Google Search

Saturday, June 9, 2012

પાર્થક્ય – રવીન્દ્રનાથ ટાગોર


ઈશ્વરે માત્ર માણસને જ પાર્થક્ય આપ્યું છે અને પ્રકૃતિની સાથે તે મળી જઈને એક થઈને રહેલો છે, એમ કહીએ તે શી રીતે ચાલે. પ્રકૃતિની સાથે પણ તેને એક પ્રકારની અલગતા છે. નહિ તો પ્રકૃતિ ઉપર તેનો કોઈ પ્રભાવ જ પડત નહિ. તફાવત એટલો કે, માણસ જાણે છે કે પોતે અલગ છે – એટલું જ નહિ, તે એ પણ જાણે છે કે એ અલગતામાં પોતાનું અપમાન નથી, ગૌરવ છે. બાપ જ્યારે ઉંમરે પહોંચેલા છોકરાને પોતાની રોકડમાંથી અલગ રોકડ કરી આપે છે ત્યારે એ અલગતાથી તેનો તિરસ્કાર નથી કરતો, ખરું જોતાં એ અલગતામાં જ તેનો એક વિશેષ સ્નેહ પ્રગટ થાય છે અને એ અલગપણાનું મહાગૌરવ માણસ કેમે કર્યું ભૂલી શકતો નથી.
માણસ પોતાના એ સ્વાતંત્ર્યગૌરવના અધિકાર વડે પોતે વ્યવહાર કરે છે. પ્રકૃતિમાં એ અહંકાર નથી, તે જાણતી નથી કે પોતાને શું પ્રાપ્ત થયું છે. ઈશ્વરે એ પ્રકૃતિને શાના વડે અલગ કરી દીધી છે ? નિયમ વડે. નિયમ વડે જો અલગ ન કરી દીધી હોત તો પ્રકૃતિની સાથે ઈશ્વરની ઈચ્છાનો સંબંધ રહેત નહિ. એકાકાર બનીને રહે તો ઈચ્છાને કામ કરવાનો માર્ગ રહેતો નથી. જે માણસ શતરંજ રમવામાં પોતાની ઈચ્છાને વાપરવા માગે છે તેણે પહેલાં પોતાની ઈચ્છાને રોકવી પડે છે. કેવી રીતે ? નિયમ રચીને દરેક મહોરાને તે નિયમથી બાંધી દે છે. એ નિયમ ખરું જોતાં મહોરામાં નથી, જે રમે તેની ઈચ્છામાં રહેલો છે. ઈચ્છા પોતે જ એ નિયમ નક્કી કરીને તે નિયમ ઉપર પોતાનો પ્રયોગ કરે છે ત્યારે જ રમત સંભવિત બને છે.
વિશ્વજગતમાં ઈશ્વરે જળનો નિયમ, સ્થળનો નિયમ, વાયુનો નિયમ, પ્રકાશનો નિયમ, મનનો નિયમ એમ જાતજાતના નિયમ જારી કર્યા છે. એ નિયમને જ આપણે સીમા કહીએ છીએ. એ સીમા પ્રકૃતિ ક્યાંકથી માથે ઉપાડીને લઈ આવી છે એમ નથી. તેની ઈચ્છાએ જ એ નિયમને એ સીમાને પોતામાં સ્થાપન કર્યાં છે, નહિ તો ઈચ્છા બેકાર રહે, તેને કામ ન મળે. એટલા માટે જ જે અસીમ છે તે જ સીમાના આકારરૂપ બની ગયો છે – કેવળ ઈચ્છા દ્વારા, આનંદ દ્વારા. એ કારણથી જ ઉપનિષદમાં કહ્યું છે કે, ‘आनन्दाद्धयेव खल्विमानि भूतानि जायन्ते ।’ એટલા માટે જ કહ્યું છે કે ‘आनन्दरूपममृतं यद्विभाति ।’ જે પ્રગટ થાય છે તેનાં બધાં જ રૂપો આનંદરૂપ છે – અર્થાત મૂર્તિમાન ઈચ્છા છે – ઈચ્છાએ પોતાને સીમામાં બાંધી છે, રૂપમાં બાંધી છે. પ્રકૃતિમાં ઈશ્વરે નિયમ વડે – સીમા વડે જે પાર્થક્ય ઊભું કર્યું છે તે જો કેવળ પાર્થક્ય જ હોત તો જગત સમષ્ટિરૂપ ધારણ કરી શકત નહિ. તો અસંખ્ય વિચ્છિન્ન વસ્તુઓ એવી વિચ્છિન્ન બની જાત કે કેવળ સંખ્યાની દષ્ટિએ પણ તે બધીને એકાકારે ઓળખવાનો કોઈ માર્ગ ન રહેત. એટલે એમાં બીજી એક વસ્તુ છે જે એ ચિરંતન પાર્થક્યને સદા ઉલ્લંઘી જાય છે. તે શું છે ? તે શક્તિ છે. ઈશ્વરની શક્તિ એ બધાં પાર્થક્યો ઉપર કામ કરીને એને એક અભિપ્રાયમાં બાંધે છે. બધાં સ્વતંત્ર નિયમબદ્ધ શેતરંજનાં મહોરાંમાં એક જ ખેલાડીની શક્તિ એક-તાત્પર્ય વિશિષ્ટ રમતને અભિવ્યક્ત કરે છે.
એટલા માટે જ ઋષિઓએ તેને ‘कविः’ કહ્યો છે. કવિ જે રીતે ભાષાના સ્વાતંત્ર્યને પોતાની ઈચ્છાને આધીન રાખી પોતાની શક્તિને અનુગત બનાવી સુંદર છંદોવિન્યાસ દ્વારા એક આશ્ચર્યકારક અર્થ ઉત્પન્ન કરે છે તે જ રીતે તે પણ ‘बहुधाशक्तियोगात वर्णाननेकान्निहितार्थोदघाति ।’ અર્થાત શક્તિને બહુમાં સંચારિત કરીને બહુ સાથે યુક્ત કરીને અનેક વર્ણમાંથી એક નિહિત અર્થ પ્રગટ કરે છે – નહિ તો બધું જ નિરર્થક બની જાત. ‘शक्तियोगात’ શક્તિના યોગ દ્વારા જ ઈશ્વર સીમાથી અલગ થયેલી પ્રકૃતિની સાથે યુક્ત થાય છે – નિયમની સીમારૂપ પાર્થક્યની વચમાં ઊભી રહીને તેમની શક્તિ દેશની સાથે દેશાંતરનો, રૂપની સાથે રૂપાંતરનો, કાળની સાથે કાળાંતરનો બહુવિધ સંયોગ સાધીને એક અપૂર્વ વિશ્વકાવ્યનું સર્જન કરતી ચાલી જાય છે. એ રીતે જે અસીમ છે તે જ સીમા દ્વારા પોતાને વ્યક્ત કરે છે, જે અકાલસ્વરૂપ છે તે જ ખંડકાલ દ્વારા પ્રગટ થાય છે. આ પરમાશ્ચર્યરૂપ રહસ્યને જ વિજ્ઞાનશાસ્ત્રમાં વિકાસવાદ કહે છે. જે પોતે પોતામાં જ પર્યાપ્ત છે તે ક્રમની મારફતે પોતાની ઈચ્છાને વિવિધરૂપે મૂર્તિમંત કરે છે – જગતરચનામાં અને માનવસમાજના ઈતિહાસમાં.
પ્રકૃતિમાં નિયમની સીમા એ જ પાર્થક્ય, અને આત્મામાં અહંકારની સીમા એ જ પાર્થક્ય. એ સીમા જો ઈશ્વરે ન સ્થાપી હોત તો તેમની પ્રેમની લીલા કોઈ પણ રીતે સંભવિત બનત નહિ. જીવાત્માના પાર્થક્ય મારફતે તેમનો પ્રેમ કામ કરે છે. તેમની શક્તિનું ક્ષેત્ર નિયમબદ્ધ પ્રકૃતિ છે, અને તેમનું પ્રેમનું ક્ષેત્ર અહંકારબદ્ધ જીવાત્મા છે. એ અહંકારને જીવાત્માની સીમા કહીને તેનો તિરસ્કાર કર્યે ચાલશે નહિ. જીવાત્માના એ અહંકાર વડે પરમાત્માએ પોતાના આનંદમાં સીમા સ્થાપન કરી છે – નહિ તો તેમના આનંદને માટે કશું કામ રહેત નહિ. એ અહંકારમાં જો પાર્થક્ય જ સર્વપ્રધાન હોત તો આત્મા આત્મા વચ્ચે વિરોધ થઈ શકે એવો સંઘાત પણ થઈ શકત નહિ – આત્માની સાથે આત્માનો કોઈ પણ બાજુએથી કોઈ પણ પ્રકારનો સંપર્ક જ રહી શકત નહિ. પરંતુ ઈશ્વરનો પ્રેમ બધા આત્માને આત્મીય બનાવવાને માર્ગે ચાલ્યો જાય છે, પરસ્પર જોઈને પ્રત્યેક પૃથક આત્માના નિહિતાર્થને જગાડે છે. નહિ તો જીવાત્માનું પાર્થક્ય ભયંકર નિરર્થક બની જાત.
અહીં પણ એ જ આશ્ચર્યકારક રહસ્ય રહેલું છે. પરિપૂર્ણ આનંદ અપૂર્ણની મારફતે જ પોતાની આનંદલીલાને વિકસિત કરે છે. બહુ બહુ દુઃખ, સુખ, વિચ્છેદ-મિલનમાં થઈને પ્રકાશ-અને-છાયા-મય આ વિચિત્ર પ્રેમની અભિવ્યક્તિ સતત આગળ વધી રહી છે. સ્વાર્થ અને અભિમાનના આઘાતપ્રત્યાઘાતથી કેટલાય વાંકાચૂકા રસ્તે થઈને, કેટલાય વિસ્તારમાં થઈને, નાનીમોટી કેટલીય આસક્તિ અને અનુરક્તિને ભેદીને જીવાત્માના પ્રેમની નદી પ્રેમ-સમુદ્રમાં જઈને મળે છે. પ્રેમનું શતદલપદ્મ અહંકારના દીંટાને આધારે પોતામાંથી ઘરમાં, ઘરમાંથી સમાજમાં, સમાજમાંથી દેશમાં, દેશમાંથી માનવમાં, માનવમાંથી વિશ્વાત્મામાં અને વિશ્વાત્મામાંથી પરમાત્મામાં એમ એક એક પાંખડી ખોલી નાખીને વિકાસની લીલા પૂરી કરે છે.

No comments:

Post a Comment