કાશ્મીરની આદિકવયિત્રી પરમહંસ લલેશ્વરી, લલા, લલયોગેશ્વરી આદિ નામોથી ઓળખાય છે. તેમનો જન્મકાળ ઈ.સ. 1335 હોવાનું વિદ્વાનો માને છે. લલ્લેશ્વરીએ કાશ્મીરી લિપિમાં રચેલ પદો ‘વાખ’ નામથી પ્રસિદ્ધ છે. તેનો હિન્દી અનુવાદ ડૉ. શિબનકૃષ્ણ રૈણાએ પહેલવહેલી વાર કર્યો હતો. લલ્લેશ્વરીની મરણતિથિ પણ જન્મતિથિની જેમ અનિશ્ચિત છે. લોકવાયકા એવી છે કે એણે જ્યારે દેહ ત્યાગ્યો ત્યારે એનો દેહ સુવર્ણની જેમ દેદીપ્યમાન દેખાતો હતો. ઈ.સ. 1376 સુધી એ જીવિત હતા એવું મનાય છે.
લલ્લેશ્વરીનો જન્મ શ્રીનગરથી લગભગ 9 માઈલ દૂર આવેલા સિમપુરા ગામમાં એક બ્રાહ્મણ ખેડૂતના ઘરે થયો હતો. તે વખતની પ્રથા અનુસાર એમના લગ્ન બાલ્યાવસ્થામાં પાંપોર ગામના પ્રતિષ્ઠિત બ્રાહ્મણના ઘરમાં થયા હતા. પતિનું નામ સોનપંડિત હતું. બચપણથી જ લલ્લેશ્વરીને સંસાર પ્રત્યે રૂચિ ન હતી. એમના કુલગુરુ શ્રી સિદ્ધમોલ પાસેથી એમણે પ્રારંભિક શિક્ષા-દીક્ષા તથા ધર્મ, દર્શન, જ્ઞાન અને યોગ સંબંધી ઘણા રહસ્યો જાણ્યા હતા.
લલ્લેશ્વરીને કોઈ સંતાન ન હતાં. વિષમ કૌટુંબિક જીવન હોવા છતાં પોતે ઈન્દ્રિયાતીત જગતમાં વિચરતી હતી. લલ્લેશ્વરીએ પોતાને થયેલ અનુભૂતિઓને આધારે ધર્મના વાસ્વતિક સ્વરૂપને સીધી સાદી સરળ ભાષામાં જે પદો દ્વારા વ્યક્ત કર્યું એને ‘વાખ’ કહે છે. આ વાખ ચાર પદના હતા. છંદમુક્ત પણ લયબદ્ધ અને ગેય. જેમ નરસિંહ મહેતા રચિત ભજનો, પદો કે પ્રભાતિયાં આજ દિન સુધી ગુજરાતના ગામોમાં ગવાતા આવ્યા છે એમ લલ્લેશ્વરી રચિત ‘વાખ’ પણ પેઢી દર પેઢીથી કાશ્મીરના ગામોમાં ગવાતા આવ્યા છે. આ વાખ લલ્લેશ્વરીના સમયમાં લિપિબદ્ધ ન થયા પણ સેંકડો વર્ષો સુધી મૌખિક પરંપરા દ્વારા સચવાણા. પ્રાચીન ભારતીય પરંપરા અનુસાર આવું સાહિત્ય કાગળ ઉપર નહીં પણ સ્મૃતિપટલ પર અંકિત થવું જોઈએ. (પુસ્તકમાં આપેલ ‘સંક્ષિપ્ત પરિચય’માંથી ટૂંકાવીને…)
[લલ્લેશ્વરીના વાખ]
[1] હું લલ્લ પ્રેમથી એ પરમતત્વને શોધવા ઘરેથી નીકળી પડી. પણ મને એ પરમ તત્વ ક્યાંય બહાર મળ્યું નહીં. આખરે મને સમજાણું કે એ તત્વ તો મારી ભીતર જ છે. એટલે બહિર્યાત્રાને બદલે અંતર્યાત્રા શરૂ થઈ.
શોધવા તુજને નીકળી, હું તો ઘરથી સનમ
અંતે તું ભીતર મળ્યો, સફળ થયો આ જનમ.
અંતે તું ભીતર મળ્યો, સફળ થયો આ જનમ.
[2] આ પંચમહાભૂતના દેહમાં પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો અને એક મન એમ અગિયાર કરણ છે, જે સંસારભ્રમણનું કારણ છે. આ અગિયારે અગિયાર કરણ પરમ તત્વ તરફ ગતિશીલ થાય એમાં જ જીવનની સાર્થકતા છે.
પંચ પ્રાણને આસરે, ફરે અગિયાર કરણ
ઉર્ધ્વદિશામાં ગતિ કરે, પામે પરમનું શરણ
ઉર્ધ્વદિશામાં ગતિ કરે, પામે પરમનું શરણ
[3] મન અતિશય ચંચળ છે. એક ક્ષણમાં એ લાખો જોજન ફરી વળે છે. પ્રાણ અને અપાન વાયુની વિવેકપૂર્વકની ક્રિયા દ્વારા એને વશ કરી શકાય છે. આ યોગમાર્ગની ગુરુગમ્ય રહસ્યમય પ્રક્રિયા છે.
ક્ષણમાં લાખ ગાઉ ફરે, મન તો છે જ ચંચળ
વશ થાશે એ જો મળે, પ્રાણાપાનની કળ
વશ થાશે એ જો મળે, પ્રાણાપાનની કળ
[4] મેં લલ્લેશ્વરીએ મનના જગતથી ઉપર ઊઠીને જોયું તો અસીમને આંગણે શિવ અને શક્તિ અભિન્ન દેખાણા એટલે કે અદ્વૈતનો અનુભવ થયો. મૃત્યુનો ભય ગયો અને હૃદયમાં ખરી ભક્તિનો પ્રાદુર્ભાવ થયો.
પરમને તટે નીરખી, શિવશક્તિની જોડ
ગયો ભય હવે મોતનો, પામી અમરત સોડ
ગયો ભય હવે મોતનો, પામી અમરત સોડ
[5] જો મન વશ ન રહેતું હોય તો ઘર છોડીને જંગલમાં જવાનો અર્થ નથી. મંત્ર સહિત પ્રાણાયામ કરવાથી જ મન વશ થાય છે અને પરમની પ્રાપ્તિ થાય છે. ખરી સાધના મન પર કરવાની છે અને એને બદલવાનું છે, શુદ્ધ કરવાનું છે.
ઘર છોડીને વન ગયા, તોય સર્યો નહીં અર્થ
જ્યાં લગ મન વશ થાય ના, ત્યાં લગ બધું ય વ્યર્થ
જ્યાં લગ મન વશ થાય ના, ત્યાં લગ બધું ય વ્યર્થ
[6] જ્યારે મારું મન જ પરમ તત્વમાં વિલિન થઈ ગયું છે ત્યારે મને કોઈ ગાળો આપે તો તે મારા મનને કેવી રીતે સ્પર્શે ? મારા મન પર એની કોઈ અસર પડતી નથી.
કોઈ ભલેને ગાળ દે, એ પણ લાગે ખેલ
આત્મરમણતા હોય તો, મનદર્પણ નહિ મેલ
આત્મરમણતા હોય તો, મનદર્પણ નહિ મેલ
[7] માત્ર બાહ્ય આચરણ કે બાહ્ય ક્રિયાકાંડ દ્વારા વ્યક્તિનું ચિત્ત કેટલું શુદ્ધ છે એ જાણી શકાય નહીં. જેમણે પરમ તત્વની અનુભૂતિ કરી છે એ સૂતા હોવા છતાં પણ જાગૃત છે અને કર્મ કરતા હોવા છતાં પણ કર્મબંધનથી મુક્ત છે.
સુતા મુની પણ જાગતા, જાગતા પણ નિદ્રિત
સ્નાન છતાં અપવિત્ર, ગૃહસ્થ પણ નિર્લિપ્ત
સ્નાન છતાં અપવિત્ર, ગૃહસ્થ પણ નિર્લિપ્ત
[8] આ વિશ્વમાં પદાર્થો વિવિધ રૂપે આપણને દેખાય છે, પણ દરેક પદાર્થની ભીતર એ જ ચેતન તત્વ વિલસે છે. ક્યાંક સુષુપ્ત અવસ્થામાં તો ક્યાંક પૂર્ણપણે પ્રગટેલું – એ ચેતન તત્વની, પરમ તત્વની અનુભૂતિ થાય તો જ આ રહસ્ય સમજાય.
હિમ વિભિન્ન લાગે ભલે, છે જળનું ઘનરૂપ
ઊગે સૂર્ય વિવેકનો, પામે મૂળ સ્વરુપ
ઊગે સૂર્ય વિવેકનો, પામે મૂળ સ્વરુપ
[9] મારા ચિત્ત પર ચોંટેલ કષાય અને વાસનાનો મેલ જ્યારે દૂર થયો ત્યારે મને આત્મજ્ઞાન થયું. મારો અહમ દૂર થયો અને મને સમજાણું કે એ પરમતત્વનો મારામાં પણ અંશ છે. આ સૃષ્ટિનો ખેલ સમજાઈ ગયો. દેહભાવ છૂટી ગયો.
ઉપજે આતમજ્ઞાન જો, છૂટે મનનો મેલ
જાય અહમ જો ઓગળી, સમજાશે સહુ ખેલ
જાય અહમ જો ઓગળી, સમજાશે સહુ ખેલ
[10] મનુષ્ય ઠંડી દૂર કરવા ગરમ વસ્ત્રો પહેરે છે અને ભૂખ મિટાવવા ભોજન કરે છે. વિષયો દ્વારા ક્ષણિક સુખ પ્રાપ્ત કરે છે. પણ જેના દ્વારા શાશ્વત આનંદની પ્રાપ્તિ થાય એ ધ્યાન સાધના અંગે જો વિચાર નહીં કરે તો મહામુલું માનવજીવન વ્યર્થ જશે કારણ કે મોત ક્યારે આવી જશે એની ખબર પણ નહીં પડે.
ગરમ વસ્ત્રે ટાઢ મટે, ધાન મિટાવે ભૂખ
વિષયોથી સુખ ના મળે, ધ્યાન મિટાવે દુ:ખ
વિષયોથી સુખ ના મળે, ધ્યાન મિટાવે દુ:ખ
[11] હે મનુષ્ય, મારો ઉપદેશ સાંભળી લે. સડક પર પણ પથ્થર હોય છે અને મૂર્તિ પણ પથ્થરની બનેલી હોય છે, માત્ર રૂપમાં ભેદ છે પણ દ્રવ્ય તો એક જ છે. એમ પરમતત્વ કે મૂળ તત્વ તો એક જ છે પણ આપણે એ તત્વને જુદા જુદા રૂપમાં જોઈએ છીએ. સઘળે એક જ તત્વ વિલસી રહ્યું છે જે અવિનાશી છે જ્યારે પદાર્થો બધા નાશવંત છે.
સડક પર પણ પથ્થર ને, મૂર્તિમાં ય પથ્થર
એક તત્વ બધે વિલસે, આકાર છે નશ્વર
એક તત્વ બધે વિલસે, આકાર છે નશ્વર
[12] હે મનુષ્ય, એક વાત સમજી લે કે જેમ સૂર્યપ્રકાશ અને વરસાદ બધા માટે ઉપલબ્ધ છે. અમુકને પ્રાપ્ત થાય કે અમુકને પ્રાપ્ત ન થાય એવો ભેદભાવ સૂર્યપ્રકાશ કે વરસાદ રાખતા નથી. એવી જ રીતે શિવ (પરમ તત્વ) સર્વ માટે ઉપલબ્ધ છે. જો આપણે દેહભાવથી મુક્ત થઈએ તો એ તત્વનો આપણને અનુભવ થઈ શકે છે.
સૂર્યકિરણ કે જળ મળે, વિના કોઈ પણ ભેદ
પ્રાપ્ત થાય શિવ સર્વને, (જો) તૂટે હું ની કેદ
પ્રાપ્ત થાય શિવ સર્વને, (જો) તૂટે હું ની કેદ
[13] અનાદિકાળથી સતત આપણું આવાગમન આ જગતમાં થતું જ રહ્યું છે. આવાગમનનું ચક્ર સતત ચાલતું જ રહેવાનું છે. હે મનુષ્ય, તું પ્રયત્ન કરીને આ ચક્રમાંથી બહાર નીકળી જા અને પહોંચી જા તારા મૂળ સ્થાનમાં જ્યાંથી તું આવ્યો છે.
ચક્ર આવાગમન તણું, ઘૂમે અનંતકાળ
હોય સ્વરૂપે રમણતા, તૂટી જાશે જાળ
હોય સ્વરૂપે રમણતા, તૂટી જાશે જાળ
[14] હે નીલકંઠ, તમારી અને મારી પાસે પાંચ જ્ઞાનેન્દ્રિયો અને છઠ્ઠું મન છે. પણ તમારા અને મારામાં એટલો ફરક છે કે તમે આ ‘છ’ના માલિક છો, જ્યારે હું આ ‘છ’ની દાસ છું.
આમ શિવને હું સરખા, પણ છે થોડો ભેદ
એ તો છે છ ના સ્વામી, હું છું એમાં કેદ
મનને પાંચ ઈન્દ્રિયો, છે બંનેની પાસ
શિવ છે સ્વામી એહના, હું તો એની દાસ
એ તો છે છ ના સ્વામી, હું છું એમાં કેદ
મનને પાંચ ઈન્દ્રિયો, છે બંનેની પાસ
શિવ છે સ્વામી એહના, હું તો એની દાસ
[15] લલ્લેશ્વરી ચેતવણી આપતાં કહે છે કે માત્ર દેહભાવમાં ન જીવ, જો માત્ર દેહની જ આળપંપાળ કરીશ, ભોગવિલાસમાં જ રચ્યો રહીશ તો એટલું યાદ રાખજે કે એક દિવસ આ દેહ તો સ્મશાનમાં જવાનો છે અને એની રાખ થવાની છે.
માત્ર દેહ સજાવ નહીં, કર નહિ ભોગવિલાસ
યાદ રાખજે આખરે, સ્મશાન મહીં નિવાસ
યાદ રાખજે આખરે, સ્મશાન મહીં નિવાસ
No comments:
Post a Comment