Google Search

Friday, June 15, 2012

થવું, મેળવવું, આપવું – નાનુભાઈ દવે


જે જીવે તેનું જીવન એમ ના માનવું. જીવને જન્મ, વૃદ્ધિ ને મૃત્યુ મળ્યાં છે તેમ એને આહાર, નિદ્રા, ભય અને પ્રજોત્પત્તિ પણ સ્વાભાવિક છે. મનુષ્યોમાંય આ લક્ષણો તો ખરાં, પરંતુ તેનામાં કેટલીક વિશેષતા છે તેથી એ બીજા જીવો કરતાં ઊંચી કોટિના છે. એને મન, બુદ્ધિ અને અહમ મળ્યાં છે તેવાં બીજા કોઈ જીવને મળ્યાં નથી. આવી દૈવી ભેટને એ પોતે સુધારે કે બગાડે એ કામ એને સોંપ્યું છે, એ એનો પોતાનો ધર્મ છે, એના વડે એનું જીવન ઓળખાય છે.
જીવ એટલે ચેતન વડે જ્યાં ફેરફારો થતા રહે તે દેહ. દેહ વિનાના જીવની કલ્પના કરવી કે ચકિત થવું તે ચૈતન્યની હાંસી ગણાય. જીવો દેહધારી-મૂર્તિમાન હોય તો ઓળખાય કે તેની સાથે વ્યવહાર થઈ શકે. અદશ્ય રહેલા જીવોનું જગત કદાચ હોય તો પણ એમની સાથે માત્ર પ્રાર્થનાનો સંબંધ સંભવે છે. ભૂતોનો જમાનો હવે પૂરો થયો. મનનાં ભૂતોને હવે બુદ્ધિના પ્રકાશ વડે પારખવાની શક્તિ વધી છે. એવું તો બને કે મન નિર્બળ બને કે દઢ બને, બુદ્ધિ મંદ થાય કે તેજસ્વી થાય, અહમ ઊંચી ભૂમિકાઓ સર કરે કે કાયર રહે. એવા પલટા થતા જ રહે. અને એ કારણે જીવની કક્ષા ઊંચે ચડે કે નીચે ઉતરે. એવું મંથન, એવી પ્રગતિ કે એવું પતન લાવવું તેની સત્તા સઘળા જીવોમાં એકલા મનુષ્યને સોંપી છે. મનુષ્ય માત્રનો ધર્મ છે કે એણે પોતાના જીવનું-આત્માનું જતન કરવું, એનો ઉદ્ધાર કરવો. પોતાના આત્માની ઉન્નતિ સાધવા પોતે જ જાગ્રત રહેવું, એના ઉપાયો શોધવા અને એના પ્રયોગો કરવા. ખૂબી છે કે પોતાના જીવની પ્રગતિ થાય તે જેવું પોતાને સમજાય તેવું બીજા કોઈને નથી સમજાતું. સાચી દિશામાં ગમન થતું હોય તો મનુષ્યને ભીતરમાંથી સમર્થન મળવાનું ને આનંદ વધવાનો.
આ ક્રિયા રોજ થતી રહે છે, ક્ષણ પણ ખાલી જતી નથી. વાતાવરણમાં ગરમી-ઠંડી માપવાનું યંત્ર ચાલુ રહે પણ એને જોતા ન રહેવાય, તેમ છતાં એના તરફ ધ્યાન રહેવાનું, એ જાણ્યા પછી એને અનુકૂળ થતાં શીખવાનું-બચી જવાનું. ત્યારે આપણું અંતર તો સદા જાગ્રત રહે અને ચેતવતું રહે – ભૂલ થતી હોય તો ડંખે અને શુભ થયું હોય તો અંતર હસી ઊઠે-બળ વધારે. આવી વધઘટ તરફ આપણું ધ્યાન વળે અને એનું નિયમન સતત થતું રહે તો જીવે જીવ્યું પ્રમાણ છે. એ નિયમન કેવી રીતે કરવું તે જીવને સહજ છે. દશ ઈન્દ્રિયો મળી છે, ચાર અંત:કરણ મળ્યાં છે, અને અદશ્ય અને અગમ્યમાંથી પ્રેરણાઓ થતી રહે છે. આ પછી આગળ વધ્યા કે પાછળ ખસ્યા તેની સમજ પણ પડે છે. અને વળી સન્માર્ગે રહેવા નિશ્ચય થતા રહે છે. એ માર્ગ કયો છે અને તે માર્ગે રહેવા શા ઉપાય કરવા તે જીવનનું કાર્ય છે – એ માટે જીવન મળ્યું છે.
આપણા દેહમાં કેટલુંક કામ આપમેળે ચાલે. શ્વાસ લેવાય ને મૂકાય, લોહી ફરતું રહે, ગરમી જળવાય, ભૂખ-તરસની ખબર પડે, નખ-વાળ વધે, કોઈ વ્યાધિ વળગે અને મટે, સ્મૃતિ-ઈચ્છા બદલાતાં રહે, આનંદ-ઉદાસી ફરતાં રહે, નિંદ્રા-સ્વપ્ન આવતાં રહે, અંગો વધે અને સંકોચાય, ચેતન વધે ક્ષીણ થાય કે વિદાય પામે ! એવું થતું રહે તેના આપણે સાક્ષી બનીએ, આશ્ચર્ય અનુભવીએ, અને મોટા ભાગે પરાધીન રહીએ. જેમાં માનવીનું ચલણ છે તે એનું અંત:કરણ છે અને એને આધીન રહેલી ઈન્દ્રિયો છે. મન, બુદ્ધિ અને અહમ પર વર્ચસ્વ જાળવવું તે ધર્મ, તેની સત્વસંશુદ્ધિ કરવી તે ધર્મ, તેને વિશ્વનિયમોમાં જોડવા તે ધર્મ. ધર્મને યથાર્થ જાણવો અને જાળવવો જોઈશે. એ માટે જે રીતો શોધી છે તેનું સત્ય વારંવાર ચકાસવું જોઈશે કેમકે વિચારવાન મનુષ્યની સામે સત્યો પણ પોતાનાં નવાં રૂપો ખોલતાં રહે છે. અગાઉની કેટલીક બાબતો મિથ્યા બને અને નવી યોજના આકાર લેતી જાય એવો વિશ્વક્રમ છે. એનો યશ કે દોષ એકલા મનુષ્યનો જ ના માનવો. મનુષ્ય કરતાં ચડિયાતી સત્તા પણ હોવી જોઈએ જેનું ચલણ આખી સૃષ્ટિ પર છાઈ રહેલું છે. એ સત્તાને માનીશું તો તેની શક્તિના અંશો પામતા રહીશું. એનાં નામ ઘણાં માન્યાં અને રૂપ ઘણાં જોયાં. ખૂબી છે કે એકમાં અનેકનો સમાવેશ રહેલો છે ને વિવિધતામાંથી એકતા મળી જાય છે, પરિચય અને પ્રેમ વધે છે, એનું કાર્ય કરવાની સૂઝ અને ભાવ જાગે છે. અને એમ કરતાં કરતાં માનવી પોતે મહાન થતો જાય છે.
પ્રાચીન આર્યોએ વિશ્વનિયમો ઓળખવા ખૂબ ધ્યાન આપ્યું – ઘણું ચિંતન કર્યું. ઉપર છાઈ રહેલા અનંત આકાશનું નિરીક્ષણ કર્યું અને એમાં રહેલું ચેતન જાણ્યું. એમ વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વીમાં રહેલાં ચેતન પારખ્યાં, એમણે સ્થૂળ રહેલામાં સૂક્ષ્મ સ્વરૂપની અનુભૂતિ કરી. એમણે પંચમહાભૂતોને પોતાનામાં પણ જાણ્યાં એટલે કે જીવ સાથે એમનો સંબંધ અને તેમાં થતા ફેરફારોનો ભેદ જાણ્યો, પોતાના વિચાર અને વર્તનથી કોઈ તત્વ વધે ને ઘટે, એ મુજબ પોતાની પ્રકૃતિનું ઘડતર થતું રહે, અને તેથી પોતે ક્ષુદ્ર કે મહાન બને. એમણે જીવન માટે નિયમો ઘડ્યા જેથી એ તત્વોને હાનિ ન થાય. એમણે મનુષ્યો માટે આત્મનિયમન ઠરાવ્યું. પોતાનામાં પૃથ્વીતત્વ વધે છે કે આકાશતત્વ એ જાણવાની જરૂર છે. પોતાની પ્રકૃતિનું પોતે ઘડતર કરતો રહે તો જ મનુષ્યજીવનની સાર્થકતા છે. માનવી પોતાની પ્રકૃતિનું રૂપાંતર કરી શકે એવી ગુંજાશ હોવા છતાં એ માટે પોતે જાગ્રત રહે અને એ મંથન કરે તેટલું પૂરતું નથી. એ માટે એણે વારંવાર વિધ્નો ઓળંગવાં પડે, એ માટે બળ વધારવું પડે, અને વળી સહાયતા મેળવવી પડે. વિશ્વની રચનામાં દ્વંદ્વો રહેલાં છે તેનું ભાન હોવું જોઈએ. સત્યની સાથે અસત્ય રહેલું છે, દયાની સાથે હિંસા પણ હોય છે, પાપ અને પુણ્ય, ક્રોધ અને ક્ષમા, સંયમ અને વિલાસ, શ્રમ અને પ્રમાદ – આવાં કેટલાંય દ્વંદ્વો છે. મનુષ્યો પોતાની પ્રકૃતિ પ્રમાણે એકને મૂકે અને બીજાનું ગ્રહણ કરે. એમાં ભૂલો થવાની અને તે વળી પોતે જ સુધારવાની. પોતાને સુધારવો એ માનવીનો મોટો ધર્મ છે. આ જન્મ એ માટે એક ઉત્તમ તક છે. જીવનું સુધારી લેવાનું કર્તવ્ય આ ભવમાં અને તે પછી ભવોભવ અખંડ ચાલે – એનો અંત જ નથી. માનવી અનંતની યાત્રા કરી રહ્યો છે.
એ યાત્રામાં એ સ્નાન કરે અને વિશુદ્ધ થઈને શાંતિ પામે. એમ મનન કરીને અહિત કરનારાં દ્વંદ્વોથી મુક્ત બને. એક મનુષ્યને જ ખબર પડી છે કે એને યાત્રા કરાવી રહેનાર વળી વધારે શક્તિશાળી તત્વ છે. જગતમાં એ જ પરિપૂર્ણ છે, ઉત્તમ છે, એનું સ્મરણ પુણ્ય વધારનારું અને પાપ હરી લેનારું બને એવું છે, દ્વંદ્વોને ઓળંગી જવાનું એ શ્રેષ્ઠ સાધન છે. એ પ્રભુ છે, જગદીશ છે. એનાથી અધિક કશું નથી. એ પોતે આધાર બને તેવા છે અને મનુષ્યનો જીવ મહાન કરી રહ્યા છે. ત્યારે પ્રભુને શા નામે બોલાવવા અને શી રીતે પ્રસન્ન કરવા ? એ વિશે ભારતમાં ઘણું ચિંતન થયું ને થતું જ રહેશે. એમનાં નામ તો ઘણાં કરી લીધાં. એમ એમનાં રૂપ પણ ધાર્યાં. વિવિધ નામ-રૂપમાં રહેલી એકતા પણ ઓળખી. છતાં નવાં નવાં નામ-રૂપની ખોજ ચાલુ રહી છે. એમને પ્રસન્ન કરી લેવા ભાતભાતનાં સાધન વડે મનુષ્ય સાધના કરી રહ્યો છે. જે કાર્યમાં પ્રભુ પોતે પ્રવૃત્ત રહ્યા છે તેમાં જોડાઈ જવા મનુષ્ય સુપાત્ર બને એ એની મહત્વાકાંક્ષા છે. એથી કોઈ એમનું સ્મરણ કરે, કોઈ જપ કરે-ધૂન કરે, કોઈ માથું નમાવી પ્રણામ કરે કે સાષ્ટાંગ કરીને વિનતિ કરે. માળા પૂજા આરતી પ્રદક્ષિણા કથા દર્શન પ્રસાદ એમ વિવિધ રીતે પ્રભુ સાથે સંબંધ બાંધે. ઉપાસનામાં અંગો વડે મનને પ્રભુ તરફ વાળવાનો પ્રયત્ન રહ્યો છે. પ્રભુ સાથે મન જોડાયેલું રહે તો પ્રગતિ સરળ બને, દ્વંદ્વો ઓળંગવા વૃત્તિ રહે અને શક્તિ મળે – કેમ કે પ્રભુ પોતે દ્વંદ્વોથી પર છે, સદા નિષ્પાપ છે. પરમ સત્ય એ જ છે, તેથી તો યોગીજનો કહેતા કહે છે કે ‘ભગવાન ભજી લેવા.’
આ આદેશ છે. એમ કરવાથી વૃત્તિઓ ભગવાન તરફ વળે, સદગુણો પ્રગટ થતા રહે, અને સત્કર્મો થતાં રહે. લોભ છૂટે, કલેશ છૂટે, દંભ અને દ્વેષ છૂટે, ચાડી ને ચોરી છૂટે, જૂઠ અને કપટ છૂટે. ભગવાનનું દષ્ટાંત રાખે તે તો નિત્ય સુધરતો જાય. એના ગુણો જોઈને બીજાને એવા થવાની ચાનક લાગે. ભીતરમાં ભારરૂપ બનેલા લોહીનું સોનું થતું જાય. એવા ભગવાનને ક્યાં ક્યાં જોવા ? એમને નદીઓના ને ઉછળતા સાગરનાં જળમાં જોવા, એમને મધુર વહેતા વાયુમાં જોવા. એમને ઊગતા કે આથમતા સૂર્યમાં જોવા, સઘળે છાઈને રહેલા આકાશમાં તો વારંવાર જોવા. એમને વૃક્ષોમાં જોવા કે કેવા પરોપકારી છે. પ્રભુને જોવા કોઈનાય દયાભાવમાં કે હેતભાવમાં, વચન કે કર્મની સચ્ચાઈમાં ભગવાન જોવા, નીડર રહીને કરેલાં પરાક્રમોમાં જોવા, જ્ઞાનનો કે પવિત્રતાનો પ્રકાશ ફેલાવે તેમનામાં ભગવાન જોવા. એમ કરતાં ઘણા પ્રસંગોએ ભગવાન દેખાશે – એ પોતે જ દર્શન દેતા રહેશે. એમાં અવરોધ કરનારા કોણ છે ? એ છે અદ્દભુત અને અસ્વાભાવિક ઘટનાઓનાં વર્ણનો કરીને તે ચમત્કારો (પરચા)ની ભૂખ જગાડનારાઓ, પાપને પુણ્ય મનાવી તેનો અગ્નિ પ્રદિપ્ત રાખનારા, અંધશ્રદ્ધા અને મૂઢતા ફેલાવનારા, ધર્મને જ વટાવીને પોતાનો સ્વાર્થ સાધનારા. એવા લોકો પ્રજાને પછાત રાખીને પોતે જીતી ગયાનો ભ્રમ ફેલાવતા રહે છે ને સુખમાં મહાલે છે. માનવીનો મોટો શત્રુ માનવી છે. જે કોઈ સ્વચ્છ ચિંતન અને કુશળ પરિવર્તનને રોકી રાખે તે દુશ્મનની ગરજ સારે છે. એમના અજ્ઞાન કરતાંય સ્વાર્થ સાધવાની અને તૃષ્ણા વધારવાની દઢતા આગળ ભલભલા ઝૂકી જવાના. કોઈ વળી દુ:ખોને નોંતરીને એનાં કષ્ટ વેઠવાનાં અભિમાન લેવાના.
મનુષ્યે પોતાનું પોત (પ્રકૃતિ) બદલવું જોઈશે, એના મેલ કહો કે ઊણપોને કાઢવી જોઈશે. કેવા થવું કે ઉત્તમ શું છે તેની ખબર ભીતરમાં સમજાય છે પણ તેવા થવાતું નથી કેમકે કોઈકે જણાવેલા ટૂંકા માર્ગે ચડી જવાય છે. આજ્ઞાધારક થવું કે દાસભાવમાં રાચવું તે ઘણાને ફાવી જાય છે. પણ એમ કરવા જતાં વિકાસ રુંધાય અને પ્રકૃતિની પાંખડીઓ બીડાતી જાય. પ્રકૃતિનું પુષ્પ નિત્ય ખીલતું રહે તે જીવનું આ જીવન છે. વર્ષો વીતે અને દેહનાં વૃક્ષનાં પાંદડાં ખરતાં રહે, પણ વિકાસ થંભી જાય કે મૂઢતા ઘેરાતી રહે ત્યારેય શું નવી જન્મતિથિ ઉજવવી ? એવી મોજ તો પશુ પણ ના કરે. બીજા જીવોની પ્રકૃતિ છે પણ તેનું રૂપાંતર કરવાની તેમની કશી ગુંજાશ નથી.
આપણે જે વિચારીએ કે આચરીએ તેનો પ્રભાવ અંતરમાં પડે – ભીતરમાં તત્વરૂપે રહેલાં પંચ મહાભૂતો પર પડે, અને એથી ચિત્તનું સુવર્ણ વૃદ્ધિ પામે. વળી એ રીતે જ વિપરીત પણ બને. ભગવાન પ્રસન્ન થાય ત્યારે આકાશનું તત્વ વિશાળ બને અને માનવીમાં હામ અને હેત વધે. એવે સમયે આત્મા અને પરમાત્મા સમીપ રહે. પણ ભગવાનની પ્રસન્નતા મેળવવા શું કરવું ઘટે તેનો મર્મ કોણ ઉકેલશે ? ભગવાનના અવતારોની કે મૂર્તિઓની પ્રશંસા કરવાથી શું વળે ? એ સ્વરૂપોનાં નામના જપ કરતા રહીએ કે આપણે ચકિત થઈએ તેવા વેશ ધારણ કરાવીએ. ભાવતાં ભોજન જમાડીએ ને પોઢણ કે ઉત્થાપન કરાવીને હરખાઈએ તેથી એ રાજી રહેશે ? ના, એ એવા ખુદા નથી કે ખુશામતથી ખીલી ઊઠે. એમને તો મનુષ્યની ઉપાસના કરતાં એના પુરુષાર્થ વિશે પ્રીતિ છે, પ્રકૃતિનાં પુષ્પો ખીલતાં રહે તે ગમે, મનુષ્યોની સિદ્ધિઓથી એ હર્ષ પામે. એના માર્ગે રહેનારા હશે તેમને જપ કે આરતીમાંથી-ઉપાસનામાંથી પ્રેરણા મળતી રહેશે.
ભગવાન ભજી લેવા તે કેવળ વિધિ કે ક્રિયા નથી, એનો મર્મ છે કે સદગુણો વધારવા અને સત્કર્મો કરવાં. ભગવાને રચેલી આ સૃષ્ટિના નિયમો જાણવા માટે હમેશાં જ્ઞાનની તરસ રાખવી. એ જ્ઞાનને વારંવાર ચકાસી જોવા પ્રયોગો કરવા. મનુષ્યે આ વિશ્વનું સંશોધન કરતા રહેવું અને જે રહસ્ય ઉકેલાય તેનું શુભ પ્રસિદ્ધ કરવું. એ માટે સાહસો ખેડવાં. એ માટે કલ્પનાઓ પણ કરવી જેથી નવો પ્રકાશ ને પ્રેરણા મળે. આયોજન-પ્રયોજન-નિયોજનમાં રસ વધારવો. સૃષ્ટિમાં થઈ રહેલા કેટલાય ફેરફારો મનુષ્યના પ્રયત્નથી થયા છે. એમાં ઈશ્વરકૃપા સહજ ભળે છે. કેટલીય ઘટનાઓ પ્રભુ પોતે કરી રહ્યા છે, પરંતુ એ કેમ અને કેવી રીતે બન્યું તેનો ભેદ ઉકેલવા મનુષ્ય સમર્થ છે – આજે એવી શક્તિ ન જણાય તો પણ પ્રભુ તો એનું રહસ્ય બતાવે છે. એટલું નક્કી છે કે અહીં જે બધું છે તેમાં પરિવર્તનો થવાનાં છે. જે સનાતન છે તેમાં પણ ઉમેરાય છે – નવું નવું મળતું જ રહે છે. આપણે કઈ સદીમાં જીવી રહ્યા છીએ ? ભૂતકાળને વળગી રહીશું કે ભાવિના ભેદ ઉકેલવા મથીશું ? મનુષ્યે વિચારવા જેવું ઘણું છે. એણે પોતાને મળેલી શક્તિની થાપણ સંઘરી રાખવાનું છોડીને એને વાપરવાની – સદુપયોગમાં લેવાની ચીવટ રાખવી જોઈશે. સૃષ્ટિનું ભાવિ તો ભગવાન ઘડે પણ તેમાં ઘણીવાર મનુષ્યનું સાધન એ વાપરે છે. એ જાણ્યા પછી મનુષ્યે પ્રભુનું ઉત્તમ સાધન થઈ જવાની ખાંખત કેળવવી જોઈએ અને નવાં નવાં સર્જનને પ્રગટ કરવાનો ઉત્સાહ તથા આવડત વધારવાં જોઈએ. અગાઉ મળી ચૂકેલાં સત્યોની સંશુદ્ધિ કરવી અને નવાં સત્યો પ્રચલિત કરવાં તે મનુષ્યનો ધર્મ છે.
મનુષ્યને સર્જક શક્તિ મળી છે તે યુગે યુગે વધતી જાય છે. ‘કલિકાળ બહુ વ્યાપ્યો છે’ અથવા ‘આ જન્મને છેલ્લો ફેરો કરી લેવો’ એવાં સાવ નિર્માલ્ય વચન સાંભળીને નિરાશ ન થવું. એવી શ્રદ્ધા વધારવી કે જે શક્તિ મળી છે તે વધે તેવી છે અને તેના વડે સારાં કામ થાય તેમ છે. એ શક્તિ વાપરવાથી વધતી રહે છે – માત્ર પૂજવા માટે નથી મળી. જેમ જેમ એ વપરાય છે તેમ એના દોષ પારખીને તે દૂર કરવાનું સૂઝે છે. ભૂલો તો થાય પણ તેને વળગી ના રહેવાય, એ સુધારવાનું કામ આપણું જ છે. જગતમાં સુધારવા જેવું તો ઘણું છે તેની ઉપેક્ષા ન થઈ શકે. જે કોઈ તેનાં તે જ કામ કરવાનો દુરાગ્રહ રાખે તેમને શું કહેવું ? એમાં સમજણ કરતાં જીદ વધારે છે, પ્રમાદ છે, પશુનો સ્વભાવ છે. જે મનુષ્યો એકલી પ્રાર્થના જ કરવાના તે પોતાનું, જગતનું કે સમયનું નહીં સુધારી શકે – પછી એ પોપ હોય કે પીર હોય કે પ્રત્યક્ષ સ્વરૂપ હોય. પ્રાર્થનામાં પણ પ્રમાણ સાચવવું જોઈએ અને કર્તવ્યો વધારવાં જોઈએ. મનુષ્યે મનુષ્યોને ઉપયોગી થવું તે ધર્મ છે, એણે આ જગતનું હિત કરવા સતત કર્મો કરવાં જોઈશે ને માર્ગદર્શક થવું જોઈશે.
વિદ્યાર્થી કે વેપારી સૌ કોઈ જોતા રહે છે કે આવતીકાલે જે કરવાનું આવે તે માટે આજે તૈયારી કરી લેવી. સંજોગો આવે તેને અનુકૂળ થવું તેના કરતાં અનુકૂળ સંજોગો ઊભા કરવા. મનુષ્ય કેટલો જાગ્રત રહે છે તે એની પૂર્વતૈયારીઓથી જણાશે. ‘કાલ કોણે દીઠી છે ?’ એવી શંકા ન કરવી. એ તો થવાની જ. એમાં તરતા રહીશું ને તણાતા જઈશું ! ભાવિમાં વધારે ભાવવિભોર રહેવું, સદબુદ્ધિ રાખવી, અને મામુલી ન રહેતાં મહાન થવું – આવી યોજના મનુષ્યે સતત કરતા કરવી જોઈશે. માનવી જાણે છે કે જગતમાં એ એકલો નથી, બીજા ઘણા જીવો છે. પેલી જડ જેવી દેખાતી શિલામાં પણ ચેતન જગાડવું શક્ય છે. અને પ્રગટ રહેલાં પંચમહાભૂતોની શક્તિને કામે લગાડી શકાય છે. કામ ઘણું છે અને સમય થોડો છે. એ સમયને પણ લંબાવી શકાશે – આયુષ્ય વધારી શકાશે. ‘શતં જીવ’નો આશીર્વાદ હવે ટૂંકો પડશે. પ્રભુની અનેક યોજનાઓમાં મનુષ્યે પોતાની લાયકાતો વધારીને તેમનું સુપાત્ર સાધન બનવાનું છે. દેખીતું છે કે આપણે સૌ સરખા ભલે દેખાઈએ પણ આપણામાં ઊંચ-નીચનો ભેદ રહેલો છે અને એનો ઉપાય જડવાનો નથી. માનવીનાં મન, બુદ્ધિ અને અહં ઊંચી ભૂમિકાએ લઈ જવાં કે એમને રઝળતાં રાખવાં તે દરેકે જાતે જોવાનું છે. એ સ્વતંત્રતા મળી છે તો માનવી પોતાની આવતી કાલ ઉજાળી શકે એમ છે. એ પોતાનું જાળવે તેમ બીજાનું પણ જાળવે તે એનો ધર્મ છે. એમાં એનું હિત સચવાય અને સૃષ્ટિનું ચક્ર ફરે તેમાં ઘણાનું કલ્યાણ થાય. આ જવાબદારી પ્રત્યે માનવી સભાન રહે અને પ્રભુને તેમના હેતુ સાધવામાં સાધન બની રહે એ જીવનનો હેતુ છે.
માનવીના આચાર વિચારનું નિયંત્રણ એ પોતે કરે તે રૂડી રીત થઈ. પણ એવું ક્યારે બને ! નિયંત્રણો માટે માનવીએ પ્રબંધ કરવો પડે. એ માટે સમાજ રચાય, નીતિ ઘડાય, ન્યાય થાય. લોકશિક્ષણ ફેલાવવું પડે, ધર્મ પ્રત્યે પ્રીતિ સાચવવી પડે. બોજો હળવો કરવાની ફરજ લાવવી પડે. માનવીને બખોલો બનાવીને સલામતી કરી લેવાનું બહુ ગમે. ત્યારે એને આગળ હાંકવો પડે. જાતે જ જાળવી લેવાનું જોર કેટલામાં હોય ! તેથી સરળતા કરી આપવી, હિંમત જગાડવી, માર્ગ મોકળા કરવા એ પણ માનવીનો ધર્મ છે. આવાં કામ તે પ્રભુનાં કામ સમજીને નિ:સ્વાર્થ ભાવે કરવાં પડે. પણ બને છે એવું કે માનવી જે કંઈ કરે તેમાં એને ફળ મેળવવાની ગરજ વધે છે અને વિલંબ થાય તો અકળાય છે. તાત્કાલિક ફળ મળે છે ત્યારે તેના વિશે આસક્તિ વધે છે અને વધારે પ્રાપ્તિ કરી લેવાની તૃષ્ણા તીવ્ર બને છે. ગુરુ થઈને બીજાને જ્ઞાન આપનારા પણ એવી ભૂલો કરે છે, પોતાની તૃષ્ણા હદબહાર વધારે ત્યારે નિમિત્ત પરોપકારનું હોય પણ ધ્યાન સ્વાર્થનું હોવાનું. એમને પારકી ‘સેવા’ મેળવવી બહુ ગમે, એમાં યશ વધે અને વિજય થાય એવું સમજે. એ ગુરુઓ મૂઢ રહીને બીજાને મૂઢ રાખે. એ ‘ધર્મ’ કોનું હિત કરશે ? એ તો અજ્ઞાનનું, ચોરીનું, કપટનું, હિંસાનું, લૂંટનું ધન મેળવીને જે શિખરો બાંધશે તે માનવકુળને વળી ભૂતકાળમાં તાણી જશે, પછાત અને કટ્ટર બનાવશે, લોભી સ્વાર્થી અને આળસુ કરશે. એ નરકનો ભય ઉપજાવીને હેરાન કરશે. કે પછી સ્વર્ગની ચાવીઓ ખખડાવીને તેનાં દ્વાર ખોલી આપવાની બડાશો હાંકશે. સ્વર્ગનાં જે વર્ણન થયાં છે તેમાં અજ્ઞાન છે – કામ કરવું નહિ, કલ્પવૃક્ષો દ્વારા ભાવતાં ભોજન મેળવી લેવાં, અપ્સરાઓનાં નાચગાનની મોજ માણવી, અને શાપ દઈને બીજાનાં અહિત કરવાં. આપણા ઉપાસ્ય દેવો આવા કનિષ્ઠ ના હોય. નરકની યાતનાઓનાં વર્ણનથી પૃથ્વી પરના જુલમીઓને ઉત્તેજન મળ્યું છે. વૈકુંઠ કૈલાસ કે ધામમાં જઈને નવી આશા કે કર્તવ્ય સૂઝવાનાં નથી.
મોક્ષ એટલે મોહનો ક્ષય અને ગુણ-કર્મોની શુદ્ધિ ને વૃદ્ધિ. મૃત્યુ વડે નવું જીવન મળે ખરું પણ તે માટેની તૈયારી આ જીવનમાં કરવી પડે જેથી નવો આરંભ શુભ બને. અને જીવનનું ચક્ર પુણ્યના પ્રગતિના માર્ગે ફરતું રહે, પ્રભુને પ્રસન્ન કરતું રહે. જીવન એ પ્રભુની એક અમૂલ્ય ભેટ છે, તેને આપણે જતન કરીને જાળવવી અને શોભાવવી, એના શ્રેષ્ઠ પાસાં પ્રગટ કરી આપવાં, આ સૃષ્ટિને ધન્ય કરી દેવી !

No comments:

Post a Comment