Google Search

Friday, June 15, 2012

રામાયણ કથામંગલ – રમણલાલ સોની


[1] વાલ્મીકિનો ક્રોધ
વાલ્મીકિ ઋષિ એક બપોરે મધ્યાહન સંધ્યા કરવા માટે ગંગાતટે જતા હતા. રસ્તામાં તમસા નામની નાની નદી આવી. તમસાનું નિર્મળ કાચ જેવું જળ જોઈ વાલ્મીકિને બહુ આનંદ થયો. તેમણે પોતાની પાછળ ચાલ્યા આવતા શિષ્ય ભરદ્વાજને કહ્યું : ‘તમસાનું જળ કેવું નિર્મળ છે ! સંતપુરુષોનાં મન આવાં નિર્મળ હોય છે. સંતોનાં નિર્મળ મન જેવા તમસાના જળને હું ગંગાજળ સમું પવિત્ર સમજું છું. માટે આજે ગંગાતટે ન જતાં હું અહીં જ મધ્યાહ્નસંધ્યા કરીશ.’
શિષ્યે પોતાના હાથમાંથી કળશ નીચે મૂકી ગુરુને વલ્કલ વસ્ત્ર આપ્યું. તે લઈ વાલ્મીકિ તમસાને કિનારે આવેલા વનમાં એકાંત સ્થળની શોધમાં ફરવા લાગ્યા. ફરતાં ફરતાં તેમણે એક જગ્યાએ બે ક્રૌંચ પંખીઓને જોયાં. એક નર હતો, બીજી માદા હતી. બંને સુખેથી ગેલ કરતાં હતાં ને મધુરો અવાજ કરતાં હતાં. એ જોઈ વાલ્મીકિ મનમાં ને મનમાં બોલ્યાં : ‘કેવાં નિર્દોષ પંખીઓ !’
બરાબર એ જ વખતે સનનન કરતું એક તીર આવીને નર પંખીની છાતીમાં ચોંટ્યું. કાળી ચીસ પાડી નર ભોંયે પડી ગયો. એના શરીરમાંથી દડદડ લોહી વહેવા માંડ્યું. એ તરફડવા લાગ્યો. આવા વિષમ સમયે પણ પંખિણી પોતાના નરની પાસેથી ખસી નહિ. તેની પાસે ઊભી ઊભી તે કરુણ સ્વરે રૂદન કરવા લાગી. એક પલકમાં આ બની ગયું. વાલ્મીકિએ પૂંઠળ નજર કરી જોયું તો વિકરાળ મોંવાળો એક પારધી હાથમાં ધનુષબાણ લઈ ઊભો હતો; ને ઘાયલ નર પંખીને ઉપાડી જવા જોસથી આગળ વધવાનું કરતો હતો. એને જોઈને ઋષિને ક્રોધ ચડ્યો. ક્રોધથી સળગી ઊઠેલા તેમના હૃદયમાંથી તરત એક શ્લોક નીકળી પડ્યો :
મા નિષાદ પ્રતિષ્ઠાં ત્વં અગમ: શાશ્વતી: સમા: |
યત્ક્રોઝ્ચમિથુનાદેકમ્ અવધી: કામમોહિતમ્ ||
(અરે દુષ્ટ ! તેં આ શું કર્યું ? ગેલ કરતાં નિર્દોષ પંખીડાંની જોડ તોડીને તેં ભારે અપકર્મ કર્યું છે, માટે લાંબુ જીવશે તોય તને આ ધરતી પર ક્યાંય ઠરી રહેવા ઠામ નહિ મળે !)
ક્રોધ કરતાં થઈ ગયો. પણ પછી ઋષિને પસ્તાવો થયો કે અરે ! મારાથી આ કેવો દોષ થઈ ગયો ! મને પંખીની દયા આવી તે તો સારું છે, પણ દયામાંથી ક્રોધ પેદા થયો એ ખોટું થયું. ક્રોધ કરીને મારા તપનો મેં નાશ કર્યો છે. ખરેખર, આ તો મને અપજશ મળે એવું કૃત્ય થઈ ગયું ! આમ વિચાર કરી તેમણે શિષ્યને કહ્યું : ‘ભૂંડી થઈ ! દયાળુ થવા જતાં હું દુષ્ટ થયો.’
શિષ્યે કહ્યું : ‘ના….રે, આપે કેવો સુંદર શ્લોક રચ્યો છે ! આઠ આઠ અક્ષરવાળા ચાર ચરણવાળો આવો છંદ અગાઉ કોઈએ કદી સાંભળ્યો નથી.’
ઋષિએ કહ્યું : વાત તો ખરી, એ છંદ અત્યારે મારાથી નવો જ રચાઈ ગયો છે. પરંતુ મારા ક્રોધમાંથી એ પેદા થયેલો હોઈ એ મને અપજશ દેનારો થશે એવો મને ભય છે.’
શિષ્યે કહ્યું : ‘ના, ના, ના. આપ જેને ક્રોધ કહો છો તે ખરેખર ક્રોધ નથી, પુણ્યપ્રકોપ છે. લોભ, લાલસા કે કામના પર આઘાત થતાં જે પ્રગટ થાય તે ક્રોધ છે; આપનો પ્રકોપ તો જીવમાત્ર પ્રત્યેની પ્રીતિમાંથી પેદા થયેલો છે. તેથી તે પવિત્ર છે. એવા પવિત્ર આવેગમાંથી જન્મેલો આ શ્લોક કદી પણ આપને અપજશ દેનારો નહિ થાય, પણ મહાજશ દેનારો થશે. આપે કેવો મજાનો છંદ રચ્યો છે ! વીણા, મૃદંગ, વાંસળીના વાદનની સાથે હાથના અભિનયપૂર્વક ગાઈ શકાય એવો સરસ આ છંદ છે. અને છતાં કેવો સરળ છે ! આપનું જ વચન છે કે સદવસ્તુની ઉત્પત્તિ ખરાબ પરિણામને આણનારી કદાપિ હોઈ શકે નહિ !’
‘ખરું કહ્યું, તાત !’ ઋષિએ કહ્યું.
પછી વાલ્મીકિ ઋષિ તમસા નદીમાં સ્નાન કરી આશ્રમમાં આવવા નીકળ્યા. તેમનો શિષ્ય ભરદ્વાજ, જળ ભરેલો કળશ લઈ તેમની પાછળ ચાલ્યો.
આશ્રમમાં આવ્યા પછી વાલ્મીકિ વિચાર કરવા લાગ્ય કે ક્રોધમાંથી પેદા થયેલો આ નવો છંદ અપજશને બદલે જશને દેનારો કેવી રીતે બને ? છેવટે તેમણે એ છંદમાં એક કાવ્ય લખવાનો સંકલ્પ કર્યો. પણ કાવ્ય કોનું લખવું ? કાવ્ય લખવું તો એવાનું લખવું કે જેનામાં તમામ શુભ ગુણો હોય, જે પરાક્રમી હોય, સત્યવક્તા હોય, દુ:ખમાં પણ લીધો ટેક છોડે નહિ તેવો હોય, પ્રાણીમાત્રનું હિત કરનારો હોય, લોકોમાં યશસ્વી હોય, ઈર્ષ્યા અને ક્રોધરહિત હોય, શત્રુ અને મિત્ર પ્રત્યે સમાન ભાવવાળો હોય. ઋષિને ખાતરી થઈ કે અયોધ્યાપતિ રામ સિવાય આવો ધીર, વીર ને પરાક્રમી બીજો કોઈ પુરુષ નથી. આથી એમણે શ્રીરામની કથા લખવાનો નિશ્ચય કર્યો. ને તે લખી. એ કથાનું નામ રામાયણ.
(નોંધ : વાલ્મીકિએ લખેલી રામકથાને ‘રામાયણ’ કહે છે. આજે જગતભરના શ્રેષ્ઠ કાવ્યગ્રંથોમાં એની ગણતરી થાય છે, ને વાલ્મીકિ ઋષિ જગતના એક મહાકવિ તરીકે માન પામે છે. વાલ્મીકિકૃત રામાયણ પરથી હિંદીમાં, ભક્તકવિ શ્રી તુલસીદાસે ‘શ્રીરામચરિતમાનસ’ ગ્રંથ લખ્યો છે, જે ‘તુલસી રામાયણ’ નામે પ્રસિદ્ધ છે. હિંદી ભાષાનું તે પ્રથમ પંક્તિનું મહાકાવ્ય ગણાય છે ને સાંગોપાંગ ભક્તિરસથી ભરપૂર છે. બંગાળીમાં તેવું કૃત્તિવાસકૃત રામાયણ છે, ને ગુજરાતીમાં કવિ ગિરધરકૃત રામાયણ છે. વાલ્મીકિએ જે નવો છંદ રચ્યો તેને અનુષ્ટુપ કહે છે. સંસ્કૃત કવિઓએ એ છંદમાં અનેક મહાકાવ્યો લખ્યાં છે જેમ કે શ્રીમદ ભગવદ ગીતા, ભાગવત અને મહાભારત પણ અનુષ્ટુપ છંદમાં છે. સહેલાઈથી કંઠે રમવા માંડે એવો મધુર એ છંદ છે.)
[2] ત્રિજટ બ્રાહ્મણ
અયોધ્યા નગરીમાં ત્રિજટ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. તે અતિ ગરીબ હતો; તેની મૂડીમાં માત્ર કોશ, કોદાળી ને પાવડો એ ત્રણ વાનાં હતાં. તે લઈને તે જંગલમાં જતો, ને કંદમૂળ, લાકડાં વગેરે લઈ આવતો, ને જેમ તેમ પોતાની સ્ત્રી તથા બાળકોનું પૂરું કરતો.
એક સવારે તે જંગલમાંથી કંદમૂળ લઈને ઘેર આવ્યો ત્યારે તેની સ્ત્રીએ કહ્યું :
‘તમે કંઈ સાંભળ્યું ?’
‘શું ?’ ત્રિજટે કહ્યું.
‘આજે રામચંદ્રજી વનમાં જાય છે.’
‘શું ? રામચંદ્રજી વનમાં જાય છે ? અરે જા, આજે તો એમનો રાજ્યાભિષેક થવાનો છે.’ ત્રિજટે કહ્યું.
‘થવાનો હતો, પણ હવે તો એમની જગાએ કુંવર ભરતનો અભિષેક થશે. રાણી કૈકયીને મહારાજા દશરથે એવું વચન આપ્યું છે.’ બ્રાહ્મણીએ કહ્યું.
‘શું વચન આપ્યું છે ?’
‘એક વાર દેવદાનવના યુદ્ધમાં મહારાજા દશરથ લડવા ગયેલા ત્યારે રાણી કૈકેયી તેમની સાથે હતી. તેણે તેમને લડવામાં ખૂબ મદદ કરેલી, તેથી ખુશ થઈ મહારાજાએ તેને બે વરદાન માગવાનું કહેલું તે વરદાન કૈકેયીએ હમણાં માગ્યાં !’
‘અહોહો !’ હસીને ત્રિજટે કહ્યું : ‘રાજાએ રાણીને વરદાન માગવાનું કહ્યું, ને રાણીએ માગ્યાં – એવું તો રોજ બનતું હશે ! રાજા માગ્યાં વરદાન નહિ આપે તો બીજું કોણ આપશે ?’
‘પણ રાણીએ વરદાન એવું માગ્યું કે રામને ચૌદ વરસ વનમાં મોકલો. ને મારા ભરતને ગાદીએ બેસાડો !’
‘હેં, શું કહે છે ? રામ જેવા વનમાં જશે તો જનમાં કોણ રહેશે ? આ તું શું બોલે છે ? કંઈ સાંભળવામાં તારી ભૂલ થઈ લાગે છે.’ ત્રિજટે કહ્યું.
‘ના, ભૂલ નથી થઈ. રામજીની સાથે સીતાજી ને લક્ષ્મણજી પણ વનમાં જવાનાં છે.’
‘ત્યારે તો સાવ ખોટું ! રાજા દશરથ આવું વચન આપે જ નહિ.’
‘પણ એમાં દશરથજી શું કરે ? રામ વનમાં જવા તૈયાર થયા, એટલે સીતાજી કહે, હું તમારી છાયા; તમારી સાથે જ આવવાની; ને લક્ષ્મણજી કહે, તમે મારા વડીલ, હું તમારી સેવા કરવા આવવાનો ! બોલો, પછી શું થાય ?’
‘હજી મારા માન્યામાં નથી આવતું.’ ત્રિજટે કહ્યું. ‘દશરથજી વગરવાંકે રામને વનવાસ આપે અને કોઈ એનો વિરોધ ન કરે એવું કેમ બને ?’
બ્રાહ્મણીએ કહ્યું : ‘લક્ષ્મણજી ખૂબ કોપેલા. કહે કે ગમે તેવો મોટો વડીલ હોય કે ગુરુ હોય, પણ અન્યાય કરે તો એને સજા થવી જ જોઈએ. રાજા દશરથને કેદ કરી કે યુદ્ધ કરીને પણ રામને ગાદીએ બેસાડવા જોઈએ. પણ રામ કહે કે પિતાની આજ્ઞા પાળવી એ જ પુત્રનો ધર્મ છે. કોઈ પણ ભોગે હું એ આજ્ઞા પાળવાનો.’ ‘ધન્ય છે રામને !’ ત્રિજટ બોલી ઊઠ્યો.
બ્રાહ્મણીએ પોતાની વાત આગળ ચલાવી : ‘હમણાં જ રામચંદ્રે ગુરુ વસિષ્ઠજીના પુત્ર સુયજ્ઞને તેડાવ્યો ને પોતાનાં તમામ ઘરેણાં અંગ પરથી ઉતારી એને ભેટ દઈ દીધાં. સીતાજીએ પણ પોતાનાં ઘરેણાં સુયજ્ઞની પત્નીને આપી દીધાં. પોતાનો પલંગ સુદ્ધાં દઈ દીધો ! હવે રામ ગાયો, ઘોડા, હાથી, ઊંટ, ભેંસો, ધન, ધાન, સોનુંરૂપું વગેરે પોતાની તમામ મિલકત બહાર કઢાવી બ્રાહ્મણોને દાનમાં આપવા બેઠા છે.’ બ્રાહ્મણીએ કહ્યું. ત્રિજટ મૂંગો મૂંગો સાંભળી રહ્યો.
બ્રાહ્મણીએ કહ્યું : ‘તમે મારા પતિ છો, પૂજ્ય છો. તમને બહુ બહુ તો હું પ્રાર્થના કરી શકું. તો મારી એક પ્રાર્થના માની, અત્યારે રામચંદ્રની પાસે દાન લેવા જાઓ !’
ત્રિજટને જાણે કોઈએ ચાબુક માર્યો. તે ચમકીને બોલ્યો : ‘ઘરડો થયો છું, પણ હજી ભાંગી પડ્યો નથી. કોદાળી-પાવડો ચલાવવા જેટલું મારા હાથમાં જોર છે. હું જાતમહેનતથી કમાઈ લાવું છું, તેટલાથી શું ઘરનું પૂરું નથી થતું ? વળી, દાન લેવાનો અધિકાર જ્ઞાની તપસ્વી બ્રાહ્મણોનો છે. મને તો કશું નથી આવડતું. હું ત્યાં કેવી રીતે જાઉં ?’
‘ભલે તો, પણ રામનાં છેલ્લી વારનાં દર્શન કરવા તો જાઓ ! મનેય દર્શનનું મન છે !’ બ્રાહ્મણીએ કહ્યું.
‘છેલ્લી વારનાં કહેતી હો તો નથી જવું. રામને શું તારે વનમાંથી પાછા નથી આવવા દેવા ?’ ત્રિજટે કહ્યું.
બ્રાહ્મણીએ કાને હાથ દીધા. તે જીભ કાઢી બોલી : ‘એવું બોલશો મા ! રામ ઘણું જીવો ! પણ હું તો એટલા માટે કહું છું કે ચૌદ વરસ પછી રામચંદ્ર પાછા આવે ત્યારે આપણે જીવતાં હશું ખરાં ?’
‘ઓહ… ચૌદ વરસ !’ બોલતાં ત્રિજટનો અવાજ ફાટી ગયો.
ફાટેલું વલ્કલ ઓઢી લઈ, હાથમાં લાકડી લઈ, ત્રિજટ પોતાની પત્ની અને બાળકોને લઈને રામનાં દર્શન કરવા ગયો. એનો વેશ આવો કંગાલ હતો, પણ એના ચહેરા પર નૂર હતું. તે સીધો રાજમહેલમાં પેઠો – કોઈએ એને ટોક્યો નહિ. અંત:પુરમાં જવાના પાંચમા દરવાજા સુધી તે પહોંચી ગયો. ત્યાં લક્ષ્મણની સાથે રામ ઊભા હતા. તેમની બાજુમાં પર્વત જેવડો મોટો દ્રવ્યનો ઢગલો હતો. એકેએક બ્રાહ્મણોને દાન અપાતું હતું, ને બ્રાહ્મણો આશીર્વાદ ઉચ્ચારતા દાન દેતા હતા. ત્રિજટ એ જોતો એક ખૂણે, પત્ની અને બાળકોને લઈને ઊભો. એમ કરતાં રામની એના ઉપર નજર પડી. એમણે એને પાસે બોલાવ્યો ને કહ્યું : ‘બોલો, શું આપું ?’
ત્રિજટ મૂંઝવણમાં પડી ગયો. થોડી વાર રહી તે બોલ્યો : ‘હજી હું ઘરડો નથી થયો. મારા હાથપગ ભાંગી નથી પડ્યા, હજી કોશ, કોદાળી ને પાવડો ચલાવી શકું છું.’
રામને આ બ્રાહ્મણની નિસ્પૃહતા જોઈ આનંદ થયો. તેમણે વિનોદમાં કહ્યું : ‘એમ ! તમારા કાંડામાં એટલું જોર છે ? તો આ તમારા હાથમાંની લાકડી વીંઝીને ફેંકો, એ કેટલે દૂર જાય છે, તે જોઈએ.’
ત્રિજટે તરત જ ફાટેલા વલ્કલથી કેડ બાંધી, લાકડી વીંઝીને જોરથી ફેંકી. દૂર ગાયોની કોઢ હતી ત્યાં જઈને એ પડી. વૃદ્ધ બ્રાહ્મણનું બાહુબળ જોઈ રામચંદ્ર ખુશ થઈ ગયા. તેમણે લક્ષ્મણને કહ્યું : ‘એ કોઢમાંની સઘળી ગાયો બ્રાહ્મણને ઘેર પહોંચાડી દો.’ પછી તેમણે ત્રિજટને કહ્યું : ‘મેં તમારું બળ જોવા, તમારી પાસે લાકડી ફેંકાવીને તમારી મજાક કરી છે, માટે મારો એ અપરાધ ક્ષમા કરો ! અને, આ ગાયો ઉપરાંત બીજું પણ કંઈક મારી પાસેથી માગી લો !’
ત્રિજટ ક્ષોભ પામી ગયો. તેણે કહ્યું : ‘ના, ના બીજું કશું ન જોઈએ. આટલું ઘણું છે.’ આમ કહીને રામને અનેક આશીર્વાદો આપતો તે પોતના ઘર તરફ વળ્યો. સંતોષી ત્રિજટને રામ જતો જોઈ રહ્યા, ને બોલ્યા : ‘આવા સંતોષી અને અપરિગ્રહી બ્રાહ્મણના ઘરમાં જઈને મારું ધન ધન્ય થઈ ગયું !’

No comments:

Post a Comment