ કરવામાંથી આવે છે, એમ કહીએ તો ખોટું નથી. રંગભૂમિ પર કામ કરતી એક સફળ અભિનેત્રીને તેના જૂથના એક દ્વેષી માણસને લીધે કામમાંથી રજા મળી. તેનું મન એ માણસ પ્રત્યે ગુસ્સા ને ધિક્કારથી ભરાઈ ગયું. પણ તેણે કહ્યું : ‘ઓ ભગવાન, એ માણસને હું ધિક્કારવા લાગું એવું ન થવા દેતો.’ કલાકો સુધી એકાંતમાં તેણે આ ભાવ ઘૂંટ્યો. તેના હૃદયમાં એ માણસ પ્રત્યે, પોતાની જાત પ્રત્યે, દુનિયા પ્રત્યે શાંતિનો ભાવ પથરાયો અને ત્રીજા દિવસે તો, તેને ઘણા દિવસથી પીડતા ત્વચારોગનો પણ અંત આવ્યો.
સતત ટીકા કરવાથી રૂમેટિઝમ-સંધિવા થાય છે. અસંવાદી ટીકાભર્યા વિચારો લોહીમાં અકુદરતી દ્રવ્યો જમા કરે છે જ. સાંધાઓમાં સ્થિર થઈ રહે છે. ઈર્ષ્યા, ધિક્કાર, ક્ષમાનો અભાવ, ભય વિવિધ રોગો જન્માવે છે. ક્ષમાશીલતાનો અભાવ એ રોગનું બહુ મોટું કારણ હોય છે. એ નસોને કે લિવરને સખત બનાવી દે છે, આંખની દ્રષ્ટિને અસર કરે છે. આથી જાગ્રત પ્રબુદ્ધ માણસ પાડોશીઓ પ્રત્યેના પોતાના વ્યવહારને સંપૂર્ણ સુંદર બનાવવાનો પ્રયત્ન કરે છે. તે દરેક ભણી શુભેચ્છા ને આશીર્વાદ પ્રસારે છે અને તમે જો કોઈ માણસ પ્રત્યે આશીર્વાદનો ભાવ સેવો, તો તે માણસ તમારું ક્યારેય નુકશાન કરી શકતો નથી. ટૂંકમાં પ્રેમ અને શુભેચ્છા અંદરના શત્રુઓનો નાશ કરે છે અને તેથી બહાર પણ કોઈ શત્રુઓ રહેતા નથી. કારણ જેવું અંદર હોય છે તેવું જ બહાર હોય છે.
[2] બોજો ફેંકી દો
જીવનની લડાઈઓ લડવાનું કામ માણસમાં જે ભગવત-મન રહેલું છે, તેને સોંપાયેલું છે. માણસે પોતે તો માત્ર શાંત બની રહેવાનું હોય છે, પ્રતીક્ષા કરવાની હોય છે. તેનું તર્કબુદ્ધિ ધરાવતું મન તો ઘણું મર્યાદિત હોય છે. ભય ને શંકાથી ભરેલું હોય છે. આથી તેણે પોતાનો બોજો ભગવત-મનને સોંપી દઈ; હળવા થઈ જવું જોઈએ. પોતાનો બોજો પોતે ઊંચકવો, એ નિયમનો ભંગ છે. એક સ્ત્રી વર્ષોથી દુનિયા પ્રત્યે નફરતનો બોજો લઈને ફરતી હતી. તેણે એક દિવસે કહ્યું, ‘મારો આ બોજો હું અહીં બેઠેલા ભગવાનને સોંપી દઉં છું.’ સર્વશક્તિમાન ભગવત-ચેતનાએ એના અર્ધજાગ્રત મનને પ્રેમથી ભરી દીધું અને તેનું આખું જીવન જ પલટાઈ ગયું.
પરમ ચેતના સમક્ષ આ નિવેદન ફરી ફરી, ઘણી વાર તો કલાકો સુધી મૌનપણે અથવા મોટેથી નિશ્ચયત્મકતાથી કરતા રહેવું જોઈએ. મેં નોંધ્યું છે કે બોજો ફેંકી દીધા પછી થોડા વખત પછી આપણી દષ્ટિ ચોખ્ખી બને છે. હું મારો બોજો ભગવાનને સોંપી મુક્ત થાઉં છું. એમ ફરી ફરી કહેતાં દષ્ટિની સ્પષ્ટતા અને હળવાશ અનુભવાય છે અને થોડા જ વખતમાં ‘શુભ’નો મૂર્ત સ્વરૂપમાં આવિર્ભાવ થાય છે – પછી એ આરોગ્ય હોય, આનંદ હોય કે સાધનસામગ્રી હોય. ઘણીવાર મોટો અવિષ્કાર થતાં પહેલાં બધું જ અવળું પડતું હોય એમ ભાસે છે, ઊંડી હતાશા મનને ઘેરી વળે છે પણ એ તો અર્ધજાગ્રત મનમાં લાંબા સમયથી ઘરબાયેલાં પડેલાં ભય ને શંકા સપાટી પર આવવાને કારણે બને છે અને એ સપાટી પર નાબૂદ થવા માટે જ આવ્યાં છે. કોઈ કદાચ પૂછે : ‘આ અંધારામાં ક્યાં સુધી રહેવું પડે ?’ મારો જવાબ છે : ‘અંધારામાં ‘જોઈ શકીએ’ ત્યાં સુધી.’ અને બોજો ફેંકી દેવાથી માણસ અંધારામાં પણ જોઈ શકે છે. અર્ધજાગ્રત મન પર કોઈ પણ બાબત અંકિત કરવા માટે સક્રિય શ્રદ્ધા હંમેશાં ખૂબ જરૂરી છે.
કશીક ગેરસમજને કારણે એક સ્ત્રી અને તેના પતિ છૂટાં પડી ગયાં હતાં. સ્ત્રી તેના પતિને ખૂબ ચાહતી હતી, પણ પતિ સમાધાન માટે કેમેય તૈયાર થતો નહોતો. તે તો તેની સાથે વાત કરવાનો જ ઈન્કાર કરતો. આધ્યાત્મિક નિયમની તે સ્ત્રીને જાણ થતાં તેણે જુદાઈની પરિસ્થિતિનો જ ઈન્કાર કર્યો. તેણે કહ્યું, ‘ભગવત ચેતનામાં કોઈ જુદાઈ નથી, જે પ્રેમ અને સાથ દિવ્ય ચેતનાએ મારે માટે નિર્મ્યાં છે તેનાથી મને કોઈ અલગ કરી શકે નહિ.’ તેણે આ બાબતમાં સક્રિય શ્રદ્ધા દર્શાવી, રોજરોજ તે જમવાના ટેબલ પર તેના પતિ માટે જગ્યા રાખતી, અને એ રીતે અર્ધજાગ્રત મન પર પતિના પાછા ફરવાનું ચિત્ર અંકિત કરતી. એક વર્ષ વીતી ગયું. તે શ્રદ્ધામાંથી જરા પણ ડગી નહિ, અને ‘એક દિવસ તે ઘરે આવ્યો.’ અર્ધજાગ્રત મન પર પ્રભાવ પાડવા માટે સંગીત પણ એક વિશેષ સાધન છે. સંગીતના લય અને સંવાદ સાથે આવતા શબ્દો ઘણા શક્તિશાળી બની જાય છે.
સુખ અને શાંતિ પામવા માટે માણસે પોતાના અર્ધજાગ્રત મનમાંથી બધા ભય ભૂંસી નાખવા જોઈએ. માણસના પોતાના ભયને લીધે જ વસ્તુ ભયાનક બનતી હોય છે. માણસે પોતાનું દરેક કાર્ય તે ભયમાંથી ઉદ્દભવે છે કે શ્રદ્ધામાંથી, તે તપાસતા રહેવું જોઈએ. કોઈ વાર માણસને વ્યક્તિનો ભય લાગતો હોય છે. એવે વખતે જેનાથી ભય લાગતો હોય તે લોકોને મળવાનું ટાળવું નહિ. પ્રસન્નતાથી તેમને મળવું. તેઓ કાં તો તમારા ‘શુભ’ની સાંકળમાં એક સોનેરી કડી બનશે કે પછી અનાયાસ તમારા માર્ગમાંથી ખસી જશે. રોગ કે જંતુનો ભય લાગતો હોય તો રોગભરપૂર પરિસ્થિતિમાં નિર્ભય થઈને વિચરવું. તમે રોગથી અસ્પર્શ્ય રહેશો. તમારાં આંદોલનો અને જંતુનાં આંદોલનો સમાન સ્તરે ચાલતાં હોય તો જ તમને જંતુઓ ત્રાસરૂપ બની શકે છે અને જંતુની ભૂમિકાએ માણસને ખેંચી જનાર વસ્તુ છે ભય.

No comments:

Post a Comment