Google Search

Friday, June 15, 2012

પ્રાર્થના : એક પ્રચંડ શક્તિ – મૃદુલા મારફતિયા


લગભગ 49-50 સાલ પહેલાંની વાત છે. મારી એક વર્ષની દીકરીને ભારત છોડીને હું એકલી જળમાર્ગે ફ્રાંસ જઈ રહી હતી. એટલી નાનકડી બાળકીને મૂકીને પરદેશ જવાનું બહુ-કપરું લાગતું હતું. પરંતુ ભારત સરકારની સીનિયર રિસર્ચ સ્કૉલરશિપ હેઠળ ફ્રાંસ, ઈંગ્લેન્ડ, જર્મની વગેરે યુરોપીય દેશોના ‘Oriental Studies’ ના વિશ્વવિખ્યાત વિદ્વાનોને રૂબરૂ મળવાનો મોકો સાંપડતો હતો – જે જતો કરવાનું પણ ઈચ્છનીય નહોતું લાગતું ! આમ, સારી એવી માનસિક દ્વિધામાંથી પસાર થયા બાદ, અંતે મનોમન સાંત્વન ધારણ કરી લીધું કે જે વહાલાસોયી માતાના કુશળ હાથ નીચે મારો પોતાનો ઉછેર થયો છે, તેના જ અધિક અનુભવી હાથે મારી દીકરીની સુવ્યવસ્થિત દેખભાળ થનાર છે – પછી શી ચિંતા ?
વળી, જે કાંઈ બને તે પાછળ કોઈ ને કોઈ ઈશ્વરીય સંકેત અવશ્ય રહેલો હોય છે. એમ વિચારી સ્ટીમર પકડી. અગિયાર દિવસની દરિયાઈ મુસાફરી તય કરવાની હતી. ‘Messegeries maritime’ ની ફ્રેંચ લાઈનર હતી. જેમાં મારે ફરજિયાત ફર્સ્ટ કલાસમાં જવું પડે એમ હતું, કેમ કે પરદેશ જવાનો નિર્ણય લેવામાં ખાસ્સું મોડું થઈ ગયું હતું ! ફર્સ્ટ કલાસના સમગ્ર deck પર હું એકાકી ભારતીય – બાકી સર્વે યુરોપિયનો કે ધનાઢ્ય અમેરિકનો; – અને વળી મોટામાં મોટી મુશ્કેલી ભાષાની. સ્ટીમરના બધા જ કર્મચારીઓ ફ્રેંચ, જે અંગ્રેજી ભાષાથી અજ્ઞ-યા જાણવા છતાંય અંગ્રેજીમાં વાતચીત કરવા બિલકુલ તૈયાર નહીં !… અને મને ફ્રેંચનો કક્કોય ન આવડે !…. જેમ તેમ, ઈંગ્લિશ-ફ્રેંચ ડિક્ષનરીની મદદથી અને જાતજાતના હાવભાવથી ગાડું ધપાવ્યું.
આમ છતાં આટઆટલી મુસીબતનો સામનો કરવો પડ્યો તે સાચું પરંતુ તે દરમિયાન એક અદ્દભુત લહાવો સાંપડ્યો : એ નિ:શબ્દ મૌનની ઘડીઓમાં એકાકીપણાનો એ અકળાવનારો અહેસાસ મને પોતાની ભીતર ઊસડી ગયો. ધીરે ધીરે પોતાની જાત સાથે જ ચૂપચાપ વાર્તાલાપ કરવાની કળામાં હું પાવરધી બની ગઈ… અને એમ કરતાં કરતાં અંતરના કોઈ અજ્ઞાત ખૂણે પ્રચ્છન્ન રહેલ ચૈતન્યસ્વરૂપ ‘સંવિત’ની હાજરી વર્તાતી ગઈ અને તેનાં મૂક સૂચનો સાંભળવાની ક્ષમતા કેળવાતી ગઈ. નાની-મોટી સમસ્યાનો સામનો કરતાં કરતાં હૃદય પ્રાર્થનામય બનતું ગયું અને શરૂઆતમાં અનુભવેલી એકલતાનો ડંખ રૂઝાઈ ગયો.
એક દિવસ કૅબિનની બહાર ‘ડૅક’ પરના એક ખૂણે બેસીને પી.એચ.ડી. માટેના સંદર્ભગ્રંથો તપાસી રહી હતી, ત્યારે એકાએક એક બુઝુર્ગ એવા વડીલે આવીને વાતચીત શરૂ કરી. સામાન્ય વાર્તાલાપ દરમિયાન જ્યારે તેમણે જાણ્યું કે હું પૅરિસ જઈ રહી હતી અને પાંચ-છ માસ ફ્રાંસમાં રોકાવાનું થશે ત્યારે તેમણે ત્યાં આવેલા lourdesની વાત છેડી : તેઓ પોતે તો સાતમી વાર ત્યાં જઈ રહ્યા હતા અને પ્રત્યેક પ્રવાસ દરમિયાન તેમણે ખુદ જીસસ ક્રાઈસ્ટને કુષ્ઠરોગ-ગ્રસ્ત દર્દીઓનાં ટોળેટોળાં માંહે હરતા-ફરતા નિહાળ્યા હતા. શરીર પર લોહી-પરુ વગેરે નીગળતા ઘાવ લઈને તેમ જ સમાજ-કુટુંબીજન-મિત્રો ઈત્યાદિની સૂગ, ઘૃણા, ઉપેક્ષા અને નિર્મમતાથી ઘવાયેલા હૃદય સાથે, દયનીય દશામાં આમતેમ રવડતા એ રોગીઓની પીઠ પર જીસસનો કરુણામય હાથ ફરતો-ન-ફરતો…. ને જાણે કે તેઓનો કાયાકલ્પ થઈ જતો ! – આવી નજરે જોયેલી ઘટનાઓની વિગતવાર માહિતી તેમણે મને આપી.
પ્રત્યેક બાબતને તર્કને ત્રાજવે તોળવા ટેવાયેલા આપણા જેવા બુદ્ધિજીવી લોકોને સામાન્યત: આવી બધી વાતમાં વિશ્વાસ ન બેસે એ સમજી શકાય એવું છે – પરંતુ શ્રદ્ધાભક્તિથી નીખરતો તે ભાઈનો ચહેરો જોઈને તેમ જ તેમની સત્વશીલ વાણીનો રણકાર સાંભળીને તેમણે વર્ણવેલી હકીકતને કેવળ અંધશ્રદ્ધાનું લેબલ લગાડવા મારું મન તૈયાર નહોતું. વળી, અનુભૂતિગમ્ય પ્રદેશમાં શુલ્ક તર્કને ક્યાંથી પ્રવેશ હોય ? જલન માતરીએ કહ્યું છે તેમ : ‘શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર ? કુરાનમાં તો ક્યાંય પયંબરની સહી નથી’ ઉપરોક્ત સામુદ્રી સફર દરમિયાન મને તે વડીલે એક ખાસ્સો મોટો એવો લેખ વાંચવા આપ્યો હતો. ‘The power of prayer’ નામક એ લેખમાં પ્રાર્થનાનું મહત્વ દર્શાવ્યું હતું. સાચા હૃદયથી કરેલી પ્રાર્થનામાં કેવી અલૌકિક, અદ્દભૂત એવી સંજીવની શક્તિ રહેલી છે એનાં અનેક ઉદાહરણો (વ્યક્તિનાં નામ-સરનામાં સહિત) પેશ કર્યાં હતાં. કમનસીબે એ સાચવવા જેવો લેખ મુસાફરી દરમિયાન ખોવાઈ ગયો…. પરંતુ તેનું સ્મરણ સુદ્ધાં આજે ઈશ આગળ શિશ નમાવવા પ્રેરિત કરે છે.
જ્યારે ‘પ્રાર્થના’ની વાત ચાલતી હોય, ત્યારે જેમનું જીવન જ પ્રાર્થનાનો પર્યાય બની ગયું હતું એવા આપણા પ્રાત:સ્મરણીય ગાંધીબાપુનો ઉલ્લેખ કર્યા વિના કેમ રહેવાય ? સામાન્યત: આપણે સંસારી માણસો જ્યારે સમસ્યામાં ફસાઈ જઈએ ત્યારે જ ઈશ્વરનું સ્મરણ કરીને તેને પ્રાર્થીએ છીએ કે આપણને આફતના મારામાંથી હેમખેમ ઉગારી લે – બાકી તો ‘સુખમાં સાંભરે સોની ને દુ:ખમાં સાંભરે રામ’ જેવું છે ! જો કે, આવી સ્વ-અર્થી ભાવનાથી પર અને ઉપર થઈને વિચારનારા (અને આચરનારા) લોકો ભલે વિરલ પણ અવશ્ય હોય છે. તેઓ ફક્ત આપત્તિ કાળે જ ઈશ્વરની પ્રાર્થના નથી કરતા કે પોતીકો સ્વાર્થ સાધવા માટે જ પ્રાર્થના દ્વારા પ્રભુની ખુશામત નથી કરતા : તેઓ તો સતત એવી સભાનતા સાથે જીવતાં હોય છે કે પોતે જન્મ ધરીને આજદિન પર્યંત જે કાંઈ જિંદગીમાં હાંસલ કર્યું છે, તેની પાછળ ઈશ્વરીય કૃપા રહેલી છે. પોતાને સાંપડેલી સિદ્ધિ અંગે કર્તુત્વનું અભિમાન ન સેવતાં તેઓ નમ્રતયા એવું માને છે કે પોતાને નિમિત્ત બનાવીને સ્વયં ઈશ્વરે જ કાર્ય સિદ્ધ કર્યું. આવી ઋજુતા, કૃતજ્ઞતા અને ભક્તિભાવથી સિંચિંત તેમનું હૃદય પ્રાર્થનામય બની જાય છે.
ગાંધીજી કહેતા કે ‘પ્રાર્થના’ એ કંઈ વાણીના વૈભવનું પ્રદર્શન નથી – કે નથી દેખાડા ખાતર કરેલી ઉપરછલ્લી સ્તુતિ…. એ તો ભાવુક હૃદયના અંત:સ્તલમાંથી ઉદ્દભવતું ઝરણું છે, જ્યારે હૃદય એવી નિર્મલતા પ્રાપ્ત કરે, જ્યારે કેવળ નીતર્યા પ્રેમ સિવાયનો બધોય કચરો દિલમાંથી નીકળી ગયો હોય ત્યારે વિશુદ્ધ હૃદ-વીણાના સમસ્ત તાર એકસૂરી સંવાદ સાધીને ‘પ્રાર્થના’નું અનાહત સંગીત સર્જી શકે છે. Prayer needs no speech – શબ્દો તો ભીતરી ભાવોનું વહન કરનાર સાધન માત્ર છે. પ્રાર્થનાને ભાષાકીય ભેદ યા સીમાડા લાગુ પડતા નથી. એમાં તો હૃદયની ભાવના આપોઆપ, અનાયાસ જ ઉત્સ્ફૂર્ત થઈને દ્રવે છે અને ઈશ્વરના ચરણકમળને ભીંજવી જાય છે….. તેમાં કોઈ સભાન પ્રયત્નો કરવાની આવશ્યકતા નથી. ગાંધીજીના મતે પ્રાર્થના જેવું પવિત્ર કોઈ સાધન નથી,ચિત્તશુદ્ધિ કાજે ! તેમાં અહં અને દંભને કોઈ સ્થાન નથી. પ્રાર્થનાનું મહત્વ ગાંધીજીને મન કેટલું હતું તે તેમની આત્મકથાના પાને-પાનેથી નીતરે છે. એમના જીવનની ક્ષણેક્ષણ પ્રાર્થનામય હતી એમ કહેવામાં અતિશયોક્તિ નથી. ઈશ્વરની પ્રાર્થના બાબત તેઓ કહે છે : ‘પ્રાર્થના એ ડોશીમાનું નવરાશની પળોનું મનોરંજન નથી. પ્રાર્થના અંતરનું જોડાણ છે. તેમને મન જેમ શરીર માટે અન્ન અનિવાર્ય છે તેમ આત્મા માટે પ્રાર્થના અનિવાર્ય છે. તેઓ ભારપૂર્વક જણાવતા : ‘હું ખોરાક વગર જીવી શકું, પણ પ્રાર્થના વગર નહિ !’
નરસિંહ મહેતાનું ‘વૈષ્ણવજન’ ભજન ગાંધીજીને અતિપ્રિય હતું. તેમાં દર્શાવેલાં એક સાચા ‘વૈષ્ણવ’નાં લક્ષણો આપણને ગાંધીજીમાં મૂર્તિમંત સ્વરૂપ ધારણ કરતાં જોવા મળે છે એમ કહેવામાં અતિશયોક્તિ નથી. જિંદગીના પ્રત્યેક તબક્કા પર પોતાના અંતરાત્માના સાદને અનુસરીને જ ડગલું ભરવાની જાણે કે ભેખ લીધી હોય, એવા આપણા સત્યનિષ્ઠ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને યાદ કરીને તેમણે ચીંધેલા સત્યના પંથે ચાલવા નવા વર્ષમાં કોશિશ કરીએ.

No comments:

Post a Comment