Google Search

Friday, June 15, 2012

ગીતા-પ્રવચનો – વિનોબા


[અધ્યાય છઠ્ઠો]
આત્મોદ્ધારની આકાંક્ષા :
માણસનો ઊંચામાં ઊંચો કૂદકો કેટલે સુધી પહોંચી શકે છે તે કલ્પનાથી તેમ જ વિચારથી આપણે પાંચમાં અધ્યાયમાં જોઈ શક્યા. કર્મ, વિકર્મ અને આકર્મ મળીને સર્વ સાધના પૂર્ણ થાય છે. કર્મ સ્થૂળ વસ્તુ છે. જે સ્વધર્મકર્મ આપણે કરીએ તેમાં આપણા મનનો સહકાર હોવો જોઈએ. મનની કેળવણીને માટે જે કર્મ કરવાનું છે તે વિકર્મ, વિશેષ કર્મ અથવા સૂક્ષ્મ કર્મ છે. કર્મ ને વિકર્મ બંને જોઈએ. એ બંનેનો પ્રયોગ કરતાં કરતાં અકર્મની ભૂમિકા તૈયાર થાય છે. પાછલા અધ્યાયમાં આપણે જોયું કે એ ભૂમિકામાં કર્મ અને સંન્યાસ બંને એકરૂપ જ થઈ જાય છે. હવે છઠ્ઠા અધ્યાયની શરૂઆતમાં ફરીથી કહ્યું છે કે કર્મયોગની ભૂમિકા સંન્યાસની ભૂમિકા કરતાં અલગ દેખાતી હોય તો પણ અક્ષરશઃ એકરૂપ છે. ફક્ત દ્રષ્ટિમાં ફેર છે. હવે પછીના અધ્યાયનો વિષય પાંચમા અધ્યાયમાં વર્ણવેલી અવસ્થાનાં સાધનો વિચારવાનો છે.
કેટલાક લોકોના મનમાં એવો ભ્રામક ખ્યાલ ઘર કરી ગયો છે કે પરમાર્થ, ગીતા વગેરે ગ્રંથો કેવળ સાધુઓને માટે છે. એક ગૃહસ્થે મને કહ્યું, ‘ હું કંઈ સાધુ નથી. ’ એમના કહેવાનો અર્થ એવો હતો કે સાધુ નામે ઓળખાતાં જે કેટલાંક પ્રાણી છે તેમાંના પોતે નથી. જેવાં ઘોડા, સિંહ, રીંછ, ગાય વગેરે જાનવરો છે તેવાં સાધુ નામનાં પણ જાનવરો છે, અને પરમાર્થની કલ્પના માત્ર તેમને માટે છે. બાકીના બીજા વહેવારમાં રહેનારા તે જાણે કંઈક જુદા, તેમના વિચાર જુદા, આચાર પણ જુદા ! આ ખ્યાલને લીધે સાધુસંતો અને વહેવારૂ લોકોને એકબીજાથી અળગા પાડી નાખવામાં આવ્યા છે. ગીતારહસ્યમાં લોકમાન્ય તિલકે આ બાબત પર ખાસ ધ્યાન ખેંચ્યું છે. ગીતા એ ગ્રંથ સર્વસાધારણ વહેવારૂ લોકોને માટે છે એ લોકમાન્યની ભૂમિકા હું અક્ષરશઃ ખરી માનું છું. ભગવદ્ગીતા તમામ દુનિયાને સારૂ છે. પરમાર્થમાં આવતું એકેએક સાધન હરેક વહેવારૂ માણસને માટે છે. આપણો વહેવાર શુદ્ધ તેમ જ નિર્મળ થાય અને મનને સમાધાન તેમ જ શાંતિ કઈ પેરે મળે એ વાત પરમાર્થ શીખવે છે. વહેવાર કેમ શુદ્ધ કરવો તે શીખવવાને માટે ગીતા છે. તમે જ્યાં જ્યાં વહેવાર કરો ત્યાં બધે ગીતા આવે છે. પણ તે તમને ત્યાં ને ત્યાં રહેવા દેવા માગતી નથી. તમારો હાથ ઝાલીને તે તમને છેવટને મુકામે પહોંચાડશે. પેલી પ્રસિદ્ધ કહેવત છે ને કે ‘ पर्वत महमद पासे आवतो नहीं होय तो महमद पर्वत पासे जशे. ’ પોતાનો સંદેશો જડ પર્વતને પણ પહોંચે એવી ફિકર મહમદને છે. પર્વત જડ હોવાથી તેના આવવાની વાટ જોઈને મહમદ બેસી રહેવા માગતો નથી. એ જ વાત ગીતા ગ્રંથને પણ લાગુ પડે છે. ગરીબ, દૂબળો, અણઘડમાં અણઘડ જે કોઈ હોય તે સૌની પાસે ગીતા પહોંચી જશે. પણ તે જ્યાં હશે ત્યાં તેને કાયમ રાખવાને નહીં, તેનો હાથ ઝાલી તેને આગળ લઈ જવાને, ઊંચે ઉઠાવવાને જશે. માણસ પોતાનો વહેવાર શુદ્ધ કરતો પરમોચ્ચ સ્થિતિએ પહોંચે એટલી જ ગીતાની ઈચ્છા છે, એટલા ખાતર જ ગીતાની હયાતી છે.
એથી, હું જડ છું, વહેવારિયો છું, સંસારી જીવ છું એવું એવું કહીને તમારી આજુબાજુ વાડ ઊભી ન કરશો. મારાથી શું થાય, આ સાડાત્રણ હાથના દેહમાં જ મારૂં સારસર્વસ્વ છે એમ કહેશો મા. આ બંધનોની દીવાલ અથવા તુરંગ પોતાની આજુબાજુ ઊભી કરીને પશુઓ વર્તે છે તેમ વર્તશો મા. આગળ વધવાની, ઊંચે ચડવાની હિંમત રાખો. ‘उद्धरेदात्मनात्मामनं नात्मानमवसादयेत् ’ હું મારી જાતને ખચીત ઊંચે લઈ જનાર છું એવી હિંમત રાખો. હું ક્ષુદ્ર સંસારી જીવ છું એવું કહીને મનની શક્તિ હણો મા. કલ્પનાની પાંખો તોડી નાખશો મા. કલ્પનાને વિશાળ કરો. ચંડોળનું એવું નથી કે ? સવારમાં સૂર્યને જોઈને તે કહે છે, હું ઊંચે ઊડીને સૂર્યને પહોંચીશ. આપણું પણ એમ જ હોવું જોઈએ. પોતાની કમજોર પાંખો વડે ચંડોળ ગમે તેટલું ઊંચે ઊડશે તોયે સૂર્યને કેવી રીતે પહોંચશે ? પણ કલ્પનાની શક્તિથી સૂર્યને તે જરૂર પહોંચી શકે છે. આપણે સૌ એથી ઊલટી રીતે ચાલીએ છીએ. આપણે જેટલા ઊંચે જઈ શક્યા હોત તેટલુંયે ન જતાં કલ્પનાની, ભાવનાની આડે બંધારો બાંધી દીધો હોવાથી આપણે પંડે થઈને આપણી જાતને નીચી પાડીએ છીએ. આપણામાં રહેલી શક્તિને આપણે હીનભાવને લીધે મારી નાખીએ છીએ. ખુદ કલ્પનાના પગ તોડી નાખો તો નીચે પડવા સિવાય બીજું શું થાય ? કલ્પનાનો ઝોક હમેશ ઉપર રહેવો જોઈએ. કલ્પનાની સહાયથી માણસ આગળ જાય છે. તેથી કલ્પનાને સંકોચી ન નાખશો. ‘धोपट मार्गा सोडुं नको, संसारामधिं ऐस आपुला उगाच भटकत फिरूं नको’ – ધોરી રસ્તો છોડીશ મા, તું તારે સંસારને જ વળગી રહે અને નાહકનો ભટકી મરીશ મા, એવાં રોદણાં રડ્યા કરશો મા. આત્માનું અપમાન ન કરશો. સાધકોમાં વિશાળ કલ્પના હશે. આત્મવિશ્વાસ હશે તો જ તે ટકવાના છે. એમ કરવાથી જ ઉદ્ધાર થશે. પણ “ ધર્મ કેવળ સંતોને સારૂ છે, સંતોની પાસે જવાનું તે પણ ‘ તમારી ભૂમિકામાં તમે જે રીતે વર્તો છો તે જ બરાબર છે ’ એવું તેમની પાસે પ્રશસ્તિપત્ર લેવા પૂરતું જવાનું, ” એવા એવા ખ્યાલોને છોડી દો. આવા ભેદાત્મક ખ્યાલો રાખી જાતને બાંધી ન લો. ઊંચી આકાંક્ષા રાખ્યા વગર આગળ પગલું કદી ઊપડવાનું નથી. આ દ્રષ્ટિ, આ આકાંક્ષા, આવી મહાન ભાવના હોય તો પછી સાધનો શોધવાની પંચાત જરૂરી થાય. નહીં તો વાત ત્યાંથી જ પૂરી થઈ જાણવી. બહારના કર્મના સાથમાં માનસિક સાધન વિકર્મનું કહ્યું છે. કર્મની મદદમાં વિકર્મ હમેશ રહેવું જોઈએ. એ બંનેની મદદથી અકર્મની જે દિવ્ય સ્થિતિ પ્રાપ્ત થાય છે તેની અને તેના પ્રકારોની વાત પાંચમા અધ્યાયમાં આપણે જોઈ ગયા. આ છઠ્ઠા અધ્યાયથી વિકર્મના પ્રકારો બતાવવાનું શરૂ થાય છે. માનસિક સાધનાની વાત સમજાવતાં પહેલાં ગીતા કહે છે કે, ‘ અરે જીવ ! તું ઈશ્વર બની શકશે એવી દિવ્ય આકાંક્ષા રાખ. મન મોકળું રાખી પાંખ બરાબર મજબૂત રાખ. ’ સાધનાના, વિકર્મના જુદા જુદા પ્રકારો છે. ભક્તિયોગ, ધ્યાન, જ્ઞાનવિજ્ઞાન, ગુણવિકાસ, આત્માનાત્મવિવેક વગેરે નાના પ્રકારો છે. છઠ્ઠા અદ્યાયમાં ધ્યાનયોગ નામનો સાદનાનો પ્રકાર વર્ણવ્યો છે.
ચિત્તની એકાગ્રતા :
ધ્યાનયોગમાં ત્રણ બાબતો મુખ્ય છે. ૧. ચિત્તની એકાગ્રતા, ૨. ચિત્તની એકાગ્રતાને માટે જરૂરી જીવનની પરિમિતતા એટલે કે તેનું માપસરપણું અને ૩. સામ્યદશા અથવા સમદ્રષ્ટિ. આ ત્રણ બાબતો વગર સાચી સાધના થાય નહીં. ચિત્તની એકાગ્રતાનો અર્થ છે ચિત્તની ચંચળતા પર અંકુશ. જીવનની પરિમિતતા એટલે સર્વ ક્રિયાઓ માપસર હોય તે. અને સમદ્રષ્ટિ એટલે વિશ્વ તરફ જોવાની ઉદાર દ્રષ્ટિ. આ ત્રણ વાતો મળીને ધ્યાનયોગ બને છે. આ ત્રણે સાધનોની કેળવણીને માટે વળી બીજાં બે સાધનો છે. તે છે અભ્યાસ અને વૈરાગ્ય. આ પાંચે બાબતોની થોડી ચર્ચા કરીએ.
પહેલી ચિત્તની એકાગ્રતા. કોઈ પણ કામને માટે ચિત્તની એકાગ્રતા જરૂરી છે. વહેવારની વાતોમાં પણ એકાગ્રતા જોઈએ છે. વહેવારના ગુણો જુદા ને પરમાર્થના ગુણો જુદા એવું કંઈ નથી. વહેવાર શુદ્ધ કરવો તેનું જ નામ પરમાર્થ છે. કોઈ પણ વહેવાર કેમ ન હોય, તેમાંનો જશ – અપજશ, તમારી એકાગ્રતા પર આધાર રાખે છે. વેપાર, વહેવાર, શાસ્ત્રશોધન, રાજકારણ, મુત્સદ્દીગીરી ગમે તે લો, હરેકમાં જે સફળતા મળશે તેનો આધાર તે તે પુરૂષની ચિત્તની એકાગ્રતા પર છે. નેપોલિયનને વિષે એમ કહેવાય છે કે એક વખત યુદ્ધની વ્યવસ્થા બરાબર ગોઠવી દીધા પછી રણક્ષેત્ર પર તે ગણિતના સિદ્ધાંત ઉકેલવા બેસી જતો. તંબૂ પર ગોળા પડે, માણસો મરતાં હોય પણ નેપોલિયનનું ચિત્ત બસ ગણિતમાં મશગૂલ. નેપોલિયનની એકાગ્રતા બહુ જબરી હતી એમ મારૂં કહેવું નથી. એના કરતાં ઊંચા પ્રકારની એકાગ્રતાના દાખલા બતાવી શકાય. પણ તેની પાસે એકાગ્રતા કેટલી હતી તે જોવાનું છે. ખલીફ ઉમરની એવી જ વાત કહેવાય છે. લડાઈ ચાલુ હોય ત્યારે પણ પ્રાર્થનાનો વખત થતાંની સાથે ચિત્ત એકાગ્ર કરી ઘૂંટણિયે પડી રણાંગણમાં ભર લડાઈની વચ્ચે તે પ્રાર્થના કરવા માંડતો. અને પ્રાર્થનામાં તેનું ચિત્ત એટલું નિમગ્ન થઈ જતું કે કોનાં માણસો કપાય છે તેનો ખ્યાલ પણ તેને રહેતો નહીં. પહેલાં મુસલમાનોની આવી પરમેશ્વરનિષ્ઠાને લીધે, આ એકાગ્રતાને લીધે જ ઈસ્લામ ધર્મનો ફેલાવો થયો.
પેલે દિવસે એક વાત મારા સાંભળવામાં આવી. એક મુસલમાન સાધુ હતો. તેના શરીરમાં બાણ પેઠું. તે બાણને લીદે તેને ખૂબ વેદના થતી હતી. બાણ કાઢવા જાય તો હાથ લગાડતાંની સાથે વેદના વધારે થતી. આમ એ બાણ કાઢવાનું પણ બને એમ નહોતું. આજે નીકળી છે તેવી બેભાન કરવાની ક્લોરોફૉર્મ જેવી દવા પણ તે વખતે નહોતી. મોટો સવાલ ઊભો થયો. તે સાધુ વિષે જે લોકોને માહિતી હતી તેમાંના કેટલાક જણે આગળ આવીને કહ્યું, ‘અત્યારે બાણ કાઢવાનું રહેવા દો. આ સાધુ પ્રાર્થનામાં બેસશે એટલે પછી તે બાણ કાઢીશું.’ સાંજે પ્રાર્થનાનો વખત થયો. સાધુ પ્રાર્થનામાં બેઠો. એક પળમાં તેના ચિત્તની એવી એકાગ્રતા થઈ ગઈ કે પેલું બાણ તેના શરીરમાંથી ખેંચી કાઢ્યું તોયે તેને ભાન સરખું ન થયું. કેટલી બધી આ એકાગ્રતા !
સારાંશ, વહેવાર હો કે પરમાર્થ હો, તેમાં ચિત્તની એકાગ્રતા વિના જશ મળવો મુશ્કેલ છે. ચિત્ત એકાગ્ર થાય તો સામર્થ્ય કદી ઓછું નહીં પડે. તમે સાઠ વર્ષની ઉંમરે પહંચ્યા હશો તોયે એકાદ જુવાન આદમીના જેવો તમારો ઉત્સાહ ને તમારૂં સામર્થ્ય દેખાશે. માણસ જેમ જેમ ઘરડો થતો જાય તેમ તેમ તેનું મન કઠણ થતું જવું જોઈએ. ફળનું જુઓને ! પહેલાં તે કાચું, લીલું હોય છે. પછી પાકે છે, સડી જાય છે, કોહી જાય છે અને નાશ પામે છે. પણ પેલું અંદરનું બી કઠણ ને કઠણ થતું જાય છે. બહારનું કલેવર સડી જાય, ખરી જાય, પણ બહારનું કલેવર ફળનું સારસર્વસ્વ નથી. ફળનું સારસર્વસ્વ, તેનો આત્મા બી છે. શરીરનું પણ એવું જ છે. શરીર ઘરડું થાય તો પણ યાદદાસ્ત વદતી જ જવી જોઈએ. બુદ્ધિ તેજસ્વી થતી જ જવી જોઈએ. પણ એવું થતું નથી. માણસ કહે છે, ‘હમણાં હમણાંનું કંઈ યાદ રહેતું નથી.’ કેમ ? ‘હવે ઉંમર થઈ.’ તારૂં જ્ઞાન, તારી વિદ્યા, તારી યાદદાસ્ત એ તારૂં બી છે. શરીર ઘરડું થતાં જેમ જેમ ઢીલું પડતું જાય તેમ તેમ અંદરનો આત્મા બળવાન થવો જોઈએ. એટલા સારૂ એકાગ્રતા જોઈએ.
એકાગ્રતા કેમ સાધવી :
એકાગ્રતા જોઈએ તો ખરી, પણ તે કરવી કેવી રીતે ? તે સારૂ શું કરવું જોઈએ ? ભગવાન કહે છે, આત્મામાં મન પરોવી न किंचिदपि चिंतयेत् – બીજા કશાનું ચિંતન ન કરવું. એ વાત સધાય કેવી રીતે ? મન નિવાંત, શાંત, સ્વસ્થ કરવાની વાત બહુ મહત્વની છે. વિચારનાં ચક્રો જોર કરીને ફરતાં અટકાવ્યા વગર એકાગ્રતા કેવી ? બહારનું ચક્ર ગમે તેમ એક વાર ફરતું અટકાવી શકાય, પણ અંદર ચક્ર ફર્યા જ કરે છે. ચિત્તની એકાગ્રતાને માટે બહારનાં સાધનો જેમ જેમ બતાવીએ તેમ તેમ આ અંદરનું ચક્ર વધારે ને વધારે જોરથી ફરવા માંડે છે. તમારે જોઈએ તો આસન વાળો, ટટાર બેસો, નજર સ્થિર કરો, પણ એટલાથી મનને એકાગ્ર નહીં કરી શકાય. મુખ્ય વાત એ છે કે મનની અંદરનું ચક્ર ફરતું બંધ કરતાં આવડવું જોઈએ.
બહારનો અપરંપાર સંસાર મનમાં ભરેલો હોય છે. તેને રોક્યા વગર એકાગ્રતા અશક્ય છે. આપણા આત્માની અપાર જ્ઞાનશક્તિ બહારની ક્ષુદ્ર વસ્તુઓમાં આપણે વાપરી નાખીએ છીએ. પણ એમ ન થવું જોઈએ. જેમ બીજાને ન લૂંટતાં પોતાની મહેનતથી પૈસાદાર થયેલો માણસ ખોટી જગ્યાએ પૈસા નહીં ખરચે તેમ આપણા આત્માની જ્ઞાનશક્તિ આપણે નજીવી ચીજોના ચિંતનમાં વાપરી ન નાખીએ. આ જ્ઞાનશક્તિ આપણી અણમોલ મૂડી છે. પણ સ્થૂળ વિષયોમાં આપણે તેને વાપરીએ છીએ. આ શાક સારૂં થયું નથી એમાં મીઠું ઓછું પડ્યું છે. કેટલી રતી અલ્યા ઓછું પડ્યું ? મીઠાની અરધી કણી ઓછી પડી એ મહાન વિચારમાં ને વિચારમાં આપણું જ્ઞાન વપરાઈ જાય છે. નાના છોકરાંને નિશાળની ચાર દિવાલ વચ્ચે ગોંધીને ભણાવે છે. ઝાડ નીચે લઈ જઈને બેસાડીએ તો કહે છે કે કાગડા ને ચકલાં જોઈને તેમનું મન એકાગ્ર નહીં થાય ! આખરે નાનાં છોકરાં રહ્યાં ! કાગડા ને ચકલાં જોવાનાં ન મળે એટલે થઈ ગઈ તેમની એકાગ્રતા ! પણ અમે થયા ખાસા ઘોડા જેવા. અમને શિંગડાં ઊગ્યાં. સાત સાત દીવાલની પાચળ અમને પૂરો તોયે અમારી એકાગ્રતા નહીં થાય. કારણકે દુનિયાની ઝીણામાં ઝીણી વાતને અમારે ચર્ચા કરવાની રહી ! જે જ્ઞાન ખુદ પરમેશ્વર સુધી પહોંચી શકે તે શાકના સ્વાદની ચર્ચા કરવામાં અમે બગાડીશું ને તેમાં જ કૃતાર્થતા પણ માનીશું !
આવો આ ભયાનક સંસાર રાત ને દિવસ આપણી અંદર ને બહાર ઘુઘવાટા મારે છે. પ્રાર્થના અથવા ભજન કરવામાં પણ આપણો હેતુ બાહ્ય હોય છે. પરમેશ્વર સાથે તન્મય થઈ, ચાલો એક ક્ષણભર પણ સંસારને ભૂલી જઈએ એવી આપણી ભાવના નથી. પ્રાર્થના પણ એક દેખાવ, એવી જ્યાં મનની સ્થિતિ હોય ત્યાં આસન વાળી બેઠા તોયે શું ને આંખો મીંચી તોયે શું ? બધું ફોગટ છે. મન એક સરખું બહાર દોડ્યા કરે છે તેથી માણસનું બધું સામર્થ્ય નાશ પામે છે, કોઈ પણ પ્રકારની વ્યવસ્થા, નિયંત્રણશક્તિ માણસમાં રહેતી નથી. આ વાતનો અનુભવ આપણા દેશમાં આજે ડગલે ને પગલે થાય છે. ખરૂં જુઓ તો ભારતવર્ષ એટલે પરમાર્થની ભૂમિ. અહીંના માણસો મૂળથી જ ઊંચા વાતાવરણમાં રહેનારાં મનાય છે. પણ એ જ દેશમાં તમારી અને અમારી, આપણી શી દશા થઈ તે જુઓ ! છેક નાની નાની બાબતોમાં આપણે એટલું ઝીણું ઝીણું કાંતીએ છીએ કે તે જોઈને ખરેખર ખેદ થાય છે. નજીવા વિષયોમાં મન ગૂંથાઈ રહેલું છે.
‘ कथा पुराण ऐकतां । झोपें नाडिलें तत्वतां
खाटेवरी पडतां । व्यापी चिंता तळमळ
ऐसी गहन कर्मगति । काय तयासी रडती ।। ’
– કથાપુરાણ સાંભળવા જઈએ છીએ ત્યાં ખરેખર ઊંઘ આવી જાય છે, અને ખાટલા પર જઈને પડીએ છીએ ત્યારે મન ફિકરચિંતાથી ઘેરાઈ જાય છે. કર્મની એવી ગહન ગતિ છે તેનું રડવું શું ? કથાપુરાણ સાંભળવાને જાઓ છો તો ઊંઘ ચડી બેસે છે, અને ઊંઘને શોધવા નીકળો છો તો ત્યાં ચિંતા ને વિચારનું ચક્કર ફરવા માંડે છે. એક તરફ શૂન્યાગ્રતા છે ને બીજી તરફ અનેકાગ્રતા છે. એકાગ્રતા ક્યાંયે નથી. એટલો માણસ ઈન્દ્રિયોનો ગુલામ બન્યો છે. એક વાર એક જણે મને પૂછ્યું, ‘ આંખ અર્ધી ઉઘાડી રાકવી એમ શું કામ કહ્યું છે ? ’ મેં તેને કહ્યું, ‘તમારા સવાલનો સાદો જવાબ આપું. આંખ પૂરી મીંચી દેવાથી ઊંઘ આવે છે, બરાબર જોર કરીને ખુલ્લી રાખો તો ચારે બાજુ નજર ફરતી રહીને એકાગ્રતા થતી નથી. આંખ મીંચવાથી ઊંઘ આવે એ તમોગુણ થયો. જોર કરીને ખુલ્લી રાખવાથી નજર બધે ફર્યા કરે છે એ રજોગુણ થયો. એટલા ખાતર વચલી સ્થિતિ બતાવી છે.’ ટૂંકમાં, મનની બેઠક બદલ્યા વગર એકાગ્રતાની આશા ન રાખવી. મનની બેઠક શુદ્ધ જોઈએ. કેવળ આસન વાળીને બેસવાથી તે નહીં મળે. તે માટે બધા વહેવાર શુદ્ધ કરવા જોઈએ. વહેવાર શુદ્ધ કરવો એટલે વહેવારનો ઉદ્દેશ બદલવો જોઈએ. વ્યક્તિગત લાભ નજરમાં રાખી, વાસનાની તૃપ્તિને સારૂ અથવા એવી જ બીજી બહારની બાબતોને સારૂ વહેવાર ન કરવો જોઈએ.
આપણે આખો દિવસ વહેવારમાં ગૂંથાયેલા રહીએ છીએ. દિવસભર ચાલુ રહેલી ઊઠવેઠનો હેતુ શો ? ‘याजसाटीं केला होता अट्टहास । शेवटचा दीस गोड व्हावा ।।’ – આખરનો દિવસ રૂડો થાય તે સારૂ બધી તન તોડીને મથામણ કરી હતી. બધી તન તોડીને કરેલી મથામણ, બધી દોડાદોડ છેલ્લો દિવસ રૂડો થાય માટે કરવાની છે. આખો જન્મારો કડવું ઝેર પચાવીએ છીએ. શા સારૂ ? તે છેવટની ઘડી, તે મરણ પવિત્ર થાય તે સારૂ. દિવસની છેવટની ઘડી સાંજે આવે છે. તે તે દિવસનું બધું કર્મ પવિત્ર ભાવનાથી કર્યું હશે તો રાતની પ્રાર્થના મીઠી થશે. દિવસની એ છેવટની ઘડી રૂડી નીવડી તો દિવસનું બધું કર્મ સફળ થયું જાણવું. પછી મારા મનની એકાગ્રતા થશે. એકાગ્રતાને માટે આવી જીવનની શુદ્ધિ જરૂરી છે. બહારની વસ્તુનું ચિંતન છૂટી જવું જોઈએ. માણસની આવરદા આમ જુઓ તો ઝાઝી નથી. પણ એટલી ટૂંકી આવરદામાંયે પરમેશ્વરી સુખનો અનુભવ મેળવી આપવાનું સામર્થ્ય છે. બે માણસો એક જ બીબામાં ઢાળેલાં, એક જ ઘાટનાં હોય છે. બે આંખ, તે આંખની વચ્ચે પેલું એક નાક, અને તે નાકને બે નસકોરાં છે. આવું એ બધું એકસરખું હોવા છતાં એક માણસ દેવ જેવો થાય છે ને બીજો પશુ જેવો થાય છે એમ કેમ થતું હશે ? એક જ પરમેશ્વરનાં બાળ, ‘अवधी एकाचीच वीण’ – બધાં એક જ પેટનાં. આમ છતાં વો ફેર કેમ પડે છે ? એ બે માણસોની જાત એક જ છે એ વાત ગળે ઊતરતી નથી. એક નરનો નારાયણ ને બીજો નરનો વાનર !
માણસ કેટલો ઊંચે જઈ શકે છે તે બતાવનારાં માણસો પહેલાં થઈ ગયાં છે એને આજે પણ આપણી વચ્ચે છે. આ અનુભવની વાત છે. આ નરદેહની કેવા શક્તિ છે તે બતાવનારા સંતો પાછળના વખતમાં થઈ ગયા છે. અને આજે પણ હયાત છે. આ દેહમાં રહીને બીજો માણસ આવડી મોટી કરણી કરી શકે તો મારે હાથે કેમ ન થાય ? મારી કલ્પનાને હું મર્યાદા શા સારૂ મૂકું ? જે નરદેહમાં રહી બીજા નરવીર થઈ ગયા તે જ મનખાદેહમાં હું પણ છું. પછી હું આવો કેમ ? મારૂં કંઈક અવળું ચાલે છે. આ મારૂં ચિત્ત કાયમ બહાર રજળવા નીકળે છે. બીજાના ગુણદોષ જોવામાં તે બહું દોઢડાહ્યું થાય છે. પણ મારે બીજાના દોષ જોવાના કેવા? ‘कासया गुणदोष पाहूं आणिकांचे । मज काय त्यांचें उणेंअसे ।।’ બીજાના ગુણદોષ હું શા સારૂ જોવા જાઉં ? મારામાં તેની ક્યાં ખોટ છે ? મારામાં ખામી શું ઓછી છે ? કાયમ બીજાના ઝીણા ઝીણા દોષો જોવામાં હું મશગુલ રહું તો ચિત્તની એકાગ્રતા કેમ સધાશે ? પછી મારી બે જ દશા થાય. શૂન્યાવસ્થા એટલે કે ઊંઘ, અથવા અનેકાગ્રતા. તમોગુણ ને રજોગુણ બેમાં હું ફસાઈ જવાનો. આમ બેસ, નજર આમ રાખ, આવું આસન વાળ વગેરે સૂચના એકાગ્રતા કરવાને માટે ભગવાને નથી આપી એવું નથી. પણ ચિત્તની એકાગ્રતા બિલકુલ જરૂરી છે એટલી વાત ગળે ઊતરે તો જ એ બધું કામનું છે. ચિત્તની એકાગ્રતા આવશ્યક છે એટલું એક વખત માણસને ગળે ઊતરી જશે પછી તે જાતે જ તે માટેની સાધના શોધી કાઢ્યા વગર નહીં રહે.

No comments:

Post a Comment