Google Search

Saturday, June 9, 2012

હરિનું ઠામ ચીંધતું કાવ્ય – દર્શના ધોળકિયા


નિશ્ચે કરો રામનું નામ (કવિ : નરભેરામ)
નિશ્ચે કરો રામનું નામ, નથી જોગી થઈને જાવું;
નથી કરવાં ભગવાં કાંય, નથી ભેગું કરીને ખાવું.
ગમે તો તમે ભગવાં કરજો, ગમે તો ઊજળાં રાખો;
નહીં દૂભવો સામા જીવને, સુખ સામાનું તાકો.
એક ત્રાજવે સૌ સંસારી, બીજો જોગી લાવો;
ક્યા જોગીને રામ મળ્યા ? એવો તો એક બતાવો.
મહેતો, મીરાં ને પ્રહલાદ, સેનો નાયિક નાતિ;
ધનો, પીપો, રોહિદાસ, કૂબો, ગોરો કુંભારની જાતિ.
બોડાણો જાતે રજપૂત, ગંગાબાઈ છે નારી;
દાસ થઈને જો રહ્યાં તો, ઘેર આવ્યા ગિરધારી.
નથી રામ વિભૂતિ ચોળ્યે, નથી ઊંધે શિર ઝોળ્યે;
નથી નારી તજી વન જાતાં, જ્યાં લગી આપન ખોળે.
જંગલમાં મંગલ કરી જાણે, મંગલ જંગલ જેને;
કડવું મીઠું, મીઠું કડવું, રામજી વશ છે તેને.
પય ઓથે જેમ ધૃત રહ્યું છે, તલ ઓથે જેમ તેલ;
કહે નરભો રઘુવીર છે સઘળે, એવો એનો ખેલ.
નરભેરામ મધ્યકાળના સંતકવિ છે. તેમના વિશે ખાસ ઐતિહાસિક માહિતી મળતી નથી, એક વિગત મુજબ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ કવિ. પેટલાદના પીજ ગામના વતની. મધ્યકાળના મહત્વના સંતકવિ તરીકે તેમના પદો અનેક સંપાદનોમાં નોંધપાત્ર સ્થાન પામ્યાં છે. ઈ.સ. 1852માં તેમનું અવસાન થયેલું મનાય છે. તેમના ગુરુનું નામ છોટાલાલને ક્યાંક બેચર ભટ્ટ છે.
મધ્યકાળના સંતોએ પોતાની કવિતામાં ક્રાન્તદર્શન કરાવતું શાંત આંદોલન છેડ્યું છે. તેનું મુખ્ય કારણ એ સમયે પ્રવર્તતા વિવિધ પંથો, સંપ્રદાયોએ ફેલાવેલાં ક્રિયાકાંડોના પ્રાચુર્યે સમાજને જડ બનાવી દીધો હતો. આ સંપ્રદાયો પ્રજાને દિશાસૂઝ ન આપી શક્યા, કારણ કે તેના કહેવાતા ધારકોમાં પ્રતીતિનો અભાવ હતો. આવા સંજોગોમાં પ્રજાની ચેતનાશગ સંકોરવાનું કાર્ય ઘણું મુશ્કેલ હતું. એક બાજુ પ્રજાની જીવનાભિમુખતા સંકોરવાની હતી ને બીજી બાજુ પ્રજાને સમજાવવાનું સાધન માત્ર ધર્મ જ હતું. આથી આ સંતોએ સૌપ્રથમ તો ધર્મનું સરલીકરણ કર્યું. ધર્મનો સંબંધ રોજબરોજનાં વ્યવહારજગતનાં કર્મો સાથે સાંકળીને તેમણે ધર્મને મૌલિક રીતે પ્રબોધવાનું દુષ્કર કૃત્ય ભારે સહજતાથી કરીને લોકોને સ્વધર્મ પ્રતિ જાગૃત કર્યા. આ સંતો સમાજ સોંસરવા ઊતર્યા, તેથી જ તેમણે જ્ઞાતિ, વ્યવસાય, વય, લિંગ જેવા ભેદભાવો વર્જ્ય ગણીને ભક્તિમાર્ગમાં સમાનતાના ખ્યાલને વ્યાપક બનાવ્યો. સમય-સંજોગને કારણે એ વખતની કૂપમંડૂક પ્રજાને ઊભી કરવાનું, તેમાં પ્રાણ પૂરવાનું, તેનાં પુરાણાં મૂલ્યોના મૂળમાં ઘા કરીને ક્રાન્તિ સર્જવાનું ને એ રીતે પ્રજાના સુહૃદ તરીકે આગળ આવવાનું કામ મધ્યકાળના સંતોએ ઉપાડી લીધું.
મધ્યકાળના મોટા ગજાના સંતકવિઓ નરસિંહ, મીરાં કે દયારામે તો આ કામ ગુજરાતમાં મોટાપાયે, અનાયાસ કર્યું જ, પણ એ સિવાયના મધ્યકાળના સ્વામિનારાયણ-સંપ્રદાયના કવિઓ, કબીરપંથી કવિઓ, સ્ત્રીકવિઓએ પણ પોતા તરફથી એમાં પૂરેપૂરો ભાગ ભજવ્યો. પ્રસ્તુત પદ એની શાખ પૂરે છે.
મધ્યકાળમાં સમગ્ર ભારતમાં વેદવેદાંત-વિચારણાને અણસમજથી ઘટાવવામાં આવી ને ઈશ્વર કાં તો સંન્યાસ લેવાથી અથવા તો ક્રિયાકાંડ કરવાથી જ પ્રાપ્ત થાય છે એવી માન્યતાએ સમાજમાં જોર પકડેલું. તેને ઝાટકો આપતાં નરભેરામ અહીં લોકોને ઢંઢોળવા મથ્યા છે. જે વ્યક્તિને ઈશ્વરપ્રાપ્તિ કરવી છે તેણે બે જ વસ્તુને પ્રાધાન્ય આપવાનું છે : એક તો પ્રભુને નિર્મળ ચિત્તથી પ્રેમ કરવાનો છે ને બીજું સંસારમાં જ રહીને, અનાસક્તિપૂર્વક, અસંગ બનીને પોતાને મળેલી ભૂમિકા સંપૂર્ણપણે ભજવવાની છે. આ બે વસ્તુ જેની સમજમાં આવી ગઈ, તેણે જગ જીતી લીધું ને ઈશ્વરપ્રાપ્તિના એ સિવાયના જે ઉપાયો જેણે અજમાવ્યા તેણે વૃથા શ્રમ કર્યો. આમ, સમાજના લોકને હેતાળવા, મૃદુ કાકુથી પસવારતાં કવિ માતાની માવજતથી કહે છે :
‘નિશ્ચે કરો રામનું નામ, નથી જોગી થઈને જાવું;
નથી કરવાં ભગવાં કાંય, નથી ભેગું કરીને ખાવું.’
હે માનવો ! પ્રભુને પ્રેમ કરવાનો, તેને હંમેશાં સ્મૃતિમાં જીવવાનો નિશ્ચય-માત્ર જ પૂરતો છે. એના માટે જોગ લેવાની કોઈ આવશ્યકતા નથી કે નથી તો વૈરાગીની જેમ સ્વાદ ત્યાગીને જેમ-તેમ જીવવાની જરૂર. તમે ભગવાં પહેરો કે અન્ય વસ્ત્રો પહેરો, અગત્યની વાત એ છે કે તમારો સ્વજનો પ્રત્યે, સમાજ પ્રત્યે, એકેએક વ્યક્તિ પ્રત્યેનો વ્યવહાર કોમળ હોવો જોઈએ. તમારાં વાણી, વર્તન, કોઈપણ પ્રકારની ચેષ્ટાઓ એ પ્રકારનાં હોવાં જોઈએ કે સામાના મનને કોઈ પ્રકારની દુભામણ ન થાય. તમે જો તમારા સુખની ઈચ્છા સેવો છો તો સામેની વ્યક્તિ પણ સુખી થાય એવો તમારો પ્રયત્ન રહેવો જોઈએ. ‘જીવો અને જીવવા દો’ એ તમારો મંત્ર બનવો જોઈએ, બલકે તમારું જીવન જતું કરીને પણ બીજાનો માર્ગ મોકળો કરવાની વિશાળતા કેળવવી એ જ સંન્યાસ છે. ગીતામાં કૃષ્ણે આ વાત પર ભાર મૂકતાં સંસારમાં દરેક વ્યક્તિને સોંપાયેલી ભૂમિકાને ‘સ્વધર્મ’ એવું નામાભિધાન કરીને એનું ગૌરવ કર્યું. પોતાને સોંપાયેલું કામ પ્રેમથી કરનારને જ કૃષ્ણે સંત-મહંત, યોગી, સ્થિતપ્રજ્ઞ ગણ્યા. નરભેરામે પણ કહેવાતી નાની-નાની વાત પર કેવું તો વજન મૂક્યું ! આસપાસના લોકોને દૂભવવાં નહીં, સૌનું જતન કરવું, સામેની વ્યક્તિના સુખની કાળજી રાખવી એ જ તો છે સંન્યાસ. કારણ કે આ બધું કરતાં સ્વાભાવિક રીતે જ જાત ઓગળતી હોય છે. અહમશૂન્ય થયેલી વ્યક્તિ જ આ બધું કરી શકતી હોય છે. નરસિંહના શબ્દોમાં કહીએ તો પરાઈ પીડાને જાણતો, સમગ્ર લોકમાં સૌને સ્વીકારતો, સૌનું અભિવાદન કરતો, ઉપેક્ષાભાવથી દૂર રહેતો મનુષ્ય જ ‘વૈષ્ણવ’ છે. આવું વૈષ્ણવત્વ એટલે જ સંન્યાસ. આવું સમત્વ જેનામાં જાગ્યું તેણે જાત, સંસાર ને પ્રભુ જીતી લીધાં.
પોતાની મૌલિકતા અને આધુનિકતા પુરવાર કરતાં નરભેરામ જણાવે છે તેમ, એક બાજુ તમે સંન્યાસીઓને મૂકો ને બીજી બાજુ સંસારીઓને – પછી મેળવો તાળો. ક્યા જોગીને પ્રભુ મળ્યા તે બતાવો. વિપક્ષે, આપણે ત્યાં કેટકેટલા સંસારીઓએ પ્રભુને વશ કરી લીધો તે જુઓ. કવિની વાતની સત્યતાને પુરવાર કરતા આપણે ત્યાં કેટકેટલા રાજર્ષિઓ ને કહેવાતા સામાન્ય મનુષ્યો હાજર છે ! રાજર્ષિ જનક, ધર્મરાજ યુધિષ્ઠિર જેવા મહારાજાઓ, રામકૃષ્ણ જેવા અવતાર-પુરુષોએ સંસારસાગરમાં ડૂબેલા રહીને પોતાનું અસંગત્વ – પોતાનો સંન્યાસ કેવો અફલાતૂન રીતે પ્રમાણિત કર્યો છે ! મહર્ષિ વ્યાસ જેવા જ્ઞાનીજનોના ગુરુ પોતાના એવા જ અસાધારણ પુત્ર શુકદેવને એ જ્ઞાનીજન બન્યા છે કે કેમ એનું પ્રમાણપત્ર લેવા માટે રાજા જનક પાસે મોકલે છે ! વ્યાસ પોતે જનકનાયે ગુરુ હોવા છતાં આ ક્ષણે જનકનું ઉપરીપણું સ્વીકારતાં કૃતાર્થ થયા છે. શા માટે ? મહાન સામ્રાજ્યના ધારક હોવા છતાં, સૌંદર્યશાળી રાણીઓના પતિ હોવા છતાં જનક પોતાના આંતર એકાંતમાં પદ્માસન વાળીને બેઠા છે. બહારની કોઈપણ સ્થિતિ તેમને આંદોલિત કરી શકે તેમ નથી.
એ જ રીતે જીવનભર સંસારની ઘોર આપત્તિઓ અને રાજવી સુખોની વચ્ચેથી પસાર થતા ગયેલા ધર્મરાજ યુધિષ્ઠિરનાં ચરણોમાં સ્વયં કૃષ્ણથી માંડીને જગતના સંચાલક તત્વ થયા એવા સ્વયં ધર્મે તેમના પિતા બનવાનું સદભાગ્ય મેળવીને પોતાનું મસ્તક ટેકવી દીધું છે. કવિ ઉમાશંકરે સ્વર્ગમાં સદેહે જતા યુધિષ્ઠિરની પાછળ ચાલતા શ્વાનરૂપી ધર્મને માટે ‘ધર્મ જેવા ધર્મે પોતાના જ ઘર એવા સ્વર્ગમાં પ્રવેશવા ધર્મનાં પગલાં સૂંઘવાં પડ્યાં છે’ એવું અર્થઘટન કરીને નરભેરામના વિચારમાં સૂર પૂરાવ્યો છે તેનું કારણ પણ એ જ છે. આ વ્યક્તિત્વો નીવડેલાં બન્યાં છે પોતાના સ્વધર્માચરણથી. એ જ તેમનો સંન્યાસ, તેમનું યતિપણું. રાજા તરીકે, પતિ તરીકે, મિત્ર તરીકે, અરે દુશ્મન સુદ્ધાં તરીકેની પોતાની ફરજમાં આ સૌ ગળાડૂબ રહીને વર્ત્યા-પ્રવર્ત્યા છે – કોઈ જ ભેદભાવ વગર, રાગ-દ્વેષ વગર, દ્વંદ્વાતીત બનીને. પરિણામે પ્રભુ સામેથી આ જનોના દાસ બન્યા. અલબત્ત, આવા લોકોને તો એનીય જરૂર નથી હોતી. એ તો સ્વધર્માચરણ કરે છે આત્મસંતોષ માટે, પણ પ્રભુથી એ જોઈને બેસી થોડું રહેવાય ? એ દોડી આવે છે આવા લોકોનાં ચરણ સેવવા. હિન્દુ ધર્મનો આ સૌથી મોટો વિચાર છે. નીવડેલા જણને પ્રભુપ્રાપ્તિની આવશ્યકતા જ નથી. એનું નીવડવું એ જ એની હેસિયત, એની ફળશ્રુતિ.
આ પદના દ્વિતીય ચરણની વાત કરતાં કવિ કહેવાતા સામાન્ય માણસોનું ઉદાહરણ આપે છે. નરસિંહ, મીરાં, પ્રહલાદ, ધનો, પીપો – યાદી લાંબી છે. આ સૌ કેવા લોક છે ? મીરાં જેવાને અપવાદ ગણીએ તોય બાકીના તદ્દ્ન સામાન્ય વાતાવરણમાં જન્મેલાં, ઊછરેલાં. કોઈ સ્ત્રી, કોઈ પુરુષ, કોઈ રજપૂત, કોઈ કુંભાર – જુદીજુદી જ્ઞાતિના ને છતાંય પ્રભુ તેમના દાસ થયા. જનક ને યુધિષ્ઠિર તો સમજ્યા, પણ આ સૌએ પણ પ્રભુના મસ્તક પર અધિકાર પ્રાપ્ત કર્યો પ્રેમના બળે, પોતાને મળેલી ભૂમિકા અદા કરતાં-કરતાં જ. તો વાત આમ છે. પ્રભુ રાખ ચોળવાથી કે ઊંધે માથે લટકવા જેવી હાસ્યાસ્પદ ક્રિયાઓ કરવાથી નથી મળતા. એ મળે છે જાત પ્રત્યેની પ્રતિબદ્ધતાથી, નિર્મળ આચરણથી, ક્ષમારૂપી તપસ્યા કરવાથી, પ્રભુને મેળવવાના વૃથા પ્રયત્નો કરતા લોક પ્રત્યે ટકોર કરતાં નરસિંહે કહ્યું જ છે :
‘ધ્યાતાને ધ્યાને નવ આવિયો, તે તો જનની જશોદાને ધાવિયો,
મોટા મુનિવર નવ જાણ્યો, તેને કામિનીએ કર ગ્રહી તાણ્યો.’
પ્રભુપ્રાપ્તિનો નરસિંહને મન એક જ ઉપાય:
‘જ્યાં લગી આતમાતત્વ-ચીન્યો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી.’
નરસિંહને મત જપ, તપ, તીરથ, ભસ્મલોચન – એ બધું જ ‘પરપંચ પેટ ભરવા તણા.’ નરસિંહની જોડાજોડ બેસીને મીરાંએ ચોખ્ખું સુણાવી દીધું :
‘જોગ કરો ને ભલે જગન કરાવો, હરિ નથી હોમ-હવનમાં,
મીરાં કે પ્રભુ ગિરધર નાગર, હરિ વસે છે હરિના જનમાં.’
હરિનો જન, નરભેરામને મતે જંગલમાં મંગલ કરી શકે છે, રામ ને યુધિષ્ઠિરની જેમ. અને મંગલમાંય જંગલ વચાળે રહે છે પ્રહલાદની જેમ, કૃષ્ણની જેમ. ગીતાકાર જેને સુખ-દુઃખમાં અનુદ્વિગ્ન રહેતો જણાવે છે તેવો છે આ જણ. તે સુખમાં છકતો નથી ને દુઃખમાં વ્યથા પામતો નથી. મીઠામાં રહેલા કડવા તત્વને પારખી શકે છે ને કડવામાં રહેલા મીઠાને આરપાર જોઈ શકે છે ને તેથી આ બંને તેના માટે સમાન ઠરે છે. આવા જણને પ્રભુ વશ છે, બલકે તેની સમતાથી ચકિત થયેલો ઈશ્વર તેનાં ચરણ સેવે છે.
નરભેરામ જેવા સંતકવિઓનું અધ્યાત્મ આધુનિક દષ્ટિકોણથી રસાયેલું છે. મધ્યકાળના રૂઢ, પરંપરા જડ વાતાવરણની વચ્ચે ગુરુચીંધી વિચારની વિશાળતાને ઝીલીને સ્વસ્થ વિચારસરણીથી લોકસમક્ષ અજવાળું પાથરીને અધ્યાત્મની શાશ્વતીને દઢમૂલ કરી છે. આત્મદર્શન માટે સંપ્રદાયનો ટેકો લીધા પછી ગુરુદીધી સમજને આત્મસાત કરતા આ કવિ માત્ર સંપ્રદાયમાંથી જ નહીં, સમસ્ત જંજાળોથી પાર જઈને અકાળ એવું દર્શન અહીં પ્રાપ્ત કરી શક્યા છે. પ્રસ્તુત કાવ્ય તેનું પ્રમાણ બને છે. અંતિમ પંક્તિમાં પોતાના દર્શનને કવિત્વથી આલેખતા નરભેરામ પ્રભુને ‘દૂધમાં રહેલા ઘીની જેમ ને તલમાં રહેલા તેલની જેમ’ પામી શક્યા છે. ઊઠતાં, બેસતાં, સૂતાં સઘળે રામ જોવાની કલા જાતે હસ્તસાધ્ય કરીને સૌમાં એનો પ્રસાર કરતાં કવિ જીતી ગયા છે ને પોતે જેનાં-જેનાં દષ્ટાંતો આપ્યાં છે તેમની હરોળમાં બેસીને હરિનું ઠામ મેળવવાના અધિકારી બનવાની સાથે હરિનું સરનામું ચીંધીને સિદ્ધ સાબિત થયા છે.

No comments:

Post a Comment