Google Search

Saturday, June 9, 2012

ધરતીનાં ધરુ, આકાશના ચરુ – ચંદ્રકાન્ત શેઠ


[1] પરમ શાન્તિનો પ્રસાદ
આપણે અવારનવાર શાન્તિ માટે અને શાન્તિના નામે ભારે શોરબકોર કે ગોકીરો કરતા હોઈએ છીએ. નેતાગીરીના ઝભ્ભા ચડાવી આપણે કેટલીય વાર આકાશમાં સફેદ કબૂતરોને ઉડાવીને ‘શાન્તિદૂત’ તરીકેનો પાઠ પણ ભજવતા હોઈએ છીએ ! ઉપનિષદના શાન્તિમંત્રોનો શુકપાઠ કરતાંયે આપણે થાકતા નથી. વળી અનેક વાર વિશ્વશાંતિયજ્ઞો પણ આપણે કરીએ છીએ ને છતાં શાન્તિનો સાચો સ્વાદ માણવાની આપણી અભિલાષા ફળીભૂત થતી નથી, આપણે જો આપણને પોતાને શાન્ત કરી શકતા ન હોઈએ તો શાન્તિ કેવી રીતે આવે ? આપણે કેવી રીતે શાન્ત થવું એ જ આપણો યક્ષપ્રશ્ન છે.
આપણી આસપાસ અને અંદર શાન્તિને ક્ષુબ્ધ કરે, વિક્ષિપ્ત કરે એવાં અનેકાનેક પરિબળો ને પ્રદૂષણો જોવા મળે છે. તૃષ્ણાના તિખારા અને ક્રોધના અંગારા, લોભલાલચની કપટજાળો ને મોહકામની માયાજાળો, અહંકારના હુંકારા ને ઘમંડના ઘુરકિયાં, અસંતોષ અને અજંપાના ઉધામા, સ્વપ્નભંગ ને આશાભંગના આઘાતો, ઉધમાત ને ઉદ્ધતાઈ, ઉતાવળ ને અધીરાઈ, ચડસાચડસી ને અફડાતફડી, અવ્યવસ્થા ને અશિસ્ત, સ્વૈરાચાર ને દુરાચારની ડમરીઓ – આવી આવી તો અનેકાનેક સંઘર્ષણાત્મક બાબતો આપણી વ્યષ્ટિચેતના તેમ જ સમષ્ટિચેતનાના સંવાદસેતુને ખંડિત કરે છે અને અનિચ્છનીય કોલાહલથી આપણને ત્રસ્ત કરે છે. આપણને એ બધી બાબતો વીંખેપીંખે છે. આપણું ધોવાણ-ખવાણ થતું હોય, આપણને ઘસારો થતો હોય એવી લાગણી થાય છે. આપણા મધપૂડા જાણે મધ વગરના બની જાય છે. આપણી અંદર શાન્તિનો સુધા-રસ સ્ત્રવતો કે દ્રવતો નથી. આપણી પંડની માટીમાં શાન્તિ નથી ઊતરતી કે નથી ઠરતી. કોઈ દુ:શાસનના હસ્તોથી આપણા પંડનું પોત ખેંચાતું ને ચિરાતું હોવાનો ભાવ થાય છે. આપણું મન વેદના-વ્યથાથી માંડીને કિંકર્તવ્યમૂઢતા સુધીની વિષમ ભૂમિકાઓમાં અટવાઈ પડે છે. એક પ્રકારની બધિરતા, પંગુતા, અંધતા ને પરવશતા આપણને છિન્નભિન્ન કરી નાખે છે. સમતા અને સ્વસ્થતા, સંનિષ્ઠા ને સચ્ચાઈથી જો આપણું આસન દઢ હોય, આપણામાં ખરેખરો સત્વાભિનિવેશ હોય તો શાન્તિનું વરદાન પામવું મુશ્કેલ નથી.
માતા અપાર વાત્સલ્યથી બાળકના મસ્તક પર હાથ ફેરવે છે ત્યારે બાળકને કેવી નિરાંત, કેવો રાજીપો ને કેવી સુરક્ષા ને નિર્ભયતાનો અનુભવ થતો હોય છે ! બાળકને માની નિશ્રામાં વહાલ અને વિશ્વાસની શીળી છાંયડી મળે છે. એવી જ છાંયડી મળે છે આપણને આંતરિક કે આધ્યાત્મિક શાન્તિમાં. આપણી દુર્વૃત્તિઓનું શમન થતાં જ શાન્તિનો સમુદય થવા લાગે છે. આપણી સદવૃત્તિઓના ઉત્કર્ષ સાથે જ શાન્તિનો ભાવ આપણી અંદર અને બહાર ઉઘાડ પામતો વિસ્તરવા માંડે છે. આ શાન્તિને માણવા-પ્રમાણવા માટે આધ્યાત્મિક અભિગમ અનિવાર્ય છે. જ્યાં પવિત્રતા અને પરમાર્થતા ત્યાં જ શાન્તિ. જ્યાં સચ્ચાઈ ને શુદ્ધિ ત્યાં જ શાન્તિ. જ્યાં સાત્વિકતા ને સ્નેહ ત્યાં જ શાન્તિ. જેમ બાળકને માતા પાસેથી શાતા સાંપડે છે એમ આપણને શીલવંત ભગવંતો પાસેથી, સંતો ને ગુરુજનો પાસેથી, સાચાદિલ ને સાફદિલ સજ્જનોને સ્વજનો પાસેથી, સુહૃદો-સુહૃદયો ને સુજ્ઞો પાસેથી શાન્તિ સાંપડે છે. ખરેખર તો સત્સંગની હવામાં શાન્તિ કોળે છે ને ફળેફૂલે છે. જ્યાં સુધી આપણમાંની અશુદ્ધિઓનું વિરેચન થાય નહીં ત્યાં સુધી શાન્તિનું સર્જન ને અવતરણ પણ થાય નહીં. શાન્તિની જનેતા છે આધ્યાત્મિકતા અને એનું સંતાન છે પ્રસન્નતા. આત્મચેતના પરમાત્મચેતનામાં પરિણતિ પામે ત્યારે પરમ શાન્તિનો પ્રસાદ આપણને સાંપડે છે. એ પ્રસાદ માટેની પાત્રતા કેળવવામાં આપણો પુરુષાર્થ પ્રવૃત્ત થાય એ જ ભાવના.
.
[2] આપણો તપોમય જીવનયોગ
આપણી દુનિયા જ એક મહાન અજાયબઘર છે. કેટકેટલા રંગ ને કેટકેટલાં રૂપ ! કેટકેટલા સ્વાદ ને કેટકેટલી સુગંધ ! કેટકેટલા સૂર ને કેટકેટલા તાલ ! કેટકેટલા સ્પર્શ ને કેટકેટલી આવનજાવન ! ઈન્દ્રિયોના યજ્ઞાગ્નિમાં જેટલું હોમો એટલું ઓછું ! જિંદગીભર જોયા કરો, જાણ્યા કરો ને જીવ્યા કરો.
પરંતુ આપણને યાદ રહેવું જોઈએ કે આ અજાયબઘરમાં પ્રવેશતી વેળાએ આપણને અમુક નિયત મુદત સુધી જ રહેવાનો પરવાનો મળેલો છે. આપણને એ જે મુદત મળેલી છે તેનો પૂરેપૂરો લાભ લઈ લેવો જોઈએ. આપણા જીવનની એકેએક ક્ષણ કીમતી છે, તે ન વેડફાય એની સાવધાની – તકેદારી આપણે રાખવાની છે. એ માટે સજાગતા જરૂરી છે, સક્રિયતા જરૂરી છે. ભય, શંકા, આળસ, કંટાળો, સંકલ્પશક્તિનો અભાવ, અવસાદ (ખિન્નતા) – આવા આવા અવરોધો આ અજાયબઘરનો જોઈએ તેટલો લાભ લેતાં આપણને અટકાવે છે; આપણી સમજણશક્તિ, વિવેકશક્તિ, કાર્યશક્તિ – તેમના વિકાસમાં તેઓ તેઓ નડે છે, માટે જ આપણે ‘જાગ્યા ત્યાંથી સવાર’ અથવા ‘ભૂલ્યા ત્યાંથી ફરી ગણો’ – એ ન્યાયે અજાયબઘરનું મહત્વ સમજાતાં જ એનો સકારાત્મક વલણથી લાભ લેવાનું શરૂ કરી દેવું જોઈએ. આપણી પાંચેય જ્ઞાનેન્દ્રિયોને આપણે જે કંઈ ઉત્તમ ગ્રહવા જેવું હોય તે તરફ વાળવી રહી. ‘ખરું જોવાનું તો રહી ગયું’, ‘ખરું સાંભળવા જેવું હતું તે તો સાંભળ્યું જ નહીં’, ‘અરે ! પેલી વાનગી તો ખૂબ સરસ બની હતી. એ તો ચાખવાની જ રહી ગઈ’, ‘કેવી સુવાસિત ને શીળી લહેરખી આવતી હતી, આપણે બારીબારણાં બંધ કરી, ગોદડાંમાં ગોટમોટ થઈને પડી રહ્યા’ – આવા આવા અફસોસના ઉદ્દગારો કાઢવાના હોય એનો અર્થ જ એ કે સફરજન જેવું જીવનનું લાભદાયી ફળ આપણને હાથવગું થયું પણ તેને સરખી રીતે ખાઈ લેવાનું આપણને ફાવ્યું નહીં.
આપણે આ દુનિયાના અજાયબઘરમાં પ્રવેશ તો મેળવી લીધો જ છે તો હવે તેમાંથી બહાર નીકળવાનું થાય તે પહેલાં જેટલું માણી લેવાય એટલું માણી લેવું એમાં જ આપણું શાણપણ છે. અમુક મુદત સુધી આ અજાયબઘરમાં રહેવાનું છે ને ઘૂમવાનું છે તો પછી ઉત્સાહ ને આનંદથી જ શા માટે ન રહીએ, ન ઘૂમીએ ? કોઈક રીતે કેટલાક અબજ શ્વાસ આપણે લેવાના છે તો લઈએ પણ એમ કરતાં આપણે આપણા આ પંડના ઘટમાં જે કંઈ ઉત્તમ રસ ભરવો ઘટે તે ભરી લઈએ. આપણે ખેતરમાં વાવેલા બીજની માવજત કરીએ છીએ તેમ આપણેય આપણા જીવનની એકએક ક્ષણની બરોબર માવજત કરવી જોઈએ; ગુલાબના ફૂલની જેમ આપણા જીવનની એક એક ક્ષણ ખીલે અને મહેકે એવું થવું જોઈએ. ક્ષણ સચવાશે તો જીવન સચવાશે, આપણે આ દુનિયાના અજાયબઘરમાંથી ઘણુંઘણું પામી શકીશું. આંખો ખોલો નહીં તો સૂરજ દેખાય નહીં. ઈન્દ્રિયોની બારીઓ ખોલો નહીં તો દુનિયાની અનેકાનેક અજાયબીઓનું દર્શન થાય નહીં. ગંગાકાંઠે તરસ્યા રહી જનારા અબુધ જન જેવી આપણી દશા થાય. તેથી માત્ર આજનો જ નહીં, રોજેરોજનો લહાવો લઈએ; પરમાત્માની અનુપમ સર્જનલીલાને નિહાળીએ અને એ દ્વારા એમની અપરંપાર શક્તિનો પારસ-સ્પર્શ આપણે પામીએ અને આપણા અસ્તિત્વની એકેએક રજકણને સ્વર્ણકણમાં રૂપાંતરિત કરવાના ઈલમથી આપણે આપણી આસપાસના સૌના જીવનની ક્ષણોને અમૃતમય અને આહલાદક બનાવવાના સત્યના પ્રયોગ જેવા જ સૌન્દર્યના પ્રયોગો અવિરતપણે ઉત્સાહથી કરતાં રહીએ. આપણા આ પ્રયોગબળે જે કંઈ અભદ્રતાનાં આસુરી કે તામસિક વાદળો આપણને ઘેરવા મથતાં હશે તે પણ કાળે કરીને વિખેરાઈ જશે ને નાશ પામશે એ પણ નક્કી. આપણે તો એકેએક દ્રાક્ષને જેમ રસમય તેમ આપણા જીવનની એકેએક ક્ષણને ઈશ્વરમય – અમૃતમય બનાવવામાં શ્રદ્ધાપૂર્વક અને એકાગ્રતાપૂર્વક મંડ્યાં રહેવું જોઈએ. એ જ હોઈ શકે આપણો તપોમય જીવનયોગ.

No comments:

Post a Comment