માનવ વિકાસની પરાકાષ્ઠા એટલે પૂર્ણ પુરુષોત્તમ યોગેશ્વર શ્રીકૃષ્ણ. શ્રીકૃષ્ણને માનવમાત્ર પરમતત્વનું સાકાર સ્વરૂપ માને છે. પૂર્ણ પુરુષોત્તમ શ્રીકૃષ્ણને માત્ર ભગવાન માની તેમના જીવનકાર્યને ‘લીલા’ માનવી તે અંધશ્રદ્ધા કે અતિશ્રદ્ધા જ ગણાય. શ્રીકૃષ્ણનું જીવનકાર્ય લીલા નહીં પરંતુ માનવઉત્ક્રાંતિ, માનવવિકાસની ચરમસીમા જ ગણાય. દરેક માનવીએ શ્રીકૃષ્ણની જીવનગાથાને ચમત્કારો ન માનતા માનવજીવનનો સંપૂર્ણ વિકાસ જ માનવો જોઈએ. કારણ કે….
[1] હિંદુશાસ્ત્રોમાં અવતારવાદનું વિશેષ મહત્વ રહેલું છે, જેમાં દશ અવતાર મુખ્ય માનવામાં આવ્યા છે. પ્રથમ અવતાર મત્સ્ય અર્થાત માછલીનો અવતાર. વિજ્ઞાન સંદર્ભે પણ જોઈએ તો જીવની ઉત્પત્તિ પાણીમાં થઈ છે. જીવ પરમતત્વનો અંશ છે. પાણીમાં અમીબા રૂપે ‘એક કોષી’ જીવ સૌપ્રથમ સર્જાયો. એકકોષી જીવમાંથી અનેક જીવનું સર્જન થયું હશે. સંભવતઃ શાસ્ત્રોમાં પ્રતિકાત્મક રજૂઆત હોઈ શકે.
[2] બીજો અવતાર કૂર્મ એટલે કે કાચબાનો ગણાય છે. જીવનું બીજું ઉત્ક્રાંતિનું પગથિયું જળ અને સ્થળ ગણાયું. જીવાત્મા હવે જમીન અને પાણી પર વ્યાપ્ત બન્યો.
[3] વરાહ અવતાર તૃતિય છે. વરાહ એટલે સુવર. જમીન પર વસનાર જીવ. હવે જીવ પશુ તરીકે ઉત્ક્રાંતિ પામ્યો. જંગલોમાં પશુઓનું જીવન શરૂ થયું. જીવનનો તબક્કો ચોપગા પશુમાં વિકસિત થયો.
[4] નરસિંહ અવતાર એટલે અર્ધમાનવી અને અર્ધપશુ. એટલે કે હવે હિંસક પશુ તથા વનમાનવના સંયોજન જેવા મનુષ્યોના જીવનનો વિકાસ થયો. હવે મનુષ્યોના જીવનવિકાસની શરૂઆત થઈ. પરંતુ ક્રૂર અને હિંસક માનવી તરીકે જીવ વસતો થયો. આ માનવી, માનવજાતની પ્રાથમિક અવસ્થામાં હતાં. બુદ્ધિતત્વ કે સંવેદનાની શરૂઆત હતી.
[5] પાંચમા અવતારમાં પરમતત્વ માનવ ‘વામન’ સ્વરૂપે છે. હવે માનવી જંગલની અવસ્થામાંથી સુધાર પામ્યો. એ માનવ આજના માનવીની શરૂઆતના પૂર્વતબક્કામાં હતો. માનવીમાં પૂર્ણતા ધીમે ધીમે આવવા લાગી. પૂર્ણ માનવીનું પ્રગટીકરણ થયું.
[6] છઠ્ઠા અવતારમાં પરશુરામ તરીકે માનવીની હિંસકવૃત્તિઓનું શમન થવા લાગ્યું. પથ્થરોના શસ્ત્રોની શરૂઆત થઈ. આ અવતારને માનવ વિકાસની શુભ શરૂઆત ગણાવી શકાય. આ અવતાર દ્વારા માનવીમાં ક્રોધ, કરુણા, પ્રેમ, ભક્તિ જેવા ભાવનાત્મક વિચારોનો વિકાસ થયો. માનવી સત્વ, રજસ, તમસ ગુણોમાં વિભાજિત થઈ વિકાસ પામ્યો. શુભ-અશુભ તત્વોની માનસિકતાનો વિકાસ થયો. પરશુરામ એટલે અરણ્ય સંસ્કૃતિમાં સત્વશીલ માનવનું આગમન.
[7] સાતમો અવતાર શ્રીરામ. મર્યાદાપુરુષોત્તમ શ્રીરામ. શ્રીરામ અરણ્યક સંસ્કૃતિ અને કુટુંબજીવનની શરૂઆત કરનારા માનવવંશના પુરસ્કર્તા થયા. આ અવતાર દ્વારા મનુષ્ય હવે સમાજ વ્યવસ્થામાં જીવવા લાગ્યો. જંગલવાસી મનુષ્ય કુટુંબજીવનમાં વસતો થયો. સુસંસ્કૃત સમાજજીવન શરૂ થયું. ત્યાગ, પ્રેમ જેવી વિધેયાત્મક લાગણીઓ માનવજીવનમાં સર્જાઈ. શુભ-અશુભ તત્વો વચ્ચે દ્વંદ્વની ભાવના પ્રબળ બની.
[8] આઠમો અવતાર પૂર્ણ પુરુષોત્તમ એટલે કે માનવીય રીતે પૂર્ણવિકાસ. શ્રીકૃષ્ણ એટલે માનવી તરીકેની પૂર્ણતા. હવે માનવી ખેતીવાડી તથા પશુપાલન કરવા લાગ્યો.
શ્રીકૃષ્ણનું સમગ્ર જીવનકાર્ય માનવવિકાસનું પૂર્ણ પ્રગટ સ્વરૂપ છે. મત્સ્યાવતારથી રામાવતાર દ્વારા માનવી વિકાસ પામતો રહ્યો. શ્રીકૃષ્ણ તરીકે માનવી હવે આધુનિક માનવજીવનના પ્રથમ પગથિયારૂપ બન્યો. શ્રીકૃષ્ણની બાળલીલાના દર્શન આધુનિક દ્રષ્ટિકોણથી કરવા જોઈએ. યમુના નદીને કાંઠે બાળલીલા દ્વારા કાલીયમર્દન, ગોવર્ધનપૂજા, રાસલીલા, માખણચોરી જેવા કાર્યોને પૂર્ણપુરુષોત્તમ તરીકે ગણાવી શકાય. નદીકાંઠે વસવાટ દ્વારા પ્રકૃતિના સાંનિધ્યમાં માનવીએ જીવન આરંભ્યું. નદીકાંઠે ખેતીવાડી અને વૃક્ષારોપણ શરૂ થયું. શ્રીકૃષ્ણ પર્યાવરણરક્ષક હતા. યમુનાનદીના પાણીને સ્વચ્છ પીવાલાયક બનાવવા કાલીનાગ જેવા જળચરને દૂર કર્યો. વૃંદાવનનો વિકાસ કર્યો. વૃંદા-તુલસીવનને નવપલ્લવિત કર્યું. તુલસી આજે પણ આયુર્વેદમાં જીવનરક્ષક ગણાય છે. શ્રીકૃષ્ણે ઔષધીય વૃક્ષોના જતનની ઓળખ ઊભી કરી. માનવીય આરોગ્ય અને વૃક્ષ ઉછેરનો મહિમા વ્યાપક બનાવ્યો.
ગોવર્ધનપૂજા બાબતે આપણે ગોવર્ધન પર્વત શ્રીકૃષ્ણે ટચલી આંગળીએ ઊંચક્યો હતો તેવી ધાર્મિક માન્યતામાં શ્રદ્ધા ધરાવીએ છીએ. વાસ્તવમાં ગોવર્ધન એટલે ગો-વર્ધન-ગાયોનો વિકાસ. ગાયોની જાળવણી. વર્ધન એટલે વિકાસ. ગાયોની રક્ષા, પોષણ, લાલન-પાલન અને પશુપાલનની શરૂઆત થઈ. શ્રીકૃષ્ણે આપણને આ સંદેશ આપ્યો અને ગાયના દૂધનું મહત્વ સમજાવ્યું. માનવી તે સમયમાં પશુને જ ધન માનતો. તેથી ગોધન, ગોધણ, ગજધન, વાજિધન વગેરે શબ્દો પ્રચલિત થયાં. ગોવર્ધનપૂજા એ પ્રતિકાત્મક પૂજા છે. ગાયોના છાણ ઈત્યાદિને ખાતર તરીકે ખેતરમાં નાખવાની શરૂઆત અહીંથી થઈ. ખાતર તથા નદીના પાણીનો ઉપયોગ કરી ખેતી સમૃદ્ધ કરવામાં આવી. માનવી દ્વારા ખેતરોમાં અનાજ ઉગાડવા માટે નદીના પાણી કેનાલ દ્વારા ખેતરોમાં પહોંચાડવામાં આવ્યાં. શ્રીકૃષ્ણના મોટાભાઈ બલરામજીના આયુધ હળ-મુશળ હતા. હળ ખેતર ખેડવાના સાધન તરીકે ઉપયોગમાં આવ્યું. મુશળ એટલે કે સાંબેલું, જેના દ્વારા અનાજ ખાંડવામાં આવે છે. શ્રીકૃષ્ણના સમયની સંસ્કૃતિ ‘સંશોધન’ સંસ્કૃતિ ગણાય. આ સમયમાં અનાજ વાવવા અને સાફ કરવાના ઓજારોની શોધ થઈ. મનુષ્યે પશુપાલન, ખેતી દ્વારા માનવવિકાસને પ્રગતિશીલ બનાવ્યો.
શ્રીકૃષ્ણનું સુદર્શનચક્ર પણ ચાકડાની શોધ હશે. વાહન વ્યવહારની શોધ થઈ હશે. ગ્રામ્યસંસ્કૃતિ વિકસી એટલે માનવી પશુઓ દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતર કરતો થયો. દા.ત, પાંડવોએ ખાંડવવન જેવા જંગલમાં ઈન્દ્રપ્રસ્થ ‘જનપદ’ની રચના કરી. શ્રીકૃષ્ણે દ્વારકાની નગરરચના કરી. શ્રીકૃષ્ણે ગોકુળથી મથુરા, મથુરાથી દ્વારકા સ્થળાંતર કર્યું. એ સાથે સ્થાયી વસવાટની પણ શરૂઆત થઈ. માનવજીવન સ્થિર અને કાયમી ધોરણે વસતું થયું. શ્રીકૃષ્ણ માખણચોર તરીકે પણ પ્રસિદ્ધ છે. વાસ્તવમાં સહકારી કાર્યોની શરૂઆત શ્રીકૃષ્ણથી થઈ. દૂધની શ્વેતક્રાંતિના ઉદ્દગાતા તે જ હતા. ગાયભેંસના દૂધ ગોકુળ-વૃંદાવનના બાળકોને મળવા જોઈએ. બાળકો તંદુરસ્ત રહે તે માટે માખણ, દહીં, દૂધ, બાળકોને નિત્ય મળે તેવી વ્યવસ્થાની શરૂઆત થઈ. માનવીએ તંદુરસ્ત રહેવા માટે પૌષ્ટિક આહાર લેવાની શરૂઆત કરી. એ પછી રાસલીલા દ્વારા શ્રીકૃષ્ણે માનવજીવનમાં આનંદ ઉલ્લાસનું સર્જન કર્યું. હવે સ્ત્રીપુરુષનાં ભાવનાત્મક સંબંધો સર્જાયા. ઉત્સવો અને મેળાની શરૂઆત થઈ. શ્રીકૃષ્ણે સ્ત્રીઓને જાગૃત કરી. સ્ત્રીઓ ઉત્સવ માણતી થઈ. સ્ત્રી સ્વાતંત્ર્યનો ખ્યાલ સ્પષ્ટ બન્યો. શ્રીકૃષ્ણના અવતાર દ્વારા નારી સન્માનની શરૂઆત થઈ. સ્વરસંગીતની શરૂઆત શ્રીકૃષ્ણથી થઈ. વાંસવૃક્ષમાંથી વાંસળીના સાતસ્વરો સર્જાયા. સસ્તું પરંતુ સર્વોત્તમ સાધન એટલે વાંસળી. વનવગડે-ખેતરોમાં માનવી સંગીત રેલાવતો થયો.
અંતમાં, શ્રીકૃષ્ણને પૂર્ણપુરુષોત્તમ માનવાથી પરમતત્વનું માનવીમાં રૂપાંતર થયું જ ગણાશે. શ્રીકૃષ્ણના જીવનકાર્યમાંથી માનવીએ જીવનઘડતર કરવાનું છે. શ્રીકૃષ્ણને માત્ર ભગવાનના રૂપમાં પૂજા, અર્ચના, દર્શન કરવાથી તે સમજી શકાશે નહીં. શ્રીકૃષ્ણની લીલા એ લીલા નહીં પરંતુ એ છે માનવીય વિકાસની ચરમસીમા. શ્રીકૃષ્ણ માનવીમાંથી મહામાનવ બનવાની ઘટનાનું જ્વલંત ઉદાહરણ છે.
No comments:
Post a Comment