Google Search

Saturday, June 9, 2012

પ્રાર્થનાની પળો વિશે – ગુલાબદાસ બ્રોકર


નાનો હતો ત્યારે ધર્મના સંસ્કાર ઘણા હતા. મા હતાં, પિતાજી નહોતા. માનો સમય…. સવારે, બપોરે, રાતે, ઉપાશ્રયમાં જાય. સાધ્વીજીઓ રાતે કથાવાર્તા કહે. સાધુઓ સવારે, બપોરે વ્યાખ્યાન વાંચે. હું ત્યારે શાળામાં હોઉં, પણ રાતે તો અચૂક મા સાથે સાધ્વીજીઓ પાસે ગયો જ હોઉં. પોરબંદર ગામમાં. મન ઉપર એ બધી વાતોના, કથાઓના સંસ્કાર પડે. શ્રદ્ધાના સંસ્કાર પડે. કશુંક ખોટું થયું હોય તો પ્રાર્થનાથી એ ગાળી નાખવાના સંસ્કાર પડે. પણ હું તો નાનો છોકરો. સ્વાર્થ હોય તોયે પ્રાર્થના કરી ફળ મેળવવા ઈચ્છું. જાણે ભગવાન મારા શેઠ. ખુશામત કરું એટલે રાજી થઈ જાય અને રાજી કરી દે એવા.
પણ એ સ્વાર્થી પ્રાર્થનાઓ નિર્દોષ બાળકની પ્રાર્થનાઓ હતી. હૃદયના ભાવથી થયેલી. ફળતીયે ઘણીય વાર. કશુંક ખોવાયું હોય તો નવકાર બોલી એ મળે તેમ પ્રાર્થું ને એ મળી જાય. એક વાર કશુંક ખરીદ્યું ને પરચૂરણ પાછું લેવું ભૂલી ગયો. માએ બાકીના પૈસા માગ્યા ત્યારે ખ્યાલ આવ્યો. રોવા જેવો થઈ જઈ નવકાર ગણતો ગણતો જ્યાં પૈસા ભૂલી ગયો હતો એ દુકાન જઈને ઊભો. દુકાનદાર ઘણા કામમાં. માંડ માંડ મેં વાત કરી બાકીના પૈસા ભૂલી ગયો છું તેની. તે કહે :
‘અહીં તો હજાર આવે ને જાય. તું સાચું બોલે છે એની ખાતરી શી ?’
મારી આંખમાંથી આંસુ ટપકવાં બાકી રહ્યાં ત્યાં બાજુનો દુકાનદાર મારી વહારે ધાયો. પેલાને કહે : ‘હું આ છોકરાને ઓળખું છું. એ કોઈ દહાડો ખોટું બોલતો નથી.’
પેલાએ પૈસા આપી દીધા, ‘બીજી વાર ભૂલી નહિ જતો હોં’ કહીને. હું પાછો નવકાર ગણતો ગણતો અને પ્રભુનો પાડ માનતો માનતો ઘેર આવ્યો. પણ એ તો નાનપણની વાત. પછી મોટો થયો. ભણ્યો, ગણ્યો, માર્કસ્ વાંચ્યો, લેનિન વાંચ્યો, ગાંધીના કહેવાથી જેલમાં ગયો, પણ પેલી બાલસુલભ શ્રદ્ધા ઊડી ગઈ, ને સાથે સાથે પ્રાર્થના પણ હૃદયમાંથી ઊડી ગઈ.
પણ એક નવી શ્રદ્ધા હૃદયમાં બેઠી. જેમ આપણે સ્વાર્થ માટે કોઈ પાસે કશું માગતા નથી, કે માગતાં શરમ અનુભવીએ છીએ, તેમ પ્રભુ – જો એ હોય તો – પાસે પણ સ્વાર્થ માટે કશું ન માગવું. ભગવાન વિશે ખબર નહિ, પણ શુભ તત્વમાં શ્રદ્ધા પૂરેપૂરી. એવી શ્રદ્ધા પણ સામાના દિલમાં ન પરોવી શકતો હોય તો એ ગાંધી શેનો ? ત્યારથી તે આજ સુધી મારા અંગત સ્વાર્થ માટે કશુંય ક્યારેય માગ્યું નથી. નવકાર નાનપણથી વળગી રહ્યા છે તો તે રટ્યે રાખું છું, કશાય સ્વાર્થ વિના. એમાં તો ઉત્તમ સંતોને નમસ્કાર કરવાની જ વાત છે ને ? કોઈકવાર એ ઉત્તમ તત્વને કોઈક સદાશય માટે સ્મરી પણ લઉં છું. તેને પ્રાર્થના કહેવી હોય તો જરૂર કહી શકાય, અને એવી પ્રાર્થના પાછી ફળે પણ છે.
એક દાખલો યાદ આવે છે. લેખક થયો, જરા જાણીતો પણ થયો, પ્રશંસા કરનારા વધ્યા, તો નિન્દા કરનારા કંઈ બાકી ન રહ્યા. એવા એક ભાઈ વારંવાર મારી પાસે આવે. સાહિત્યના બહુ મોટા રસિયા, ને બહુ સારા વાચક. એમની સાથે વાતો કરવાની મજા આવે – એ મારી સતત અને નિરંતર નિન્દા કર્યે રાખે છે એની મને ખબર હોવા છતાં. પણ આખરે હુંયે માણસ રહ્યો ને ? એટલે મને મનમાં ઘણી વાર થાય કે એમને કદાચ મારાથી પુછાઈ જાય કે ‘આમ આટલો સ્નેહ દાખવો છો તો આટલી નિન્દા શા માટે કર્યે રાખો છો મારી ? મારાં લખાણની કરો તો ભલે, પણ એ સિવાય પણ…. ?’ પણ એવું પૂછી બેસવું એમાં મારી શોભા શી ? એ તો મારે ઘેર આવનારને શરમમાં મૂકી જૂઠું બોલાવવા જેવું થાય ને ?
એટલે એ જ્યારે જ્યારે આવવાના હોય ત્યારે હું ખરા મનથી પ્રાર્થના કરતો કે, ‘હે ભગવાન, જો તમે કોઈની પણ વાત સાંભળતા હો તો મારી આ વાત સાંભળો. એ ભાઈ આવે ત્યારે મારાથી આવી વાતનો એક હરફ પણ ન ઉચ્ચારાય એવી શક્તિ એ સમયે મારામાં પ્રેરો.’ એ શક્તિ ભગવાને પ્રેરી કે મારી પ્રબળ ભાવનાએ એ મને ખબર નથી, પણ હું કદીયે એ ભાઈને એવી અણગમતી પરિસ્થિતિમાં મૂકી શક્યો નથી. એનો મને આનંદ છે. અને હું બહુ અભિમાની માણસ નથી એટલે એ માટે પ્રભુનો પાડ માનું છું – એણે મને મદદ કરી હોય કે ન હોય તોયે.
એક નાનકડો બીજો અનુભવ લખું ?
મારે પરાને ઘેર એક સગા આવ્યા. દૂરથી. શાળામાં પુત્રને દાખલ કરાવવા માટે. એ દાખલ થાય એમ થયું એટલે એ માટેના ફી વગેરેના હજાર દોઢ હજાર રૂપિયા એમને તત્કાળ જોઈતા હતા. એ સાથે નહોતા લાવ્યા એટલે. મને થયું, ઘરમાં એટલા નહિ હોય. એ કહે કંઈ નહિ. ‘કાલે ભરી જઈશ.’ મેં કહ્યું : ‘આમાં કાલ કરવાની હોય નહિ, પણ બૅન્કો બંધ થઈ ગઈ છે નહિતર હું લાવી આપું.’ મારી બહેન અહીં રહે છે હું તેની પાસેથી લઈ લઈશ.’ કહીને એ ગયા.
મને થયું : ‘મારી પત્ની હજાર બે હજાર રૂપિયા ઘરમાં રાખે છે પોતાના કબજામાં, એ હું કેમ ભૂલી ગયો, ને આને આવો ફેરો કરાવ્યો ? મારું હૃદય માફી માગવા લાગ્યું અને તેમને પૈસા આપવા તત્પર બની ગયું, પણ એ તો ચાલ્યા ગયા હતા. મારા પસ્તાવાનો પાર નહોતો. એમનું કામ થઈ જાય એવું હું પ્રાર્થવા લાગ્યો. ત્યાં થોડી વારમાં એ પાછા ફર્યા : ‘બહેન તો બહાર ગઈ છે.’ કરતા મારું મન આનંદથી ભરાઈ ગયું. મારી વેદનામાં મને પ્રાર્થના મદદગાર થઈ છે એમ લાગ્યું. મેં તરત પત્ની પાસેથી તેમને પૈસા અપાવી દીધા.
એ પ્રાર્થનાનું ફળ હશે ? પશ્ચાત્તાપનો પ્રભાવ હશે ? ખબર નથી. પણ એટલી ખબર છે કે આવી સ્વાર્થ વિનાની પ્રાર્થનામાં બળ હોય છે જ – જો એ ખરા હૃદયથી થતી હોય તો. માનસશાસ્ત્રીઓ તેનો ગમે તે ઉકેલ કહે, પણ અનુભવ મને આમ કહે છે, અને એનો મને આનંદ છે.

No comments:

Post a Comment