Google Search

Saturday, June 9, 2012

કૃષ્ણજન્મનું રહસ્ય – મકરન્દ દવે



વંશીવિભૂષિતકરાન્નવનીરદાભાત
પીતામ્બરાદરુમબિમ્બફલાધરોષ્ઠાત |
પૂર્ણેન્દુસુન્દરમુખાદરવિંદનેત્રાત
કૃષ્ણાત્પરં કિમપિ તત્વમહં ન જાને || (મધુસુદન સરસ્વતી)
(વાંસળીથી શોભતા હાથવાળા, નવાં વાદળના જેવી આભાવાળા, પીળાં વસ્ત્રવાળા, લાલ બિંબફળ જેવા અધરોષ્ઠવાળા, પૂર્ણ ચંદ્ર જેવા સુંદર મુખવાળા, કમલનયન કૃષ્ણથી શ્રેષ્ઠ કોઈપણ તત્વને હું જાણતો નથી.)
ભગવાન કૃષ્ણના અવતાર દ્વારા આપણને માનવરૂપમાં પરમાત્માનો જે પરિચય થયો છે એના વિશે થોડો વિચાર કરીએ. ભગવાનનો અવતાર અને સામાન્ય માણસનો જન્મ, એ બેમાં શું ફેર છે ? મનુષ્યનો જન્મ કહેવાય, ભગવાનનો અવતાર કહેવાય. અવતાર એટલે અવતૃ – નીચે આવતું તે. ઊંચા ક્ષેત્રમાંથી નીચે અવતરવું, તેને અવતાર કહે છે. ભગવાન પોતે પોતાના પૂર્ણત્વમાં, એક નિશ્ચલ સ્થિતિમાં, નિરંજન, નિરાકાર સ્થિતિમાં સ્થિત છે. પણ જ્યારે આ પૃથ્વીમાં ઋતનો ભંગ થાય છે, વિશ્વનિયમનો ભંગ થાય છે, અનાચાર વધી જાય છે, અસુરો પ્રબળ બને છે ત્યારે એ પરમાત્મશક્તિ ઋતની સ્થાપના માટે, સત્યના ઉત્કર્ષ માટે અવતાર ધારણ કરે છે. ભગવાને પોતે જ ગીતામાં કહ્યું છે કે :
યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત |
અભ્યુત્થાનધર્મસ્ય તદાડડત્માનં સૃજામ્યહમ ||
‘જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થાય છે, અધર્મનું જોર વધી જાય છે ત્યારે હું સ્વેચ્છાથી અવતાર ધારણ કરું છું.’ ભગવાન કૃષ્ણના જન્મમાં અને સામાન્ય મનુષ્યમાં ભેદ એ છે કે મનુષ્ય કર્મબંધનથી જન્મ લે છે અને ભગવાન સ્વેચ્છાથી, લોકોના કલ્યાણને માટે, ઋતની સ્થાપના માટે અવતાર ધારણ કરે છે. આજ સુધીમાં ભગવાનના જે કોઈ અવતારો થયા છે તેમાં ભગવાન કૃષ્ણનો જન્મ અપૂર્વ છે. કૃષ્ણાવતારને પૂર્ણાવતાર કહે છે, કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ કહે છે. કારણ કે જન્મથી માંડીને દેહનો ત્યાગ કરતાં સુધી એમના જીવનમાં જે દિવ્યતા પ્રકાશી ઊઠી છે, જે પ્રભુત્વ પ્રગટ થયું છે તે બીજા કોઈ માનવ-અવતારમાં થયું નથી એમના જન્મથી લઈને એમના દેહત્યાગ સુધી, એમના નિર્વાણ સુધી, એક એક પગલે આપણને જીવન જીવવાનો ભવ્ય સંદેશો મળ્યો છે.
ભગવાન કૃષ્ણનો જન્મ કારાગૃહમાં થયો, બંદીગૃહમાં થયો. એ શું બતાવે છે ? ભગવાનનો જન્મ જન્માષ્ટમીને દિવસે થયો; તો એ જન્માષ્ટમી શું બતાવે છે ? તેમના જન્મનું સ્થળ અને જન્મનો દિવસ એ બન્ને આપણને કશોક સંકેત આપે છે. એ સંકેતની લિપિ આપણે વાંચવી જોઈએ. દરેક મનુષ્ય પોતે ઊભા કરેલા પોતાના કારાગારમાં જન્મે છે, કર્મબંધનમાં જન્મે છે. કર્મબંધનમાંથી મુક્તિ કેમ મળે એનો સંદેશો આપવા માટે સ્વયં ભગવાને કારાગારમાં જન્મ લીધો અને પોતાની દિવ્યતાનો અનુભવ એકે એક વસ્તુમાં કરાવ્યો. કારાગૃહમાં જન્મ એ બતાવે છે કે એમાંથી મુક્ત થઈ શકાય છે. જો ભગવાન કૃષ્ણનું સ્મરણ કરીએ, માત્ર સ્મરણ નહીં; એ જીવીએ, જીવનમાં એ જીવ્યા એનું અનુસરણ કરીએ – સત્યમાં, ઋતમાં, આનંદમાં – તો ભગવાન આપણામાં જન્મ લે છે અને આપણને મુક્તિ આપે છે. ભગવાનનો જન્મ કારાગૃહમાં થયો; પછી વસુદેવ તેમને લઈ જાય છે. યમુના નદી બે પૂરે વહી રહી છે, વરસાદ વરસી રહ્યો છે પણ ભગવાનના ચરણના અંગૂઠાનો સ્પર્શ થાય છે અને નદી શાંત બની જાય છે. આ શું બતાવે છે ? નિમ્નગામી પ્રકૃતિનો પ્રવાહ વહી જ રહ્યો છે. ઈન્દ્રિયોનો પ્રવાહ સતત ચાલુ છે, ધોધમાર ચાલુ છે. નેત્રોની અંદર રૂપ દેખાય છે, કાનમાં શ્રવણ દેખાય છે – શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ – ભયંકર પ્રચંડ પ્રવાહ આપણને તાણી જાય છે. ક્યાંક રૂપ જોયું તો લોભાઈ ગયા, ક્યાંક પ્રશંસા સાંભળી તો ફુલાઈ ગયા. નિંદા સાંભળી તો કોપિત થઈ ઊઠ્યા. આ બધા શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધના – જે તન્માત્રાઓ છે એના – પ્રવાહ ચાલુ જ છે. એ પ્રવાહ પ્રચંડ છે, નિમ્નગામી છે; પરંતુ ભગવાનના ચરણનો સ્પર્શ થાય છે ત્યાં શાંત થઈ જાય છે. તમે એનું સ્મરણ કરશો તો એની અનુભૂતિ થશે.
‘ભગવાન ! અમને કારાગારમાંથી મુક્ત કરો, જન્મ ધારણ કરો. નિમ્ન પ્રવાહ અમને નીચે લઈ જાય છે, ખેંચી જાય છે, ઢસડી જાય છે. અમે તણાઈ જઈ રહ્યા છીએ. ભગવાન ! તમારા ચરણનો સ્પર્શ કરો તો આ પ્રવાહ મંદ બની જશે, અમને પાર લઈ જશે, સામે પાર લઈ જશે’ અને સામે આનંદનું ધામ છે. કંસના રાજ્યમાં, એની નિકટમાં જ એક આનંદનું ધામ હોય, વૃન્દાવન હોય, તે કેવડી મોટી વાત છે ! જે લોકો ચક્રવર્તી છે, સમ્રાટ છે, જેની સત્તા ચાલે છે એનું આ ધામમાં કાંઈ ચાલતું નથી. અને એ ધામ હૃદયમાં જ છે. મારું હૃદય વૃન્દાવન છે. હે ભગવાન ! તમે મારી નિમ્નગામી પ્રકૃતિને અટકાવો, એને મંદ કરો અને વૃન્દાવનધામમાં મને લઈ જાઓ.’ કૃષ્ણના જન્મની સાથે આપણે આમ ભાવની યાત્રા કરીશું તો કૃષ્ણ આપોઆપ આપણામાં જ જન્મ લેશે. વૃન્દાવનની બાળલીલાઓમાં સ્મૃતિનું રહસ્ય, વેદનું રહસ્ય, જ્ઞાનનું રહસ્ય, કર્મનું અને ભક્તિનું રહસ્ય ભરપૂર ભરેલું છે. નંદનું ઘર આનંદમય છે, જ્યારે કંસ નાશ કરનારો છે, વિનાશનો દૂત છે. નંદ આનંદના પ્રતિનિધિ છે. જે બાળક પર હંમેશાં મૃત્યુની છાયા ઢળી છે એ બાળક આનંદથી ખેલે છે અને મૃત્યુનો પરાજય કરતો જાય છે. જે જે રાક્ષસી ઉપદ્રવો થાય છે, આસુરી ઉપદ્રવો થાય છે તેનો કૃષ્ણે કેવો નાશ કર્યો તેની કથાઓ તે તન્માત્રાની કથાઓ છે.
શકટાસુરની કથા છે ને ? શકટ એટલે છકડો, ગાડું. ગાડું કાંઈ અસુર હોઈ શકે ? તો, ગાડું પડ્યું છે, એને કૃષ્ણનો પગ, નાના બાળકનો પગ લાગે છે અને ગાડું ઊથલી પડે છે. આ શું બતાવે છે ? આપણું શરીર એ શકટ છે. પાંચ ઈન્દ્રિયો અને છઠ્ઠું મન – એની નીચે આપણે દટાઈ ગયા છીએ. પણ એને ઉથલાવી મૂકીએ તો ? આપણું ભગવદ સ્વરૂપ, આપણું ચૈતન્ય સ્વરૂપ, આપણું કૃષ્ણ સ્વરૂપ એ દેહભાવને દૂર કરી દે તો ? તો શકટાસુર વધ થાય. જે આપણે એના ભાર નીચે જીવી રહ્યા છીએ તે આપણે પછી નિર્ભાર બની જઈએ, મુક્ત બની જઈએ. તૃણાવર્તનો વધ : વંટોળ આવે છે. વંટોળ કાંઈ રાક્ષસ હોય ? હા; આપણા મનમાં ચિંતાનો, ઉપાધિનો, ક્રોધનો, કામનાઓનો વંટોળ ઘૂમે જ છે ને ! ભગવાન કૃષ્ણ એનો વધ કરે છે. દાવાનળ-પાન : અગ્નિતત્વ બાળે છે, પ્રજાળે છે. આધિ, વ્યાધિ, ઉપાધિના અગ્નિઓ આપણને બાળી રહ્યા છે, સંસારનો દાવાનળ બાળી રહ્યો છે. ભગવાન એનું પાન કરી જાય છે. આમ ગોપબાળકો સાથે ભગવાને જે કાંઈ લીલા કરી એ બાળલીલાઓ દ્વારા, પ્રકૃતિથી પર કેમ થવું, પ્રકૃતિને વશ કેમ કરવી, પ્રકૃતિના સ્વામી કેમ થવું એ આપણને દર્શાવ્યું છે. દામોદર એટલે કહેવાયા કે એકવાર તોફાન કરતા કૃષ્ણને યશોદામાએ દામણે બાંધવા પડેલા. યશોદા કૃષ્ણને બાંધવા જાય છે. કૃષ્ણ બંધાતા નથી, બધાં દોરડાં ઓછાં પડે છે. એને કોણ બાંધી શકે ? જે સ્વયં મુક્ત છે એને બસ એક પ્રેમનું બંધન બાંધી શકે. કેવડી મોટી વાત ભગવાને કરી ! બાળ કૃષ્ણ જુએ છે કે મા થાકી ગઈ છે, હારી ગઈ છે, મા બાંધી શકે તેમ નથી તેની ખાતરી થઈ ગઈ છે; તો પોતે સામે ચાલીને સ્વેચ્છાથી બંધાય છે :
પ્રેમના તાંતણે બાંધી હરિજીએ
જેમ તાણે તેમ તેમની રે…. – દયારામ
પ્રેમના તંતુથી પોતે બંધાય છે એ અપૂર્વ વાત ભગવાને સમજાવી. કહે છે કે વૃન્દાવનની લીલા જાણવા માટે જ્ઞાનીઓનું કામ નથી, યોગીઓનું કામ નથી, ત્યાં તો પ્રેમી ભક્તોનું કામ છે. અને પ્રેમ તો અભણ માણસોમાંય પ્રગટ થાય છે. જ્ઞાન માટે તો પુસ્તકો વાંચવાં પડે, શાળાએ જવું પડે, પણ ‘મા’ ને પ્રેમ શીખવવો પડતો નથી. બાળક માટેનો પ્રેમ માતામાં પ્રગટ થાય જ. અરે ! પશુ-પક્ષીઓમાં પણ પ્રગટ થાય છે. પ્રેમનું સામ્રાજ્ય વિસ્તૃત છે. એ પ્રેમના સામ્રાજ્યમાં ભગવાન સ્વયં સામેથી પ્રગટ થાય છે, અવતાર ધારણ કરે છે. કહે છે કે, ‘વિદ્યાવતાં ભાગવતે પરીક્ષા’ – જ્ઞાની પુરુષોની પરીક્ષા ભાગવતમાં થાય છે. કારણ કે જ્ઞાન તો એમ કહે કે, ‘જે નિરાકાર છે, નિરંજન છે, તે અવતાર કેમ લે ? આ જે મહાન તત્વ છે તે માયામાં કેમ આવે ? અવતારો આવે જ નહીં કેમ કે તે તો સર્વવ્યાપી છે.’ પરંતુ એટલું જ માત્ર નથી. તે અવતાર ધારણ કરે છે, લીલા કરે છે, મનુષ્યરૂપે આવે છે અને માનવી બનીને માનવીને માનવધર્મથી પર લઈ જાય છે. ભગવાનની લીલાની આ વાતો આત્માને પ્રગટ કરવા માટે છે. કૃષ્ણની જે બધી લીલાઓ છે તેમાં વેદાન્તનું તત્વ સભર ભર્યું છે.
વૃન્દાવનના સંતો જ્યારે ભાગવતનું વાંચન કરતા ત્યારે આમ માત્ર બેસી રહીને વાંચન ન કરતા. એ ભાગવતની કથાઓ સાથે સંચાર કરતા, ભાગવતની કથા સાથે જતા. કારાગારમાંથી મુક્ત થયા, ભગવાનના ચરણનો સ્પર્શ થયો, પ્રકૃતિનો પ્રવાહ મંદ પડી ગયો, વૃન્દાવનધામમાં ગયા – એ બધા જ પ્રસંગોમાં વૃન્દાવનના સંતો ગોપબાળક તરીકે, ગોપબાલિકા તરીકે, જાણે ભગવાનની સાથે જતા હોય તેમ જતા અને ભગવાનની સાથે જીવતા થઈ એ ભાગવતના રસનું પાન કરતા. આપણે જેમ જળનું પાન કરીએ છીએ એમ ભાગવતનું પણ પાન કરવું જોઈએ, એ અમૃત જળ છે. વૃન્દાવનવાસી સંતો ભાગવત વાંચે ત્યારે ભાગવતના ભાવદેહથી જીવતા. આ સંતો નંદપંક્તિના હતા. સુરદાસ, નંદદાસ, કુંભણદાસ, પરમાનંદદાસ વગેરે સંતો સવારે ગોપબાળક તરીકે ભગવાનની સાથે ગોચારણ માટે જતા. પોતે જ ગોપબાળક છે, પોતે જ કૃષ્ણ સાથે છે એવો ભાવ જ્યારે ઘનીભૂત થાય, દઢીભૂત થાય ત્યારે ભાવ સાકાર બને છે. ભગવાન ભાવના ભૂખ્યા છે. ‘ભાવગ્રાહી જનાર્દનઃ’ ભગવાનને વસ્તુની પડી નથી, સંપત્તિની પડી નથી, પણ જેનો ભાવ જુએ તેને સામેથી વશ થાય છે.
તુલસીદલમાત્રેણ જલસ્ય ચુલુકેન વા |
વિક્રીણીતે સ્વાત્માનં ભક્તેભ્યો ભક્તવત્સલઃ ||
(માત્ર તુલસીનાં પાન કે જલની અંજલિ ધરનાર ભક્તોને ભક્તવત્સલ ભગવાન પોતાની જાત વેચી દે છે.)
ભગવાનને જળની લોટી આપો, ભગવાન ખુદ પોતાને આપી દે છે. ભગવાન ભક્તવત્સલ છે. આ વૃન્દાવનના સંતો ગોચારણ કરે, પૂર્ણિમાની રાત ખીલી હોય ત્યારે પોતે ગોપી થઈને જાય. કહે છે કે, નરસિંહ મહેતો ગોપીની સાથે ગોપી થઈને ભળી ગયો. નરસિંહ મહેતા તો પુરુષ હતા, ગોપી કેમ થાય ? બધાં પ્રકૃતિનાં સંતાનો છે. પુરુષ હોય કે સ્ત્રી હોય; એ પ્રકૃતિને વશ છે. જે પ્રકૃતિથી પર છે એ ભગવાનની સાથે છે. ભગવાનની બધી લીલાઓમાં એ બતાવ્યું છે કે પ્રકૃતિનાં જે બંધનો છે, રુંધનો છે તે દૂર કેમ કરવાં, પ્રકૃતિના સ્વામી સાથે રહી કેવી રીતે મુક્ત બનવું, આનંદિત થવું, એના સંગીતમાં કઈ રીતે સામેલ થવું.
કાલિનાગ : નાગદમનની કથા જોઈએ. અહંકારરૂપી ભયંકર નાગ, વિષમય સર્પ, આપણા હૃદય-ધરામાં બેઠો જ છે. એ કેમ વશ થાય ? બાળકૃષ્ણ એ ધરામાં ઝંપલાવે છે અને નાગની ફેણ ઉપર નૃત્ય કરે છે. મૃત્યુના શિર ઉપર જીવનનું સંગીત બજી રહ્યું છે. આપણે તો મૃત્યુથી ડરીએ છીએ. એનો ભય લાગે છે, વિપત્તિનો ભય લાગે છે. પરંતુ કૃષ્ણ તો ભયનો સ્વામી છે. જે અભયંકર છે એ નૃત્ય કરી રહ્યો છે. ભગવાનની જન્મલીલાઓ આપણને મૃત્યુંજય કેમ થવું, મૃત્યુની છાયામાંથી કેમ બહાર આવવું એ શીખવે છે. ગ્લાનિમાત્ર ભૂંસાઈ જાય, વિષાદમાત્ર ચાલ્યો જાય, જીવન પ્રસાદ બને, એમાં આનંદ વહે. કારાગારમાં જન્મ થયા પછી મુક્ત કેમ થવું એ કૃષ્ણ શીખવે છે. જન્માષ્ટમી : અષ્ટમી શા માટે ? એમાં કોઈ સંકેત હશે ને ? હા; આઠમું સ્થાન એ અપરા પ્રકૃતિનું છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ – એ પાંચ અને મન, બુદ્ધિ, અહંકાર એમ આઠ તે અપરા પ્રકૃતિ છે. અષ્ટમી તે અષ્ટધાપ્રકૃતિ દર્શાવે છે. આ વિશ્વ સમસ્ત અષ્ટધા પ્રકૃતિમાં છે. એનો સ્વામી આવે છે અને આપણને અષ્ટધા પ્રકૃતિમાંથી બહાર કાઢે છે. જન્મપત્રિકામાં આઠમું સ્થાન મૃત્યુનું સ્થાન ગણાય છે. મૃત્યુના પ્રદેશમાં અમૃત પ્રવેશ કરે તો ? વિષાદના પ્રદેશમાં આનંદઘન પરમાત્મા પ્રવેશ કરે તો ? અસુરોનું જ્યાં ભયંકર બળ ચાલે છે ત્યાં તેનો નાશ કરનાર પ્રબળ સ્વામી પ્રવેશ કરે તો ? જો એનું અનુસંધાન થશે, એની સાથે શ્વાસેશ્વાસના તાલનો ધબકાર મળશે તો આજે પણ કૃષ્ણનો પરિચય જરૂર થશે. આપણે અષ્ટધા પ્રકૃતિમાં જ છીએ અને કારાગારમાં જ છીએ. પરંતુ એમાંથી મુક્તિનો રસ્તો આપણને મળતો નથી કારણ કે આપણું અનુસંધાન નથી. ભગવાન કૃષ્ણનું ચિંતન, એને વંદન, એનું સ્મરણ જ્યારે ભાવથી, પ્રાણથી, અંતરતમ ભાવથી, પોતાના અંતરતમ પ્રિય સ્વજનને યાદ કરતાં હોઈએ એમ કરીએ તો આજેપણ આ શરીરમાં ભગવાન જરૂર પ્રગટ થાય.
શ્રીકૃષ્ણનો જન્માષ્ટમીએ કારાગારમાં જન્મ. કૃષ્ણપક્ષ અષ્ટમનો ચંદ્ર છે જે અર્ધો ચંદ્ર છે. અષ્ટમી મધ્યાવસ્થા છે. એકમથી અમાવાસ્યા સુધીની સોળ તિથિઓ કહો તો અષ્ટમી તે વિલયમુખી ચન્દ્રની મધ્યાવસ્થા થઈને ? અમાવાસ્યાનો પ્રકાશ કોણ ઝીલી શકે ? કૃષ્ણનું એ ઉજ્જ્વળ સ્વરૂપ કોણ ઝીલી શકે ? જે પોતે પોતાના અહંકારનો વિલય કરે તે એ ઝીલી શકે. જો વિસ્તૃત રીતે લીલાની વાતો કરું તો ઘણું લંબાઈ જાય. ટૂંકમાં કહું કે, આપણે અષ્ટધા પ્રકૃતિના રાજ્યમાં છીએ, પ્રકૃતિને વશ છીએ, પ્રકૃતિના ગુલામ છીએ, એના દાસ છીએ. પ્રકૃતિના સ્વામી થવા માટે ભગવાનની લીલાના સાથી બનવું જોઈએ. ગોવાળિયાઓ ભગવાનના લીલા-સાથી હતા. કોઈક ભગવાનની સખી-ભક્તિ કરતા, કોઈની દાસ-ભક્તિ હતી, કોઈની મધુર-ભક્તિ, તો કોઈની વાત્સલ્ય-ભક્તિ હતી. કોઈપણ રીતે ભગવાન સાથે સંબંધ બાંધતા હતા. કોઈએ પિતા તરીકે, કોઈએ બાળક તરીકે, કોઈએ બંધુ તરીકે, કોઈએ મિત્ર તરીકે એની ઉપાસના કરી છે અને એ સ્વરૂપે, એ રીતે ભગવાને એને દર્શન આપ્યાં છે, એનું કાર્ય સિદ્ધ કર્યું છે, એને પરમ મુક્તિ અને પરમ આનંદનું દાન કર્યું છે.
દધિમંથનની વાત લઈએ. ખરેખર તો ભગવાને ક્યાંય દૂધ ઢોળ્યું નથી, ક્યાંય દૂધની ચોરી કરી નથી. દધિ-દહીં શા માટે ? દહીં એ ચિત્તની મધ્યાવસ્થા છે. દૂધમાં આપણે મેળવણ મેળવીએ ત્યારે દહીં જામે. અને સારું ઘટ્ટ હોય તો ચાકુથી સુંદર ચોસલાં પડે એવું દહીં જામે. માટલીમાં દહીં હોય અને ઉપર ટાંગ્યું હોય એ ચિત્તની મધ્યાવસ્થા છે. સામાન્ય મન તરલ છે. આપણું મન સામાન્ય છે તેથી એ દુઃખથી વ્યથિત થઈ જાય છે, સુખમાં અહંકારથી ફુલાઈ જાય છે. એ હાલક-ડોલક થયા જ કરે છે. એ સ્થિર મન નથી. જરાક વાસણ હલાવો તો દૂધ તો હાલ્યા કરે. પણ આ દૂધ એવું જામી ગયું કે માટલી સાથે માટલી જેવું જ બની ગયું – એ ચિત્તની સ્થિરતા છે, ચિત્તની મધ્યાવસ્થા છે. અને જ્યારે ચિત્ત એકાકાર થાય છે ત્યારે દેહભાવ તૂટી જાય છે. ચિત્ત જ્યારે પ્રવાહી છે, ચિત્ત જ્યારે ચંચળ છે, ચિત્ત જ્યારે વાસનાબદ્ધ છે, ત્યારે ચિત્તનો નિમ્નગામી પ્રવાહ ચાલે છે. પણ ભગવાન જ્યારે જુએ છે કે ચિત્ત સ્થિર થયું છે, જામી ગયું છે, બરાબર એકાગ્ર થઈ ગયું છે ત્યારે એ માટલી ફોડી નાખે છે. એની કૃપાથી દેહભાવ તૂટે છે. ભગવાન મટુકી ફોડે છે અને મિત્રો, બાળકો, વાંદરાઓમાં દધિ લૂંટાવે છે. ચૈતન્ય પોતે જ્યારે ચિત્તનો ભેદ કરે છે ત્યારે સર્વત્ર આનંદ અને ઉત્સવ મચી જાય છે. જે હોય તે સહુ ખાય છે. એ માત્ર મારું નથી રહેતું, કશે ય બદ્ધતા નથી રહેતી, કશું ય બાંધ્યું નથી રહેતું. આ કેવડી મોટી ઘટના બને છે !
પ્રથમ તો આપણું ચિત્ત છે તેને આપણે દહીંની જેમ બનાવીશું, સઘન બનાવીશું, તો ફોડવા માટે એ આવશે જ. આપણે ‘ગોવિંદા આલા, ગોવિંદા આલા’ એમ કરીએ છીએ એ આ જ છે. ગોવિંદો આવે જ છે – પણ જ્યારે દહીં જામ્યું હોય છે ત્યારે. દહીં ક્યારે જામે ? ચિત્ત ક્યારે સ્થિર થાય ? સ્મરણથી થાય. નિત્ય સ્મરણ કરીએ, પૂજન કરીએ, વંદન કરીએ, એની કથાનું કીર્તન કરીએ, એના વિષયનું પાન કરીએ, આનંદિત થઈએ, એના જગતમાં જીવીએ ત્યારે ચિત્ત સ્થિર થાય. કારાગારમાં જીવીએ છીએ ત્યાં સુધી આપણે કંસના ગુલામ છીએ. પણ કારાગારનાં બારણાં ખોલી નાખનારો આપણા જીવનમાં પ્રવેશશે ત્યારે આપણને કંસનો ભય, મૃત્યુનો ભય લાગે છે તે ચાલ્યો જશે. આનંદના વૃન્દાવનધામમાં આપણો પ્રવેશ થશે. ચિત્તને સ્થિર કરવા માટે, એને ઘનીભૂત કરવા માટે, આનંદઘનને નિમંત્રણ આપવા માટે, દહીંની મટકી હોવી જોઈશે. દૂધને જમાવવું પડશે. એનું મેળવણ છે નામસ્મરણ. ભગવદ નામનું મેળવણ મેળવો, નામ પોતે પોતાનું કાર્ય કરશે. મેળવણ નાખ્યા પછી આપણે દૂધને અમુક સમય એક સ્થાન પર રહેવા દઈએ છીએ. એમ શાંતિથી ભગવાન શ્રીકૃષ્ણનું નામસ્મરણ કર્યા કરવું, એ નામમાંથી નામી જાગે છે, સ્મરણમાંથી સ્વરૂપ જાગે છે અને આપણા જીવનમાં, આપણા મનમાં, આપણા સમગ્ર અસ્તિત્વમાં પરમાત્મા પ્રગટ થાય છે. લીલાઓનું પાન કરીએ, અર્થ સમજીએ એટલે અર્થ સરે નહીં. મનમાં સમજાય તેથી મનની ચંચળતા જાય નહીં. મલિનતા જાય નહીં. મલિનતા કેમ જાય ? ચંચળતા કેમ દૂર થાય ? ભગવાન સાથે એકત્વ કેમ પામીએ ? અનુરાગ કેમ થાય ? તો, એ સ્મરણથી થાય છે. સાચું સ્મરણ થાય તો શું થાય છે ? રૂપ ગોસ્વામીએ એક શ્લોકમાં વર્ણન કર્યું છે કે ભગવાનના સ્મરણથી, ભગવાનની લીલામાં પ્રવેશ કરવાથી, પહેલાં તો અંતર આનંદિત થાય છે. કૃષ્ણનું નામ લઈએ ત્યારે ચિત્તમાં પ્રફુલ્લતા વ્યાપી જાય છે. શ્લોક છે :
અંતઃ પ્રસાદયતિ શોધયતીન્દ્રિયાણિ
મોક્ષં તુ તુચ્છં કિમ પુનરર્થકામૌ
સદ્યકૃતાર્થેન સન્નિહિતે જીવાન
આનંદસિંધુનીરે નિમજ્જ્યતિ
(અંતરને આનંદ આપે છે, ઈન્દ્રિયોનું શોધન કરે છે, (એની પાસે) મોક્ષ પણ તુચ્છ છે, તો અર્થ અને કામની વાત જ શી ? (વળી) એ નિકટ આવેલા જીવને કૃતાર્થ કરે છે અને આનંદના સિંધુમાં નિમગ્ન કરે છે.)
‘અંતઃપ્રસાદયતિ : એ નામ અંતઃકરણને આનંદ આપે છે; વિષાદ દૂર કરી દે છે. આવો સમર્થ બેઠો છે ત્યાં કંસના શું ભાર છે ? એક નિર્મળતા આવે છે, ‘શોધયતીન્દ્રિયાણી’ – ઈન્દ્રિયોનું શોધન થાય છે, ઈન્દ્રિયો પવિત્ર બને છે. બીજી પદ્ધતિઓમાં ઈન્દ્રિયોને પવિત્ર કરવી પડે છે, જ્યારે અહીં સહજ પવિત્ર થાય છે. રાજયોગમાં યમ-નિયમ પાળે, જ્ઞાનમાં ચિંતન કરે, ત્યારે ચિત્તનો તાર કાંઈક પકડાય. આમાં તો એની મેળે, સ્મરણ પોતે જ બધું કરે છે. પછી કહ્યું, ‘મોક્ષં તુ તુચ્છં….’ બધાં મોક્ષ માટે મથી રહ્યાં છે. મને મુક્તિ ક્યારે મળે ? હું ક્યારે મોક્ષ પામું ? જીવનો ઉદ્ધાર ક્યારે થાય ? અરે ભાઈ ! ભગવાનનું સ્મરણ કરશો તો મોક્ષ તો પગની પાનીની રજ બની જશે. ‘મોક્ષં તું તુચ્છં કિમ પુનરર્થકામૌઃ ?’ મોક્ષની વાસના છે એ ચાલી જશે. પછી અર્થ અને કામની તો વાત જ શું કરવી ? અર્થ અને કામ ચાલ્યા જાય, મોક્ષ તુચ્છ બની જાય, ઈન્દ્રની સંપત્તિ તુચ્છ બની જાય.
હરિના જન તો મુક્તિ ન માગે
માગે જનમોજનમ અવતાર રે
નિત દર્શન નિત ઓચ્છવ કીર્તન
નીરખવા નંદકુમાર રે…. – નરસિંહ મહેતા
જગતની વચ્ચે, જગતની મધ્યમાં, કર્મની મધ્યમાં, સંસારમાં જ, સંસારથી પર નહીં – મોક્ષનું તત્વ છે. ‘કિં પુનરર્થકામૌ ?’ ‘સદ્યકૃતાર્થેન’ ; સદ્ય કૃતાર્થ કરે – તરત જ એને કૃતાર્થ કરી દે. એનું જીવન કૃતાર્થ બની જાય. ‘સન્નિહિતે જીવાન’ જે જીવ નિકટ આવ્યો એ કૃતાર્થ થાય. આપણે નિક્ટ નથી આવતા, આપણે પડદો રાખીને જીવીએ છીએ. ભગવાનનું દર્શન કરીએ છીએ તે ભગવાનનું નથી કરતા પણ આપણી પોતાની જે મનોવૃત્તિઓ છે એનું દર્શન કરીએ છીએ. સમર્પણભાવ શુદ્ધ નથી, પૂર્ણ પણ નથી. જે જીવ નિક્ટ આવે એને તે સદ્ય કૃતાર્થ કરે છે અને આનંદસિંધુના જળમાં નિમગ્ન કરે છે. આ ભગવાન કૃષ્ણના જીવનનું સ્વરૂપ છે, રહસ્ય છે, બ્રહ્મ-ઉપાસના છે; એ ભગવાન કૃષ્ણની ઉપાસના છે. ભગવાન કૃષ્ણના સ્વરૂપ વિશે બીજો એક સરસ નાનો શ્લોક છે, એમાં બધું આવી જાય છે. શ્લોક આ પ્રમાણે છે :
પુંજીભૂતં પ્રેમ ગોપાડગનાનાં
મૂર્તિભૂતં ભાગધેયં યદૂનામ |
એકીભૂતં ગુપ્તવિત્તં શ્રુતીનામ
શ્યામીભૂતં બ્રહ્મ સન્નિધત્તામ ||
(ગોપીઓના એકત્રિત થયેલા પ્રેમ જેવા, યદુઓનાં ભાગ્ય મૂર્તિમંત બની આવ્યાં હોય એવા, શ્રુતિઓના જ્ઞાનસ્વરૂપ ગુપ્તધન જેવા – આ શ્યામધારી બ્રહ્મ અમારી નિકટ આવો.)
‘પુંજીભૂતં પ્રેમ ગોપાડગનાનામ’ : ગોપીઓનો પ્રેમ પુંજીભૂત થયો એટલે ભગવાન સાકાર મળી ગયા. ભગવાનનો અવતાર એટલા માટે થાય છે કે આર્ત ભક્તો પુકાર કરે છે; તેમનાં આર્ત દૂર કરવા તે પ્રગટ થાય છે. જિજ્ઞાસુઓ પોકાર કરે છે તો જિજ્ઞાસા દૂર કરવા તે આવે છે. અર્થાર્થી – જેને કાંઈક જોઈએ છે એને પણ મદદ કરવા આવે છે. અને જ્ઞાની તો એનું હૃદય છે. આ ભગવાનના અવતારનું કારણ ભક્તોનો પ્રેમ છે, આર્તોનો પોકાર છે, જ્ઞાનીના હૃદયની ભક્તિ છે. ‘મૂર્તિભૂતં ભાગધેયં યદૂનામ’ : યાદવોનું ભાગ્ય પ્રગટ થયું અને તેમના સદભાગ્યે કૃષ્ણ પ્રગટ થયા. અવતાર અને સામાન્ય જન્મમાં એટલો ફેર છે કે અવતારનો જન્મ મહાકાળની માગણી સાથે, મહાકાળની સાથે તાલ મિલાવતો જાય છે. એક એક પ્રસંગ આવે ત્યારે કાળનું મુહૂર્ત બરાબર પાકી ગયું હોય અને અવતારનું પગલું પડ્યું હોય. આપણે અંધકારમાં અથડાતા હોઈએ છીએ અને એ નિત્ય પ્રકાશમાં પ્રકાશિત કરતા જતા હોય છે; એટલો ફેર હોય છે. ‘એકીભૂતં ગુપ્તવિત્તં શ્રુતીનામ’ : શ્રુતિઓમાં, વેદમાં જે ગુપ્ત રીતે છુપાઈને પડ્યું છે એ આમાં એકીભૂત થયું છે. વેદને જાણવા હોય તો ભગવાન કૃષ્ણના ચરિત્રને જાણવું જોઈએ. આ સાકાર મૂર્તિને આપણે અંદર ઉતારીએ તો નિરાકારની ઝાંખી થશે. ‘એકીભૂતં’ – એક જ જગ્યાએ. ‘ગુપ્તવિત્તં’ – એ વિત્ત, એ ધન, શબ્દોમાં નથી; એના રહસ્યમાં પડ્યું છે, અંદરના અર્થમાં રહેલું છે. એ ભગવાન કૃષ્ણના જીવનમાં આપણને જોવા મળે છે.
‘શ્યામીભૂતં બ્રહ્મ સન્નિધત્તામ’ : જે બ્રહ્મ શ્યામ-સ્વરૂપ બન્યા છે, કૃષ્ણ કનૈયા બન્યા છે એ મને પ્રાપ્ત થાઓ, એનું કદી વિસ્મરણ ન થાઓ, એનો કદી વિયોગ ન થાઓ. એ આનંદકંદ ભગવાન સાથે હું સદાય વૃન્દાવન-ધામમાં તેમનો લીલાસાથી બનું એવી અંતરની પ્રાર્થના કરું છું.

No comments:

Post a Comment